નવીદિલ્હી : એપસ્ટીન ફાઇલમાં નામ આવવાને કારણે અને કેટલાક સાંયોગીક પુરાવા હોવાના કારણે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ૩ના ભાઈ ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુયુ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. ભારતના કેન્દ્રીયમંત્રી હરદીપ પુરીનું નામ પણ એપસ્ટીન ફાઇલમાં ઉછળ્યું હતું, ત્યારે એ જાણીએ કે એમના વિશે ફાઇલમાં કેવી માહિતી હતી. એપસ્ટીન ફાઇલમાં નિકળેલી હકીકત પ્રમાણે હરદીપ સિંહ પુરી અને જેફરી એપસ્ટીન વચ્ચે ૨૦૧૪ અને ૨૦૧૫માં ઇમેલ દ્વારા ઘણી વાતચીત થઈ હતી. હરદીપ પુરીને ખબર હતી કે એપસ્ટીન ૨૦૦૮માં યૌન શોષણના ગુનાની કબુલાત કરીને જેલવાસ ભોગવી આવ્યા હતા. એપસ્ટીને હરદીપ પુરીને મોકલેલા એક ઇમેલમાં લખ્યું હતું કે, 'મેં ટેરજે સાથે વાત કરી છે. રીડ હોફમેન ભારત આવવા માટે તૈયાર છે.' આ ઇમેલના જવાબમાં પુરીએ એમને જવાબ આપ્યો હતો કે, 'રીડ હોફમેનના પ્રવાસ માટે એમને તમામ સગવડો આપતા મને ખુશી થશે.' આ પ્રકારના ઘણા ઇમેલની આપલે બંને વચ્ચે થઈ હતી. એન્ડ્રુયુની ધરપકડ પછી હવે હરદીપ પુરીના વિરોધીઓ ઇચ્છી રહ્યા છે કે હરદીપ પુરી સાથે પણ એન્ડ્રુયુવાળી થાય.
ઇન્ડિયા ગઠબંધનને ફરીથી એક કરવા પ્રયત્નો શરૂ
૨૦૨૪ લોકસભાની ચૂંટણી વખતે એનડીએને હરાવવા માટે ઇન્ડિયા ગઠબંધનનું જોડાણ થયું હતું. કોંગ્રેસ, સપા, તૃણમુલ કોંગ્રેસ, ડીએમકે, આપ... જેવા પક્ષો ભાજપને હરાવવા એક થયા હતા. જોકે ૨૦૨૪ની હાર પછી ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા પક્ષો કેટલાક રાજ્યોની ચૂંટણીમાં એકબીજા સામે લડયા હતા. ૨૦૨૪ પછી કેટલાક રાજ્યોની થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો એકલે હાથે ચૂંટણી લડવાથી મતોનું વિભાજન થઈ ગયું હતું. બીજી તરફ રાહુલ ગાંધીની નેતાગીરી સામે પણ તૃણમુલ કોંગ્રેસ અને આપ જેવા પક્ષોએ ખુલ્લેઆમ વાંધો લીધો હતો. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ રાહુલ ગાંધીને પસંદ કરતા નથી એ જાહેર છે. હવે એમ કહેવાય છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને ડીએમકેના કેટલાક નેતાઓ ફરીથી ઇન્ડિયા ગઠબંધનને એક કરવા પ્રયત્ન કરે છે. રાહુલ ગાંધી અને મમતા બેનર્જી તેમજ અરવિંદ કેજરીવાલ સિવાય કોઈ નેતાની શોધ ચાલી રહી છે કે જે ઇન્ડિયા ગઠબંધનને એક તાંતણે બાંધી શકે.
મોદીની મુલાકાત પહેલા જ ઇઝરાઇલમાં બે ભારતીયો પર હુમલો
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં રંગભેદ કે જાતીભેદને કારણે હુમલા થતા રહે છે. ઇઝરાઇલમાં ભૂતકાળમાં ભાગ્યે જ જાતીગત હુમલાઓ થયા છે. હવે ઇઝરાઇલના ઇશકેલોન શહેરમાં બે ભારતીય શ્રમીકો ઉપર હુમલા કરવામાં આવ્યા છે. ઇઝરાઇલની એમ્બેસી તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલો કરનારાઓને પકડી લેવામાં આવ્યા છે અને એમની સામે કાયદાકીય પગલા પણ લેવાશે. ઇશકેલોન શહેર તેલઅવીવથી ૫૦ કીલોમીટર દુર ગાઝાની નજીક આવ્યું છે. આ હુમલો ભારતીઓ પ્રત્યેના નફરતને કારણે થયો હોવાનું મનાય છે. નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ઇઝરાઇલની મુલાકાતે જવાનું વિચારે છે. ભારતે ઇઝરાઇલને પોતાનું મિત્ર માન્યુ છે ત્યારે મોદીની મુલાકાત પહેલા થયેલો આ હુમલો કંઈક જુદુ જ દર્શાવે છે.
મુખ્યમંત્રીની માફી પછી પણ વિજયવર્ગીયનો પારો ઉતર્યો નહીં
મધ્યપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર અખાડામાં ફેરવાઈ ગયું હતું. સંસદીય કાર્યમંત્રી વિજયવર્ગીય અને વિરોધપક્ષના નેતા ઉમંગ સિગાર વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. ચર્ચા દરમિયાન બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે વિજયવર્ગીયએ સિગારને પોતાની હેસિયતમાં રહેવાની સલાહ આપી હતી. આ અસંસદીય શબ્દના ઉપયોગને કારણે વિધાનસભામાં તોફાન મચી ગયું હતું. વિરોધપક્ષના સભ્યોએ વિજયવર્ગીયનું રાજીનામું માગીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને કારણે વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મુખ્યમંત્રી મોહન યાદવએ માફી માગી હતી. વિરોધપક્ષે આ ફક્ત વિરોધપક્ષનું નહીં, પરંતુ રાજ્યના ૭.૫ કરોડ લોકોનું અપમાન ગણાવ્યું હતું. પરિસ્થિતિ બગડતા મુખ્યમંત્રી મોહન યાદવએ મોરચો સંભાળી લીધો હતો. જોકે કૈલાસ વિજયવર્ગીયનો ગુસ્સો ઓછો થયો નહોતો. પત્રકારોએ આ બાબતે પૂછયું ત્યારે વિજયવર્ગીયએ કોઈ દિલગીરી વ્યક્ત કરી નહોતી.
દેશમાં બધુ જ ડિજિટલ છે તો મતદાર યાદી કેમ નહીં
દેશમાં ડીજીટલ ઓળખ અને ડીજીટલ ચૂકવણીની વ્યવસ્થા થઈ ગઈ છે. જોકે હજી સુધી મતદાર યાદીને સંપૂર્ણ રીતે ડીજીટલ કરવામાં આવી નથી. આ બાબતે કોંગ્રેસના નેતા ઉદીત રાજે સવાલ કર્યા છે. એમના કહેવા પ્રમાણે ૧.૪ અરબ લોકોના આધારકાર્ડ ડીજીટલ છે તો વોટર લિસ્ટને ઇલેક્ટ્રોનિક બનાવવામાં કઈ તકલીફ છે. એમણે ચુનાવ આયોગને કેટલાક સવાલ પૂછયા છે. મતદાર યાદીમાં ડુપ્લીકેશન રોકવા માટે મજબૂત ડીજીટલાઇઝેશન જરૂરી છે તો પછી એનો અમલ શા માટે નથી થતો. જ્યાં ડીજીટલ સીસ્ટમની જરૂર છે ત્યારે પારદર્શીતા વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી. રાહુલ ગાંધીની ઇલેક્ટ્રોનીક મતદાર યાદીની માંગણીનો અમલ શા માટે નથી થતો. ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ ભારતની ડીજીટલ વ્યવસ્થાના વખાણ કર્યા હતા. જો ખરેખર આ વ્યવસ્થા આટલી આધુનિક હોય તો પછી ચૂંટણીના ડેટા શા માટે ડીજીટલ નથી.
બાંગ્લાદેશમાં તૂર્કીએ રમત શરૂ કરી
બાંગ્લાદેશમાં તારીક રહેમાન વડાપ્રધાન બન્યા પછી તૂર્કીના પેટમાં તેલ રેડાયું છે. અગાઉની કામચલાઉ સરકાર વખતે તૂર્કી બાંગ્લાદેશમાં પગપેસારો કરી શક્યું હતું. હવે એવી શક્યતા છે કે તારીક રહેમાન તૂર્કીને ખાસ ભાવ આપશે નહીં. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તૂર્કીના પ્રમુખ રેસેફ તયૈપ એર્દોગનના પુત્ર બીલાલ ઢાકા પહોંચ્યા છે. આ મુલાકાતને ખૂબ ગુપ્ત રાખવામાં આવી છે. નવી સરકારમાં તૂર્કી પોતાનો પ્રભાવ બરકરાર રાખવા માંગે છે.
મોહમદ યુનુસ જ્યારે સત્તા પર હતા ત્યારે તૂર્કીના કટ્ટરવાદી નેતાઓના સંબંધ ઢાકા સાથે ખૂબ અંગત હતા. તૂર્કીના સંબંધ જમાત-એ-ઇસ્લામી અને કટ્ટરપંથી ગ્રુપો વચ્ચે ગાઢ રહ્યા છે. બીલાલ એર્દોગન પ્રાઇવેટ એરક્રાફ્ટ મારફતે ઢાકા પહોંચ્યા હતા. એમની સાથે ભૂતપૂર્વ ફૂટબોલર મેસુત ઓજીલ, તૂર્કી સરકાર સમર્થિત એજન્સી ટીકાના ચેરમેન અબ્દુલ્લા આરોન હતા.


