Get The App

ભારત-બાંગ્લાદેશના બગડતા સંબંધો વિશે સંસદીય સમિતિનો રીપોર્ટ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-બાંગ્લાદેશના બગડતા સંબંધો વિશે સંસદીય સમિતિનો રીપોર્ટ 1 - image

નવીદિલ્હી: ભારતમાં વિદેશી બાબતો માટે ગઠન થયેલી સંસદીય સમિતિએ ૯૯ પાનાનો એક રીપોર્ટ તૈયાર કર્યો છે. આ રીપોર્ટમાં ભારત - બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોના પડકાર વિશે લખવામાં આવ્યું છે. ખાસ કરીને ૨૦૨૪ના ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં જે સત્તા પરીવર્તન થયું અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવું પડયું ત્યાર પછીના પડકારો વિશેની વાત આવરી લેવામાં આવી છે. હમણા બાંગ્લાદેશમાં મોહમદ યુનુસના નેતૃત્વ હેઠળ કામચલાઉ સરકાર છે. રીપોર્ટ તૈયાર કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, રીટાયર્ડ લેફટનેન્ટ જનરલ સૈયદ  અતા હસનેન, વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ સચીવ રીવા ગાંગુલીની મદદ પણ લેવામાં આવી હતી. રીપોર્ટમાં પહેલીવાતનો સાર એ છે કે, ૧૯૭૧ના યુધ્ધ પછી પહેલીવાર ભારત - બાંગ્લાદેશના સંબંધો સંદર્ભે સંકટ ઉભુ થયું છે. બાંગ્લાદેશમાં જે રીતે કટ્ટરવાદી સંગઠનો સક્રિય છે અને ચીન તેમજ પાકિસ્તાન એમને મદદ કરી રહ્યા છે એને કારણે ભારત સામે મોટી ચેલેન્જ ઉભી થઈ છે.

પ્રદુષણ નિવારવા ભારત 'બીજિંગ મોડલ'નો સહારો લેશે?

દેશના મોટા શહેરોમાં ઠંડીની મોસમમાં પ્રદુષણ વકરી ગયું છે. સૌથી વધુ સમસ્યા દિલ્હીમાં છે. પ્રદુષણની સમસ્યા સામે લડવા માટે ચીનની એમ્બેસીએ કેટલાક સૂચનો આપ્યા છે. ચીનની એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું છે કે, વધુ વસ્તીવાળા વિકાસશીલ દેશો માટે ધુમ્મસનો સામનો કરવો ખુબ જ મુશ્કેલ છે. આ સંદર્ભે ચીન પોતાનો અનુભવ ભારત સાથે શેર કરવા માટે તૈયાર છે. થોડા વર્ષો પહેલા ચીનની રાજધાની બીજિંગ વિશ્વની સૌથી વધુ પ્રદુષિત રાજધાની ગણાતી હતી. એને દુનિયાનું 'સ્મોગ કેપીટલ' કહેવામાં આવતું હતું. જોકે ત્યાર પછી ચીને પ્રદુષણ દુર કરવા જે પગલા લીધા એને કારણે ત્યાંની હવા ચોખ્ખી થઈ ગઈ છે. પ્રદુષણની સમસ્યાનો ઉકેલ દરેક પ્રદેશમાં એક જ પદ્ધતિથી થઈ શકે નહીં. બીજિંગે પ્રદુષણ ઓછું કરવા ચાઇના - ૬ માપનું ધોરણ નક્કી કર્યું હતું. જે જૂના વાહનો પ્રદુષણ ફેલાવતા હતા એને ધીરે ધીરે દુર કર્યા હતા. વાહનોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો કર્યો હતો. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત પણ બીજા કેટલાક પગલા લીધા હતા.

દિલ્હી એરપોર્ટ પર પાયલોટે પેસેન્જરને માર માર્યો

દિલ્હી એરપોર્ટના ટર્મીનલ ૧ પર પ્રવાસ કરી રહેલા એક યાત્રીએ એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલોટ પર ગંભીર આરોપ મૂક્યો છે. અંકીત દિવાન નામના પ્રવાસીનો આરોપ છે કે, એમની સાથે પાયલટ કેપ્ટન વિરેન્દ્રએ અપમાનજનક વર્તન કરવાની સાથે શારીરિક હુમલો પણ કર્યો હતો. આ હુમલાને કારણે અંકીત દિવાન લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીડિત યાત્રીના કહેવા પ્રમાણે આ ઘટનાને કારણે એમનું વેકેશન બરબાદ થઈ ગયું છે અને એમનો પરિવાર આઘાતમાં છે. ૭ વર્ષની પુત્રી સામે એમને માર મારવામાં આવ્યો હતો. એમની પુત્રી હેબતાઇ ગઈ છે. આ ઘટના જાહેર થયા પછી એર ઇન્ડિયા એક્સપ્રેસે નિવેદન બહાર પાડીને માફી માંગી છે અને પાયલોટને ડયુટી પરથી હટાવી દીધો છે.

ઓમાન મુલાકાત વખતે મોદીના કાનમાં કયું ગેઝેટ હતું

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપૂર્વના દેશોની મુલાકાતે ગયા હતા. તેઓ જ્યારે ઓમાન પહોંચ્યા હતા ત્યારે એમના કાનમાં એક હાઇટેક ગેઝેટ લગાડેલું જોવા મળ્યું હતું. આ ગેઝેટ શેના માટે હતું એની ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે. ઇયરીંગ જેવું દેખાતું આ ગેઝેટ ખરેખર રીયલ ટાઇમ ટ્રાન્સલેશન ડિવાઇસ છે. આવા ગેઝેટનો ઉપયોગ ઉચ્ચ સ્તરીય મીટિંગ વખતે થાય છે. આ ગેઝેટ વિવિધ ભાષાઓનો અનુવાદ કરી શકે છે. આ ડિવાઇઝની ખાસિયત એ છે કે વિવિધ ભાષાઓનો અનુવાદ કરીને સામેની વ્યક્તિને પહોંચાડી શકે છે. એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાત બીજા સુધી ભાષાંતર થઈને તરત પહોંચે છે. આ ગેઝેટની વ્યક્તિથી બે વ્યક્તિઓ એક બીજાની ભાષા નહીં જાણતા હોય તો પણ આસાનીથી વાતચીત કરી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતીન ભારત મુલાકાતે આવ્યા ત્યારે પણ આ ગેઝેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

'સર તન સે જુદા' નારો ભારતની એકતા માટે જોખમી

અલ્હાબાદ હાઇકોર્ટે 'સર તન સે જુદા' નારા સંદર્ભે કડક ટીપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું છે કે, 'ગુસ્તાખ - એ - નબી કી એક સજા, સર તન સે જુદા, સર તન સે જુદા' નારો કાયદા ઉપરાંત ભારતની અખંડતા અને એકતા સામેની ચેલેન્જ પણ છે. આ નારો લોકોને સશસ્ત્ર વિદ્રોહ માટે ઉશ્કેરે છે. જસ્ટીસ અરૂણકુમાર સિંહ દેશવાલએ કહ્યું છે કે, આ નારાનો ઉપયોગ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૧૫૨ (ભારતની એકતા  અને અખંડતા જોખમમાં મુકનારૂ કાર્ય) હેઠળ ફક્ત ગુનો જ નથી બનતો પરંતુ ઇસ્લામના મૂળભૂત સિધ્ધાતની વિરુદ્ધ પણ છે. આરોપી રિહાન નામના યુવકની જામીન અરજી સાંભળતી વખતે કોર્ટે આ ટીપ્પણી કરી હતી. ૨૦૨૫ની ૨૬મી મેના દિવસે બિહારીપુર ખાતે ભેગા થયેલા ૫૦૦ના ટોળાએ હિંસા કરતી વખતે આ નારો પોકાર્યો હતો. 

બાંગ્લાદેશમાં આઇએસઆઇની વાપસી, પાક. હાઇકમિશનમાં ખાસ સેલ

બાંગ્લાદેશમાં હમણા ચાલી રહેલી હિંસાખોરી અને અંધાધૂધી વચ્ચે બીજા એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક જાસુસી અહેવાલ પ્રમાણે ૧૫ વર્ષ પછી પહેલી વખત પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો પગપેસારો ઢાકામાં થયો છે. એમ મનાય છે કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા ઉશ્કેરવાનું કામ પણ આઇએસઆઇના એજન્ટો કરે છે. બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ એકાએક સક્રિય થઈ ગયા છે. ૨૦૨૪માં જ્યારે શેખ હસિનાની સરકારનું પતન થયું ત્યારથી જ આઇએસઆઇએ બાંગ્લાદેશમાં ફરીથી પગપેસારો કર્યો છે. બાંગ્લાદેશથી આવતા જાસુસી અહેવાલો મુજબ બાંગ્લાદેશમાં આવેલી પાકિસ્તાની એમ્બેસીની અંદર આઇએસઆઇના સ્પેશિયલ સેલની સ્થાપના થઈ છે. આ સેલમાં એક બ્રીગેડિયર, બે કર્નલ, ચાર મેજર સહીત જમીન, નવસેના અને વાયુસેના સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ પણ છે.

હિજાબ વિવાદ પછી ઝારખંડના મંત્રીની મહિલા ડોક્ટરને ઓફર

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારએ ડોક્ટરોને પ્રમાણપત્ર આપતી વખતે ડો. નુસરત પરવીનનો હિજાબ હટાવવાની કોશિષ કરી હતી. ત્યાર પછી મોટો વિવાદ થયો છે. હવે આ વિવાદની વચ્ચે ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંશારીએ ડો. નુસરત પરવીનને ઝારખંડમાં નોકરીની ઓફર કરી છે. એમણે કહ્યું છે કે જો નુસરત ઝારખંડમાં નોકરી કરવા માંગતી હોય તો એને રૂા. ૩ લાખ પગાર ઉપરાંત મનગમતું પોસ્ટીંગ અને સરકારી મકાન પણ આપવામાં આવશે. એમણે કહ્યું હતું કે, ઝારખંડમાં ડોક્ટરોની કદર થાય છે. ઝારખંડમાં બિહારમાં મહિલાઓ સાથે જેવું વર્તન થાય છે એવું વર્તન થતું નથી. મહિલા ડોક્ટરને ઝારખંડમાં પુરુ માન મળશે. ઝારખંડમાં ડોક્ટરોની પસંદગી ટેન્ડર મારફતે કરવામાં આવે છે.