નવીદિલ્હી : વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનએ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ બી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા પછી રાજકીય સમીકરણો બદલાયા છે. તામિલનાડુના સીપી રાધાકૃષ્ણનને એનડીએએ ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવીને ડીએમકેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. આના જવાબમાં વિરોધપક્ષોએ આંધ્રપ્રદેશ - તેલંગાણા સાથે સંકળાયેલા રેડ્ડીને ઉમેદવાર બનાવવાથી એનડીએના સાથીદારો દ્વિધામા મૂકાયા છે. ચંદ્રબાબુ નાયડુનો તેલુગુદેશમ્, જગનમોહન રેડ્ડીનો વાયએસઆર કોંગ્રેસ અને ચંદ્રશેખર રાવનો ડીઆરએસ પક્ષ વિચારમાં પડી ગયો છે. હવે આ ચૂંટણી દક્ષિણ વિરુદ્ધ દક્ષિણની બની ગઈ છે. ઉમેદવાર તરીકેનું નામ જાહેર થતા સુદર્શન રેડ્ડી દિલ્હી જઈને ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને મળ્યા હતા. સાંસદો સાથેની મીટીંગ પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ જાહેર કર્યું હતું કે રેડ્ડીને તમામ વિરોધ પક્ષોનો ટેકો છે.
તેજપ્રતાપએ અનુષ્કાના ભાઈને જયચંદ કહ્યો
લાલુના કુટુંબ અને આરજેડીમાંથી બહાર કરાયેલા બિહારના ભૂતપૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવએ એક જમાનામાં સાથીદાર રહેલા આકાશ યાદવ પર ગંભીર આરોપ મૂક્યો છે. તેજપ્રતાપ અને એમની પ્રેમિકા અનુષ્કાની તસવીરો જાહેર થયા પછી તેજપ્રતાપની મુશ્કેલી વધી હતી. તેજપ્રતાપ યાદવએ અનુષ્કાના ભાઈ આકાશને જયચંદ કહ્યો છે. એમણે આરોપ મુક્યો છે કે આકાશ યાદવએ બીજા જયચંદો સાથે મળીને અનુષ્કા યાદવ અને એની તસવીરો વાયરલ કરી હતી. આ તસવીરો વાયરલ કરવાનો ઉદ્દેશ તેજપ્રતાપને બદનામ કરવાનો અને એમની રાજકીય કારર્કિદી ખતમ કરવાનો હતો. તેજપ્રતાપએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આવા લોકોને કારણે મારી રાજકીય કારર્કિદી ખતમ નહી થાય. હું વધુ મજબૂત બનીને બહાર આવીશ.
ભારતીય ટીમની જાહેરાત પછી પ્રિયંકા ચતુર્વેદીને ગુસ્સો કેમ આવ્યો
એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થયા પછી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ગુસ્સામાં છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, 'હવે ભાજપના ચીયરલીડર્સ ભારત - પાકિસ્તાનની મેચ જોવા દુબઈ જશે.' ૧૪મી સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત - પાકિસ્તાનની મેચ રમાવાની છે. પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'જયાં સુધી બીસીસીઆઇ આ મેચ દ્વારા કમાણી કરતું રહેશે ત્યાં સુધી ઓપરેશન સિંદૂર ભુલાવી દેવામાં આવશે. ભારતમાં આયોજીત હોકીની એશિયા કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ લેવાનું નથી. આપણી બીસીસીઆઇએ એશિયા ક્રિકેટ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરીને બંને દેશો વચ્ચે ક્રિકેટના સંબંધો ચાલુ રાખવા માટે ઉત્સાહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓના પરિવારો સાથે વિશ્વાસઘાત થયો છે.'
પોતાના સાહેબો સામે નહીં ઝૂકવાથી પગાર નહીં કપાય
હત્યા સાથે જોડાયેલા એક કેસમાં બિહારના આઇપીએસ અધિકારીએ દાખલ કરેલી એફીડેવીટ બાબતે સુપ્રીમ કોર્ટે નારાજગી જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે અધિકારીને સલાહ આપી છે કે, ફક્ત બંધારણને વફાદાર રહે. સાહેબો સામે નહીં ઝૂકવાથી પગાર નહીં કપાય. તૈયાર થયેલી એફીડેવીટ બાબતે પણ સુપ્રિમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સુપ્રિમ કોર્ટનો મૂડ જોઈને અધિકારીએ માફી માગી લીધી હતી. કોર્ટે પણ અધિકારીને ચેતવણી આપીને વાત ટાળી દીધી હતી. હત્યાના એક કેસમાં પટણા હાઇકોર્ટે આરોપીઓની સજા રદ કરી હતી. હાઇકોર્ટના આ ચુકાદા સામે મૃતકની પત્નીએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આઇપીએસ અશોક મિશ્રાએ સમસ્તીપુરના એસપી હોવા છતાં આરોપીઓના પક્ષમાં એફીડેવીટ કરી હતી. આ બાબતે સુપ્રિમ કોર્ટ નારાજ થઈ હતી.
શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાનો હુકમ કરનાર જજનું રોસ્ટર બદલાયું
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ બી આર ગવઈએ જસ્ટીસ જે બી પારડીવાલાની બેન્ચમાં ફેરફાર કર્યો છે. છેલ્લા થોડા દિવસો દરમિયાન જસ્ટીસ પારડીવાલાની બેન્ચે બે નિર્ણયો લીધા હતા. પહેલો ચુકાદો અલ્લાહાબાદ હાઇકોર્ટ સાથે જોડાયેલો હતો. બીજો ચુકાદો દિલ્હી એનસીઆરમાં શેરી શ્વાનોને લગતો હતો. જસ્ટીસ પારડીવાલા અને જસ્ટીસ મહાદેવનની બેન્ચે અલ્લાહાબાદ હાઇકોર્ટના એક જજને ફોજદારી કેસોની સુનાવણી કરતા રોક્યા હતા. ત્યાર પછી દિલ્હી એનસીઆરમાં શેરી શ્વાનોને શેલ્ટર હોમમાં મૂકવાનો વિવાદાસ્પદ ચૂકાદો પણ આ જ બેન્ચે આપ્યો હતો. આ ચૂકાદાને કારણે એનીમલ લવર્સ નારાજ થયા હતા અને દેશભરમાં વિરોધ કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે રોસ્ટરમાં ફેરફાર કરીને બંને જજોને અલગ અલગ બેન્ચમાં મૂક્યા છે.
પંજાબ સરકારની કામગીરીમાં કેજરીવાલની દખલથી વિવાદ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક સૌરભ ભારદ્વાજએ કહ્યું છે કે, દિલ્હીમાં પક્ષની હાર પછી અરવિંદ કેજરીવાલનું ફોકસ ગોવા, પંજાબ અને ગુજરાત પર છે. કેજરીવાલ આ ત્રણે રાજ્યમાં સંગઠનનો ફેલાવો કરવામાં વ્યસ્ત છે. સૌરભ ભારદ્વાજએ એમ પણ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પંજાબ સરકારની કામગીરી પર નજર રાખી રહ્યા છે. એવી ચર્ચા છે કે, પંજાબ સરકારના કેટલાક મંત્રીઓ દિલ્હીના સિનિયર નેતાઓના ચંચુપાતથી પરેશાન છે. ભાજપ અને કોંગ્રેસ પણ એવો આક્ષેપ કરે છે કે, પંજાબમાં મુખ્યમંત્રી માન તો ફક્ત નામના છે. તમામ અગત્યના નિર્ણયો અરવિંદ કેજરીવાલ અને તેમના મિત્રો લઈ રહ્યા છે. હવે સૌરભ ભારદ્વાજ પણ ખુલ્લેઆમ જ્યારે કહે છે કે, અરવિંદ કેજરીવાલ પંજાબ સરકાર પર ધ્યાન આપે છે ત્યારે વિવાદ વધુ વકરવાની શક્યતા છે.
ડઝનથી વધુ ખોટા કેસ કરનાર વકીલને આજીવન કેદ
અનુસૂચિત જાતીની મહિલાની મદદ લઈને પોતાના વિરોધીઓ સામે ખોટા કેસો કરવા બદલ દોષિત ઠરેલા વકીલ પરમાનંદ ગુપ્તાને આજીવન કેદની સજા કરવામાં આવી છે. અનુસૂચિત જાતી - જનજાતી નિવારણ કાયદાના ખાસ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ આ સજા જાહેર કરી છે. આ ઉપરાંત વકીલએ ૫,૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. કિસ્સો અનુસૂચિત જાતી એક્ટના દુરઉપયોગનો છે. વકીલ પરમાનંદએ અનુસૂચિત જાતીના મહિલા પૂજા રાવત મારફતે ડઝનથી વધુ કેસો કરીને કાયદાનો દુરઉપયોગ જ નહોતો કર્યો, પરંતુ વિરોધીઓને જેલમાં પણ મોકલ્યા હતા. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, વકીલ પરમાનંદએ ૧૮ અને પૂજા રાવતએ ૧૧ ખોટા કેસો દાખલ કર્યા હતા. હાઇકોર્ટમાં કેસની સુનાવણી વખતે કૌભાંડનો પર્દાફાસ થયો હતો.
વિપક્ષના ઉમેદવારે એક સમયે યુપીએ સરકારને ભ્રષ્ટાચારના મુદ્દે ઝાટકી હતી
૨૦૧૧માં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પર ભ્રષ્ટાચાર સંબંધિત આરોપો લાગી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે તેને કાળા ધનના મુદ્દે ઊંઘતા રહેવા બદલ ફટકારી હતી અને વિશેષ ટીમ રચવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પસાર કરનારા ન્યાયાધીશો પૈકી એક હતા બી સુદર્શન રેડ્ડી, જે હાલ ઈન્ડી જૂથના ઉપ-રાષ્ટ્રપતિપદના ઉમેવાર છે. ૨૦૦૭ અને ૨૦૧૧ દરમ્યાન ન્યાયાધીશ રહેલા રેડ્ડીનો એ અંતિમ આદેશ હતો. બંધારણના નિષ્ણાંત ગણાતા રેડ્ડીએ પ્રીએમ્બલ પર પુસ્તક લખ્યું છે અને તેઓ આંબેડકર તેમજ નહેરુ બંનેના પ્રશંસક છે. રેડ્ડીનો જન્મ ૮ જુલાઈ, ૧૯૪૬ના રોજ તેલંગણાના રાંગા રેડ્ડી જિલ્લામાં કાંદુકુર બ્લોકના અકુલા માયલારામ ગામમાં થયો હતો. રેડ્ડી ૧૯૭૧માં હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક થયા હતા અને તેમણે વરિષ્ઠ વકીલ કે પ્રતાપ રેડ્ડીના હાથ નીચે કામ કર્યું હતું. કટાક્ષ એ વાતનો છે કે જ્યારે તેમની ગોવાના લોકાયુક્ત તરીકે વરણી થઈ ત્યારે કોંગ્રેસ અને એનસીપી નેતાઓએ તેમનો વિરોધ કર્યો હતો. હવે ઈન્ડી જૂથે તેમને ઉપ-રાષ્ટ્રપતિપદ માટે પસંદ કર્યા છે.
ઉપ-રાષ્ટ્રપતિ પદ માટે ડીએમકે ઈન્ડી જૂથને સમર્થન આપશે
ઉપ-રાષ્ટ્રપતિ પદ માટે તામિલ ઉમેદવાર માટે આગ્રહ રાખવાના પ્રયાસો નિષ્ફળ ગયા હોવા છતાં ડીએમકે અને તેના સહયોગીઓએ ભાજપની ઓળખની રાજનીતિને જાકારો આપીને ઈન્ડી જૂથને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. ડીએમકેના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ રાધાકૃષ્ણનને તામિલ હોવા છતાં ટેકો નહિ આપે કારણ કે તેઓ ભાજપના ઉમેદવાર છે. તેમણે જણાવ્યું કે વિચારધારા સૌથી મહત્વની છે.
- ઈન્દર સાહની


