નવી દિલ્હી : એમ કહેવાય છે કે, જેની શરૂઆત સારી એનો અંત સારો. જોકે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એનડીએ અને મહાગઠબંધનની શરૂઆત ખાસ વખાણવા જેવી નથી થઈ. ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા સૌથી જરૂરી કામ બેઠકોની વહેંચણીનું છે. આ બાબતે એનડીએ અને મહાગઠબંધનમાં ખેંચતાણ ચાલી રહી છે. વિશાળ પ્રદેશ હોવાને કારણે બિહારનું રાજકીય ગણીત પણ અટપટુ છે. રાજકીય નિરિક્ષકોનું માનવું છે કે અત્યાર સુધીમાં એનડીએ અને મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ જવી જોઈતી હતી. બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો છે. એનડીએના ભાજપ અને જેડીયુ વચ્ચે ખાસ ઝઘડો દેખાતો નથી, પરંતુ નાના પક્ષો વધુ અવાજ કરી રહ્યા છે. જોકે મુખ્યમંત્રીના ચહેરા બાબતે એનડીએનું સ્ટેન્ડ ચોક્કસ છે. જો એનડીએની સરકાર બનશે તો નિતિશકુમાર જ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.
ભાજપને 248 મતોથી હરાવનાર ધારાસભ્યની ચૂંટણી રદ
કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસના નેતા અને મલુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેવાય નાનજે ગૌડાની ચૂંટણી રદ કરી દીધી છે. કોર્ટનું કહેવું છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી મતગણતરીનો વિડિયો રેકોર્ડીંગ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. મતગણતરીનું વિડિયો રેકોર્ડીંગ કરવું ફરજીયાત છે. હવે ચૂંટણી કમિશને ચાર અઠવાડિયામાં મતોની ફરીથી ગણતરી કરીને પરિણામ જાહેર કરવું પડશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૨૩માં કેવાય નાનજે ગૌડાએ પોતાની નજીકની પ્રતિસ્પધ ભાજપના નેતા કે એસ મંજૂનાથ ગૌડાને ૨૪૮ મતોથી હરાવ્યા હતા. જસ્ટીસ આર દેવદાસએ કહ્યું છે કે, ચૂંટણી કમિશનએ જિલ્લા ચૂંટણી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ કારણ કે એમણે વિડિયો રેકોર્ડીંગમાં બેદરકારી દાખવી છે. ભાજપના ઉમેદવાર કે એસ મંજૂનાથ ગૌડાએ દાખલ કરેલી અરજીને કારણે આ કેસ ચલાવવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીને 'સીરોપા' આપવા બદલ બે શીખ કર્મચારીઓ સસ્પેન્ડ
પંજાબમાં આવેલી મોટી રેલ પછી પંજાબની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ શીખ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીની આ મુલાકાતને કારણે વિવાદ થયો છે. શીરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)એ બાબા બુદ્ધા સાહિબ ગુરુદ્વારાના કર્મચારીઓ વિરુદ્ધ શીષ્ટ ભંગની કાર્યવાહી કરી છે. રાહુલ ગાંધી જ્યારે આ ગુરુદ્વારાની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમને શીખ ધર્મમાં ખુબ જ સન્માનજનક ગણાતી પાઘડી 'સીરોપા' ભેટમાં આપવામાં આવી હતી. રાહુલ ગાંધીની મુલાકાત વખતે કોંગ્રેસ સાંસદ રામદાસ એમને અમૃતસરમાં આવેલા બાબા બુદ્ધા સાહિબ ગુરુદ્વારા લઈ ગયા હતા. એમ મનાય છે કે સીરોપા ફક્ત શીખ ધર્મના ઉચ્ચ ધાર્મિક પુરુષોને જ આપવામાં આવે છે. આ કામ ગુરુ ગ્રંથ સાહેબની સામે કરવામાં આવે છે.
બિહાર કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી દિલ્હી મોકલી
બિહાર કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના સંભવીત નામોની યાદી દિલ્હી હાઇકમાન્ડને મોકલી આપી છે. હવે દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટી દરેક બેઠક માટે ત્રણ - ત્રણ નામો પસંદ કરવાનું કામ કરશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ મહાગઠબંધનની બેઠકો નક્કી થયા પછી પોતાના ઉમેદવાર જાહેર કરશે. બિહાર કોંગ્રેસના પ્રમુખ રાજેશ રામએ સર્વસંમતિથી મજબૂત ઉમેદવારોની યાદી હાઇકમાન્ડને આપી છે. રાજેશ રામએ હવે ફાઇનલ ઉમેદવારો નક્કી કરવાની સંપૂર્ણ સત્તા કોંગ્રેસ હાઇકમાન્ડને આપી છે. સદાકટ આશ્રમમાં ચાલેલી ચાર કલાકની મીટીંગમાં યાદીના ઉમેદવારો બાબતે દરેકએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. પક્ષના સૂત્રોના કહેવા પ્રમાણે હજી બેઠકોની વહેંચણી નક્કી થઈ નથી એટલે બધો મદાર હાઇકમાન્ડ પર છે.
ચંદ્રશેખર આઝાદએ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય પર નિશાન તાક્યું
ઉત્તર પ્રદેશની નગીના બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદએ જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ આપેલા મીની પાકિસ્તાનના નિવેદન બાબતે એમની ટીકા કરી છે. સાંસદ ચંદ્રશેખરના કહેવા પ્રમાણે મેરઠમાં એક કથા ચાલી રહી છે. પોતાને સંત કહેનાર મેરઠમાં આવીને કહે છે કે તેઓ મીની પાકિસ્તાનમાં આવી ગયા છે. ચંદ્રશેખર આઝાદએ કહ્યું હતું કે, 'પહેલા તો એમને દેખાતું નથી. તેઓ પોતે જ કહે છે કે બાળપણથી એમને દ્રષ્ટી નથી. એક સંત જેમની પાસે દ્રષ્ટી નથી એમણે કેટલા પાપ કર્યા હશે. લોકોએ એમની પાસે સલાહ લેવી પડે છે. સંતની કોઈ જાતી હોતી નથી કે ધર્મ હોતો નથી.' જોકે જગદ્ગુરુ રામભદ્રાચાર્યના ભક્તોએ ચંદ્રશેખર આઝાદ સામે રોષ પ્રગટ કર્યો છે. ભક્તોનું માનવું છે કે ચંદ્રશેખર આઝાદએ એમની લાગણી દુભવી છે.
સીએમ યોગી પર બનેલી ફિલ્મ પર ઇસ્લામીક દેશોનો પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બાયોપીક ફિલ્મ 'અજય : ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' બની છે. આ ફિલ્મ આજકાલ ચર્ચામાં છે. ફિલ્મ બાબતે દરરોજ નવા નવા સમાચારો આવી રહ્યા છે. આ ફિલ્મમાં યોગી આદિત્યનાથનના જીવનનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેઇલર રીલીઝ થઈ ગયું છે. એક્ટર આનંદ જોશી યોગી આદિત્યનાથનો રોલ કરી રહ્યા છે. હવે એવા સમાચાર આવ્યા છે કે, કતાર અને સાઉદી અરેબિયાએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ પર મૂકાયેલા પ્રતિબંધ બાબતે ફિલ્મના નિર્માતા ઋતિુ મેંગીએ કહ્યું હતું કે ભારત હંમેશા યોગીઓના વિશાળ જ્ઞાાનને માનની દ્રષ્ટીથી જુએ છે. યોગીની હજુ સુધી નહી કહેવામાં આવેલી વાતો આ ફિલ્મમાં કહેવામાં આવી છે. આ ફિલ્મ કતાર કે સાઉદી અરેબીયામાં રીલીઝ નહીં થાય અમને ફેર પડતો નથી. દુનિયાના બાકીના દેશોમાં આ ફિલ્મ રીલીઝ થવાની છે અને અમારો ઉત્સાહ અકબંધ છે.
'પ્રશાંત કિશોર લાલુથી આગળ નિકળ્યા'
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સોશ્યલ મીડિયામાં જન સુરાજ પક્ષના પ્રમુખ પ્રશાંત કિશોર છવાયેલા રહે છે. છાવણીમાં ઓવરબ્રીજના નિર્માણમાં થયેલા વિલંબ બાબતે પ્રશાંત કિશોરએ સાંસદ ડો. સંજય જાયસ્વાલ પર કટાક્ષ કર્યો હતો. ત્યાર પછી સાંસદએ એમને વકીલ મારફતે નોટીસ મોકલી હતી. પ્રશાંત કિશોરએ પણ નોટીસનો જવાબ આપી દીધો છે, પરંતુ સોશ્યલ મીડિયા પર યુદ્ધ ચાલુ છે. પશ્ચિમી ચંપારણના સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ડો. સંજય જાયસ્વાલએ યુવાનોને કરોડપતિ બનાવવાનો દાવો કરનાર પ્રશાંત કિશોર વિશે સોશ્યલ મીડિયામાં ટીપ્પણી કરી છે. એમણે કહ્યું છે કે, જો તમારી પાસે બિહારના યુવાનોને કરોડપતિ બનાવવાનો આઇડિયા હોય તો યુવાનોને એ આઇડિયા કેમ નથી આપતા? સાંસદએ ટોણો મારતા ફેસબુક પર લખ્યું છે કે, 'સાંભળ્યું છે કે પ્રશાંત કિશોરએ વિદ્યાર્થી કાળ દરમિયાન પરીક્ષા નહીં, પરંતુ સપ્લીમેન્ટરી પાસ કરી હતી. તમે આજ સુધી મારા સવાલોના જવાબ આપી શક્યા નથી. હું આજ સુધી લાલુ પ્રસાદ યાદવને જમીન દાનમાં લેવાના મહારથી માનતો હતો. મને લાગે છે કે હવે પ્રશાંત કિશોરએ લાલુ પ્રસાદને ઓવર ટેઇક કરી દીધા છે.'


