નવીદિલ્હી: લોકગાયિકા મૈથિલી ઠાકુરએ અલીનગર વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ તરફથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પહેલી વખત પુરાને બહેડા અને નવસૂજીત અલીનગર વિધાનસભા વિસ્તારમાંથી કોઈ કલાકાર ચૂંટણી લડશે. મૈથિલી ઠાકુરના લોકગીતો ઘરે ઘરે જાણીતા છે. ખાસ કરીને મહિલાઓ મૈથિલીના ગીતની ચાહક છે અને એટલે જ કદાચ ઉમેદવારી પત્ર ભરતી વખતે મહિલાઓ વધુ સંખ્યામાં જોવા મળી હતી. હવે કોઈ રાષ્ટ્રીય કક્ષાના કલાકાર પહેલી વખત આ મત વિસ્તારમાં ઘરે ઘરે જઈને મત માંગશે. મૈથિલીના વિરોધીઓ એમને બહારના ગણીને સૂત્રો પોકારે છે, પરંતુ એનાથી સ્થાનીક લોકોને ફેર પડતો નથી. ભાજપએ પણ મૈથિલીના ચાહકો જોતા એમને ટિકિટ આપી છે. જોકે ભાજપના કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ નહી મળતા તેઓ નારાજ થયા છે.
લાલુને મત આપશું તો જ બિહારની ઇજ્જત બચશે
બિહારના કેટલાક વિસ્તારોમાં હજુ પણ લાલુ પ્રસાદની લોકપ્રિયતા અકબંધ છે. આવા વિસ્તારોમાં વિકાસની વાતો ચાલતી નથી. પટણાથી રાઘોપુર જવા માટે છ લાઇનનો પુલ બનાવવામાં આવ્યો છે. જોકે આ પુલ બન્યા પછી પણ પટણાથી થોડા કિલોમીટર દુર આવેલા રાધોપુરમાં વિકાસના નામે મીંડુ છે. ગામના લોકો કહે છે કે અહીં તો બધા તેજસ્વીવાળા છીએ. યોજના હેઠળ કોઈકને પૈસા મળ્યા છે કોઈકને નથી મળ્યા. જેમને પૈસા મળ્યા છે તેઓ એનડીએને મત આપશે અને નથી મળ્યા એ ફાનસનું બટન દબાવશે. આ વિસ્તારમાં યાદવોની વસ્તી વધુ છે અને બધા જ યાદવો લાલુ પ્રસાદની સાથે છે. સરકારની યોજનાથી મળેલા પૈસા લોકો લઈ લે છે પરંતુ વાત તો લાલુને મત આપવાની જ કરે છે.
લાંચ મામલે સીબીઆઇએ જજને ક્લીનચીટ આપી
લગભગ બે મહિના પહેલા પંજાબ -હરિયાણા હાઇકોર્ટના જાણીતા વકીલ જતીન સલવાનએ બઠીંડાના એક જજના નામે ૩૦ લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ બાબતે સીબીઆઇએ એમની ધરપકડ કરી હતી. હવે આ બાબતે મોટા સમાચાર બહાર આવ્યા છે. સીબીઆઇએ પોતાની તપાસ પુરી કરી છે અને સલવાન તેમજ એમના સાથી સતનામસિંહ વિરુદ્ધ ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. બઠીંડાના સિવિલ જજને એજન્સીએ ક્લીનચીટ આપી છે. સીબીઆઇની તપાસ પછી બહાર આવ્યું છે કે, સમગ્ર પ્રકરણમાં જજની કોઈ ભૂમિકા નહોતી. સીબીઆઇએ હાઇકોર્ટના હુકમ પછી જજની પૂછપરછ કરી હતી. જજે કહ્યું હતું કે એમને એડવોકેટ સલવાન સાથે એક જૂના કેસ સંદર્ભે ઓળખાણ હતી. વકીલ સલવાન એક જૂનો કેસ એમના તરફથી લડયા હતા.
લોરેન્સ બિશ્નોઇ ગેંગ હજી કપીલ શર્માની પાછળ છે
કેનેડાના સરે શહેરમાં જાણીતા કોમેડિયન કપીલ શર્માના 'કેપ્સ કેફે' પર ત્રીજીવાર ગોળીઓ ચલાવવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજો હુમલો છે. દર વખતે કેફે ખુલ્યા પછી થોડા દિવસોમાં જ ફાયરીંગ થાય છે. છેલ્લા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. બિશ્નોઇ ગેંગે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને ધમકી આપી છે કે ગોળી કયાંથી પણ આવી શકે છે. આ હુમલાનો વિડિયો પણ વાયરલ થયો છે. કપીલ શર્માના કેફે પર ત્રીજો હુમલો થયા પછી કેટલાક માની રહ્યા છે કે, કપીલ શર્મા અને સલમાન ખાન નજીકના મિત્રો હોવાની કીમત તો કપીલ નથી ચૂકવી રહ્યો ને? બિશ્નોઇ ગેંગનો જૂનો ટાર્ગેટ સલમાન ખાન છે. સલમાન સાથે કપીલનો નજીકનો સંબંધ જાહેર છે. બિશ્નોઇ ગેંગ સલમાનની નજીકના દરેકને ટાર્ગેટ કરે છે.
ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી મનોજકુમાર પાસેથી ૧૦ કરોડ રૂપિયા વસુલાશે
ઉત્તર પ્રદેશ સરકારના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી મનોજકુમાર સિંહ વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. એમને ૧૦ કરોડ રૂપિયા ભરવાની નોટીસ મોકલવામાં આવી છે. આ નોટીસ રાજ્યના એગ્રો પ્રોસેસીંગ નીતિ ૨૦૨૩ બાબતે થયેલી ગેરરીતિને કારણે આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય સચીવ બી એલ મીણાએ જાહેર કરેલા હુકમમાં કહેવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીએ ઉત્તર પ્રદેશ ડેવલોપમેન્ટ સીસ્ટમ્સ કોર્પોરેશન લીમીટેડની નીતિ અને ગાઇડલાઇન વિરુદ્ધમાં કામ કર્યું છે. એમના કાર્યકાળ દરમિયાન ૧૦ કરોડ રૂપિયા ખોટી રીતે વાપરવામાં આવ્યા હતા. હવે આ રકમ સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવી પડશે. ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી મનોજકુમાર સિંહ યોગી સરકારમાં ઘણા અગત્યના હોદ્દા પર રહ્યા હતા. એમને નોટીસ મળતા જ ઉત્તર પ્રદેશના અમલદારો ચોંકી ગયા છે.
સમ્રાટ ચૌધરીની તામીલ ડિગ્રી બોગસ છે?
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એનડીએના નેતાઓ ઉપર આક્ષેપો કરનાર જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરએ ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની એફીડેવીટ પર સવાલો કર્યા છે. પ્રશાંત કિશોરનો આરોપ છે કે સમ્રાટ ચૌધરીની કામરાજ વિશ્વ વિદ્યાલયમાંથી લીધેલી પીએફસીની ડિગ્રી બોગસ છે. એમના કહેવા પ્રમાણે આ કોર્ષ ફક્ત તામીલભાષી વ્યક્તિ જ કરી શકે છે. સમ્રાટ તામીલભાષી નથી તો પછી એમની પાસે ડિગ્રી કઈ રીતે આવી. આ મામલે પ્રશાંત કિશોરએ કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે. સમ્રાટ ચૌધરી બિહાર ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ચૌધરીએ મુગેર જિલ્લાની તારાપુર વિધાનસભા બેઠકથી ઉમેદવારી કરી છે. ઉમેદવારીપત્રક ભરતી વખતે કરવામાં આવેલી એફીડેવીટમાં સમ્રાટએ શૈક્ષણીક યોગ્યતામાં આ ડિગ્રીનો ઉલ્લેખ કર્યો છે.
જેલમાં રહેલો રામપાલ દેવી - દેવતાઓની ટીકા કરતા પુસ્તકો કઈ રીતે લખે છે?
અલહાબાદ બેન્ચની લખનૌ બેન્ચે હિસ્સાર સેન્ટ્રલ જેલના જેલરને જેલના કેદી રામપાલ સંદર્ભે કેટલાક સવાલો પૂછયા છે. પોતાને સંત ગણાવનાર રામપાલ ઘણા સમયથી જેલમાં બંધ છે. હાઇકોર્ટ જેલરને પૂછયું છે કે, જેલમાં રહીને રામપાલ કઈ રીતે હિન્દુ દેવી - દેવતાઓની ટીકાવાળા પુસ્તકો લખીને પ્રકાશીત કરી શકે છે. જસ્ટીસ શેખર બી સરાફ અને જસ્ટીસ પ્રશાંતકુમારની બેન્ચે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે આ હુકમ કર્યો હતો. હિન્દુ દેવી-દેવતાઓના બિભસ્ત ચિત્રો આ પુસ્તકોમાં પ્રકાશીત થયા છે. આ પુસ્તકોને જપ્ત કરીને પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી છે. આ સાથે કહેવાતા સંત રામપાલ સામે કાર્યવાહી કરવાની માંગણી પણ થઈ છે.


