નવી દિલ્હી : વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાન સેનાના પ્રમુખ અસીમ મુનીરને લંચ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ બાબતે વડાપ્રધાન પર નિશાન તાક્યું હતું. જયરામ રમેશએ અમેરિકાના પ્રમુખનો નિર્ણય ખોટો ગણાવીને ભારતની વિદેશ નીતિની ટીકા કરી હતી. આ બાબતે હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પ્રતિઉત્તર આપતા કહ્યું છે કે, 'અમેરિકાના પ્રમુખ કોની સાથે બેસશે - ઉઠશે, કોની સાથે ભોજન લેશે, પોતાની બેટી કે બેટાના લગ્ન કયાં કરશે એ બધું શું ભારત નક્કી કરી શકે? અમેરિકાના ૧૦૦થી વધુ ફાઇટર વિમાનો પાકિસ્તાનના એરબેઝ ઉપર છે. જો કોઈ અમેરિકાનો ગુલામ થઈ ગયું હોય, ચમચાગીરી કરતું હોય કે પોતાનો દેશ અમેરિકાને વેચી દીધો હોય એમાં ભારત કંઈ કરી શકે નહીં.' જયરામ રમેશની આ ટીકા સંદતર ખોટી અને વાહીયાત છે.
રહેમરાહે નિમણૂક બાબતે સુપ્રિમ કોર્ટનો અગત્યનો ચૂકાદો
રહેમરાહે નોકરી આપવા બાબતે સુપ્રિમ કોર્ટે એક અગત્યનો ચૂકાદો આપ્યો છે. એકથી વધારે ઘર તેમ જ ૩૩ એકર જમીનવાળા એક યુવાનના પિતાના મૃત્યુ પછી યુવાન રહેમરાહે નોકરીની માંગણી કરી રહ્યો હતો. અગાઉ પણ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, રહેમરાહે નોકરી એ કોઈ હક નથી. આવી નિમણૂક કરતા પહેલા ઉમેદવારની લાયકાત જોવી પણ જરૂરી છે. અરજી કરનાર રવિકુમારના પિતા સેન્ટ્રલ એક્સાઇઝમાં અધિકારી હતા. ૨૦૧૫માં એમનું મૃત્યુ થયું હતું. રવિએ સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝમાં રહેમરાહે નોકરીની માગણી કરી હતી. જસ્ટીસ ઉજ્જલ ભૂઇયા અને જસ્ટીસ મનમોહનએ રવિની અરજી નામંજૂર કરી છે. અરજી કરનારના પિતા બે ઘર અને ૩૩ એકર જમીન તેમ જ દર મહિને ૮૫ હજાર રૂપિયાનું પેન્શન રવિ માટે છોડી ગયા છે.
મહારાષ્ટ્રની સ્કૂલોમાં હિન્દી ફરજિયાત કરવાની વાત પર રાજ ઠાકરે ભડક્યા
મહારાષ્ટ્રની સરકારે સ્કૂલોના ધો. ૧ થી ૫માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો નિર્ણય કર્યો છે. ફડણવીસ સરકારના આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે, સરકારના આ નિર્ણયનો મે લેખીતમાં વિરોધ કર્યો છે. હિન્દી કોઈ રાષ્ટ્રભાષા નથી. રાજ ઠાકરેએ કહ્યું છે કે, 'આજે હું રાજ્યની તમામ સ્કૂલોના પ્રિન્સિપાલને પત્ર મોકલી રહ્યો છું. મને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હિન્દીને ફરજિયાત કરવાનો નિર્ણય તેઓ પાછો ખેંચી રહ્યા છે. એ વખતે પણ મે વિરોધ કર્યો હતો.' ઠાકરેનું કહેવું છે કે બાળકોને જબરદસ્તીથી કોઈ પણ ભાષા શિખવવી જોઈએ નહીં. લાગે છે કે સરકાર પર આઇએએસ લોબીનું દબાણ છે.
પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, નિતિશકુમારનો પુત્ર રાજકારણમાં આવવાનો નથી
આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે નિતિશકુમારના પુત્ર નિશાંત રાજકારણમાં આવશે એવી વાતો ચાલે છે. આ અટકળો વચ્ચે હવે જનસુરાજ પક્ષના પ્રમુખ પ્રશાંત કિશોરએ કહ્યું છે કે, નિતિશકુમારના પુત્ર નિશાંત કદી રાજકારણમાં આવવાના નથી. પ્રશાંત કિશોરએ કહ્યું છે કે, લાલુ પ્રસાદનો પુત્ર તેજસ્વી યાદવ જે હાલતમાં છે એનાથી બચવા માટે નિશાંત રાજકારણમાં આવશે એવી વાતો ફેલાવે છે. તેજસ્વી અને એના કુટુંબ પર વંશવાદનો આરોપ લાગે છે. તેજસ્વી યાદવ જેવા લોકો ઇચ્છે છે કે નિતિશકુમારનો પુત્ર રાજકારણમાં આવે તો તેઓ બચાવ કરી શકે કે જુઓ હમામમાં તો બધા જ નગ્ન છે. જેડીયુના એક સાંસદે હમણા જ નિશાંતકુમારને ઓફર કરી હતી કે નાલંદા આવીને વિધાનસભાની ચૂંટણી લડે.
સોનમ રંઘુવશી સાથે વારંવાર વાત કરનાર સંજય વર્મા કોણ છે
રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસ માટે મેઘાલય પોલીસ ઇન્દોર પહોંચી છે. રાજા રઘુવંશી સાથે લગ્ન પહેલા સોનમ સંજય વર્મા નામની કોઈ વ્યક્તિ સાથે વારંવાર ફોન પર લાંબી વાતો કરતી હતી. આ માહિતી જ્યારે રાજા રઘુવંશીના ભાઈ ગોવિંદને આપવામાં આવી ત્યારે એમણે કહ્યું કે એમની પાસે કોઈ જાણકારી નથી. જોકે પોલીસને ત્યાર પછી ખબર પડી હતી કે હત્યાનો આરોપી રાજ આ ફોન નંબરનો ઉપયોગ કરતો હતો. સોનમએ માર્ચ મહિનામાં આ નંબર પર ૧૧૯ વાર વાત કરી છે. મતલબ કે રાજનુંજ પેટા નામ સંજય વર્મા રાખવામાં આવ્યું હતું. લગ્નના એક મહિના પહેલા જ સોનમ, રાજ અને વિશાલએ ઇન્દોરની એક રેસ્ટોરંટમાં હત્યાનું કાવતરું ઘડયું હતું.
દેશમાં 10 સ્થળોએ હાઇકોર્ટની બેન્ચ બની શકે છે
આગ્રામા હાઇકોર્ટ બેન્ચની માંગણી સાથે સાંસદ રાજ કુમાર ચાહરના નેતૃત્વમાં વકીલોનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુનસિંહ મેઘવાલને મળ્યું હતું. કાયદા પ્રધાનએ ખાતરી આપી હતી કે, યુપીમાં હાઇકોર્ટની એક પણ બેન્ચ બની તો એ આગ્રામા બનશે. પ્રતિનિધિમંડળ તરફથી આગ્રા બાર એસોસીએશનના પ્રમુખ સુભાષ બાબુ પરમાર, મંત્રી વિનોદ શુક્લાએ જસ્ટીસ જશવંતસિંહ આયોગની ભલામણોનો અમલ કરવા સહિત બીજી કેટલીક બાબતે રજુઆત કરી હતી. પ્રતિનિધિમંડળએ સાંસદ નવીન જૈન અને શિવમંગલસિંહ તોમરએ આપેલા સહમતી પત્રો પણ રજૂ કર્યા હતા. કાયદા પ્રધાનના કહેવા પ્રમાણે દેશમાં ૧૦ સ્થળોએ હાઇકોર્ટ બેન્ચ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે.
વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં વિરોધપક્ષની એકતાની કસોટી
કેરળ ,ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં ગુરૂવારે મતદાન થયું તેમાં વિરોધપક્ષના ઇન્ડિયા બ્લોકની એકતાની કસોટી થશે. હાલ તો વિરોધપક્ષના ગઠબંધનના રાજકીય પક્ષો એકમેક સામે મેદાને પડેલાં છે.આ સામાન્ય બાબત છે કે ચૂંટણીઓમાં વિરોધપક્ષની તિરાડો ઉઘાડી પડી જાય છે. આવું ભૂતકાળમાં અનેકવાર બન્યું છે. એ યાદ રાખવું રહ્યું કે લોકસભાની ચૂંટણીઓને એક વર્ષ વીતી ગયા પછી પણ વિરોધપક્ષના ગઠબંધનના ઘટક પક્ષો એકમેકથી વધારેને વધારે દૂર જઇ રહ્યા છે. કેરળમાં માર્કસવાદીઓ અને કોંગ્રેસ એકમેકને કોમવાદી ગણાવી રહ્યા છે તો ગુજરાતમાં આપે કોંગ્રેસને દગાખોર ગણાવી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન એવો આક્ષેપ કરી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગઠબંધન છે.
કાનપુરમાં થયેલી બબાલમાં યુપી ભાજપની જૂથબંધી ખુલ્લી પડી
ઉત્તરપ્રદેશમાં કાનપુર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચીફ મેડિકલ ઓફિસર વચ્ચે થયેલી ચણભણને કારણે શાસક ભાજપમાં ચાલી રહેલી જૂથબંધી ઉઘાડી પડી ગઇ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપસિંહે અને ચીફ મેડિકલ ઓફિસર હરી દત્ત નેમી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી તેમને હટાવવાની માગણી કરી છે. તો નેમીએ જિતેન્દ્ર પ્રતાપસિંહની કામ કરવાની શૈલી સામે સવાલો ઉઠાવ્યા છે. સ્પિકર સતિશ મહાના સહિત ઘણાં વિધાનસભ્યોએ નેમીને ટેકો આપ્યો છ અને આરોગ્ય પ્રધાન બ્રજેશ પાઠકને પત્ર લખી તેમને હટાવવામાં ન આવે તેવી માંગણી કરી છે.બીજી તરફ વિધાનસભ્યો અભિજિતસિંહ સાંગા અને મહેશ ત્રિવેદી તથા ભાજપના સાંસદ રમેશ અવસ્થીએ જિલ્લા મેજિસ્ટ્રેટની તરફેણ કરી છે. આમાં આરોગ્યપ્રધાન બ્રજેશ પાઠક જે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પણ છે તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. તેઓ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું શું વલણ છે તે જાણવા તલપાપડ છે. સીએમનું વલણ જાણ્યા પછી તેઓ નક્કર પગલાં ભરશે તેમ મનાય છે. બંને જૂથો એક્સ પર તેમનો બચાવ કરતાં વિડિયો પોસ્ટ કરી રહ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન વિધાનસભ્યોએ ચેતવણીઓ આપ્યા છતાં સત્તાવાર ઉદાસીનતાને કારણે ભાજપને સહેવું પડયું હતું. આવી લડાઇઓને કારણે સરકારની છાપ ખરાબ થાય છે. વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે માંડ બે વર્ષ બાકી છે ત્યારે આવી આક્ષેપબાજીથી સરકારની છબિમાં ગોબો પડે છે તેમ નિરાશાના સુરમાં તેમણે ઉમેર્યું હતું.
બિહારમાં નેશનલ દામાદ આયોગ-એનડીએની બેઠકમાં પીએમ મોદી
રાજદના નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦ જુનની બિહાર મુલાકાત પૂર્વે જ તેમની ફિરકી લેતાં જણાવ્યું છે કે તેઓ નેશનલ દામાદઆયોગ-એનડીએ-ની બેઠકમાં ભાગ લેવા આવી રહ્યા છે. તેજસ્વી યાદવે જણાવ્યું હતુંં કે પીએમ મોદી રોજગાર આપવા, ગરીબી હટાવવા કે સ્થળાંતર અટકાવવા નહીં પણ બિહારના લોકોને ફરીએકવાર છેતરવા માટે આવી રહ્યા છે. વડાપ્રધાન એનડીએ એટલે શું તે જણાવશે. તેઓ નેશનલ દામાદ આયોગની બેઠકમાં ભાગ લેવા અને તેને મુબારકબાદ આપવા આવી રહ્યા છેે. વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે મને એ વાતની ઉત્સુકતા છે કે તેઓ મંચ પર ત્રણ જમાઇઓનું હાર પહેરાવી સ્વાગત કરશે કે હું વિચારું છું કે સંતોષ માંઝી વડાપ્રધાનનું હાર પહેરાવી સ્વાગત કરશે કે અશોક ચૌધરીના જમાઇ કે ચિરાગ પાસવાના સાળા તેમનું સ્વાગત કરશે. તેઓ રોજગાર આપવા કે ગરીબી હટાવવા નહીં પણ ફરી છેતરવા આવી રહ્યા છે. તે લાંબા ભાષણો કરી અમને બધાંને ગાળો દેશે. આમ તેજસ્વી યાદવે પટણામાં પત્રકારોને જણાવ્યું હતું.
ટીડીપી વિરોધીઓને જેલમાં મોકલવાની ધમકી આપે છેઃ જગનમોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ બુધવારે મુખ્યપ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુની સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેઓ તેમના રાજકીય વિરોધીઓને ખોટા કેસોમાં ફસાવી જેલમાં પુરી દેવાની ધમકીઓ આપી ડરાવી રહ્યા છે. પલાન્ડુ જિલ્લામાં તંગ માહોલ વચ્ચે જગન મોહન રેડ્ડીએ તેમના હજારો કાર્યકરો સાથે મોટાં વાહનકાફલામાં રેન્ટાપલ્લા ગામની મુલાકાત લેવા નીકળ્યા છે. ટીડીપી નેતાઓની હેરાનગતિથી ત્રાસીને ૧૧ જુન ૨૦૨૪માં આત્મહત્યા કરનારા નાયબ સરપંચ કોરલાકુંટા નાગમલ્લેશ્વરા રાવના પરિવારને મળવા માટે તેઓ ગયા છે. ગામમાં નાગમલ્લેશ્વરા રાવની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પરિવારજનોને સાંત્વના આપી રેડ્ડીએ જણાવ્યું હતું કે નાયડુ રાજકીય વેરઝેર નિપટાવવા પોલીસનો સાધન તરીકે ઉપયોગ કરે છે.
બીજી તરફ આંધ્રપ્રદેશ કોંગ્રેસના વડા વાય એસ શર્મિલાએ તેમનો ભાઇ જગન બીઆરએસ સાથે મળી ગયો હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું જ્યારે કેસીઆર તેલંગણામાં અને આંધ્રમાં જગન મુખ્યપ્રધાન હતા ત્યારે તેલંગણામાં ફોન ટેપિંગ એ હકીકત હતી. બીઆરએસના નેતાઓએ તેઓ કોઇ સર્વિલિયન્સ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં હોવાનું નકારી કાઢ્યું હતું. તેલંગણામાં રેવંત રેડ્ડીની કોંગ્રેસ સરકાર દ્વારા વિશેષ તપાસ સમિતિ કેસીઆરની આગેવાની હેઠળની બીઆરએસ સરકારના શાસન દરમ્યાન ફોન ટેપિંગની પ્રવૃત્તિઓ વિશે તપાસ કરી રહી છે ત્યારે શર્મિલાએ આ આક્ષેપો કર્યા છે.
-ઇન્દર સાહની


