Get The App

દિલ્હીની વાત : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત 15 ઓગસ્ટ પછી થશે

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત 15 ઓગસ્ટ પછી થશે 1 - image

નવીદિલ્હી : સ્વતંત્રતા દિવસ પછી ભાજપ પોતાના રાષ્ટ્રીય પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. કેટલાક રાજ્યોમાં પક્ષના સંગઠનની ચૂંટણી પૂરી થયા પછી આ નિર્ણય લેવામાં આવશે. કેટલાક રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે કે, ભાજપ અને આરએસએસ વચ્ચે હજી આ બાબતે કોઈ સમજૂતી થઈ શકી નથી. આરએસએસએ ભાજપ હાઇકમાન્ડને કહ્યું છે કે એવા ઉમેદવારને પસંદ કરવા જોઈએ કે જેમને સંગઠનનો અનુભવ હોય અને પક્ષમાં તટસ્થ વ્યક્તિ તરીકેની ઇમેજ હોય. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપએ ચાર સંભવીત નામો નક્કી કર્યા છે. સૌથી પહેલું નામ ઓરીસ્સાના ધર્મેન્દ્ર પ્રધાનનું છે જેઓ કેન્દ્રમાં પ્રધાન છે અને સંગઠનમાં કામ કરવાનો પણ બહોળો અનુભવ છે. રેસમાં ભૂપેન્દ્રયાદવનું નામ પણ છે. ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય પ્રધાન હોવા ઉપરાંત અમિત શાહની નજીક હોવાનું મનાય છે. આ સિવાય શિવરાજસિંહ ચૌહાણ અને બીડી શર્મા પણ રેસમાં છે.

નોકરી સામે જમીન : લાલુની અરજી સુપ્રિમે સાંભળી નહીં

આરજેડીના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની અરજી સાંભળવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે. 'લેન્ડ ફોર જોબ' નામે જાણીતા થયેલા કૌભાંડનો કેસ સ્થગીત કરવાની માંગ લાલુએ કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહી હોવાથી પહેલા એમની વાત ત્યાં રજુ કરે. હાઇકોર્ટે કેસ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. એફઆઇઆર રદ કરવાની અરજી પર સીબીઆઇને નોટીસ મોકલવામાં આવી હતી. મતલબ કે લાલુની અરજી હજી હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. આરોપ છે કે ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન લાલુ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાની સામે એમણે જમીનો લીધી હતી. આ જમીનો લાલુએ પોતાના કુટુંબીઓ અને સાથીઓને નામે ટ્રાન્ફર કરાવી હતી. ૨૦૨૨ના મે મહીનામાં દાખલ થયેલી એફઆઇઆરમાં લાલુ સહીત એમના પત્ની અને કેટલાક કુટુંબીઓના નામ પણ છે.

જજ સાહેબ માટે ક્રિકેટ કીટ ખરીદી હતી, જીમની મેમ્બરશીપ પણ મેળવી આપી હતી

દિલ્હી પોલીસના એક સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ)એ સાકેત કોર્ટના ન્યાયાધીશ પર ગંભીર આક્ષેપ કર્યો છે. હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસએચઓ પંકજકુમારએ ન્યાયાધીશ કાર્તિક ટપારિયા સામે આક્ષેપ કરતા કહ્યું છે કે જજે એમની સાથે કોર્ટમાં અપમાનજનક વર્તન કર્યું હતું. વાત ફક્ત અપમાન કરવા સુધી સિમિત રહી નહોતી. એસએચઓએ કેટલીક એવી વાતો કરી કે દિલ્હી હાઇકોર્ટે જજ સામે કાર્યવાહી કરતા એમને સાકેત કોર્ટમાંથી દુર કર્યા હતા. એસએચઓએ આક્ષેપ કર્યો છે કે જજ પોલીસ કર્મચારીઓ પાસે અંગત કામ કરાવતા હતા. જજ ટપારિયાએ ગયા વર્ષે પોતાના લગ્નમાં પોલીસ કર્મચારીઓને કામ કરવા બોલાવ્યા હતા. જજના લગ્ન રાજસ્થાનમાં થયા હતા અને લગ્નમાં કામ કરવા માટે નિઝામુદ્દીનના કેટલાક પોલીસ કર્મચારીઓ રાજસ્થાન ગયા હતા. એસએચઓના કહેવા પ્રમાણે જજે એમની પાસેથી ક્રિકેટ કીટ પણ મંગાવી હતી. જીમની મેમ્બરશીપ માટે પણ એસએચઓએ પૈસા ભરવા પડયા હતા.

રાહુલ ગાંધીએ આરએસએસ - સીપીઆઇની સરખામણી કરતા ઇન્ડિયા ગઠબંધનમાં તકરાર

સામ્યવાદી પક્ષના મહામંત્રી એમ એ બેબીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સામ્યવાદી પક્ષની સરખામણી કરી હતી. બેબીએ રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે કોંગ્રેસ ૨૦૦૪માં સામ્યવાદીઓના ટેકાને કારણે જ સરકાર બનાવી શકી હતી. સોશ્યલ મીડિયા એક્સ પર બેબીએ લખ્યું છે કે, રાહુલનું નિવેદન સમજણની ઓછપ બતાવે છે. રાહુલ ગાંધીએ કેરળના કોટ્ટાયમ ખાતે કહ્યું હતું કે, આરએસએસ અને સામ્યવાદીઓ વૈચારીક રીતે લડતા રહે છે, પરંતુ એમની સામેની સૌથી મોટી ફરિયાદ એ છે કે બંનેમાં લાગણીનો અભાવ છે. બેબીના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીનું નિવેદન કમનસીબ છે, કારણ કે સામ્યવાદીઓ હંમેશા આરએસએસ સામે વૈચારીક અને રાજકીય રીતે લડવામાં અગ્રેસર રહ્યા છે.

દિલ્હી આપના નેતાઓને ફરીથી જેલયોગ

દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી પણ આમ આદમી પાર્ટીની તકલીફોનો અંત આવ્યો નથી. દિલ્હી આપના ત્રણ સિનિયર નેતાઓ સામે ઇડીએ મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો છે. દિલ્હીમાં જ્યારે આપ સત્તામાં હતી ત્યારે થયેલા ત્રણ કૌભાંડોની તપાસ ઇડી કરી રહી છે. આપના શાસનકાળ દરમિયાન હોસ્પિટલ બાંધકામ, સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને સેલ્ટર હોમ બાંધવાના થયેલા કૌભાંડ બાબતે ઇડીએ કેસ ઇન્ફરમેશન રીપોટર્સ દાખલ કર્યા છે. એક ગણતરી પ્રમાણે ત્રણેય કેસ મળીને ૬૩૬૮ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ મામલે સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનને જેલવાસ થઈ શકે છે. હોસ્પિટલના બાંધકામ પાછળ રૂપિયા આઠસો કરોડથી વધુનો ખર્ચ થયો છે અને બાંધકામ પુરુ થયું નથી એ જ રીતે સીસીટીવી ઇનસ્ટોલેશન માટે બીઇએલ કંપનીને કામ આપવામાં આવ્યું હતું, પરંતુ એમણે કામગીરી યોગ્ય નહીં કરતા ૧૭ કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. દંડ પાછળથી માફ કરવામાં આવ્યો હતો.

કપીલ સિબ્બલ સામાન્ય વકીલ છે, સંસદ પર પોતાની જોહુકમી ચલાવી શકે નહીં

રાજ્યસભાના સાંસદ અને સિનિયર વકીલ કપીલ સિબ્બલએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે ન્યાયાધીશ શેખર યાદવને બચાવવાની કોશિષ સરકાર કરી રહી છે. શેખર યાદવ પર ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં મહાભિયોગની કાર્યવાહી કરવા બાબતે અરજી થઈ હતી જેના પર રાજ્યસભાના ૫૫ સાંસદોએ સહી કરી હતી. સરકારે હજી સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી. સિબ્બલને આ વાતનો જવાબ આપતા સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજુએ કહ્યું હતું કે, કપીલ સિબ્બલ ફક્ત સામાન્ય વકીલ છે. તેઓ સંસદને સલાહ આપી શકે નહીં. સિબ્બલએ એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી શેખર યાદવ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી જસ્ટીસ યશવંત વર્મા સામે પણ કાર્યવાહી થવી જોઈએ નહીં. કિરેન રિજીજુએ ટોણો માર્યો હતો કે, કપીલ સિબ્બલ કોઈકને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. એક સિનિયર વકીલને આ શોભતું નથી.

પક્ષ નથી ઇચ્છતો કે હું ત્યાં રહું : દિલીપ ઘોષ

બંગાળ ભાજપના સિનિયર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષથી આજકાલ ભાજપ હાઇકમાન્ડ ખુશ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંગાળ મુલાકાત વખતે દુર્ગાપુર ખાતે રેલીનું આયોજન થયું હતું. સિનિયર નેતા હોવા છતા દિલીપ ઘોષ આ રેલીમાં હાજર રહ્યા નહોતા. રેલી શરૂ થાય તે પહેલા જ તેઓ દિલ્હી આવવા નીકળી ગયા હતા. દિલ્હી આવીને તેઓ બપોરે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા. દિલ્હીમાં તો એમણે પત્રકારો સાથે વાત કરી નહોતી, પરંતુ કલકત્તા એરપોર્ટ પર ઉતરીને એમણે કહ્યું હતું કે વડાપ્રધાનની રેલીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય એમણે તાત્કાલીક લીધો હતો, કારણ કે પક્ષના નેતાઓ એમને રેલીમાં જોવા માંગતા નહોતા. ઘોષએ એમ પણ કહ્યું હતું કે, રેલી માટે એમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. વગર આમંત્રણએ એમને રેલીમાં જવાનું યોગ્ય લાગ્યું નહોતું.

બિહારમાં મફત વીજનું શ્રેય લેવા નિતિશ અને તેજસ્વી વચ્ચે સ્પર્ધા

ગયા અઠવાડિયે નિતિશ કુમાર મફત વીજળીનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા ત્યારે સરકારને આ સમાચાર પાછા ખેંચવાની ફરજ પડી હતી. વીજળી સબ્સિડીની વિગતો સીએમઓ જાહેર કરે તે પહેલા લીક થઈ ગઈ હતી. એનાથી સરકારને ઈચ્છીત રાજકીય લાભ ન મળ્યો. આખરે ૧૭ જુલાઈએ નિતિશ કુમારે અપેક્ષિત યોજના સત્તાવાર રીતે જાહેર કરી. ફરી એકવાર નિતિશ કુમાર ટીકાનું કેન્દ્ર બન્યા છે, ખાસ કરીને આરજેડી નેતા તેજસ્વી યાદવે તુરંત આ યોજનાનું શ્રેય લઈ લીધું. વિપક્ષે તેજસ્વીના વીજળી મફત આપવાના ચૂંટણી વચન સાથે આ યોજનાને સાંકળી લીધી. તેજસ્વીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૦૦ યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી.

કેરળ ભાજપમાં ગુજરાતનો મલાયલી જોમ ભરી રહ્યો છે

માર્ચમાં જ્યારે રાજીવ ચંદ્રશેખર ભાજપ કેરળનો ચીફ બન્યો ત્યારે આ નિયુક્તિ સામાન્યપણે સંઘની પૃષ્ઠભૂમિથી અલગ મનાઈ હતી. ત્રણ મહિના પછી  ઉદ્યોગપતિમાંથી રાજકરણી બનેલા ચંદ્રશેખરે પોતાના પુરોગામીઓ કરતા અલગ વ્યૂહરચના અપનાવી. કેરળમાં ડિસેમ્બરમાં પાલિકા ચૂંટણીઓ થવાની છે ત્યારે આ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી વિકસીત કેરળમ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ૨૦૦૬માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ થવા અગાઉ ચંદ્રશેખરને કર્ણાટકમાંથી રાજ્યસભામાં મોકલાયા હતા. એ પહેલા તેઓ ઈન્ટેલ અને સોફ્ટેક સહિતની ટેક કંપનીઓ સાથે કામ કરી ચુક્યા છે. તેમણે શિકાગોમાં ઈલીનોઈસ ટેકનીકલ ઈન્સ્ટિટયુટ ઈલેક્ટ્રિકલ એન્જિનીયરીંગમાં બેચલર ડીગ્રી અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી હાંસલ કરી છે. ૧૯૯૪માં ભારત આવીને તેમણે બીપીએલ મોબાઈલની સ્થાપના કરી. ૨૦૨૧માં તેમની ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી તરીકે નિમણૂક થઈ. જો કે ગયા વર્ષે થિરુવનંથપુરમથી શશિ થરૂર સામે તેમનો પરાજય થયો હતો.

ઓડિશાના ભાજપના પ્રથમ સીએમને વધતી ગુનાખોરી સતાવી રહી છે

ગયા વર્ષે જ્યારે મોહન ચરણ માઝીએ ઓડિશાના ભાજપના પ્રથમ સીએમ તરીકે શપથ લીધા ત્યારે વડા પ્રધાન હાજર હતા. તેમણે માઝીને આદર્શ સીએમ ગણાવ્યા. ચાર વખત વિધાયક રહી ચુકેલા માઝીના પિતા શિક્ષક હતા અને રાષ્ટ્રપતિ મુર્મુની જેમ તેઓ પણ સંથલ સમુદાયના હોવાથી આદિવાસી મતદારોમાં તેમની વગ હતી. પણ હવે નિરીક્ષકોના મતે માઝીનો હનીમૂન સમય સમાપ્ત થઈ ગયો છે અને તેમના જ પક્ષના કાર્યકરો મહિલાઓ સામે વધી રહેલા ક્રૂર અપરાધોની ફરિયાદ કરી રહ્યા છે. વિપક્ષે આ તકનો લાભ લીધો. તાજેતરમાં પ્રશાસનની પોતાની ફરિયાદ પ્રત્યે નિષ્ક્રિયતાને કારણે કોલેજ વિદ્યાર્થિનીના કથિત બળાત્કાર અને આત્મહત્યાએ ભારે હોબાળો મચાવ્યો છે. પુરીમાં મચેલી ભગદડ અને ભાજપ નેતાએ સિવિલ કર્મચારીની કરેલી પિટાઈએ  ઓડિશામાં ભાજપની છબિ વધુ ખરાબ કરી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ કે ઓડિશાથી આવેલા રાષ્ટ્રપતિ મુર્મુએ ભુવનેશ્વર એઈમ્સમાં છાત્રાની બિનઆયોજિત મુલાકાત લીધી. કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સીએમ માઝી અને અનેક કેબિનેટ મંત્રીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લેવી પડી.

- ઈન્દર સાહની