Get The App

દિલ્હીની વાત : સંજય રાઉતે ફડણવીસના ખુલ્લેઆમ વખાણ કેમ કર્યા

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સંજય રાઉતે ફડણવીસના ખુલ્લેઆમ વખાણ કેમ કર્યા 1 - image

નવીદિલ્હી : બીએમસીની ચૂંટણી પછી મુંબઈના રાજકારણમાં આજકાલ સસ્પેન્સ ફિલ્મ જેવું વાતાવરણ છે. બીએમસીના મેયરની ખુરશી માટે મહાયુતિમાં આંતરીક ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. બીજી તરફ મહાયુતિના કટ્ટર વિરોધી સંજય રાઉતનું હૃદય પરિવર્તન પણ નવાઈ પમાડે એવું છે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે દાવોસની કડકડતી ઠંડીમાં વિદેશી રોકાણ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે એમના ટીકાકાર સંજય રાઉતે એમના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા છે. રાજકીય નીરિક્ષકો વિચાર કરી રહ્યા છે કે, સંજય રાઉત કઈ નવી ચાલ ચાલી રહ્યા છે. બીએમસીની ચૂંટણીમાં ભાજપને ૮૯ બેઠકો મળી છે એટલે મોટાભાઈની ભૂમીકામાં છે. ફડણવીસ કહી ચૂક્યા છે કે મેયર તો ભાજપના જ બનશે. હવે શિવસેના (એકનાથ શિંદે)એ એમને બરાબરના ફસાવ્યા છે. આ વાતાવરણ વચ્ચે સંજય રાઉતની પોસ્ટ બોમ્બ વિસ્ફોટ જેવી છે.

ઉમર ખાલીદ બાબતે ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચુડની સીધી વાત

જેએનયુના વિદ્યાર્થી અને આંદોલનકારી ઉમર ખાલીદ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. જામીન માટેના વારંવાર પ્રયત્ન કરવા છતાં એને જામીન મળતા નથી. આ વિવાદ ન્યુયોર્કના મેયર સુધી પહોંચ્યો છે. હવે ભૂતપૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે પણ આ બાબતે કડવી વાત કરી છે. એમણે કહ્યું હતું કે, સજા જાહેર થતા પહેલા જામીનનો દરેક નાગરીકને અધિકાર છે. આ ઉપરાંત ભૂતપૂર્વ સીજેઆઇએ ઉચ્ચ ન્યાયાલયો અને સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કરતી કોલેજિયમ વ્યવસ્થામાં પારદર્શિતા બાબતે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એમનું સૂચન હતું કે સામાન્ય વ્યક્તિને પણ ન્યાયાધિશની નિમણૂક પર વિશ્વાસ બેસે એ માટે કોલેજિયમમાં ખાસ વ્યક્તિઓને નિમવા જોઈએ. ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, 'આપણો કાયદો એક પ્રોજેક્શન પર આધારીત છે. આ પ્રોજેક્શન એવું છે કે કોઈપણ આરોપી એનો ગુનો પુરવાર નહીં થાય ત્યાં સુધી નિર્દોષ છે.'

ભારતની વિદેશ નીતિ બાબતે સંઘ પ્રમુખની ટકોર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત સમયાંતરે જાહેર કાર્યક્રમમાં સૂચીત ટીપ્પણીઓ કરતા રહે છે. ખાસ કરીને ભાજપના સિનિયર નેતાઓને સંભળાવવા માટે કેટલીક ટીપ્પણીઓ થતી હોય છે. હવે ભાગવતે લોકોને આત્મનિર્ભરતા માટે સ્વદેશી સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. એમનું કહેવું છે કે બને ત્યાં સુધી લોકોએ દેશમાં બનતી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ભારત ઇન્ટરનેશનલ ટ્રેડ કરે છે, પરંતુ કોઈ વિદેશી દેશના દબાણમાં આવવું જોઈએ નહીં. કોઈપણ દેશ ટેરીફ લગાવે કે દબાણ બનાવે તો ભારતે પોતાનો રસ્તો બનાવવો જોઈએ. આપણે બીજા દેશમાં રોજગારી વધારવાની ચિંતા કરવી નહીં જોઈએ કારણ કે એ જવાબદારી જે તે દેશની છે. વારે તહેવારે હિન્દુ સમાજની એકતાની વાત કરતા સંઘ અને ભાજપના નેતાઓથી વિપરીત ભાગવતે કહ્યું હતું કે, હિન્દુ સમાજની એકતા સંઘનું લક્ષ્ય નથી. આ જવાબદારી તમામની છે.

આતીશી મારલેનાની ટીપ્પણી પર વિવાદ વકર્યો

દિલ્હી વિધાનસભામાં શીખ ધર્મગુરુઓનું અપમાન કરવાનો મુદ્દો હવે રાજકીય બની ગયો છે. ફોરેન્સિક રીપોર્ટે બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે થઈ ગયા છે. ભાજપ આ મુદ્દે માફી અને કાર્યવાહીની માંગણી કરે છે. બીજી તરફ આપ આ મુદ્દાને રાજકીય કાવતરુ ગણાવે છે. હવે આખો કિસ્સો કદાચ સીબીઆઇ સુધી પહોંચશે. આપના નેતા આતીશી મારલેનાએ શીખ ધર્મગુરુઓ વિરુદ્ધ કરેલી ટીપ્પણીનો વિડિયો વિવાદના કેન્દ્રમાં છે. આ વિડિયોની ફોરેન્સીક તપાસ કરવાની માંગણી થઈ રહી છે. થોડા દિવસો પહેલા દિલ્હી વિધાનસભામાં શીખ ગુરુ તેગબહાદુર, ભાઈ શતિદાસ, ભાઈ મતિદાસ અને ભાઈ દયાલા શહિદ થયાના ૩૫૦ વર્ષ પુરા થયા એ બાબતે ચર્ચા થઈ રહી હતી. ગુરુ તેગબહાદુર વિરુદ્ધ આતીશીએ કેટલાક અયોગ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ ભાજપે મુક્યો હતો.

ઇરાન પરના હુમલા બાબતે અમેરિકાની દ્વિધા

છેલ્લા કેટલાક સમયથી જીઓ પોલીટીકલ નિષ્ણાંતો માની રહ્યા છે કે, અમેરિકા ગમે ત્યારે ઇરાન પર હુમલો કરશે. મધ્યપૂર્વમાં અમેરિકાનું સૌથી મોટુ એરબેઝ કટાર ખાતે છે. કટારે પોતાના એરબેઝ પરથી કેટલાક સૈનિકો પાછા ખેંચવાનો હુકમ કર્યો હતો. ટ્રમ્પે એકાએક જાહેરાત કરી કે ઇરાનમાં હત્યાઓ બંધ થઈ હોવાથી હવે બધુ થાળે પડી જશે. અમેરિકાના એરબેઝના વિમાનો જે ખસેડાયા હતા તેઓ પાછા ફરી રહ્યા છે. હવે એવી વાત બહાર આવી છે કે, અમેરિકાનું લશ્કર કાર્યવાહી માટે તૈયાર નથી. ઇગ્લેન્ડના એક અખબારમાં છપાયેલા સમાચાર પ્રમાણે અમેરિકન અધિકારીઓને ખાનગી રીતે ચેતવણી આપવામાં આવી હતી કે, દેશની સેના મર્યાદિત વિકલ્પો અને ક્ષમતાઓને કારણે ઇરાન પર હુમલો કરવા માટે તૈયાર નથી. આ ઉપરાંત ટ્રમ્પના કેટલાક સલાહકારો પણ ઇરાન સામે કાર્યવાહી નહી કરવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે, ઇરાનની લશ્કરી તાકાત ઓછી આંકી શકાય નહીં.

અરવિંદ કેજરીવાલનો ગુસ્સો સાતમા આસમાને

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી મૌન છે. જોકે ગુજરાતમાં અમદાવાદ ખાતે એમની સભાનું આયોજન થયું હતું ત્યારે છેલ્લી ઘડીએ સભાનું સ્થાન જે રીતે બદલવું પડયું એમા એમને ભાજપનું કાવતરૂ દેખાય છે. ભડકી ગયેલા કેજરીવાલે સોશ્યલ મીડિયા પર એકાએક ભાજપ સામે શાબ્દિક પ્રહારો શરૂ કર્યા છે. પંજાબમાં સત્તાપર આવ્યા પછી એમ મનાતું હતું કે પંજાબમાં ધીમે ધીમે આપની લોકપ્રિયતા ઓછી થશે. જોકે પેટા ચૂંટણીના પરિણામો જોતા લાગે છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટી સ્થિર છે. કેજરીવાલના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેજરીવાલની નજર હવે ગુજરાત પર છે. ૨૦૨૭ના વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ થશે. કેજરીવાલનું માનવું છે કે, ગુજરાતના મતદારો ધીરે ધીરે ભાજપથી વિમુખ્ત થઈ રહ્યા છે અને કોંગ્રેસ નબળી હોવાથી ગુજરાતમાં પણ પંજાબની માફક સત્તા પર આવી શકાય એમ છે.

મૌની અમાસના વિવાદમાં સત્ય શું

મૌની અમાસે પ્રયાગરાજ સંગમના કિનારે સ્નાન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા. એ વખતે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે વિવાદ થયો હતો. એવો આક્ષેપ હતો કે એમને પાલખીમાંથી ઉતારી નાખવામાં આવ્યા હતા અને પોલીસે એમના શિષ્યો સાથે મારપીટ કરી હતી. નારાજ થયેલા અવિમુક્તેશ્વરાનંદ પરત ફરી ગયા હતા. કેટલાક ભક્તોએ આ કિસ્સાની આકરી ટીકા કરી હતી. જોકે હવે સિક્કાની બીજી બાજુ પણ બહાર આવી છે. ભીડને કારણે ભાગદોડ ન થાય એ માટે એક ઇમરજન્સી પુલ રીઝર્વ રાખવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે અવિમુક્તેશ્વરાનંદજીના ભક્તોએ આ પુલ પરની બેરીકેડઝ તોડી નાખી એના પર ધસી ગયા હતા. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પાલખી પર બેસીને સ્નાનના સ્થળ સુધી જઈ શકતી નથી. જોકે શંકરાચાર્યની વિનંતીને કારણે એમને પાલખી પર બેસીને જવા દેવામાં આવ્યા હતા, પરંતુ સ્નાનના સ્થળેથી ફક્ત ૫૦ મીટર સુધી ચાલીને જવાનું કહેવામાં આવ્યું હતું, જેને કારણે શંકરાચાર્ય નારાજ થઈ ગયા હતા.