નવીદિલ્હી : આજકાલ ગલગોટીયા યુનિવર્સીટી વિવાદમાં છે. દિલ્હીમાં ચાલી રહેલા એઆઇ ઇમ્પેક્ટ સમીટીમાં ચીનમાં બનેલા એક રોબર્ટ ડોગને યુનિવર્સીટીએ બનાવ્યો હોવાનું જૂઠાણું ચલાવ્યા બદલ એમનો સ્ટોલ દુર કરવામાં આવ્યો છે. દેશભરમાં ગલગોટીયા યુનિવર્સીટી પર માછલા ધોવાઈ રહ્યા છે. હવે આ યુનિવર્સીટીની ક્રેડીબીલીટી સામે પણ સવાલ થઈ રહ્યા છે. ગલગોટીયા યુનિવર્સીટીની ગણના લિબ્રરલ તરીકે થાય છે. યુનિવર્સીટીના ડીન તરીકે ડો. રવિકાંત કિસાના છે. ભૂતકાળમાં પણ રવિકાંત કિસાના વિવાદમાં આવ્યા છે. એમણે લખેલા પુસ્તક 'મીટ ધ સવર્ણસ : ઇન્ડિયન મિલેનિયલ્સ હુઝ મિડિયોક્રસી બ્રોક એવરીથીંગ'માં સવર્ણોની આકરી ટીકા કરવામાં આવી છે. રવિકાંત કિસાનાએ સવર્ણોના લગ્નને નાર્સીસ્ટીક એટલે કે આત્મશ્લાઘાવાળા ગણાવ્યા છે. રવિકાંત પોતાને 'બફેલો ઇન્ટલએક્ચુઅલ' ગણાવે છે. આ પહેલા તેઓ ફ્લેમ યુનિવર્સીટી, આઇઆઇએમ હોઝીકોર્ડ, વોક્સેન યુનિવર્સીટીમાં પણ ભણાવી ચૂક્યા છે.
મમતા બેનર્જી વડાપ્રધાન મોદી પર કેમ ભડક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામકૃષ્ણ પરમહંસને 'સ્વામી' તરીકે સંબોધન કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સે થયા છે. રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતીને દિવસે મોદીએ એમને શ્રદ્ધાંજલી આપતી એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર મુકી હતી. આ પોસ્ટમાં એમણે રામકૃષ્ણ પરમહંસની આગળ સ્વામી સંબોધન ઉમેર્યું હતું. બગડેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'એક વખત ફરીથી આપણા પ્રધાનમંત્રીએ બંગાળની મહાન વ્યક્તિઓ પ્રત્યે સાંસ્કૃતિક અસંવેદનશીલતા બતાવી છે. આજે યુગાવતાર રામકૃષ્ણ પરમહંસની જન્મતીથિ છે આ પ્રસંગે મહાન સંતનું સન્માન કરવાની કોશિષમાં વડાપ્રધાને એમના નામ આગળ અનુચિત વિશેષણ સ્વામી જોડી દીધું છે. સ્વામી શબ્દ રામકૃષ્ણ પરમહંસના શિષ્યો માટે ઉપયોગમાં લેવાય છે. રામકૃષ્ણ પરમહંસ માટે કદી સ્વામી શબ્દનો ઉપયોગ થતો નથી. રામકૃષ્ણને ઠાકુર એટલે કે ભગવાનના રૂપમાં શ્રદ્ધાથી લોકો પૂજે છે. એમના અવસાન પછી એમના શિષ્યોએ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. એ કારણે એમના શિષ્યોને ભારતીય પરંપરા પ્રમાણે સ્વામી કહેવામાં આવ્યા હતા.'
દિલ્હીમાં હળવા વરસાદથી હવામાન 10 ડિગ્રી ઘટયું
દિલ્હીમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે, પરંતુ ગઈ કાલે એકાએક વરસાદ પડયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાપમાનમાં ૧૦ ડિગ્રીનો ઘટાડો થયો હતો. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ હતી ત્યારે દિલ્હીના લોકો ખુશ થઈ ગયા હતા. જ્યારે પણ હિમાચલ કે ઉત્તરાખંડમાં બરફ વર્ષા થાય છે ત્યારે દિલ્હીના પ્રવાસ શોખીનો મનાલી અને શીમલા જવા માટે ધસારો કરે છે. આ ધસારાને કારણે પહાડી વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ જાય છે અને દિવસો સુધી પ્રવાસીઓ ફસાયેલા રહે છે. આમ છતાં દિલ્હીવાસીઓનો ઉત્સાહ ઓછો થતો નથી. દર વર્ષે શિયાળામાં પ્રવાસીઓ કફોડી હાલતમાં મુકાઈ જાય છે છતાં હિમાચલ અને ઉત્તરાખંડની સરકારો પ્રવાસીઓની અગવડ ઓછી કરવા પ્રયત્ન કરતી નથી.
તારીક રહેમાનના સંબોધનથી બાંગ્લાદેશના લઘુમતિઓને ટાઢક
બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાને દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન બન્યા પછી પહેલા સંબોધનમાં એમણે દેશ સામેના પડકારો અને પોતાની સરકારની પ્રાથમિકતા જણાવી હતી. તારીકે દેશની લોકશાહી મજબૂત કરવા પર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય કરીને ભ્રષ્ટાચાર અટકાવવા પર ભાર મૂક્યો હતો. બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા કટ્ટરવાદ ખતમ કરીને ધાર્મિક આધારે કોઈપણ ભેદભાવ વિરુદ્ધ પગલા લેવાની વાતો કરી હતી. એમણે કહ્યું હતું કે, 'ભલે કોઈ મુસ્લિમ હોય, હિન્દુ હોય, બૌદ્ધ હોય કે ખ્રિસ્તી હોય. ધર્મને કારણે કોઈની નાગરીકતામાં ફેર પડશે નહીં. આ આપણા બધાનો દેશ છે. જેને આપણે સાથે મળીને આગળ લઈ જવાનો છે. એમ લાગે છે કે તારીક રહેમાનના વડાપ્રધાન બન્યા પછી બાંગ્લાદેશની ઇમેજમાં ઘણો ફેર પડશે.
ઝુમાં જાનવરો સાથે રમી શકો છો? સુપ્રીમનો વકીલોને ઠપકો
સાપના ઝેર મામલે ફસાયેલા એલ્વીસ યાદવની અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી. પોતાની સામે થયેલો કેસ રદ કરવા માટે એલ્વીસ યાદવએ માંગણી કરી હતી. જોકે સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સાપ બાબતે કરવામાં આવેલી દલીલો સાંભળ્યા પછી બંને પક્ષના વકીલોને બરાબર ઠપકો આપ્યો હતો. અરજી પર જસ્ટીસ એમ એમ સુંદરેશ અને જસ્ટીસ એન કે સિંહ સુનાવણી કરી રહ્યા હતા. યાદવ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને કહ્યું હતું કે, 'સાપોમાં ઝેરની ગ્રંથીઓ નહીં હતી.' આ દલીલ સાંભળીને કોર્ટે વાંધો લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, 'અમે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ થયેલી ફરિયાદને કારણે દુ:ખી છીએ. તમારો સામનો સાપો સાથે થયો છે કે નહીં? શું તમે પ્રાણી સંગ્રાહલયમાં જઈને ત્યાના જાનવરો સાથે રમી શકો છો? શું એ ગુનો બનતો નથી? તમને મન ફાવે એમ તમે કરી શકો નહીં.'
લોરેન્સ ગેંગની 'મેડમ ઝહર' બ્યુટીપાર્લર ચલાવતી હતી
અંડર વર્લ્ડમાં મહિલાઓની હાજરી નવી વાત નથી. એક જમાનામાં મુંબઈમાં દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરનો ભારે ડર હતો. લેડી ડોન તરીકે ઓળખાતી મહિલાઓની કમી નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલએ ૭ વર્ષથી ફરાર રહેલા બોબી કબુતરને એની સ્ત્રી મિત્ર સાથે પકડી લીધો છે. આ સ્ત્રી મિત્રની ઓળખ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સભ્ય ખુશ્નુમા અંસારી ઉર્ફ નેહા તરીકે થઈ છે. ગેંગમાં આ મહિલા 'મેડમ ઝહર' તરીકે ઓળખાય છે. ખુશ્નુમા અંસારી ઉત્તર - પુર્વ દિલ્હીમાં બ્યુટી પાર્લર ચલાવે છે. હકીકતમાં આ લેડી ડોન લોરેન્સ બિશ્નોઇ અને હાશીમ બાબા ગેંગ માટે ડ્રગ્સ સિન્ડીકેટ અને હથિયારો સપ્લાય કરવાની જવાબદારી પણ સંભાળતી હતી.
પાક.માં ભારતનું રાષ્ટ્રગીત ગાનાર વિદ્યાર્થીઓની યુનિ.માંથી હકાલપટ્ટી
પાકિસ્તાનમાં એક વિડિયો ખુબ વાયરલ થયો હતો. વિડિયોમાં એક વિદ્યાર્થી ભારતનું રાષ્ટ્રગીત ગાતો હતો અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ એને સાથ આપતા હતા. આ વિડિયો પાકિસ્તાનની બાચા ખાન યુનિવર્સીટીમાં સાંજે ૪ વાગ્યા પછી બનાવવામાં આવ્યો હતો. યુનિવર્સીટી કેમ્પસમાં યુથ ફેસ્ટીવલ ચાલી રહ્યો હતો. વાયરલ થયેલા વિડિયોમાં ફાર્મસીના વિદ્યાર્થી જીબ્રાન રિયાઝ ભારતનું રાષ્ટ્રગીત ગાતા દેખાય છે. વિડિયો બહાર આવ્યા પછી બાચા ખાન યુનિવર્સીટીની શિસ્ત સમિતિની બેઠક મળી હતી. ત્યાર પછી નોટીસ આપીને ચાર વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જીબ્રાન રિયાઝ, સૈયદ કાતીબ શાહ, બસીર ખાન અને મુરાદ ખાન સામે રાષ્ટ્રીય એકતા તોડવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ માફી માગી હોવા છતાં સત્તાધિશો એમને માફ કરવાના મૂડમાં નથી.


