Get The App

દિલ્હીની વાત : પાંચ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે કોલેજિયમની ભલામણ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પાંચ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે કોલેજિયમની ભલામણ 1 - image

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મળેલી બેઠકમાં દેશની અલગ અલગ હાઇકોર્ટોના ચીફ જસ્ટીસની નિમણૂક માટે પાંચ નામોની ભલામણ કરવામાં આવી છે. કેટલીક હાઇકોર્ટોના ચીફ જસ્ટીસ રીટાયર્ડ થઈ રહ્યા છે જ્યારે કેટલીક હાઇકોર્ટોના ચીફ જસ્ટીસની બદલી થવાને કારણે ખાલી પડેલી જગ્યા ભરવી જરૂરી બની છે. અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ મનોજકુમાર ગુપ્તાને ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમવાની ભલામણ કરવામાં આવી છે. હમણાના ચીફ જસ્ટીસ ૨૦૨૬ની ૯મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. કોલેજિયમએ બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ રેવતી પી. મોહિતે ડેરેને મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવાની ભલામણ થઈ છે. મેઘાલયના હમણાના ચીફ જસ્ટીસની બદલી કરવામાં આવી છે. આ સિવાય બોમ્બે હાઇકોર્ટના જ જસ્ટીસ એમ એ સોનકને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવાની ભલામણ થઈ છે.

'હું દિલ્હીમાં પગ પણ નહીં મુકુ...'  : સુનાલી ખાતુન

આ વર્ષના જૂન મહિનામાં સુનાલી ખાતુનને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી હતી. સુનાલી દિલ્હીમાં ઘરકામ કરતી હતી. સુનાલીનું વતન પશ્ચિમ બંગાળ છે. સુનાલીની ધરપકડ એના પતિ દાનીશ શેખ અને ૮ વર્ષના બેટા સાથે કરવામાં આવી હતી. એના પર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એને બાંગ્લાદેશ મોકલી આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની સરકારે આ ઘટનાની ટીકા કરી હતી. જોકે સુનાલી ખાતુન પાસે ભારતની નાગરીકતા હતી, જેને કારણે વિવાદ થયા પછી એને ફરીથી ભારત લાવવામાં આવી હતી. બાંગ્લાદેશથી ઘૂષણખોરી કરીને ભારત આવેલા ઘણા ઘૂષણખોરોને બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા છે. ભારતની બાંગ્લાદેશ સાથે ૪૦૯૬ કી.મી. લાંબી સરહદ છે. આ સરહદ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે. બેકારી અને ગરીબીને કારણે બાંગ્લાદેશથી લોકો ભારતમાં પ્રવેશે છે. ઘટનાને કારણે સુનાલી એટલી ડરી ગઈ છે કે હવે તે પશ્ચિમ બંગાળ છોડીને દિલ્હી આવવા માંગતી નથી.

તમે જમીનના માલિક નથી, તકિયા મસ્જિદની અરજી રદ 

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના પરિસરનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ વિસ્તરણ માટે જમીનનું સંપાદન ચાલુ છે. નજીક આવેલી તકિયા મસ્જિદની જમીનનું સંપાદન પણ કરવામાં આવશે. આ સંપાદનની સામે તકિયા મસ્જિદના સંચાલકોએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે. સુપ્રિમ કોર્ટે ચોખ્ખું કહ્યું છે કે અરજી કરનારાઓ જમીનના માલિક નથી ફક્ત ભક્ત છે. સંપાદનને ચેલેન્જ કરવાનો કોઈ હક એમની પાસે નથી. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો. મહોમદ તૈયબ વિરુદ્ધ શહેરી વિકાસ મંડળના કેસમાં આ ચૂકાદો આપવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન બેન્ચને લાગ્યુ હતું કે, સંપાદન બાબતે સીધી ચેલેન્જ કરવામાં આવી નથી, પરંતુ વળતરની માગણી બાબતે તકરાર છે. આવા કેસમાં કાયદાકીય રીતે બીજા વિકલ્પો પણ હોય છે. બેન્ચે ફરિયાદી વતી હાજર થયેલા વકીલ હુજેફા અહમદીને કહ્યું હતું કે, 'મૂળ પ્રશ્ન અલગ છે. સંપાદનને ચેલેન્જ કરવામાં આવ્યું નથી. ફક્ત એવોર્ડને ચેલેન્જ કરવામાં આવ્યો છે.'

ઉલ્ફા ચીફ બરૂવાને પાકિસ્તાન ઢાકામાં સ્થાયી કરશે

ભારતના પૂર્વ વિસ્તારોમાં પાકિસ્તાન ગરબડ કરવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનનું લશ્કર અને જાસુસી સંસ્થા આઇએસઆઇ હવે બાંગ્લાદેશની કામચલાઉ સરકારમાં પોતાનો પ્રભાવ વધારવાની કોશિષ કરે છે. શેખ હસીનાને સત્તા પરથી દુર કર્યા પછી બાંગ્લાદેશમાં પાકિસ્તાન તરફી તત્ત્વો સત્તા પર છે. પાકિસ્તાનનું આયોજન ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ફરીથી આંતકવાદને સક્રિય કરવાનું છે. એક જમાનામાં પૂર્વોત્તર રાજ્યોમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)નો આતંક હતો. ઉલ્ફાના પ્રમુખ પરેશ બરૂવાને ચીને આશરો આપ્યો છે. હવે પાકિસ્તાન બરૂવાને ચીનથી બાંગ્લાદેશના ઢાકામાં સ્થાયી કરવાની યોજના બનાવી રહ્યું છે. આજકાલ બાંગ્લાદેશમાં ફરીથી અસ્થિરતા છે ત્યારે આ વાત ભારત માટે ચિંતાજનક છે.

યુ-ટયુબર અનુરાગના ઘરે ઇડીનો દરોડો કેમ પડયો

મશહુર યુ-ટયુબર અને ફેન્ટસી ક્રિકેટ વિશ્લેષક અનુરાગ દ્વિવેદીના ઘર પર ઇડીએ દરોડો પાડયો છે. એના ઘરેથી કરોડો રૂપિયાની લક્ઝરી ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરીંગ અને ગેરકાયદેસર નાણાકીય હેરાફેરીના આરોપોથી ઘેરાયેલા અનુરાગ પાસે પાંચ કરોડ રૂપિયાની લેમ્બોર્ગીની, મર્સીડીઝ અને બીએમ ડબલ્યુ સહિત પાંચ મોટરો જપ્ત કરવામાં આવી છે. ઇડીની ટીમે અનુરાગના ઉનાવમાં નવાબગંજ ખાતે આવેલા ઘરે પહોંચી હતી. દરોડામાં મોટી સંખ્યામાં દસ્તાવેજો પણ મળ્યા છે. સોશ્યલ મીડિયા પર જાણીતી થયેલી રમત ડ્રીમ ૧૧ પર સટ્ટો રમાડીને પૈસા કમાઇ મિલકતો વસાવવામાં આવી હતી. ત્રણ બેગ ભરીને દસ્તાવેજો ઇડીની ટીમ પોતાની સાથે લઈ ગઈ છે. દરોડા દરમિયાન અનુરાગના ઘરેથી ૧૩ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા જેને એણે મેડિકલ સ્ટોરની કમાણી ગણાવી હતી.

ઓર્ડર ચોખ્ખા શબ્દોમાં લખો, કયાં ટાઇપ કરાવો : હાઈકોર્ટ

દેશની કેટલીક નીચલી કોર્ટોમાં હજી પણ કામચલાઉ ઓર્ડર હાથથી લખવામાં આવે છે. કેટલાક પેટા ચૂકાદાઓને ટાઇપ કરાવવામાં આવતા નથી. કેટલાક ન્યાયાધીશોના અક્ષરો ઉકેલવા મુશ્કેલ બની જાય છે. અલ્હાબાદ હાઇકોર્ટે હમણા જ રજીસ્ટાર જનરલને સૂચના આપી છે કે જિલ્લાના તમામ ન્યાયાધીશોને સૂચના આપો કે એમના અધિકાર હેઠળ આવતા ન્યાયીક અધિકારીઓ ઓર્ડર ચોખ્ખા શબ્દોમાં લખે, ક્યાં તો ટાઇપ કરાવે. જસ્ટીસ અરૂણકુમાર સિંહ દેશવાલની બેન્ચે હત્યાનો પ્રયાસ કરવાના આરોપી  હૈદર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી કરતી વખતે આ સૂચના આપી હતી. કોર્ટે જોકે છેવટે અરજી કરનારાઓને જામીન આપ્યા હતા, પરંતુ એણે બાગપતના એડિશનલ જિલ્લા એન્ડ સેન્સન જજ દ્વારા તૈયાર કરવામાં આવેલા હુકમની ગુણવત્તા બાબતે વાંધો લીધો હતો.

સૌરવ ગાંગુલીએ રૂ. 50 કરોડનો બદનક્ષીનો કેસ કર્યો

ખ્યાતનામ ફૂટબોલ ખેલાડી લીયોનેલ મેસીની કોલકત્તા ઇવેન્ટ વખતે અફરાતફરી થઈ હતી. આ ઇવેન્ટમાં ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી સૌરવ ગાંગુલી પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમમાં બનેલી ઘટનામાં ગાંગુલીનું નામ લેવામાં આવ્યું હતું જે પછી ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટને નારાજ થઈને ઉત્તમ શાહા વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. સૌરવ ગાંગુલી હમણા ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાલ (સીએબી)ના પ્રમુખ છે. ગાંગુલીએ કોલકત્તાના લાલ બજાર પોલીસ સ્ટેશનમાં ઉત્તમ શાહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગાંગુલીનો આરોપ છે કે શાહાએ એમને જાણી જોઇને સ્ટેડિયમાં થયેલી અફરાતફરી માટે જવાબદાર ગણાવ્યા છે. આને કારણે એમની પ્રતિષ્ઠાને નુકશાન થયું છે. શાહા આર્જેન્ટીના ફેન ક્લબના પ્રમુખ છે.