Get The App

દિલ્હીની વાત : મમતા બેનર્જી મોદી સાથે એક મંચ પર નહીં બેસે

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મમતા બેનર્જી મોદી સાથે એક મંચ પર નહીં બેસે 1 - image

નવીદિલ્હી : બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી ૨૨મી ઓગસ્ટે કોલકત્તા મેટ્રો ટ્રેનની યોજનાના ઉદ્ધાટન સમારોહમાં હાજર નહીં રહે. આ યોજનાનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. રાજ્ય સરકારના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. એમના કહેવા પ્રમાણે મેટ્રો યોજનાઓમાં હાજરી નહીં આપવાનો નિર્ણય ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળના લોકોને થતો અન્યાય છે. બંગાળના અધિકારીઓના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે એક મંચ પર બેસવા નથી માંગતા. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મમતાને પત્ર લખીને ઉદ્ધાટન સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. મમતાના અધિકારીઓના કહેવા પ્રમાણે આ યોજના મમતા જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે જાહેર થઈ હતી.

આતિશી અને સંજયસિંહને નોટીસ

કોંગ્રેસના નેતા સંદિપ દિક્ષીતએ આપના નેતા આતિશી અને સંજયસિંહ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. આ દાવા સંદર્ભે દિલ્હી હાઇકોર્ટે બંને નેતાઓ સામે નોટીસ કાઢી છે. નિચલી કોર્ટે આપેલા ચૂકાદાને સંદિપ દિક્ષીતએ ચેલેન્જ કર્યો હતો. હાઇકોર્ટે આતિશી અને સંજયસિંહને ૪ ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા કહ્યું છે. કોંગ્રેસના નેતાએ નિચલી કોર્ટમાં ચુકાદાની ફેરવિચારણા કરવા અરજી દાખલ કરી હતી. નિચલી અદાલતે આપના નેતાઓ વિરુદ્ધની એમની ફરિયાદ રદ કરી હતી. આતિશી અને સંજયસિંહએ આપેલું નિવેદન ચૂંટણી સમયએ આપેલું હોવાથી આક્ષેપ - પ્રતિઆક્ષેપનો મામલો હતો. સંદિપ દીક્ષિતના વકીલએ કહ્યું હતું કે આક્ષેપો અંગત હતા અને એમના અસીલની પ્રતિષ્ઠા બગડી હતી. આપના નેતાઓએ વાણી સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોની વાત કરી હતી.

સીધા મુદ્દા પર આવો, કપિલ સિબ્બલને સીજેઆઇનો ટોણો

અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીસી (એએમયુ)ના કુલપતિ તરીકે પ્રો. નયમા ખાતુનની નિમણૂકને અકબંધ રાખવાના હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી આર ગવઈ સહિત ત્રણ જજોની બેન્ચ ફરિયાદીને સાંભળી રહી હતી. બેન્ચમાં સીજેઆઇ ગવઇ ઉપરાંત જસ્ટીસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટીસ એન વી અંજારિયા પણ હતા. જસ્ટીસ ચંદ્રનએ એ વખતે પોતાને કેસથી અલગ કરી દીધા હતા. સુનાવણી વખતે જસ્ટીસ ચંદ્રનએ ખુલાસો કર્યો હતો કે, પ્રો. ફૈઝાન મુસ્તફાની જ્યારે ચાણક્ય રાષ્ટ્રીય વિધિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી ત્યારે તેઓ ત્યાના કુલાધિપતિ હતા. અલિગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના કુલપતિ તરીકે મુસ્તફાનું નામ પણ શોર્ટ લિસ્ટમાં હતું. આ પહેલા સિનિયર વકીલ કપિલ સિબ્બલએ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ થયેલી અરજી બાબતે લંબાણપૂર્વક કહેવાનું ચાલુ કર્યું હતું કે કુલપતિઓની નિમણૂક કઈ રીતે થાય છે. એ વખતે સીજેઆઇ ગવઇએ કંટાળીને કહ્યું હતું કે, પૂર્વભૂમિકા બાંધવાની જરૂર નથી. સીધા મુદ્દા પર આવો.

તેજપ્રતાપ યાદવ આ પક્ષની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે

કુટુંબ અને આરજેડીમાંથી દુર કરાયેલા બિહારના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી તેજપ્રતાપ યાદવએ કેટલાક દસ્તાવેજો મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસમાં જમા કરાવ્યા છે. આ દસ્તાવેજોમાં પોતાના પક્ષ જનશક્તિ જનતા દળને લગતા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેજપ્રતાપએ સીઇઓ સાથે પણ મીટીંગ કરી હતી. કાર્યવાહી ઝડપથી પુરી કરવા એમણે વિનંતી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઇઓએ એમને કહ્યું હતું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે જે જલ્દી પુરી કરવામાં આવશે. તેજપ્રતાપ યાદવએ જે પક્ષના દસ્તાવેજો ચૂંટણી કમિશનમાં જમા કરાવ્યા છે એ પક્ષની નોંધણી ૨૦૨૦માં થઈ ચૂકી છે. જે પક્ષને માન્યતા નથી મળી એવા પક્ષોએ પક્ષની કેટલીક હકીકતોના દસ્તાવેજો જમા કરાવવા પડતા હોય છે. ચૂંટણી આયોગે ૧૭ રાજકીય પક્ષોને નોંધણીમાંથી દુર કર્યા છે કે જેમણે છેલ્લા છ વર્ષમાં એક પણ ચૂંટણી લડી નથી. બિહારના ૧૫ પક્ષોને સીઇઓ ઓફિસ તરફથી નોટીસ આપવામાં આવી છે. જોકે તેજપ્રતાપની પાર્ટીનો સમાવેશ આ નોટીસમાં થતો નથી.

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સામે થયેલા આક્ષેપોનો જવાબ પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યો

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના સાંસદો સાથે કયારેક દલીલબાજીમાં ઉતરી પડતા હતા. હવે જ્યારે તેઓ પદ પર નથી ત્યારે એમની સામે જાતભાતના આક્ષેપો થઈ રહ્યા છે. એમની સામે એક એવો આક્ષેપ પણ થાય છે કે એમનો વ્યવહાર મહિલાઓ સાથે યોગ્ય રહ્યો નહોતો. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ ચતુર્વેદીને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે આ વાત સાચી નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે, 'ના તેઓ બીલકુલ એવા નહોતા. મહિલાઓ આગળ આવી શકે એ માટે તેઓ ઘણુ ધ્યાન રાખતા હતા. મહિલા સાંસદોને વધુમાં વધુ અનુભવ મળે એનો પ્રયત્ન પણ તેઓ કરતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે, મારે પણ એક બેટી છે એટલા માટે હું સમજી શકું છું કે મહિલાઓને આગળ લાવવા માટે શું કરવું જોઈએ.'

મનિષ સિસોદિયાના નિવેદનથી આપએ છેડો ફાડયો

પંજાબમાં આમ આદમી પાર્ટીએ સિનિયર નેતા મનિષ સિસોદિયાના એક નિવેદનથી છેડો ફાડયો છે. ૨૦૨૭ની ચૂંટણી માટે 'શામ, દામ, દંડ, ભેદ'ની ટીપ્પણી સિસોદિયાએ કરી હતી. કેબિનેટ મંત્રી અને પંજાબ આપના પ્રમુખ અમન અરોરાએ કહ્યું છે કે, આ વિચારધારા પક્ષની નથી. અમે કામને આધારે મત માગવા પર વિશ્વાસ રાખીએ છીએ. અરોરાનું કહેવું છે કે, 'જે વિડિયોની તમે વાત કરી રહ્યા છો એની સાથે અમે સહમત નથી. અરવિંદ કેજરીવાલએ હંમેશા સંદેશો આપ્યો છે કે, અમે લોકોની પાસે જઈશું, એમના દરવાજા ખટખટાવીશું અને ભગવંત માન સરકારે કરેલા વિકાસના કામોને આધારે મત માંગીશું. અમે હાથ જોડીને જનતાના દરબારમાં જઈશું.'

રખડતા કૂતરા મુદ્દે ભાજપ અને આરએસએસમાં મતભેદ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ દિલ્હીમા રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં મોકલવાનો આદેશ આપ્યો તેને લઈને ભાજપ અને આરએસએસના આગેવાનોમાં વિભાજન જોવા મળ્યું છે. જીવદયા માટે જાણીતી ભાજપની આગેવાન માણેકા ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવત સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સંમત થયા નથી. ્જ્યારે બીજી બાજુએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલ અને દિલ્હીા પ્રધાન પરવેશ શર્માએ રખડતા કૂતરાને આ પ્રકારે આશ્રયસ્થાનોમાં મોકલવાનો નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.  મોહન ભાગવતે ૧૪ ઓગસ્ટે કટકમાં જણાવ્યું હતું કે બધા પ્રાણીઓને જીવન જીવવાનો અધિકાર છે. માણેકા ગાંધીએ તો આ રીતે કૂતરા આ ચુકાદા સામે રીતસરનું પ્રચાર અભિયાન આદર્યુ છે. લેખ લખવા માંડી છે. તેના સંગઠનોને કામે લગાડયા છે.

રાજનાથે ફોન કરતાં જગન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ટેકો આપશે

આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની વાયએસઆરસીપી વિપક્ષની ભૂમિકામાં છે, પરંતુ તેણે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહના ફોન પછી એનડીએના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી પી. રાધાક્રિષ્નને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે જગનના સહાયકે જણાવ્યું હતું કે અમે સત્તા ગુમાવ્યા પછી પહેલી વખત ભાજપના આટલા કોઈ ટોચના નેતાએ જગન સાથે વાત કરી છે અને જગને પણ તેમનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. જગનના લોકસભામાં ચાર અને રાજ્યસભામાં સાત સાંસદ છે. ભાજપ પાસે પૂરતા આંકડા હોવા છતાં પણ આ રીતે જગનનું સમર્થન લીધું તે બતાવે છે કે તેઓ ઇન્ડિયા બ્લોક પર વિજય મેળવવામાં કોઈ કારી બાકી રહેવા દેવા માંગતા નથી. 

ચૂંટણીપંચ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યું છે: વિપક્ષ

લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા તરુણ ગોગોઈએ જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓમાં તે વાત પર સંમતિ બની છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમાર સામે કાર્યવાહી કરવામાં આવે. આના પગલે કદાચ પહેલી જ વખત  કોઈ ચૂંટણીપંચના વડા સામે મહાભિયોગ લાવવાનું શક્ય બની શકે છે. ગોગોઈએ વિપક્ષની સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાત જણાવી હતી. તેમા ઇન્ડિયા બ્લોકમાંથી નીકળી ગયેલી આમ આદમી પાર્ટી પણ હાજર હતી. વિપક્ષના નેતાઓએ કુમાર પર જૂઠુ બોલવાનું અને ભાજપના પ્રવક્તા તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ કુમારને હોદ્દા પરથી દૂર કરવાનું ગંભીર રીતે વિચારી રહ્યું છે. 

- ઇન્દર સાહની