Get The App

'ટ્રમ્પના આમંત્રણને ન્યુઝીલેન્ડે પણ ફગાવ્યું

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
'ટ્રમ્પના આમંત્રણને ન્યુઝીલેન્ડે પણ ફગાવ્યું 1 - image

નવીદિલ્હી: ન્યુઝીલેન્ડે ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ'માં જોડાવાનો ઇન્કાર કર્ર્યો છે. ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રીએ અમેરિકાના પ્રમુખના પ્રશ્નો બાબતે સ્પષ્ટતા માંગી છે. ટ્રમ્પનું કહેવું છે કે એમનો ઇરાદો ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કાયમી કરવાનો છે. આ પહેલા ટ્રમ્પે કેનેડાને પણ આ જ પ્રકારનું આમંત્રણ આપ્યું હતું પછી પાછું ખેંચી લીધું હતું. કારણ એ હતું કે દાવોસમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ નવા વર્લ્ડ ઓર્ડર બાબતે ભાષણ આપ્યું હતું. બોર્ડ ઓફ પીસનું પ્રમુખપદ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે. શરૂઆતમાં એમની ઇચ્છા ગાઝાના ભવિષ્ય માટે દેખરેખ રાખવા વૈશ્વિક નેતાઓને ભેગા કરવાની હતી. ટ્રમ્પની મહત્વકાંક્ષા એટલી વધી ગઈ કે દુનિયાના વિવિધ સંઘર્ષોમાં પોતે મોટા ભાઈ બનવા માંગે છે. યુએનની ભૂમિકાને ટ્રમ્પ પણ સાઇડ ટ્રેક કરવા માંગે છે. આ કારણે ઘણા દેશો સતર્ક થઈ ગયા છે.

સુનેત્રા પવાર માટે ભવિષ્યમાં ચેલેન્જ

અજીત પવારના થયેલા આકસ્મિક મૃત્યુ પછી એનસીપીને સ્થિર થતા સમય લાગશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઉથલ પાથલ થઈ હતી. મહાયુતિએ અજીત પવારના પત્ની સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી બનાવીને પરિસ્થિતિ સામાન્ય કરવાની કોશિષ કરી છે. જોકે રાજકીય નિરીક્ષકો સવાલ કરી રહ્યા છે કે સુનેત્રા પવાર આ મોટી જવાબદારી કઈ રીતે સંભાળી શકશે. મહારાષ્ટ્રએ અત્યાર સુધીમાં સુનેત્રા પવારની કામગીરીનો અનુભવ જોયો નથી. સુનેત્રા કદી રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા નથી. તેઓ બારામતીથી સુપ્રિયા સુલે સામે લોકસભાની ચૂંટણી લડયા હતા અને ત્યાર પછી ચૂટાઈને રાજ્ય સભામાં ગયા હતા. મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ પ્રવાહી છે. સુનેત્રા પાસે કોઈ અનુભવી સલાહકાર પણ નથી. એમના પર અચાનક જવાબદારી આવી ગઈ છે. આઘાતમાંથી બહાર આવવાનો સમય પણ એમને મળ્યો નથી.

એપસ્ટિન ફાઇલ્સ : પીએમનો ઉલ્લેખ, કેન્દ્રનો ખુલાસો, કોંગ્રેસની શંકા

દેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલએ એપસ્પીન ફાઇલ્સના એક ઇમેલ મેસેજમાં વડાપ્રધાન મોદી અને જેફ્રી એપસ્ટિનની મીટીંગ બાબતે કરવામાં આવેલા દાવાને નકારી કાઢયો છે. જેફ્રી એપસ્ટિન સામે યૌન શોષણ અને બાળાઓની દાણચોરીનો આરોપ હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, એપસ્ટિન સાથે જોડાએલી ફાઇલ્સમાં વડાપ્રધાનનું નામ પણ છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'આ રાષ્ટ્રીય શરમનો વિષય છે. પીએમ મોદી અમારા ત્રણ સવાલોનો સામે આવીને જવાબ આપે.' જોકે વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ૨૦૧૭ના જુલાઈ મહિનામાં વડાપ્રધાનની ઇઝરાઇલ મુલાકાત સિવાય ઇમેલમાં કહેવામાં આવેલી બાકીની વાતો બકવાસ છે. જોકે રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે રાજાએ શંકાથી પર હોવું જોઈએ. એપસ્ટિનના ઇમેલ વિશે વિદેશ મંત્રાલયનો ખુલાસો પુરતો નથી.

'અજીત પવાર અને મારી વચ્ચે 10 બેઠકો થઈ હતી'

એનસીપી (શરદ પવાર)ના નેતા જયંત પાટીલએ ધડાકો કર્યો છે કે, એનસીપી (અજીત પવાર) સાથે વિલિનીકરણ માટે ૧૦ મીટીંગો થઈ હતી. આ તમામ મીટીંગોની ખબર શરદ પવારને આપવામાં આવી હતી. સુનેત્રા પવારની સોગંદવિધિ અને રાજ ઠાકરેના નિવેદનો બાબતે તેઓ ચૂપ રહ્યા હતા. પાટીલના કહેવા પ્રમાણે બંને એનસીપી વચ્ચે ગયા વર્ષના માર્ચ મહિનાથી સતત વાતચીત ચાલી રહી હતી. બેઠકોની આગેવાની ખૂદ જયંત પાટીલે કરી હતી. આ બાબતની જાણકારી શરદ પવારને પહેલા જ આપવામાં આવી હતી. જિલ્લા પરિષદની ચૂંટણી પછી ૧૨મી ફેબુ્રઆરીએ બંને એનસીપીનું વિલિનીકરણ થવાનું હતું. સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એ બાબતે જયંત પાટીલનું કહેવું છે કે એ નિર્ણય એમના પક્ષનો આંતરીક છે. પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે મળીને આ નિર્ણય લીધો છે એટલે એના પર ટીપ્પણી કરવી યોગ્ય નથી.

અર્ધસૈનિક દળોના અધિકારીઓએ ઓફિસ બેગ માગતા ગૃહમંત્રાલયનો નનૈયો

કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવતા અર્ધસૈનિક દળોના ગ્રુપ 'એ'ના અધિકારીને બ્રીફકેસ, ઓફિસ બેગ કે લેડીઝ પર્સ નહીં મળે. કેન્દ્ર સરકારે નાણામંત્રાલયના વિવિધ અધિકારીઓને બ્રીફકેસ-  ઓફિસ બેગ અથવા તો મહિલા પર્સ ખરીદવા માટે એક રકમ નક્કી કરી છે. સીઆરપીએફએ પોતાના ગ્રુપ એના અધિકારીઓ માટે આ પ્રકારની બ્રીકકેસ કે લેડીઝ પર્સની માગણી કરતો પ્રસ્તાવ ગૃહમંત્રાલય સમક્ષ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પહેલા પણ કેન્દ્રીય અર્ધસૈનિક દળો તરફથી આવો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યો નહોતો. ૨૦૨૦ના વર્ષમાં પણ આ જ પ્રકારના પ્રસ્તાવ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીએપીએફને સૂચના આપી હતી. તે વખતે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આવા પ્રસ્તાવને મંજૂરી આપી શકાય નહીં.

બીજા લગ્ન પછી પણ વિધવા મહિલાને કૌટુંબીક પેન્શન મળે ?

દિલ્હી હાઇકોર્ટમાં કૌટુંબીક પેન્શન સંબંધીત એક કેસની સુનાવણી થઈ હતી. મૃત્યુ પામેલા કર્મચારી પછી આપવામાં આવતા પેન્શન બાબતે દલીલો થઈ હતી. કેસની સુનાવણી જસ્ટીસ અનિલ ક્ષેત્રપાળ અને અમીત મહાજનની બેન્ચે કરી હતી. દલીલોમાં ચર્ચા થઈ હતી કે, કૌટુંબીક જવાબદારી કોની બને છે અને આશ્રિતોના હક કયા છે. સીઆરપીએફના એક જવાનનું ડયુટી દરમિયાન મૃત્યુ થયું હતું. એમના મૃત્યુ પછી નિયમ પ્રમાણે એમના પત્નીને કૌટુંબીક પેન્શન મળતું હતું. થોડા સમય પછી વિધવાએ બીજા લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી મૃત્યુ પામેલા જવાનના માતા-પિતાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે, પુનર્વિવાહ પછી વિધવા પેન્શન માટે હકદાર નહોતી. આ કિસ્સો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે માતા-પિતાની દલીલો માની શકાય એમ નથી. કૌટુંબીક પેન્શન કોઈ વારસાયી હક નથી. સરકાર તરફથી આપવામાં આવતી સામાજીક સુરક્ષા છે. પેન્શન કોને આપવું એ પહેલેથી જ નક્કી કરવામા આવ્યું હોય છે. મૃત્યુ પામેલા કર્મચારીની પત્ની જો હયાત હોય તો એ પેન્શનની હકદાર બને છે.

ફોન ટેપીંગ બાબતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સીટ સમક્ષ હાજર થયા

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમીતીના પ્રમુખ ચંદ્રશેખર રાવ ફોન ટેપીંગ બાબતે એસઆઇટી સમક્ષ હાજર થયા હતા. ચંદ્રશેખર રાવની કરવામાં આવેલી પૂછપરછની ચર્ચા હૈદ્રાબાદમાં થઈ રહી છે. એમના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. પક્ષના કાર્યકરોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચંદ્રશેખર રાવ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગેરકાયદેસર રીતે ટેલીફોન ટેપીંગ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડની તપાસ કરી રહેલી એસઆઇટીએ કેસીઆરને નોટીસ આપીને બોલાવ્યા હતા. આ પહેલા પણ કૌભાંડ સાથે સંકળાયેલા કેટલાક મોટા નેતાઓની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ કરનાર એજન્સીએ પહેલા કેસીઆરના પુત્ર કેટી રામા રાવ અને ભત્રીજા ટી હરીશ રાવની પૂછપરછ કરી હતી. તપાસનું પરીધ વધારવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ કૌભાંડ સાથે જોડાયેલી તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. પૂર્વ ડીસીપી પી રાધાકૃષ્ણ રાવએ ફોન ટેપીંગનો આરોપ મૂક્યો હતો.