Get The App

દિલ્હીની વાત : 'થોડી રાહ જુઓ, ચૂકાદો આપીને જ નિવૃત્ત થઈશ'

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'થોડી રાહ જુઓ, ચૂકાદો આપીને જ નિવૃત્ત થઈશ' 1 - image

નવીદિલ્હી : તામિલનાડુના રાજ્યપાલએ એક અગત્યના બિલને મંજૂરી આપવાને બદલે રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યું હતું. રાજ્યપાલના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સીજેઆઇ જસ્ટીસ બી આર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ તામિલનાડુ સરકારની અરજી સાભળી રહી હતી. તામિલનાડુ સરકાર તરફથી હાજર થયેલા સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાજ્યપાલના નિર્ણય પર સવાલ કરીને કહ્યું હતું કે, ગવર્નર આમ કરી શકે નહીં. સિંઘવીની આ દલીલ સામે સીજેઆઇ ગવઈએ કહ્યું હતું કે, આ અરજી પર નિર્ણય લેતા પહેલા રાષ્ટ્રપતિના નિર્ણયની રાહ જુઓ. સીજેઆઇ બી આર ગવઇ અને જસ્ટીસ કે વિનોદચંદ્રની બેન્ચે કહ્યું હતું કે આ બાબતે બંધારણ બેન્ચના નિર્ણય પછી જ સુનાવણી થશે. સુનાવણી દરમિયાન સિંઘવીએ કહ્યું હતું કે બિલને ગવર્નરએ રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યું છે અને રાષ્ટ્રપતિ કોઈ નિર્ણય લેશે તો પછી શું થશે? આ બાબતે સીજેઆઇ ગવઈએ કહ્યું હતું કે અમે ઝડપથી કોઈ હુકમ કરીશું નહીં. થોડી રાહ જુઓ, હું ચૂકાદો આપ્યા પછી જ નિવૃત્ત થઈશ.

ટિકિટ કપાતા ભાજપના ધારાસભ્યનું મગજ છટક્યું

ગોવિંદગંજના ધારાસભ્ય સુનીલ મણી તિવારી ભાજપની ટિકિટ કપાયાથી ગુસ્સે થઈ ગયા છે. ટિકિટ કપાયાની જાણ થતા એમણે કાર્યકરોની એક મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં એમણે પક્ષના નેતાઓ પ્રત્યે ગુસ્સો ઠાલવ્યો હતો. કાર્યકર્તાઓ પણ પક્ષના સિનિયર નેતાઓ પર વરસી પડયા હતા. ગોવિંદગંજ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોએ એક પછી એક ઉભા થઈને કહ્યું હતું કે ધારાસભ્યએ કેટલી ઉત્તમ કામગીરી કરી છે. સારી કામગીરી કરી હોવા છતા પક્ષે એમની ટિકિટ કાપી છે. ધારાસભ્યએ કહ્યું હતું કે, ૪૦ વર્ષ સુધી અમે પક્ષ માટે કામ કર્યું. જેમણે અમારા મો નજીક આવેલું અન્ન છીનવ્યું છે, અમે એમને ખાવા દઈશું નહીં. આનો જવાબ અમે આપીશું. મારી તાકાત મારા કાર્યકરો છે. હવે કોઈપણ ટોચનો નેતા બોલાવશે તો પણ હું જવાનો નથી.

ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે માયાવતીએ રણનીતિ તૈયાર કરી

બીએસપીના પ્રમુખ માયાવતીએ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. એમણે લખનૌમાં પક્ષના કાર્યકર્તાઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે એમના ભત્રીજા આકાશ આનંદની તબિયત ખરાબ હોવાથી તેઓ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. ચૂટણીની રણનીતિ તેમજ પાંચમી વખત સરકાર બનાવવાના પ્રયત્ન બાબતે માયાવતીએ આ બેઠક બોલાવી હતી. બેઠકમાં માયાવતીએ પક્ષના નેતાઓને ચૂંટણીની તૈયારી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉત્તર પ્રદેશમાં પાંચમી વખત બીએસપીની સરકાર બનાવવા બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી. માયાવતીએ માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, બુથ લેવલે સંગઠન બનાવવાનું કામ આવતા ત્રણ મહિનામાં પૂરુ કરવામાં આવે. દરેક સમાજના લોકોને પક્ષ સાથે જોડવા સૂચન કરવામાં આવ્યું હતું.

આરએસએસની શાખા પર પ્રતિબંધ મૂકવાને મામલે સિદ્ધારમૈયા ખડગેની પડખે

કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગે કેટલાક સમયથી રાષ્ટ્રીય સેવક સંઘ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે. ખડગેએ સોશ્યલ મીડિયા એક્સ પર એક ઓડિયો ક્લિપ મૂકી છે. આ ઓડિયો ક્લિપમાં કોઈ વ્યક્તિ સંઘ વિરુદ્ધ બોલવા માટે ખડગેના માતા-પિતાને ગાળો આપી રહી છે. આ બાબતે સવાલ કરતા ખડગેએ કહ્યું છે કે શું શાખાઓમાં આ જ શિખવવામાં આવે છે. મંત્રીને ચારે તરફથી ઘેરવામાં આવતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મંત્રીના ટેકામાં બહાર આવ્યા છે. એમણે કહ્યું છે કે આ રીતે ધમકી આપવી એ દુષ્ટ માણસોનું કામ છે. આવી ધમકીથી ન તો પ્રિયંક ખડગે ડરવાના છે કે ન તો હું. પ્રિયંક ખડગેએ કહ્યું છે કે એમને ફોન પર પણ ધમકીઓ મળી રહી છે.

તારીક અનવરના નિશાન પર અલ્લાહ વરૂ કે રાજેશ રામ?

કોંગ્રેસ પક્ષના સિનિયર સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તારીખ અનવરે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ૪૮ ઉમેદવારોની પસંદગી બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે. એમણે કહ્યું છે કે, જે ઉમેદવાર પાછલી ચૂંટણીમાં મામુલી અંતરથી હારી ગયા હતા એમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. જેઓ હજારો મતના માર્જીનથી હાર્યા હતા એમને રીપીટ કરવામાં આવ્યા છે. તારીક અનવરે ટિકિટ વહેંચણી બાબતે ભેદભાવના આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે આવી પસંદગીને કારણે કાર્યકર્તાઓ પણ નારાજ છે. કોંગ્રેસની યાદી બાબતે તારીક અનવરની ટીકાને બિહાર પાર્ટી પ્રભારી કૃષ્ણ અલ્લાહ વરૂ અને પ્રદેશ પ્રમુખ રાજેશ રામ નિશાન પર હોવાનું મનાય છે. મહાગઠબંધનએ હજી સુધી ખુલાસો કર્યો નથી કે કયા પક્ષને કેટલી બેઠકો મળશે. મહાગઠબંધનના સૂત્રોના કહેવા પ્રમાણે બેઠક વહેંચણીની બાબત કોંગ્રેસે ટલ્લે ચઢાવી છે.

મુકેશ સહની વિધાનસભાની ચૂંટણી નહી લડે

વિકાસશીલ ઇનસાન પાર્ટી (વીઆઇપી)ના પ્રમુખ મુકેશ સહની બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. પહેલા દરભંગા જિલ્લાની ગૌડા બૌરામ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત કહી હતી. હવે એમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. સહનીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, મહાગઠબંધનની સરકાર બન્યા પછી તેઓ ડેપ્યુટી સીએમ બનશે. એમણે રાજ્યસભાની બેઠક ઓફર થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો. મહાગઠબંધનની બેઠક વહેંચણી ગૂંચમા પડી છે ત્યારે વીઆઇપીના સાથી પક્ષો આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકો બાબતે સંમતી બની રહી છે. વીઆઇપીએ તો જાહેર પણ કરી દીધું હતું કે મુકેશ સહની ગૌડા બૌરામની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. જોકે ઉમેદવારી પત્ર ભરવાના આગલા  દિવસે એ બેઠક પર આરજેડીના ઉમેદવાર અફઝલ અલીએ ઉમેદવારી પત્ર ભરી દીધું હતું.

રાહુલ ગાંધીને મોટી રાહત

વારાણસીની એમપીએમએલ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. અમેરિકાની મુલાકાત વખતે શિખો વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ થઈ હતી. એમપી - એમએલએ કોર્ટે આ ફરિયાદ રદ કરી છે. કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી સિનિયર વકીલ અનુજ યાદવ, નરેશ યાદવ અને સંદીપ યાદવ ઉભા રહ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાહુલ ગાંધીએ અમેરિકામાં એવું નિવેદન આપ્યું હતું કે ભારતમાં શિખો માટે પરિસ્થિતિ ખરાબ છે. આ નિવેદનને તિલમાપુર સારનાથના નાગેશ્વર મિશ્રએ દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવાનું કાવતરૂ ગણાવ્યું હતું. ત્યાર પછી એમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. નીચલી કોર્ટે આ ફરિયાદ કાઢી નાખતા નાગેશ્વર મિશ્ર ઉપલી કોર્ટમાં ગયા હતા ત્યાંથી પણ એમની ફરિયાદ કાઢી નાખવામાં આવી છે.