Get The App

દિલ્હીની વાત : પ્રશાંત કિશોરએ અરવિંદ કેજરીવાલવાળી કરી

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પ્રશાંત કિશોરએ અરવિંદ કેજરીવાલવાળી કરી 1 - image

નવીદિલ્હી : ગાજ્યા મેહ વરસ્યા નહીં. જનસુરાજ પક્ષના સંસ્થાપક પ્રશાંત કિશોરએ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા દાવાઓ કર્યા હતા, પરંતુ એમનો સંપૂર્ણ રીતે રકાસ થયો છે. હાર પછી કેટલાક દિવસો સુધી તેઓ મીડિયાથી દુર રહ્યા હતા. છેવટે એમણે પત્રકારોને મળવું પડયું. એમણે શરૂઆતમાં તો હળવા ટોનમાં કહ્યું હતું કે જે પક્ષને ૩.૫ ટકા મત મળ્યા છે એમને પણ પત્રકારો મળવા આવે છે એ મોટી વાત છે. બિહારમાં અમે પ્રમાણીકતાથી પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી નહીં. સંપૂર્ણપણે હું હારની જવાબદારી સ્વિકારૂ છું. વ્યવસ્થા બદલવાની વાત તો દુર રહી, પરંતુ અમે સત્તા પરિવર્તન પણ કરી શક્યા નહીં. પ્રશાંત કિશોરને જ્યારે પૂછવામાં આવ્યું કે, એમણે આપેલા વચન પ્રમાણે હાર પછી તેઓ હવે રાજકારણ છોડશે કે નહીં એ વખતે પ્રશાંત કિશોરએ અરવિંદ કેજરીવાલ જેવો ગોળગોળ જવાબ આપતા કહ્યું હતું કે, હું ક્યાં કોઈ પદ પર છું કે મારે રાજીનામું આપવું પડે.

હાર પછીની મીટીંગમાં તેજસ્વી લાગણીશીલ થઈ ગયા

બિહાર વિધાનસભા ચૂંટણીની હારથી લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ હલી ગયું છે. હાર પચાવવી એમના માટે મુશ્કેલ બની ગઈ છે. તેજસ્વી યાદવ ભલે આરજેડી ધારાસભ્યદળના નેતા ચૂંટાઈ ગયા હોય, પરંતુ પક્ષમાં મોટા પાયે ગરબડ છે. પક્ષના કેટલાક કાર્યકરો અને વચલી હરોળના નેતાઓ ગમે ત્યારે પક્ષને રામ રામ કરી શકે એમ છે. કૌટુંબિક ઝઘડાને કારણે તેજસ્વી યાદવની ઇમેજ પણ બગડી છે. ચારે તરફથી ઘેરાયેલા તેજસ્વી યાદવ ધારાસભ્યોની બેઠકમાં લાગણીશીલ થઈ ગયા હતા. એમણે ત્યાં સુધી કહી દીધું હતું કે તેઓ ધારાસભ્યની ઇચ્છા હોય તો તેઓ નેતૃત્વ છોડવા તૈયાર છે. ધારાસભ્ય ઇચ્છે તો પોતાને બદલે બીજા કોઈને નેતા પસંદ કરી શકે છે. ધારાસભ્યોને એમણે એમ પણ કહ્યું હતું કે મને લાગે છે કે મારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિને મૂકવામાં આવશે તો સંગઠન વધુ મજબૂત થઈ શકે એમ છે. રાજકીય નીરિક્ષકોના કહેવા પ્રમાણે તેજસ્વી યાદવ અને બીજા કેટલાક નેતાઓ પર ટિકિટની વહેંચણી બાબતે ગંભીર આક્ષેપો થયા હોવાથી તેજસ્વી દુઃખી છે.

મોબ લિંચીગના આરોપીને પક્ષમાં લઈને ભાજપ ફસાયો 

ભારતીય જનતા પાર્ટીએ પાલઘરના એનસીપીના નેતા કાશીનાથ ચૌધરીને પક્ષમાં લેવાનો નિર્ણય ફેરવી તોળવો પડયો છે. કાશીનાથ ચૌધરી પર ૨૦૨૦ના વર્ષમાં બે હિન્દુ સાધુઓની હત્યાનો આરોપ છે. પક્ષના ટોચના નેતાઓ અને કાર્યકરોએ કાશીનાથ ચૌધરીના ભાજપ પ્રવેશનો વિરોધ કર્યો હતો. જ્યારે પાલઘરમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષને મજબૂત કરવાને બહાને ભાજપે કાશીનાથ ચૌધરીને પક્ષમાં લીધા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે જોકે એમના પ્રવેશ પર બ્રેક મારી દીધી છે. એમણે કહ્યું છે કે, કિસ્સાની સંવેદનશીલતા જોતા ચૌધરીને પક્ષમાં લઈ શકાય નહીં. પહેલા પક્ષના પ્રવક્તા નવનાથ બાને કહ્યું હતું કે ચૌધરી પાલઘર લિંચીગ કેસના સાક્ષી છે અને સીબીઆઇએ કરેલી તપાસમાં એમનું નામ આરોપી તરીકે કોઈ જગ્યાએ નથી.

દરગાહની મુલાકાત નહીં લઈને અખિલેશ યાદવ મુશ્કેલીમાં

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં આઠ નેતાઓને મળવા ગયા હતા. જોકે તેઓ દરગાહ આલા હઝરતથી દુર રહ્યા હતા. સપા માટે કદાચ આ દરગાહનું મહત્ત્વ નહીં હોય, પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શાહબુદ્દીને આ બાબતે વાંધો લીધો છે. એમણે સુન્નિ મુસલમાનો તરફથી બોલતા કહ્યું હતું કે, અખિલેશે દરગાહ નહીં જઈને સુન્નિ મુસલમાનોને નારાજ કર્યા છે. જોકે અખિલેશ યાદવ જ્યારે મોકો મળે ત્યારે વિવિધ દરગાહની મુલાકાત લેતા રહે છે. અખિલેશ યાદવ ૨૦૧૨ના વર્ષમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ સૌથી પહેલા દરગાહની મુલાકાત લીધી હતી. ત્યાર પછી ૨૦૧૩માં એમણે દરગાહ સાથે જોડાયેલા આબીદ ખાનને રાજ્ય એકીકરણ પરિષદના ઉપપ્રમુખ બનાવ્યા હતા. દરેક વર્ષે ઉર્શ દરમિયાન અખિલેશ યાદવ તરફથી ચાદર મોકલવામાં આવે છે.

અનામત 50 ટકા કરતા વધુ કઈ રીતે હોઈ શકે છે : સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્રની સ્થાનિક ચૂટણીઓ સંદર્ભે ઓબીસીની અનામત બાબતે મોટી વાત કરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે ઓબીસી અનામત પર એમણે આપેલા ચૂકાદાને અધિકારીઓ યોગ્ય રીતે સમજી શક્યા નથી. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચીની બેન્ચે કહ્યું હતું કે, ૨૦૨૬માં ૩૧મી જાન્યુઆરીએ થનારી ચૂંટણીમાં કુલ અનામત ૫૦ ટકાથી વધારે કરી શકાય નહીં. આ વિવાદ વિકાસ કિશનરાવ ગવલી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના કેસ પછી ઉભો થયો છે. સુપ્રિમ કોર્ટે પહેલા ઓબીસી માટેનો ૨૭ ટકા ક્વોટા નાબુદ કર્યો હતો અને અનામત માટે 'ટ્રીપલ ટેસ્ટ' આધારે નક્કી કરવા કહ્યું હતું. અનામત નક્કી કરવા માટે વિવિધ ડેટા ભેગા કરીને ક્વોટાને આધારે અનામત નક્કી કરવા માટે એક આયોગની સ્થાપના કરવા માટે પણ સરકારને કહેવામાં આવ્યું છે. જોકે સરકારે જોવું પડશે કે એસસી, એસટી અને ઓબીસીની સંયુક્ત અનામત ૫૦ ટકાથી વધુ નહીં હોય.

મોહમદ યુનુસને ડહાપણની દાઢ ફૂટી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટે ફાંસીની સજા જાહેર કરી છે. આ સજાનો વિરોધ વિશ્વભરમાંથી થઈ રહ્યો છે. બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર અને ડી ફેક્ટો વડા મોહમદ યુનુસને હવે એકાએક ડહાપણની દાઢ ફૂટી છે. મોહમદ યુનુસએ કહ્યું છે કે બાંગ્લાદેશની કોર્ટોએ ખૂબ સ્પષ્ટતાથી ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદાની દેશ અને વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ગુનાની સજા અને દોષિત સાબિત કર્યા પછી એ નક્કી થઈ ગયું છે કે કોઈ ગમે તેટલું શક્તિશાળી હોય તો પણ કાયદાથી ઉપર નથી. યુનુસના કહેવા પ્રમાણે આ ચુકાદો ૨૦૨૪ના જુલાઈ - ઓગસ્ટ મહિનામાં સંઘર્ષ કરનારને સમર્પીત છે. આજે પણ તકલીફમાં જીવી રહેલા લોકો માટે આ ચૂકાદો ન્યાય મળવા બરાબર છે.

દુલારચંદ યાદવના ગામમાં પણ અનંતસિંહનો વટ કાયમ રહ્યો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને જીત મળ્યા પછી બિહારની મોકામા વિધાનસભા બેઠક ચર્ચામાં છે. ચૂંટણીના થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં દુલારચંદ યાદવ નામની વ્યક્તિની હત્યા થઈ હતી. હત્યાનો આરોપ જેડીયુના ધારાસભ્ય અનંતસિંહ અને એમના ટેકેદારો પર લાગ્યો હતો. દુલારચંદ યાદવની હત્યા એમના જ ગામ તારતરમાં થઈ હતી. હત્યા પછી એવી ચર્ચા થઈ હતી કે, હવે અનંતસિંહનો દબદબો કાયમ રહેશે કે નહીં. ચૂંટણીના પરિણામો પછી તારતર ગામના બૂથના રીપોર્ટ આવ્યા છે. પરિણામોમાં જોવા મળ્યું છે કે અહીં અનંતસિંહનો દબદબો કાયમી છે. ચૂંટણી કમિશનરના આંકડા પ્રમાણે તારતર ગામનું બુથ ૨૨૪ નંબર હેઠળ આવે છે. અહીં અનંતસિંહને ૨૬૪ મત મળ્યા હતા અને વિરોધી સુરજભાનસિંહને ૧૭૪ મત મળ્યા હતા.