Get The App

વસ્તી ગણતરીનું કામ 2027થી શરૂ થશે

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
વસ્તી ગણતરીનું કામ 2027થી શરૂ થશે 1 - image

નવીદિલ્હી: ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વસ્તી ગણતરીનું કામ ૨૦૨૭થી શરૂ થશે. વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં મકાનોનો સર્વે થશે. જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી થશે. મકાનની ગણતરીનું કામ ૨૦૨૬ના અંતભાગમાં પુરૂ કરવામાં આવશે. દર વખતે વસ્તી ગણતરીનું કામ શિક્ષકોને માથે મારવામાં આવે છે. આ વખતે શિક્ષકો સિવાય બીજા બેરોજગારોને પણ વસ્તી ગણતરીનું કામ સોંપાશે અને એમને લગભગ ૨૦ હજાર સુધીનું વળતર આપવામાં આવશે. વસ્તી ગણતરીને સફળ કરવા માટે વાહનો સહીત બીજી સગવડો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે. વસ્તી ગણતરી કરનારાઓને તાલીમ પણ આપવામાં આવશે. ખાસ કરીને ડિજિટલ ડેટા એકત્રીત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. દેશમાં લગભગ ૧૨૫ રાષ્ટ્રીય ટ્રેનર્સ, અઢી હજાર માસ્ટર ટ્રેનર્સ અને પચાસ હજાર ફીલ્ડ ટ્રેનર્સ મળીને ગણતરી કરશે.

બીએમસીની ચૂંટણીમાં ભાજપની જીત ઐતિહાસીક નથી

મુંબઈ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ૮૯ બેઠકો જીતી હોવા છતાં એના આનંદમાં પંચર પડે એવી વાત બહાર આવી રહી છે. ૨૦૦૨ પછી પહેલી વખત કોઈપણ પક્ષે આટલી બેઠકો મેળવી છે. આમ છતાં પક્ષના કેટલાક નેતાઓ ખુશ નથી. એમને લાગે છે કે અપેક્ષા જેવો દેખાવ રહ્યો નથી. ભાજપના કેટલાક નેતાઓને અપેક્ષા હતી કે ભાજપ ૧૧૨ કરતા વધુ બેઠકો મેળવશે. બેઠકો ઓછી આવવાને કારણે હવે પક્ષે કારણો જાણવા માટે આંતરીક તપાસ શરૂ કરી છે. કેટલાક નેતાઓ માને છે કે, મુંબઈ એકમમાં સંકલનનો અભાવ હતો. કેટલાક ઉમેદવારો ખોટા પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મરાઠી ગૌરવના પ્રચારનો જવાબ ભાજપ યોગ્ય રીતે આપી શક્યો નહોતો. રાજકીય નીરીક્ષકોનું કહેવું છે કે, અન્ય પક્ષોમાંથી ૧૧ કોર્પોેટરોને પક્ષમાં લેવામાં આવ્યા હતા. જેને કારણે પક્ષના કોર્પોરેટરોની સંખ્યા ૯૩ થઈ હતી. ભાજપ ૯૩ બેઠકો પરથી પણ જીતી શક્યું નહીં.

ઓછી લાયકાતવાળી પોસ્ટ માટે સરકાર વધુ લાયકાતવાળાને બહાર રાખી શકે

દેશના દરેક રાજ્યને સરકારી પદ પર નિમણૂક માટે ન્યુનતમ યોગ્યતા નક્કી કરવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે બિહાર ફાર્માસિસ્ટ કેડર નિયમ, ૨૦૧૪ના નિયમ ૬ (૧) ની બંધારણીય મહત્તા જેમની તેમ રાખી છે. આ નિયમ હેઠળ રાજ્યમાં ફાર્માસિસ્ટની નિમણૂક માટે લઘુત્તમ યોગ્યતાને આધારે 'ફાર્મસીમાં ડિપ્લોમા' નક્કી થાય છે. પટણા હાઇકોર્ટના ચુકાદાને મંજૂરી આપતા જસ્ટીસ એમ એમ સુંદરેશ અને સતીષચંદ્ર શર્માની બેન્ચે બી ફાર્મ -એમ ફાર્મ ડીગ્રીવાળાએ કરેલી અરજી રદ કરી છે. આ ડીગ્રીવાળાઓને રાજ્યમાં ફાર્માસિસ્ટના ૨,૪૭૩ હોદ્દાઓ  માટેની ભરતી પ્રક્રિેયામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. કારણ એવું આપવામાં આવ્યું હતું કે એમની પાસે જરૂરી ફાર્મસીનો ડિપ્લોમાં નથી. અપીલ કરનારાઓએ દલીલ કરી હતી કે સરકારનો આ નિર્ણય અયોગ્ય છે.

બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પણ પરત ફરી રહ્યા છે

બાંગ્લાદેશમાં સત્તા પરીવર્તન પછી ત્યાના લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. હિન્દુઓની હત્યા થઈ રહી છે અને એમને લૂંટવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ એટલી હદે હાવી થઈ ગયા છે કે, હવે બાંગ્લાદેશ અભ્યાસ કરવા ગયેલા ભારતના વિદ્યાર્થીઓ પણ ડરીને પરત ફરી રહ્યા છે. હમણા બાંગ્લાદેશમાં આશરે ૯ હજારથી વધારે મેડિકલ સ્ટુડન્સ અભ્યાસ કરી રહ્યા છે. ઘણાને નવાઈ લાગશે કે ભારતના વિદ્યાર્થીઓ ડોક્ટરની ડીગ્રી લેવા બાંગ્લાદેશ શા માટે જાય છે. આનુ કારણ એ છે કે બાંગ્લાદેશમાં મેડિકલ અભ્યાસની ફી ભારત કરતા ઘણી ઓછી છે. જોકે હવે બાંગ્લાદેશમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ અસ્થિરતા વધતી જશે. કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ કાયમ માટે નહીં તો પણ થોડા સમય માટે ભારત ફર્યા છે.

ટ્રમ્પના માનીતા વર્લ્ડ બેન્ક અધ્યક્ષ અજય બંગા કોણ છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝામાં હંમેશની શાંતિ સ્થાપવા નજર રાખવા માટે એક ઉચ્ચસ્તરના પીસ બોર્ડની રચના કરી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ બોર્ડમાં ભારતીય મૂળના અજય બંગાને સામેલ કરવામાં આવ્યા છે. આ બોર્ડના પ્રમુખ તરીકે ટ્રમ્પ ખુદ પોતે હશે.  ભારતીય મૂળના અજય બંગા સિનિયર બેન્કર અને વિશ્વ બેન્કના પ્રમુખ છે. અજય બંગા ખુબ જ હોંશિયાર નાણાકીય રણનીતિકાર છે. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર પર એમની  સારી પકડ છે. હવે તેઓ ગાઝાના પુનઃનિર્માણ અને રાજકીય સ્થિરતા માટે મહત્વની ભૂમિકા ભજવશે. અજય બંગા વિશ્વ બેન્કના ૧૪માં પ્રમુખ છે. અજય બંગાએ વિશ્વ બેન્કનો કારભાર સંભાળ્યા પછી એમની કુશળતાથી બધાને પ્રભાવીત કર્યા છે. અજય બંગાનો જન્મ ૧૯૫૯ની ૧૦મી નવેમ્બરે મહારાષ્ટ્રના એક નાના શહેર ખડકીમાં શીખ કુટુંબમાં થયો હતો.

'શું તૂટી જાય ત્યાં સુધી જેલમાં રાખશો... ઃ સુપ્રિમ કોર્ટ'

તેલંગાણાના બહુ ચર્ચાયેલા ફોન ટેપીંગ મામલે સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા ટી. પ્રભાકર રાવને સરકાર ત્યાં સુધી જેલમાં રાખવા માંગે છે કે તૂટી નહીં જાય? આ ટીપ્પણી એ સમયે કરવામાં આવી હતી કે જ્યારે જસ્ટીસ બી વી નાગરત્ના અને જસ્ટીસ આર મહાદેવનની બેન્ચે પ્રભાકર રાવની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે એવો સંકેત આપ્યો હતો કે, પ્રભાકર રાવને આપેલા આગોતરા જામીન કાયમી થઈ શકે છે. તેલંગાણા સરકાર તરફથી હાજર થયેલા વકીલે વિરોધ કરતા કહ્યુ  હતું કે આ કેસમાં કેટલાક ગંભીર કાયદાકીય પ્રશ્ન છે. વિદેશમાં રહેતા અને વોન્ટેડ જાહેર થયેલા વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય કે નહીં. આ દલીલ પર ટીપ્પણી કરતા બેન્ચે કહ્યું હતું કે, અમને લાગે છે કે તમે વ્યક્તિને ત્યાં સુધી જેલમાં રાખવા માંગો છો કે તે તૂટી નહીં જાય. અમે અમારા હુકમનો આવો ગેરઉપયોગ થવા દઈશું નહીં.

રહેમાનના વિવાદમાં કંગનાએ પણ ઝંપલાવ્યું

છેલ્લા ૧૦ વર્ષની બેકારી માટે મ્યુઝીક ડાયરેક્ટર એ આર રહેમાનએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધતા કોમવાદને કારણ બનાવ્યું છે. એ આર રહેમાનના આ નિવેદન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુસ્લિમોએ જ રહેમાનની ટીકા કરીને કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં જેનામાં આવડત હોય એ સફળ થઈ શકે છે. લોકો મ્યુઝીક ડાયરેક્ટરની કોમ જોઈને સાંભળતા નથી, પરંતુ આવડત જોવામાં આવે છે. હવે આ વિવાદમાં વિવાદ ક્વીન કંગના રનૌતએ પણ ઝુકાવ્યું છે. ભૂતકાળમાં વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી કંગનાએ કહ્યું છે કે, 'મારી ઇચ્છા હતી કે એ આર રહેમાન મારી ફિલ્મ ઇમરજન્સીનું ગીત કંપોઝ કરે. મારી આ ઓફરનો ઇન્કાર કરતા એમણે એવું બહાનું કાઢયું હતું કે મારી ફિલ્મ પ્રોપેગેન્ડા ફિલ્મ હોવાથી તેઓ કામ કરશે નહીં. મિસ્ટર રહેમાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારી સાથે ભેદભાવ અને પક્ષપાત થયો છે એટલા માટે કે હું ભગવા પક્ષનું સમર્થન કરૂ છું. જોકે મારે કહેવું પડે છે કે તમારાથી વધુ નફરતથી ભરેલી વ્યક્તિ મે જોઈ નથી.'