Get The App

દિલ્હીની વાત : ફ્રાન્સ ભારત કરતા ઇન્ડોનેશિયાને સસ્તું રાફેલ કેમ વેચશે

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ફ્રાન્સ ભારત કરતા ઇન્ડોનેશિયાને સસ્તું રાફેલ કેમ વેચશે 1 - image

નવીદિલ્હી : ફ્રાન્સના પ્રમુખ ઇમૈન્યુઅલ મેક્રોએ ભારત પ્રવાસ દરમિયાન ભારત સાથે મેગા ડીલ કરી છે. ભારતે ફ્રાન્સ પાસેથી ૧૧૪ રાફેલ વિમાનો ખરીદવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. ૨૦૩૦ સુધીમાં આ રાફેલ વિમાનો ભારતની સેનાને મળશે. ૧૧૪ રાફેલ ખરીદવા માટે ભારત ૩.૨૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ ડીલ ભારતની સૌથી મોટી લશ્કરી ડીલ છે. હમણા જ ઇન્ડોનેશિયાએ પણ ફ્રાન્સ પાસેથી ૪૨ રાફેલ જેટ ખરીદ્યા હતા. ઇન્ડોનેશિયાએ ૮.૧ બિલિયન ડોલર એટલે કે લગભગ ૬૮ હજાર કરોડ રૂપિયામાં ૪૨ રાફેલ ખરીદ્યા હતા. આ હિસાબે એક રાફેલની કિંમત ૧,૭૪૭ કરોડ રૂપિયા જેટલી ગણાય. બીજી તરફ ભારત આ ડીલ માટે ૩.૨૫ લાખ કરોડનો ખર્ચ કરશે. એ હિસાબે ભારતને ૧ રાફેલ વિમાન ૨,૮૫૦ કરોડ રૂપિયામાં પડશે. ભારત શા માટે વધુ ભાવે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદે છે એ માટેનું કારણ સરકારી સૂત્રો એવું આપે છે કે ભારત એરક્રાફ્ટની સાથે મેટીયોર અને સ્કૈલ્પ મિસાઇલો, હૈમર જેવા પ્રીસીઝન ગાઇડેડ બોમ્બ, ટ્રેનિંગ માટે એક ફુલ મિશન સિમ્યુલેટર તેમજ લાંબા સમય માટે મેન્ટેનન્સ અને સ્પેરસ્પાર્ટ માટે બીજી ટેક્નોલોજી પણ ખરીદી રહ્યું છે. આ રાફેલ વિમાનની સંપૂર્ણ લાઇફ સાઇકલ કોસ્ટ છે.

સોનિયા ગાંધી મને સીએમ બનાવવાના હતા, પરંતુ રાહુલે પત્તુ કાપ્યું

આસામના વિવાદાસ્પદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એવો દાવો કર્યો છે કે, ૨૦૧૪માં જ્યારે કોંગ્રેસના ૫૮ ધારાસભ્યોએ એમને ટેકો જાહેર કર્યો હતો ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ એમને મુખ્યમંત્રીપદના સોંગદ લેવા માટે તારીખ નક્કી કરવાનું કહ્યું હતું. જોકે રાહુલ ગાંધીનો ફોન આવ્યા પછી બધુ બદલાઈ ગયું. સરમાએ કહ્યું હતું કે, 'સોનિયા ગાંધીને હું આજે પણ મેડમ કહું છું. મે એમને કહ્યું હતું કે, ૨૦૧૪ના જૂન મહિનામાં હુ કામાખ્યા મંદિરના અંબુબાચી મેળાના આગલા દિવસે સોંગદ લઈશ. એ વખતે રાહુલ ગાંધી અમેરિકા હતા. એમણે પક્ષના નેતાઓને ફોન કર્યા પછી મારૂ પત્તુ કપાઈ ગયું હતું.' આાસમમાં ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણી પછી આસામ કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ શરૂ થઈ હતી. કેટલાક ધારાસભ્યોની ઇચ્છા હતી કે તરૂણ ગોગોઇની જગ્યાએ સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. જોકે ૨૦૧૫માં સરમા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

બાંગ્લાદેશના પ્રધાનમંડળમાં લઘુમતિ કોમના મંત્રીઓ કોણ છે

બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર સત્તામાં આવી છે. બીએનપીના પ્રધાનમંડળમાં બે લઘુમતિ કોમના મંત્રીઓને કેબિનેટ રેન્ક આપવામાં આવ્યા છે. નિતાઇ રોય હિન્દુ છે જ્યારે દિપેન દિવાન બૌધ ધર્મના છે. નિતાઈ રોય ચૌધરીને સાંસ્કૃતિક પ્રધાન અને દિપેન દિવાનને ચટગાવ પહાડી વિસ્તાર કાર્યમંત્રાલયના પ્રધાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં ચાર સાસદો લઘુમતિ કોમના છે. આ તમામ બીએનપી તરફથી ચૂંટણી લડયા હતા. ૭૭ વર્ષના નિતાઈ રોય ચૌધરીનો વ્યવસાય વકીલાતનો છે. તેઓ બીએનપીના વાઇસ ચેરમેન પણ છે. ભૂતકાળમાં ચૌધરી રમતગમતના મંત્રી રહી ચૂક્યા છે. ચૌધરીનું માનવું છે કે બાંગ્લાદેશમાં મુસલમાનના અધિકાર હિન્દુઓને મળતા અધિકાર કરતા વધુ નથી. દિપેન દિવાન પણ વ્યવસાયે વકીલ છે. ૬૫ વર્ષના દિપેન દિવાન ચકમાં સંપ્રદાયમાંથી આવે છે.

ક્રિકેટ વિશ્વના ભૂતપૂર્વ કેપ્ટનો ઇમરાન ખાનને પડખે

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં છે. હમણા એમની આંખોની દ્રષ્ટિ ઘટી જવાથી તેમજ જેલમાં એમના પર અત્યાચાર થતા હોવાના સમાચાર બહાર આવવાથી ઇમરાન ખાનના ભૂતપૂર્વ ક્રિકેટ સાથીઓ ચિંતીત થયા છે. ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટનો સુનીલ ગાવસ્કર અને કપીલ દેવ સહિત વિશ્વ ક્રિકેટના બીજા ૧૩ કેપ્ટનોએ ઇમરાન ખાનની તરફેણમાં નિવેદન આપીને એમને યોગ્ય સારવાર આપવા માટે પાકિસ્તાનના સત્તાધીશોને વિનંતી કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો વસીમ અકરમ અને વકાર યુનુસે પણ ચિંતા દર્શાવી છે એટલે પાકિસ્તાન સરકારે નવી ચાલ ચાલી છે. કાયદાપ્રધાન આઝમ નઝીર તરારએ ઇમરાન ખાનની તબિયત અને ખાસ કરીને એમની બગડતી દૃષ્ટિ સંદર્ભે એવું કહ્યું હતું કે ચિંતાની કોઈ વાત નથી ઇમરાન ખાનને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવે છે. રાવલપિંડીની અડિયાલા જેલમાં પાંચ ડોક્ટરોની ટીમ એમની દેખરેખ રાખી રહી છે.

અજીત પવારના વિમાન અકસ્માતની તપાસ કયાં પહોંચી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારના પ્લેન ક્રેશની તપાસ એર ક્રાફ્ટ એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (એએઆઇબી) કરી રહી છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે એએઆઇબીએ કહ્યું છે કે, અકસ્માત દરમિયાન વિમાનનું બ્લેક બોક્સ આગ લાગવાને કારણે ક્ષતીગ્રસ્ત થઈ ગયું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્લેનના બે ઇન્ડીપેન્ડેન્ટ ફલાઇટ રેકોર્ડરમાં રહેલા ડીજીટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો ડેટા એએઆઇબીએ સફળતા પૂર્વક ડાઉનલોડ કર્યો છે. અમેરિકન કંપની હનીવેલએ બનાવેલા કોકપીટ વોઇસ રેકોર્ડરની ટેક્નીકલ તપાસ ચાલી રહી છે. આ ડેટા રીકવર કરવા માટે કંપનીની મદદ માંગવામાં આવી છે. બ્લેક બોક્સ સળગી ગયેલા હોવાના દાવા બાબતે એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય અને અજીત પવારના ભત્રીજા રોહિત પવારે કહ્યું હતું કે બ્લેક બોક્સ ગમે તેટલી આગ કે વિસ્ફોટ વચ્ચે સલામત રહી શકે છે. જોકે મહારાષ્ટ્રની રાજનીતિ કઈક અલગ છે. નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે બ્લેક બોક્સ સળગી ગયું હોય એ શક્ય નથી. હવે અજીત પવારના પત્ની અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારે પણ અકસ્માતની તપાસથી નારાજ થઈને સીબીઆઇ તપાસની માંગણી કરી છે.

આસામ કોંગ્રેસના શક્તિશાળી મુસ્લિમ નેતા રકીબુલ હુસૈન 

રાજીનામા બાબતે વારંવાર પોતાનો વિચાર બદલી રહેલા આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપેન બોરાને પેટમાં શું દુ:ખ્યુ એ હવે બહાર આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન બોરાએ પક્ષ છોડયો એની નવાઈ ઘણાને લાગે છે. ભૂપેન બોરાની નારાજગીનું કારણ રકીબુલ હુસૈન છે. બોરાનો આક્ષેપ છે કે, આસામમાં કોંગ્રેસની કમાન રકીબુલ હુસૈનના હાથમાં છે અને પક્ષપ્રમુખ ગૌરવ ગોગોઇ ફક્ત નામના નેતા છે. રકીબુલ હુસૈન આસામની ગુબરી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇની નજીક ગણાતા હતા. રકીબુલ હુસૈન તરૂણ ગોગોઇની સરકારમાં મંત્રી પણ રહ્યા હતા અને આસામ કોંગ્રેસમાં સૌથી કદાવર મુસ્લિમ નેતા ગણાય છે. ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં હુસૈનએ ગુબરી બેઠક પરથી એઆઇયુડીએફના પ્રમુખ બદરૂદ્દીન અઝમલને ૧૦ લાખ કરતા વધુ મતે હરાવ્યા હતા. આખા દેશમાં સૌથી વધુ મતોથી જીતનાર રકીબુલ હતા.

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વના દુકાળ માટે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રહાર

મહારાષ્ટ્રના મુખ્ય વિરોધપક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મતે ઇન્ડિયા ગઠબંધન વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધને પોતાના આંતરીક મતભેદો ભૂલીને નક્કી કરવું જોઈએ કે મમતા બેનર્જી, એમ કે સ્ટાલીન કે પછી અન્ય કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય કટોકટી વખતે નેતૃત્વ કરી શકે એમ છે કે નહીં. અગત્યની ચૂંટણીઓ પહેલા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષના આંતરીક કલહ અને નેતાગીરી માટે થઈ રહેલા નિવેદનો ગઠબંધનની એકતા કમજોર કરે છે. પક્ષના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં જે આંતરીક ખેંચતાણ છે એ ગઠબંધનને નબળી પાડે છે. ગઠબંધન સાથે જોડાયેલા પક્ષો અલગ અલગ રાજ્યોમાં એક બીજા સામે લડી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમુલ અને કોંગ્રેસ સામસામે છે. કેરળમાં સામ્યવાદીઓ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે.