નવીદિલ્હી : બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારએ ડોક્ટરોને તેમનો નિમણૂકપત્ર આપતી વખતે એક મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ઉપર કરી દીધો હતો. નિતિશકુમારએ કરેલી આ હરકતનો વિડિયો આખા દેશમાં વાયરલ થયો છે. વિરોધ પક્ષો અને મીડિયાએ નિતિશકુમારના અટકચાળાની ભારે ટીકા કરી છે. હવે આ કિસ્સાની ચર્ચા મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં પણ થઈ રહી છે. તુર્કીથી માંડીને કતાર સુધીના દેશોનું મીડિયા નિતિશકુમારની ટીકા કરી રહ્યું છે. પાકિસ્તાનનું મીડિયા કહી રહ્યું છે કે ભારતમાં મુસલમાન હોવું સહેલું નથી. નિતિશકુમાર લગભગ ૨૦ વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે અને એમણે કરેલા વ્યવહારને કારણે એમની ઇમેજને નુકશાન થયું છે. નિતિશકુમારના વિરોધીઓ કહી રહ્યા છે કે એમની તબિયતમાં કંઈક ગરબડ લાગે છે અને તેઓ મુખ્યમંત્રીના પદ માટે લાયક નથી.
બાંગ્લાદેશથી નારાજ ભારતે ઢાકાનું વિઝા સેન્ટર બંધ કર્યું
ભારત સરકારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત આવેલું ભારતીય વિઝા એપ્લીકેશન સેન્ટર બંધ કરી દીધું છે. ઢાકામાં બગડેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઢાકાના જમૂના ફ્યુચર પાર્ક સ્થિત આઇવીએસી સેન્ટર ભારતના વિઝા સેવાનું મુખ્ય કેન્દ્ર છે. આઇવીએસીએ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે હમણાની સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે જણાવવા માંગીએ છીએ કે આઇવીએસી જેએફપી ઢાકા આજે બપોરે બે વાગ્યાથી બંધ થઈ જશે. જેમણે ભારતના વિઝા માટે અરજી કરી છે એમને ભવિષ્યમાં નવી તારીખો આપવામાં આવશે. આ પહેલા ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના રાજદૂત રીયાઝ હમીદઉલ્લાહને બોલાવીને કેટલાક ઉગ્રવાદી તત્વોની પ્રવૃત્તિ જોખમી હોવાથી ભારતીય કમિશનની આજુબાજુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કર્યો હતો.
રાહુલ - સોનિયાને નેશનલ હેરલ્ડ કેસમાં ખરેખર રાહત મળી છે?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ઇડીની ઝાટકણી કાઢીને નેશનલ હેરલ્ડ કેસમાં કરવામાં આવેલી ચાર્જશીટ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. ઇડીનો આરોપ છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કેટલાક લોકોએ પૈસાનો દુરઉપયોગ કર્યો છે. ઇડીએ દાખલ કરેલી ચાર્જશીટને પ્રોસિક્યુશન કમપ્લેઇન્ટ પણ કહેવામાં આવે છે. કોર્ટના હુકમને કોંગ્રેસે મોટી જીત ગણાવી છે. સિનિયર વકીલ અભિષેક મનુ સિઘવીએ કહ્યું હતું કે, 'આ ચુકાદો ઇડીના દુરઉપયોગ કરવાનો પુરાવો છે.' જોકે ભાજપ કહે છે કે આ ચુકાદાને કારણે ગાંધી કુટુંબને ક્લીનચીટ મળી નથી. જો ઇડી ઇચ્છે તો આ ચુકાદાને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકે છે. કોર્ટના ચુકાદાથી કોંગ્રેેસમાં ફરીથી જાગૃતિ આવી છે અને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે.
'દેશની સંપત્તિ છે, કોઈની ખાનગી સંપત્તિ નહીં...'
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે કહ્યું છે કે સોનિયા ગાંધીએ ૨૦૦૮માં પ્રધાનમંત્રી સંગ્રાહલય તેમ જ લાયબ્રેરીમાંથી ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ લખેલા તમામ અંગત કૌટુંબીક પત્રો અને નોટ્સ લઈ લીધા હતા. મંત્રાલયનું કહેવું છે કે, પીએમએમએલ આ તમામ પત્રો પરત લેવા માટે સોનિયા ગાંધીના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના કહેવા પ્રમાણે સોનિયા ગાંધીએ લેખિતમાં કબુલ કર્યું છે કે તમામ દસ્તાવેજ એમની પાસે છે અને તેઓ આ મુદ્દે પુરેપુરો સહકાર આપશે. પહેલી વખત સોનિયા ગાંધીએ પીએમએમએલએ લખેલા પત્રનો જવાબ આપ્યો છે. પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ૨૦૦૮ના વર્ષમાં સોનિયા ગાંધીએ નહેરૂએ લખેલા પત્રો અને નોટ્સ લઈ લીધા હતા. સોનિયા ગાંધીનું કહેવું છે કે એમનો સ્ટાફ પુરતી તપાસ કરશે. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે સરકારે કરેલા ખોટા આરોપ બદલ માફી માંગવી જોઈએ. જોકે ભાજપના પ્રવક્તાએ એવો વળતો જવાબ આપ્યો હતો કે સોનિયા ગાંધીએ પોતે કબુલ કર્યું છે કે નહેરૂના પત્રો એમની પાસે છે.
સંઘના ગોલવલકર-ઇન્દિરા ગાંધી વચ્ચે પત્રવ્યવહાર થયો હતો
૧૯૭૧માં જ્યારે ભારતે પાકિસ્તાનના લશ્કરને હરાવીને ઘૂંટણીયે પાડયું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો એ વખતે રાષ્ટ્રીય સેવક સંઘના નેતા ગુરુ ગોલવલકરે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ધર્મને નામે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફરીથી હાથ મેળવશે. જોકે યુદ્ધ દરમિયાન સંઘે ઇન્દિરા ગાંધીને ટેકો આપ્યો હતો. બાંગ્લાદેશ યુદ્ધ સમાપ્ત થયું ત્યારે ગોલવલકરે ૨૨મી ડિસેમ્બરે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને અભિનંદન આપ્યા હતા. એમણે પત્રમાં લખ્યું હતું કે, 'દેશની એકતા અને સન્માન માટે તમે જે પ્રકારના નિર્ણયો લીધા છે એ આનંદની વાત છે. આ પ્રકારના નિર્ણયોે ફક્ત યુદ્ધના સમયે નહીં, પરંતુ શાંતિના સમયે પણ જરૂરી છે. રાષ્ટ્રીય એકતા બાબતે આરએસએસ હંમેશા તમારી સાથે છે અને તમારી સાથે રહેશે.' ઇન્દિરા ગાંધીએ આ પત્રનો જવાબ જાન્યુઆરીના મધ્યમાં ગોલવલકરને આપ્યો હતો અને એમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પુલિત્ઝર એવોર્ડ વિજેતા પત્રકાર પીટર અર્નેટ કોણ હતા
વિયેટનામના ખેતરોમાંથી લઈને ઇરાકના રણમાં થયેલા યુદ્ધોનું સ્થળ પર જઈને રીપોર્ટીંગ કરી માહિતી દુનિયા સુધી પહોંચાડનાર પત્રકાર પીટર અર્નેટનું મૃત્યુ ૯૧ વર્ષની વયે થયું છે. પીટર અર્નેટે છૂટતી ગોળીઓ અને ફૂટતા બોમ્બો વચ્ચે રહીને રીપોર્ટીંગ કર્યું હતું. ૧૯૬૬માં એસોસીયેટેડ પ્રેસ વતી વિયેટનામનું રીપોર્ટીંગ કરવા માટે એમને પુલિત્ઝર એવોર્ડ મળ્યો હતો. અર્નેટનું મૃત્યુ થયું ત્યારે તેઓ તેમના કુટુંબીઓ અને તેમના મિત્રો સાથે હતા. એજન્સીના સંવાદદાતા તરીકે અર્નેટે ૧૯૬૧ થી ૧૯૭૫ સુધી વિયેટનામમાં રહીને રીપોર્ટીંગ કર્યું હતું. ૧૯૯૧ના ખાડી યુદ્ધ વખતે એમણે સીએનએન વતી લાઇવ રીપોર્ટીંગ કર્યું હતું ત્યાર પછી એમનું નામ વિશ્વભરમાં જાણીતું થયું હતું. યુદ્ધ કવર કરનાર પત્રકારોમાં અર્નેટની ગણના શ્રેષ્ઠ તરીકે થાય છે. તેઓ નીડર, સાહસીક અને ઉત્તમ લેખક હતા.
રીટાયર્ડ આઇપીએસ અમિતાભ ઠાકુરને વધુ એક ફટકો
ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તાર દેવરિયામાં પ્લોટ વહેંચણીમાં છેતરપીંડી કરવા માટે આઇપીએસ અમિતાભ ઠાકુર સામે કેસ દાખલ થયો છે. અમિતાભ ઠાકુર સામે હમણાની ભાજપ સરકાર જ નહીં ભૂતકાળની સપા સરકારને પણ વાંધો પડયો હતો. અમિતાભ ઠાકુરે કોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણી વખતે એમના વતી દલીલ કરવા કોઈ વકીલ તૈયાર થયા નહોતા. એ કારણે મુખ્ય સીજેએમએ એમની જામીન અરજી રદ કરી નાંખી છે. અમિતાભ ઠાકુર ૧૦મી ડિસેમ્બરથી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. લખનૌના સંજય શર્માએ કરેલી ફરિયાદ પછી નિવૃત્ત આઇપીએસ અધિકારી અને એમના પત્ની નૂતન ઠાકુર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સરકારે સમગ્ર કેસની તપાસ એસઆઇટીને સોપી છે. ઉત્તર પ્રદેશના સનદી અધિકારીઓમાં ચર્ચા છે કે, અમિતાભ ઠાકુર સામે તમામ સરકારોને કેમ વાંધો પડે છે.


