નવી દિલ્હી : તમામ ચૂંટણીઓ એક સાથે કરવાના બીલ સંદર્ભે નિમાયેલી સંસદીય સમિતિના સભ્યોને ભૂતપૂર્વ સીજેઆઇ સંજીવ ખન્ના મળ્યા હતા. સમિતિના સભ્યોને એમણે કહ્યું હતું કે, કોઈપણ પ્રસ્તાવને બંધારણીય પ્રમાણે યોગ્ય માની લેવાનો અર્થ એ નથી થતો કે, એ સમાજ કે લોકશાહી માટે પણ જરૂરી હોય. સંસદીય સમિતિને આપેલા લેખીત અભિપ્રાયમાં જસ્ટીસ ખન્નાએ કહ્યું હતું કે, બંધારણ સુધારા બિલ બાબતે દેશના સંઘીય માળખું નબળું પડવાનો તર્ક રજુ થઈ શકે છે. ભાજપના સાંસદ પીપી ચૌધરી કેબિનેટ કમિટિની અધ્યક્ષતા કરી રહ્યા છે. કમિટિના મોટાભાગના સભ્યોએ આરોપ નકારી કાઢયો હતો કે પ્રસ્તાવ ગેરબંધારણીય છે. જસ્ટીસ ખન્ના અને બીજા કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો ચૂંટણી કમિશનને આપવામાં આવેલી સત્તાઓ બાબતે ચિંતીત છે.
બિહારમાં મહાગઠબંધનની લગામ કોના હાથમાં
રાહુલ ગાંધીએ જ્યારે ભારત જોડો ન્યાયયાત્રા કાઢી હતી ત્યારે તેઓ બિહારના શાશારામ પહોંચ્યા એ વખતે એમની લાલ રંગની જીપનુ ડઇવીંગ તેજસ્વી યાદવએ કર્યું હતું. તેજસ્વી - રાહુલની જોડી જોઈને એ વખતે મહાગઠબંધનના સમર્થકોએ ચિચિયારીઓ પાડી હતી. લગભગ ૧ કીલોમીટરની ડ્રાઇવ દરમિયાન નક્કી થઈ ગયું હતું કે બિહાર લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ હશે. હવે ફરીથી શાશારામમાં એવાજ દૃશ્યો જોવા મળ્યા છે. આ વખતે તેજસ્વી ડ્રાઇવ કરતા હતા જીપ પર રાહુલની સાથે મુકેશ સહની પણ હતા. એમણે તેજસ્વીની ઓળખ ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે આપી. સહનીની જાહેરાત સાંભળીને રાહુલ ગાંધી પણ ખુશ થઈ ગયા હતા. આસપાસના નિરિક્ષકોને લાગ્યું હતું કે, હવે બિહારમાં મહાગઠબંધનની લગામ તેજસ્વીને આપી દેવામાં આવી છે.
ધારાસભ્ય પુજા પાલએ બીજા પતિને કેમ છોડયા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવાને કારણે પક્ષમાંથી હાંકી કઢાયેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પુજા પાલએ બીજે જ દિવસે યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી યોગીને મળવાને કારણે પુજા પાલ પર અંગત હુમલા શરૂ થઈ ગયા છે. આ બાબતે એમણે પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરાવ્યો છે. પુજા પાલના બીજા લગ્ન અને પતિને છોડી દેવાની વાતો સોશ્યલ મીડિયામાં ચગી રહી છે. આ બાબતે પુજા પાલએ સોશ્યલ મીડિયા પર જ જવાબ આપ્યો છે. એમણે નિખાલસતાથી બીજા લગ્ન અને પતિને છોડવાનું કારણ આપ્યું છે. સોશ્યલ મીડિયા એક્સ પર પુજાએ લખ્યું છે કે, કેટલાક લોકો મારા અંગત જીવન વિશે લખી રહ્યા છે. મને આની કોઈ ચિંતા નથી પરંતુ જે પક્ષમાંથી મે ચૂંટણી લડી હતી એના નેતા અખિલેશ યાદવને બધી જ ખબર છે. કેટલાક ઓળખીતાની સલાહ પ્રમાણે મે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન થયા પછી મને ખબર પડી કે અતિક સામેનો કેસ ઢીલો કરવા માટે જે કાવતરૂ રચાયું એમા બીજા પતિ પણ સામેલ હતા.
ડિસેમ્બર પછી શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બની શકે
કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બસવ રાજુ વી શિવગંગાએ દાવો કર્યો છે કે, ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર ડિસેમ્બર પછી રાજ્યના મુખ્યમંત્રી બનશે. જોકે આ દાવા પછી ધારાસભ્યની મુશ્કેલી વધી ગઈ છે. શિવકુમાર કોંગ્રેસ પ્રમુખ પણ છે. શિવકુમારએ શિવગંગાના નિવેદનને શિસ્તભંગ તરીકે ગણાવ્યું છે. હવે શિવકુમારને નોટીસ પણ આપવામાં આવશે. અગાઉ પણ શિવગંગા મુખ્યમંત્રી બદલાવાના હોવાની વાત મીડિયા સમક્ષ કરી ચૂક્યા છે. શિવકુમારએ કહ્યું છે કે, ઘણી ચેતવણીઓ પછી પણ શિવગંગા આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. ઉપમુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'કોઈએ પણ મુખ્યમંત્રી પદ અને એના વિશે વાત કરવી જોઈએ નહીં. ધારાસભ્યોએ પક્ષના શિસ્તનું પાલન કરવું જોઈએ. એમણે પોતાની મર્યાદા સમજવી જોઈએ. કામ વગરના નિવેદનો નહી કરવાની સૂચના ધારાસભ્યોને અગાઉ પણ આપવામાં આવી છે.
બિહારના આ પક્ષે રાજકીય ગરમી વધારી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક મુખ્ય રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. કેટલાક પક્ષોએ તો બેઠકોની સંખ્યા પણ નક્કી કરી નાખી છે. ગણતાંત્રિક સમાજ પાર્ટી અને ભારતીય વિશ્વકર્મા મહાસંઘના જિલ્લા કક્ષાના સમ્મેલનો યોજાઈ ગયા છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મુકુલ આનંદ વિશ્વકર્માએ કહ્યંન છે કે, વરસોના મૌનએ આપણને શ્રમીક બનાવી દીધા, પરંતુ નિર્ણય કરતા નહીં. અમારા શ્રમને કારણે દેશનો પાયો નંખાયો છે. હવે આપણે સત્તાધારીઓ સુધી આપણો અવાજ પહોંચાડવાનો છે. ગણતાંત્રિક સમાજ પાર્ટી ફક્ત રાજકીય પક્ષ નથી, પરંતુ સામાજીક ન્યાય, આત્મનિર્ભરતા અને નેતૃત્વ નિર્માણ માટેની ક્રાંતિ છે. એમણે જાહેરાત કરી છે કે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી તમામ ૨૪૨ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે.
પંજાબમાં આપ પર પ્રતિબંધ મૂકવાની માંગણી
શિરોમણી અકાલી દળના નેતા ડો. દલજીતસિંહ ચીમાએ મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરતા કહ્યું છે કે, મનીષ સિસોદિયાના ભડકાઉ નિવેદનોને ધ્યાનમાં લઈને ભ્રષ્ટાચારના કેસમાં એમના જામીન રદ કરવામાં આવે. એમણે એવી પણ માંગણી કરી છે કે આમ આદમી પાર્ટીને પંજાબમાં ચૂંટણી લડતા રોકવામાં આવે. પંજાબ સંવેદનશીલ રાજ્ય છે. ભૂતકાળના અનુભવોમાંથી શીખવું જોઈએ. પંજાબમાં હમણા શાંતિ છે. મનીષ સિસોદિયા એમના નિવેદનોને કારણે ભાઈઓ વચ્ચે લોહિયાળ જંગ કરાવવા માંગે છે. સિસોદિયા સામે કાનુની પગલા પણ લેવાવા જોઈએ. આમ આદમી પાર્ટીની પોલ ખુલી ગઈ છે. આપનો ઉદ્દેશ ૨૦૨૭માં પંજાબની ગાદી પર ચોંટી રહેવાનો છે અને સિસોદિયાએ ખુલ્લેઆમ એનો સ્વિકાર પણ કર્યો છે. ૨૦૧૪માં આપ જ્યારથી પંજાબમાં આવી ત્યારથી રાજ્યમાં હિંસક ઘટનાઓ વધી રહી છે. આપ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
ભાજપના શક્તિશાળી નેતાના પુત્ર જન સુરાજમાં જોડાયા
વિવિધ રાજકીય પક્ષો અને સામાજીક સંગઠનોથી છૂટા પડીને નાના - મોટા નેતાઓ જન સુરાજ પાર્ટી (જસુપા)માં જોડાઈ રહ્યા છે. ચાર વખત ભાજપના સાંસદ રહેલા લાલ મુની ચોબેના પુત્ર હેમંત ચોબે પોતાના ૩૦ જેટલા સમર્થકો સાથે જસુપામાં જોડાયા છે. જસુપાના પ્રમુખ પ્રશાંત કિશોરએ એમને પીળો ગમછો ઓઢાડીને સ્વાગત કર્યું હતું. પ્રશાંત કિશોરનું માનવું છે કે, કેઈમુર જિલ્લાના ચેઇનપુર વિધાનસભા વિસ્તારના હેમંત પક્ષમાં જોડાવાને કારણે શાહબાદ ક્ષેત્રમાં જસુપા મજબૂત થશે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, જન સુરાજ પાર્ટી બિહારમાં ત્રીજા ફોર્સ તરીકે ઉભરી શકે છે. પદયાત્રા દ્વારા પ્રશાંત કિશોર વિવિધ વર્ગના લોકોને આકર્ષી રહ્યા છે.


