Get The App

દિલ્હીની વાત : કેજરીવાલને રહેઠાણ ન આપવા બાબતે હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને ઠપકો

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કેજરીવાલને રહેઠાણ ન આપવા બાબતે હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને ઠપકો 1 - image

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં સરકારી રહેઠાણ નહીં આપવાના મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. હાઇકોર્ટે સરકારના ગોળગોળ વલણની ટીકા કરી છે. કોર્ટે કહ્યું છે કે, કેન્દ્ર સરકારનો વ્યવહાર 'બધા માટે મફત' યોજના જેવો છે. સરકાર નક્કી નથી કરી શકતી કે કોને ઘર મળશે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, સરકારી રહેઠાણોની વહેચણી બાબતે તેમજ કેજરીવાલને બંગલો કયારે આપવામાં આવશે એ કોર્ટને જણાવે. આમ આદમી પાર્ટીના વકીલ રાહુલ મહેરાએ કેજરીવાલને બંગલો નહીં આપવા માટે સરકારની ખોટી નીયતને જવાબદાર ગણાવી છે. એમની રજૂઆત હતી કે, એડિશનલ સોલિસિટર જનરલ  ચેતન શર્માએ શરૂઆતમાં લોધી એસ્ટેટ ખાતેનો બંગલો કેજરીવાલને આપવા માટે સમય માંગ્યો હતો. ત્યાર પછી વારંવાર સમય માંગવામાં આવી રહ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં બાર અને બેન્ચે એક સાથે કહ્યું વર્ષો સુધી 'કર્નલ'ની ખોટ વર્તાશે

દિલ્હી હાઇકોર્ટના 'કર્નલ'ના હુલામણા નામે ઓળખાતા બાલાસુબ્રમણ્યમનું અવસાન થયું છે. બાલાની લોકપ્રિયતા એટલી બધી છે કે, ફક્ત સુપ્રિમ કોર્ટના વકીલો જ નહીં ન્યાયાધીશો પણ દુખી થઈ ગયા છે. સુપ્રિમ કોર્ટના જજો, રીટાયર્ડ જજો અને સિનિયર વકીલોએ એમને શ્રદ્ધાજલી આપી છે. 

સુપ્રિમ કોર્ટમાં જ્યારે સુનાવણી શરૂ થવાની હતી ત્યારે ભવિષ્યના સીજેઆઇ જસ્ટીસ સૂર્યકાંતે સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ વિકાસસિંહને કર્નલ બાબતે પૂછયું હતું કે, 'મિસ્ટર સિંહ, શું આપણે કર્નલ બાલાને ગુમાવી દીધા છે? તેઓ એક અદભુત વ્યક્તિ અને સાલસ માણસ હતા. એમની પાસેથી અમને સૈન્યની બાબતમાં ઘણી મદદ મળી હતી. આ એક બહુ મોટી ખોટ છે.' વિકાસસિંહે જવાબ આપ્યો હતો કે, 'હા માઇ લોર્ડ, એમનું મૃત્યુ થયું છે અને બાર માટે પણ મોટી ખોટ છે.'

'ટીએમસી અને ભાજપ વચ્ચે કોઈ ઝઘડો નથી'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ સરકાર વચ્ચે જૂની દુશ્મનાવટ છે. ૨૦૨૬માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બંને પક્ષો વચ્ચેની કડવાશ વધી છે. જોકે પડોશી દેશ નેપાળની હિંસા પછી આ દુશ્મનાવટ હળવી થઈ ગઈ છે. નેપાળ સરહદે શાંતિ જળવાઈ રહે એ માટે બંને પક્ષોએ સમાધાન કરવું પડયું છે. નેપાળ સાથે પશ્ચિમ બંગાળની ૧૦૦ કી.મી. લાંબી બોર્ડર છે. સિલિગુડીનો સંવેદનશીલ 'ચીકન નેક' પ્રદેશ પણ અહીં આવ્યો છે. 

નેપાળ સરહદેથી કોઈ અસામાજીક તત્વો દેશમાં પ્રવેશે નહીં એ માટે કેન્દ્ર સરકારે પોલીસી બનાવી છે. આ બાબતે મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે, 'રાષ્ટ્રહીતની વાત હોય ત્યારે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે કોઈ ઝઘડો નથી. દેશની સુરક્ષા માટે આપણે એક સાથે રહેવું જોઈએ.' બંગાળના પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીએ પણ આ કારણે કોઈ રાજકીય નિવેદન આપ્યું નહોતું.

કોંગ્રેસના રિસાયેલા નેતાઓ ઘરવાસપી માટે તૈયાર

ઝારખંડમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. હવે જિલ્લા સ્તરના નેતાઓને ફરીથી પક્ષમાં લાવવા માટે અભિયાન શરૂ થઈ શકે છે. કેટલાક કારણોસર પક્ષથી નારાજ થઈને દુર થઈ ગયેલા નેતાઓને ફરીથી પરત બોલાવવાની તૈયારી ચાલી રહી છે. સંગઠન સૃજન કાર્યક્રમ પછી આવા નારાજ નેતાઓને મનાવવા માટે કાર્યક્રમ શરૂ થશે. ઝારખંડમાં કોંગ્રેેસને મજબૂત કરવા માટે પાર્ટી હાઇકમાન્ડ આયોજન કરી રહ્યું છે. ખાસ કરીને એવા કાર્યકરો અને નેતાઓ જેમણે કોંગ્રેેસ છોડી છે, પરંતુ અન્ય પક્ષો સાથે જોડાયા નથી એમને પરત લાવવાના પ્રયત્નો થશે. આ ઉપરાંત બીજા પક્ષોમાં ગયેલા નારાજ નેતાઓને મનાવવાની કોશિષ પણ થશે. બીજા પક્ષમાં ગયેલા નેતાઓ જે તે પક્ષ સાથે પણ ખુશ નથી. આવા નેતાઓએ લેખીતમાં કોંગ્રેસ પ્રમુખને ઘર વાપસી માટે જાણ કરી છે.

રાજા ભૈયાની પત્નીએ પતિ સામે પુરાવાઓ આપીને પીએમઓમાં રજૂઆત કરી

ઉત્તર પ્રદેશની કુડા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની પત્ની ભાનવીકુમારી સિંહએ પતિ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ભાનવી સિંહ પોતે વડાપ્રધાનની ઓફિસમાં ગયા હતા અને ફરિયાદ આપી હતી. એમણે આક્ષેપ કર્યો છે કે, રઘુરાજ પ્રતાપ સિંહ પાસે ગેરકાયદેસર, પ્રતિબંધીત અને સામુહીક વિનાશ કરી શકે એવા વિદેશી હથિયારો છે.

 પીએમઓએ હવે આ ફરિયાદ ગૃહમંત્રાલયને ફોરવર્ડ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ હથિયારોમાં નાટો ગ્રેડની જિગાના પિસ્તોલ, ઓટોમેટીક એસોલ્ટ રાઇફલ્સ અને બીજા ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે. ભાનવી સિંહનો આરોપ છે કે એમના પતિએ એમના લાયસન્સવાળા હથિયારો પણ ઝૂટવી લીધા છે. ભાનવી સિંહના કહેવા પ્રમાણે આ તમામ હથિયારો જાહેર શાંતિ માટે ખૂબ જોખમી છે. ફરિયાદ સાથે ભાનવી સિંહે કેટલાક વિડિયો અને ફોટોગ્રાફ્સ સાબિતી તરીકે જમા કર્યા છે. આ વિડિયોમાં ગેરકાયદેસર હથિયારો જોઈ શકાય છે.

'આના કરતા તો મામાની સરકાર વધુ સારી હતી...

બેંગલુરમાં ડયુટી કરનાર એક સૈનિક સત્યનારાયણ ઓઝાના ઘરમાં ચોરી થઈ હતી. ચોરી કરનાર પકડાયા નહીં એટલે ઓઝાએ એક વિડિયો બનાવી ફક્ત મધ્યપ્રદેશની પોલીસ પર નહીં, પરંતુ મુખ્યમંત્રી પર પણ આક્ષેપો કર્યા છે. એમણે ત્યાં સુધી કહ્યું છે કે, આના કરતા તો મામાજી (શિવરાજસિંહ ચૌહાણ)ની સરકાર સારી હતી. એમની સરકાર વખતે દરેકની તકલીફ સાંભળવામાં આવતી હતી. 

મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે, મારો ચોરાયેલો સરસામાન મને પરત અપાવે. જો એમ નહીં કરી શકતા હોય તો મને ગામ છોડવાની પરવાનગી આપે. મારૂ નાનું ઘર છે અને થોડી જમીન છે જે હું ચોરોને, પોલીસને અને જો નેતાઓને જોઈએ તો આપી દઈશ. અંબાહ નગરમાં આ સૈનિકનું ઘર આવ્યું છે જ્યાંથી રાઇફલ, લાયસન્સ, મોબાઇલ, સોનું અને રોકડ રકમ ચોરાઈ છે.

ભાજપના છ રાજ્યોના  સંગઠન મહામંત્રી અને 150 મહિલાઓ બિહાર પહોંચ્યા

બિહાર વિધાનસભાની તૈયારીમાં દરેક પક્ષ લાગી પડયા છે. ભાજપએ પણ બૂથ સશક્તિકરણથી માંડીને વિધાનસભા વિસ્તારમાં પ્રચારની રણનીતિ તૈયાર કરી છે. બીજા રાજ્યોમાંથી પણ ભાજપના સિનિયર નેતાઓ બિહાર પહોંચી રહ્યા છે. દરેકને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના નેતાઓએ છ રાજ્યોમાંથી ભાજપના સંગઠન મહામંત્રીઓને બિહાર મોકલ્યા છે. આ તમામ મહામંત્રીઓને બિહારના અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. રણનીતી માટે બિહારને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બે મહામંત્રીઓને હિમાચલ અને કોસી ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. આ મહામંત્રીઓની દેખરેખ હેઠળ ચૂંટણીની તૈયારી થશે. આ મહામંત્રીઓ ભાજપ હાઇકમાન્ડને ફીડબેક પણ આપશે. ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી આ તમામ મહામંત્રીઓ પોતપાતાના વિસ્તારમાં રહેશે. તેઓ એક રીતે જે તે વિસ્તારના પ્રભારી તરીકે કામ કરશે.