Get The App

તામિલનાડુ સરકાર અને રાજ્યપાલ વચ્ચેનો વિવાદ અવિરત ચાલુ છે

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
તામિલનાડુ સરકાર અને રાજ્યપાલ વચ્ચેનો વિવાદ અવિરત ચાલુ છે 1 - image

નવીદિલ્હી: તામિલનાડુની સરકારે રાજ્યપાલના એક નિર્ણયને ચેલેન્જ કરતા સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તામિલનાડુ સરકારે શારીરિક શિક્ષા અને રમત ગમત યુનિવર્સિટી (સંશોધન) બિલ ૨૦૨૫ રાજ્યપાલની મંજૂરી માટે મોકલ્યું હતું. સરકારનું માનવું છે કે રાજ્યપાલનો વ્યવહાર ગેરબંધારણીય છે અને બંધારણનો ભંગ પણ કરે છે. આ મામલે સુપ્રિમ કોર્ટે પહેલા પણ રાજ્યપાલને ઠપકો આપ્યો હતો. તામિલનાડુના રાજકારણમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે વારંવાર વિવાદ થતા રહે છે. વિવાદાસ્પદ બિલ રાજ્યપાલે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું. ચીફ સેક્રેટરીએ દાખલ કરેલી રીટમાં રાજ્યપાલ, ભારત સંઘ અને યુજીસી (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન)ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. રીટમાં ઉલ્લેખ છે કે રાજ્યપાલનો વ્યવહાર 'સ્પષ્ટ રીતે ગેરબંધારણીય, બંધારણના આર્ટીકલ ૧૬૩ (૧) અને ૨૦૦નો ભંગ કરનાર અને શરૂઆતથી જ શૂન્ય' છે.

ભાજપ ત્રણ-ચાર બેઠકો આપે તો ઉમેદવાર પાછા ખેંચી લઈશું

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં છે. દરેક રાજકીય પક્ષ તૈયારીમાં લાગી ગયો છે. એનડીએએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપએ જેવા ઉમેદવારોના નામો જાહેર કર્યા એટલે ઓમ પ્રકાશ રાજભર નારાજ થઈ ગયા. ભાજપના ઉમેદવારોની યાદી આવ્યા પછી રાજભરની અકળામણ જાહેર થઈ ગઈ. ત્યાર પછી રાજભરે પણ ૧૫૩ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા. જોકે રાજભરને હજી પણ ભાજપ પાસેથી આશા છે. ભાજપ એમને ત્રણ - ચાર બેઠકો આપી દે તો તેઓ બાકીના તમામ ઉમેદવારો પરત કરી શકે છે. આ બાબતની માહિતી આપતો એક વીડિયો પણ રાજભરે સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. ભારતીય સોહિલ દેવ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં પંચાયતી રાજ તેમજ લઘુમતિ કલ્યાણ મંત્રી ઓમ પ્રકાશ રાજભર બિહારમાં ભાજપ સાથે ગઠબંધન નહીં થવાથી અકળાયા છે.

દેવબંધમાં તાલીબાન મંત્રીના સ્વાગત બાબતે હજી પણ વિવાદ ચાલુ

અફઘાનિસ્તાનમાં તાલીબાન સરકારના વિદેશ મંત્રી અમિર ખાન મુક્તકી દારુલ ઉલુમ દેવબંધ ગયા હતા. દારૂલ ઉલુમનો અર્થ થાય છે, તાલિમ મેળવવાની જગ્યા. ભારતમાં દારુલ ઉલુમના હજારો મદ્રેસા છે અને મૌલાના મદની અસરદ આ તમામ મદ્રેસાઓના પ્રિન્સીપાલ છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મદ્રેસામાં પણ દારુલ ઉલુમનો અભ્યાસક્રમ ચાલે છે. મૌલાના મદનીના કહેવા પ્રમાણે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી એમના મદ્રેસા પહોંચ્યા હતા ત્યારે લગભગ છ હજાર વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. લગભગ ૧૦ હજાર લોકો મુક્તકીના સ્વાગત માટે હાજર રહ્યા હતા. આ બાબતે જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરએ મૌલાના મદનીની આકરી ટીકા કરી હતી. એમનું કહેવું હતું કે અમિર ખાન મુક્તકી આતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. આવી વ્યક્તિનું સ્વાગત શા માટે થયું. આ સામે મૌલાના અરસદ મદનીએ જવાબ આપ્યો છે કે, તાલિબાન સામે થતા આક્ષેપો સાચા નથી. અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ પણ અભ્યાસ કરી શકે છે. ભારતમાં પણ કેટલીક સંસ્થાઓ છે જ્યાં ફક્ત મહિલાઓ અભ્યાસ કરે છે.

ઇન્ડિયા ગઠબંધનમાં તડ, એનસીપી (શરદ પવાર)એ રસ્તો બદલ્યો

વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં તડ પડી છે. એનસીપી (શરદ પવાર)ના સાંસદની એક સંયુક્ત સમિતિમાં ભાગ લેવાના નિર્ણય પછી વિખવાદ બહાર આવ્યો છે. આ સમિતિ ત્રણ બિલો પર ચર્ચા કરશે. એક પ્રસ્તાવ એવો પણ છે કે પ્રધાનમંત્રી કે કોઈ મંત્રી પર ગંભીર આરોપ હોય અને તેઓ ૩૦ દિવસ સુધી જેલમાં રહે તો તેઓ આપોઆપ હોદ્દો ગુમાવશે. એનસીપી (શરદ પવાર) આ સમિતિમાં ત્યારે સામેલ થયા છે કે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષો વચ્ચે ભેદભાવ હોવાને કારણે વિરોધીઓ ફાવી જાય એમ છે. એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેનું કહેવું છે કે તેઓ પક્ષપ્રમુખ શરદ પવાર સાથે વાતચીત કર્યા પછી જ સમિતિમાં જોડાયા છે. એમણે એમ પણ કહ્યું હતું કે આ મામલે કોંગ્રેસએ એમના પક્ષ કે શરદ પવારનો કોઈ સંપર્ક કર્યો નથી.

બિહાર ચૂંટણી માટે ડીએસપીએ ૪૦ સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત પછી માયાવતિની ડીએસપીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતિ, એમના ભત્રીજા અને રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ સહિત ૪૦ નેતાઓનો સમાવેશ થયો છે. જોકે સ્ટાર પ્રચારકોમાં રાષ્ટ્રીય મહામંત્રી સતિષ વર્માનું નામ નથી. જાહેર થયેલી યાદીમાં કેન્દ્રીય કો-ઓર્ડીનેટર રામજી ગૌતમ, ડો. લાલજી મેઘકર, સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલકુમાર પટેલ, સુરેશચંદ્ર રાવ, નર્મદાશંકર અહીરવાલનો સમાવેશ થાય છે. આકાશ આનંદ પહેલેથી જ બિહાર ચૂંટણીમાં સક્રીય છે. હવે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પુરી થયા પછી ડીએસપી સુપ્રીમો માયાવતીની જનસભાઓ શરૂ થશે. આ પહેલા આરજેડીએ પણ ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં લાલુ પ્રસાદ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. શિવચંદ્ર રામને યાદીમાં ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે.

રામ સુરજ રાયની ટિકિટ કપાવાથી મુઝફરપુરમાં બબાલ

મુઝફરપુરમાં ટિકિટની વહેંચણી બાબતે ભાજપમાં વિરોધ ચાલુ છે. મુઝફરપુર જિલ્લામાં સૌથી વધુ અસંતોષ ભાજપમાં છે. એનડીએના ઉમેદવારોની સભામાં મુઝફરપુર ક્લબ આવેલા ઉત્તર પુર્વ દિલ્હીના ભાજપના સાંસદએ પણ વિરોધનો સામનો કરવો પડયો છે. જેવું તેમણે ભાષણ આપવા માટે માઇક પકડયું કે કાર્યકરોએ ઔરાઇના ઉમેદવારનું નામ પરત લેવાનો સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ભાજપ જિલ્લા અધ્યક્ષ ઉર્વિ વિવેકકુમારએ કાર્યકરોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં કાર્યકરો માન્યા નહોતા. મનોજ તિવારીએ પણ કહ્યું હતું કે વિરોધની મર્યાદા હોવી જોઈએ. જો સભા ખોરવવાની કોશિષ થશે તો અમારે બીજો રસ્તો અપનાવવો પડશે. છેવટે એમણે કહેવું પડયું હતું કે તમારી વાત તમે જ્યાં સુધી પહોંચાડવા માંગો છો ત્યાં સુધી પહોંચી ગઈ છે. લોકો માંડ માંડ શાંત થયા એટલે તિવારીએ એમને ગીત પણ સંભળાવ્યું હતું.

આપના અબજોપતિ ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા

પંજાબની રાજ્યસભાની બેઠક પર સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ગુપ્તા કોઈપણ જાતના વિરોધ વગર પેટા ચૂંટણી જીતી ગયા છે. રાજેન્દ્ર ગુપ્તાને સાંસદ બનવાનું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું છે. પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતારસિંહ સંધવાની હાજરીમાં એમને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમના પત્ની મધુ ગુપ્તા પણ હાજર રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ બન્યા પછી રાજેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે હવે મને જવાબદારી મળી અને હવે નિભાવવાની છે. એમણે કહ્યું હતું કે, ઉદ્યોગ કરવો એમનો વ્યવસાય છે, પરંતુ લોકોની સેવા કરવાનું એમને ઝનુન છે. રાજેન્દ્ર ગુપ્તા ક્રાઇડન્ટ સમૂહના સ્થાપક અને ચેરમેન છે. ફોર્બ્સમાં પ્રકાશીત થયેલા અહેવાલ પ્રમાણે એમની સંપત્તિ ૧.૩ અબજ ડોલર એટલે કે ૧૧૦૫૦ કરોડ રૂપિયા છે.