નવીદિલ્હી : જી-૭માં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા જાય એ પહેલા કેનેડામાં રહેલા ખાલિસ્તાની સમર્થકોએ એમનો વિરોધ શરૂ કર્યો હતો. એક વિવાદાસ્પદ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને ભારતના શીખ સમુદાયના લોકો ખુબ નારાજ થયા છે અને ખાલિસ્તાનવાદીઓ સામે કડક પગલા લેવાની માંગણી કરી છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક શીખ બાળકો મોદી અને તિરંગાનું અપમાન કરી રહ્યા છે. વિડિયો વાયરલ થયા પછી એસજીપીસીના સભ્ય સુરજીતસિંહ ગડીએ આકરી ટીકા કરી છે. એમણે કહ્યું છે કે, 'આ પ્રકારના વિડિયો બનાવવા માટે બાળકોનો ઉપયોગ થાય છે. બાળકોનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. જે બાળકોને ભણવા માટે મોકલવામાં આવ્યા છે એમની પાસેથી કેટલાક લોકો આવું કામ કરાવે છે. બાળકો ભગવાનનું રૂપ હોય છે. આ નાની ઉંમરે એમને જે કહેવામાં આવે એ પ્રમાણે તેઓ કરે છે. આમ થવું જોઈએ નહીં. બાળકોને સારું શિક્ષણ આપવું જોઈએ.'
બિહારમાં પહેલી વખત 'અતિ પછાત'ને પક્ષ પ્રમુખ બનાવાયા
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતાદળએ પોતાના નવા પ્રદેશ પ્રમુખ જાહેર કર્યા છે. આરજેડીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે મંગની લાલ મંડલની નિમણૂક થઈ છે. મંડલની નિમણૂક થયા પછી વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવએ એમની સાથેનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા એક્સ પર શેર કર્યો છે. મંડલને અભિનંદન આપતા તેજસ્વી યાદવએ લખ્યું છે કે બિહારના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત અતિ પછાત જાતીની વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આરજેડીએ અનુસૂચિત જાતિ, મુસ્લિમ, પછાત વર્ગ, તેમજ અઘળા જાતિમાંથી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. હવે અતિ પછાત વર્ગના અને ખૂબ અનુભવિ સમાજવાદી નેતા મંગની લાલ મંડલને પક્ષ પ્રમુખ બનાવવાથી પક્ષની તાકાત વધશે.
સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીની અરજી રદ કરી
સુપ્રિમ કોર્ટે સમાજવાદી પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશ્યલ લીવ પીટીશન રદ કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટના એક ચૂકાદા વિરુદ્ધ આ અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં પાર્ટી જિલ્લા કાર્યાલયમાંથી પાર્ટીની હકાલપટ્ટી કરવાના વિવાદ સંબંધે જિલ્લા પાર્ટી અધ્યક્ષને કોઈ રીટ પીટીશન દાખલ કરવા પર રોક લગાવી હતી. સુપ્રિમ કોર્ટે જોકે સ્પષ્ટ કર્યું છે કે સમાજવાદી પક્ષ હાઇકોર્ટ જઈ શકે છે. એસએલપી પ્રમાણે જિલ્લા પાર્ટી પ્રમુખ આનંદસિંહ યાદવએ નગર પાલિકા પરિષદ, પીલીભીત દ્વારા એમને પક્ષના જિલ્લા કાર્યાલયમાંથી કાઢી મૂકવાનો આક્ષેપ કરીને અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે આ અરજી પર નિર્ણય લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
કેજરીવાલની ધમકી, અરોરા નહીં જીતે તો વિકાસ કામ અટકાવી દેવાશે
પંજાબના લુધિયાણાની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર સંજીવ અરોરા માટે આપના વડા અરવિંદ કેજરીવાલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. લુધિયાણામાં રહેતા સામાજીક કાર્યકર કિમટી રાવલએ કેજરીવાલના ભાષણો ટાંકીને પંજાબના સીઇઓને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં એમણે કહ્યું છે કે, આપના વડા ખુલ્લેઆમ મતદારોને ધમકી આપી રહ્યા છે કે, જો તેઓ અરોરાને મત નહીં આપે તો એમના મતક્ષેત્રમાં વિકાસના કામો અટકાવી દેવામાં આવશે. રાવલએ કહ્યું છે કે 'હું જોકે ભાજપના આરટીઆઇ સેલનો સભ્ય છું, પરંતુ મેં એક સામાન્ય માણસ તરીકે ફરિયાદ નોંધાવી છે. કોઈપણ મતદારને આ રીતે ધમકાવવા એ ગુનો બને છે. ચૂંટણી કમિશને આ બાબતે કડક પગલા લેવા જોઈએ.'
આસામ સરકારના 'શૂટ એટ સાઇટ' ઓર્ડરને કારણે વિવાદ
આસામના ગુબરી જિલ્લામાં મંદિરો પર સંભવીત હુમલાને રોકવા માટે આસામ સરકારે જોતા જ ગોળી મારવાનો ઓર્ડર આપ્યો છે. આ કડક પગલાને કારણે દેશભરમાં એની ચર્ચા થઈ રહી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ શાહબુદ્દીન રઝવી બરેલવીએ આ હુકમને લઘુમતિઓને ટાર્ગેટ કરવાના કાવતરા તરીકે ગણાવ્યો છે. એમણે આરોપ મૂક્યો છે કે એનઆરસી પછી મુસલમાનોને રાજ્યની બહાર કાઢી મૂકવા માટેનું આ કાવતરુ છે અને કેન્દ્ર સરકારે આ બાબતે દખલગીરી કરવી જોઈએ. આ હુકમ ગેરબંધારણીય છે. નૈતિક રીતે પણ આ ખોટું છે. મુખ્યમંત્રી હિમંત બિસવાએ વહીવટી તંત્રને હુકમ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ મંદિરો પર હુમલો કરે અથવા તો જાહેર શાંતિનો ભંગ થાય એવું કૃત્ય કરે તો એમને જોતા જ ગોળી મારી દેવી.
ચાર એન્જિનની સરકાર છતાં પણ દિલ્હીમાં પાણીની સમસ્યા જેમની તેમ
આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રમુખ સૌરવ ભારદ્વાજએ દિલ્હીની પાણીની સમસ્યા બાબતે ભાજપ સરકારને જવાબદાર ગણાવી છે. એમના કહેવા પ્રમાણે આટલી ગરમી વચ્ચે પણ દિલ્હીવાસીઓ પાણી માટે તરસી રહ્યા છે. ભાજપની કહેવાતી ચાર એન્જિનવાળી સરકાર પણ આ સંકટ ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. ભારદ્વાજએ પૂછયું છે કે, સરકારે સમર એક્શન પ્લાન્ટ હેઠળ કેટલા નવા ક્યુબવેલ બનાવ્યા છે. ભારદ્વાજએ કહ્યું હતું કે, 'ભાજપ દાવો કરે છે કે, એમની પાસે કેન્દ્ર, દિલ્હી, એમસીડી અને ઉપરાજ્યપાલ એમ ચાર એન્જિન છે. જોકે આ બધા એન્જિનો મળીને દિલ્હીને પાણીનું એક ટીંપુ પૂરુ પાડી શકતા નથી.' દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લોકો ટેન્કરોમાંથી પાણી મેળવવા માટે લાંબી લાઇનમાં ઉભા રહે છે.
વસ્તી ગણતરી વખતે મુસલમાનોને જ્ઞાતિ બતાવવા ખાસ અપીલ
જ્ઞાતિ આધારીત વસ્તી ગણતરીનું નોટિફીકેશન બહાર પડી ચૂક્યું છે. ૨૦૨૭માં ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં વસ્તી ગણતરી શરૂ થશે. ભાજપના લઘુમતિ સેલના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ મુસલમાનોને અપીલ કરી છે કે દરેક મુસલમાને મૌલાનાની વાતોમાં આવ્યા વગર પોતાની સાચી જ્ઞાતિ બતાવવી જોઈએ. વસ્તી ગણતરીના ડેટા બહાર આવશે એને આધારે સામાજીક ન્યાયની દિશામાં સરકાર નીતિ બનાવશે. મુસ્લિમ ધર્મમાં પણ વિવિધ જ્ઞાતિ હોય છે. જોકે મોટે ભાગે ધર્મને આધારે જ વસ્તી ગણતરી થાય છે. આમ થવાથી મુસ્લિમ ધર્મની વિવિધતા, સામાજીક -આર્થિક અસમાનતા અને શૈક્ષણીક સ્થિતિની સાચી જાણકારી મળતી નથી. સિદ્દીકીએ અપીલ કરી છે કે, વસ્તી ગણતરીનું ફોર્મ ભરતી વખતે જ્ઞાતિની કોલમમાં મુસલમાનોએ પોતાની સાચી જ્ઞાતિ બતાવવી જોઈએ કારણ કે આ વસ્તી ગણતરી જાતીગત જનગણના છે. ધાર્મિક જનગણના નથી. જ્ઞાતિ સંસ્કૃતિનો હિસ્સો છે, ધર્મનો નહીં.
નિલંબર પેટાચૂંટણીમાં યુડીએફને પ્રિયંકાનું સમર્થન
કેરળમાં આ અઠવાડિયે નિલંબર પેટાચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણીના ઈન્ડિકેટર તરીકે જોવામાં આવે છે. શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે વેલફેર પેન્શન, માનવ-પશુ સંઘર્ષ અને બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાના મુદ્દે તીવ્ર મતભેદ પ્રવર્તી રહ્યા છે. એલડીએફ વિકાસ અને કલ્યાણ કાર્યો પર જોર આપી રહ્યું છે જ્યારે વિપક્ષ વિરોધ પ્રદર્શન કરી રહેલા આશા કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે તેમજ માનવી-વાઈલ્ડ લાઈફ સંઘર્ષમાં થયેલા મોત નિવારવામાં નિષ્ફળતા બદલ સરકાર પર આરોપ લગાવી રહ્યું છે. ૧૯ જૂનની પેટાચૂંટણી બે વખતના વિધાયક તેમજ એલડીએફ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર પી.વી.અનવરે જાન્યુઆરીમાં રાજીનામુ આપ્યો હોવાથી યોજાઈ રહી છે. કથિત ભ્રષ્ટાચાર બાબતે પિનારાયી વિજયન સરકાર સામે ખુલ્લુ યુદ્ધ છેડનાર અનવર ટીએમસીમાં જોડાયા છે પણ ટીએમસી ઉમેદવાર તરીકે તેમનું નામાંકન રદ થતાં તેઓ આ ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જ લડી રહ્યા છે. રવિવારે ટીએમસી સાંસદ યુસુફ પઠાણ તેમના પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. એલડીએફ માટે સીએમ વિજયન પ્રચાર સભાઓ ગજાવી રહ્યા છે તો યુડીએફને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને વાયનાડની સાંસદ પ્રિયંકા વાઢરાનો સાથ મળ્યો છે જેણે રવિવારે અનેક રેલીઓ સંબોધી હતી.
બિહારમાં પરિવારવાદ વચ્ચે તેજસ્વીની દામાદ આયોગ રચવાની માગણી
બિહારમાં શાસક એનડીએએ અનેક સંબંધીઓની મહત્વના સરકારી પદો અને પંચોમાં નિમણૂંક કરતા બિહારના ચૂંટણીના મેદાનમાં ફરી પારીવારિક રાજકરણનો મુદ્દો ગાજ્યો છે. કેન્દ્ર અને રાજ્ય મંત્રીઓના ત્રણ જમાઈ, બિહારના સીએમ નિતિશ કુમારના મુખ્ય સચિવની પત્ની અને જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝાની બંને પુત્રીઓની સરકારી પદે નિયુક્તિ થતા વિવાદ છેડાયો છે. વિપક્ષ આરજેડીએ નિતિશ કુમારની આકરી ટીકા કરીને તેમના પર એ જ પારિવારીક રાજકરણનો આરોપ લગાવ્યો છે જેની તેઓ અગાઉ ટીકા કરતા હતા. નિતિશ પર કટાક્ષ કરતા આરજેડી નેતા તેજસ્વી યાદવે કાયમી દામાદ આયોગ રચવાની સલાહ આપી.
ડીએમકેનો યુવા પેઢીને આકર્ષવાનો પ્રયાસ
તમિલનાડુમાં રાજકીય પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યું છે ત્યારે ડીએમકેએ યુવા પેઢીના મત મેળવવા વ્યાપક પ્રયાસો હાથ ધર્યા છે. ડેપ્યુટી સીએમ ઉદયનીધિ સ્ટાલિન યુવા પેઢીમાં પોતાની વિચારધારા પ્રચલિત કરવા બે યોજનાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે જેમાંથી એક છે કલાઈગનર સ્ટુડન્ટ રિપોર્ટર્સ સ્કીમ અને બીજી છે રાજ્યના દ્રાવિડિયન ઈતિહાસ પર કામ કરવા લેખકો અને સંશોધકો માટે ફેલોશિપ સ્કીમ. બંને યોજનાનો હેતુ યુવાનોમાં રાજકીય જાગૃકતા લાવવાનો છે. ડીએમકેની ઘણા સમયથી આ યોજના લાગુ કરવાની તૈયારી હતી પણ વિજયનના આગમન પછી તેમાં વેગ આવ્યો છે. ઉપરાંત ડીએમકેની યુવા પાંખે તેના સોશિયલ મીડિયા વિભાગ માટે યુવાનોની ભરતી પણ ચાલુ કરી દીધી છે.
કાશ્મીરી વિદ્યાર્થીઓમાં ઈરાનનું આકર્ષણ
ઈરાનમાં મેડિકલ અને અન્ય વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ મેળવેલા લગભગ બે હજાર કાશ્મીરી વિદ્યાર્થીઓ, જેમાં પચાસ ટકા કન્યાઓ છે, તેઓ ઈઝરાયેલ સાથેની લડાઈમાં અટવાયા છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસે તેમને સુરક્ષિત સ્થળે જવાની સુવિધા કરી આપી છે પણ ભારતના ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સારા સંબંધ હોવાથી કાશ્મીર ખીણમાં વસતા આ વિદ્યાર્થીઓના ચિંતિત પરિવારો તેમના સંતાનોની સુરક્ષા માટે કેન્દ્ર તરફ મીટ માંડીને બેઠા છે. અધિકારીઓના મતે કાશ્મીરના લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ વિશ્વના અલગ અલગ દેશોમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી ૮૦ ટકા બાંગ્લાદેશ અને ઈરાનમાં છે.
છેલ્લા એક દાયકા દરમ્યાન ઓછી ફી અને સંસ્કૃતિમાં સમાનતાને કારણે ઈરાન જનારા કાશ્મીરી વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધી હતી કે કાશ્મીર ખીણ પ્રદેશને નાનકડા ઈરાન તરીકે સંબોધવામાં આવતો હતો. ખીણ પ્રદેશના મોટાભાગના વિદ્યાર્થીઓએ ઈરાનના તહેરાન, શિરાઝ અને કિશ જેવા શહેરોની સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે બાંગ્લાદેશ અને ઈરાનમાં સમગ્ર કોર્સનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા થાય છે.
- ઈન્દર સાહની


