આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહએ એક મોટી જાહેરાત કરી છે. એમણે કહ્યું હતું કે, આપ લોકસભાની ચૂંટણી પછી તરત જ ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ ગઈ હતી. હવે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. ૨૦૨૪ વિધાનસભાની ચૂંટણી આપ અને કોંગ્રેસએ ઇન્ડિયા ગઠબંધનમાંથી લડી હતી. ત્યાર પછી હરિયાણા અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. સંજય સિંહએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી સંસદનો સવાલ છે તો અમે હંમેશા સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરતા રહ્યા છીએ. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમે દિલ્હીની ઝુપડપટ્ટી તોડવાનો મુદ્દો ઉઠાવીશું.' દિલ્હીમાં હમણા સૌથી ગરમાગરમ મુદ્દો ઝુપડપટ્ટીની સાફસફાઈનો છે. આ બાબતે કોંગ્રેેસએ ભાજપ ઉપરાંત આપ પર પણ પ્રહાર કર્યા છે.
ઉદ્ધવ સાથે ગઠબંધન બાબતે રાજ ઠાકરેનું મીંઢુ મૌન
મરાઠી ભાષાના મુદ્દે મનસેના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે થોડા દિવસ પહેલા એક મંચ પર સાથે આવ્યા હતા. બંને પિતરાઇ ભાઈઓ એક સાથે મંચ પર આવ્યા એ પહેલાથી મહારાષ્ટ્રમાં એવી ચર્ચા થતી હતી કે, ડુબતી હોડી બચાવવા ઠાકરે બંધુઓએ એક થવા સિવાય છૂટકો નથી. જોકે એક સાથે મંચ પર દેખાયા પછી ઠાકરે બંધુઓ તરફથી અધિકૃત રીતે કોઈ નિવેદન આવ્યું નથી કે તેઓ એક બીજા સાથે જોડાણ કરશે કે નહીં. પત્રકારો જ્યારે રાજ ઠાકરેને આ બાબતે સવાલ પૂછે છે ત્યારે તોઓ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરે છે. એમનું કહેવું છે કે, મીડિયાનો એક વર્ગ ખોટી રીતે એમના નામે ક્વોટ કરે છે. રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે 'પત્રકારોએ જ્યારે મને પૂછયું હતું ત્યારે મે કહ્યું હતું કે, વિજયોત્સવ રેલીનું આયોજન મરાઠી માણસની જીતની ખુશી મનાવવા કરવામાં આવ્યું હતું, એની પાછળ કોઈ રાજકારણ નહોતું.'
કોર્ટની લોબીમાં બનાવટી વકીલ ફરી રહ્યા હતા, તપાસ પછી જેલ ભેગા થયા
વારાણસીમાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ કોર્ટ તેમ જ કલેક્ટર ઓફિસમાં બનાવટી વકીલોની સંખ્યા વધી ગઈ છે. સેન્ટ્રલ બાર એન્ડ બનારસ બાર એસોસીએશનએ આ દુષણ રોકવા માટે ૨૨ સભ્યોની કમીટી બનાવી છે. કમીટીના સભ્યોએ સિવિલ કોર્ટ તેમ જ કલેક્ટર ઓફિસમાં બનાવટી વકીલોની શોધ ચાલુ કરી છે. શોધ દરમિયાન ૩૦થી વધુ બોગસ વકીલો પકડાઈ ગયા છે. બાર કાઉન્સીલમાં આ વકીલોની નોંધણી નહોતી. એમની પાસે કાયદાની કોઈ ડીગ્રી પણ નહોતી. આમાંથી કેટલાકને બીજી વખત કોર્ટમાં નહીં આવવાની ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા. કેટલાકને બીજી વખત પકડાઈ જવાથી એમની સામે કેસ દાખલ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. બારની કામગીરીને કારણે હવે બનાવટી વકીલો ફફડી ગયા છે.
તેજપ્રતાપ યાદવને જીતની ગેરંટીવાળી બેઠકની શોધ
લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને કુટુંબ અને પક્ષમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. દુભાયેલા તેજપ્રતાપ યાદવ રાજકીય રીતે પોતાનું વજન પ્રસ્થાપીત કરવા માંગે છે. તેજપ્રતાપ યાદવને હજી પણ આશા છે કે પિતા અને ભાઈ એમને પક્ષ અને કુટુંબમાં પાછા સામેલ કરી લે. તેજપ્રતાપને પોતાના ભવિષ્યની ચિંતા છે. આરજેડીની મદદ વગર એમને અધુરપ લાગે છે. બીજી તરફ આરજેડીને તેજપ્રતાપ યાદવના બળવાની શંકા છે. બંને પક્ષે કોઈ પહેલ કરવા તૈયાર નથી. તેજપ્રતાપ યાદવને એવા મતવિસ્તારની શોધ છે કે જ્યાંથી એમને ચોક્કસ જીત મળી શકે. વિવિધ પક્ષોના ગઠબંધનમાંથી હજી સુધી એમને કોઈએ ઓફર મોકલી નથી. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં તેઓ મહુઆ અને હસનપુર બેઠક પરથી ચૂંટાયા હતા.
ઉદયપુર ફાઇલ્સ પર સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી અરશદ મદની શું બોલ્યા
ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ રીલીઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાઇ ગઈ છે. સુપ્રિમ કોર્ટે ફિલ્મ પર ૨૧મી જુલાઈ સુધી સ્ટે આપ્યો છે. કોર્ટે ફિલ્મના નિર્માતાને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. આ પહેલા દિલ્હી હાઇકોર્ટે પણ ફિલ્મ પર સ્ટે મૂક્યો હતો. હાઇકોર્ટના ચુકાદાને ચેલેન્જ કરવા નિર્માતા સુપ્રિમ કોર્ટ ગયા હતા. હાઇકોર્ટે મૌલાના અરશદ મદનીની અરજી સાંભળીને બે દિવસમાં ફિલ્મ રીલીઝ થતી અટકાવી હતી. નિર્માતા તરફે વકીલ ગૌરવ ભાટીયાએ દલીલો કરી હતી. જોકે સુપ્રિમ કોર્ટને ગૌરવ ભાટીયાની દલીલ યોગ્ય લાગી નહોતી. સુપ્રિમ કોર્ટના ચુકાદા પર પ્રત્યાઘાત આપતા મૌલાના અરશદ મદનીએ આનંદ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું હતું કે ચુકાદો આપનાર જજોની ટીપ્પણી ખુબ મહત્વની છે.
કોંગ્રેસ માટે ડોટાસરા સંકટમાં 'હનુમાન' બન્યા
દેશના મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસની પકડ નબળી થઈ રહી છે. આવા સમયએ ફક્ત રાજસ્થાન કોંગ્રેસ પોતાની સ્થિતિ સુધારી રહી છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે ગોવિંદસિંહ ડોટાસરાએ પાંચ વર્ષ પુરા કર્યા છે. દેશના બીજા રાજ્યોમાં ભાગ્યે જ કોઈ કોંગ્રેસ પ્રમુખે સળંગ કામ કર્યું હશે. ડોટાસરા પાંચમાં પ્રદેશ પ્રમુખ છે જેમણે પીસીસી ચીફના પદ પર રહીને પાંચ વર્ષ કે વધુ સમય સુધી કામ કર્યું હોય. ડોટાસરાથી પહેલા પરસરામ મદેરણા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત, ડો. ચંદ્રભાન સિંહ અને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સચીન પાયલોટએ પણ પાંચ વર્ષથી વધુ સમય સુધી કામગીરી કરી હતી. ૨૦૦૨ના જુલાઇ મહિનામાં કોંગ્રેસ સરકાર સંકટમાં આવી ગઈ હતી એ વખતે સચીન પાયલોટ એમના ૧૯ ધારાસભ્યોને લઇને રાજસ્થાન છોડી ચાલ્યા ગયા હતા. એ વખતે ડોટાસરાએ ગહલોત સરકારને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ઇકરા હસન અને એડીએમના વિવાદ પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના સહરાનપુર જિલ્લાના કેયરાનાથી ચૂંટાયેલા સમાજવાદી પક્ષના સાંસદ ઇકરા હસન અને એડીશનલ મેજીસ્ટેટ (એડીએમ) સંતોષ બહાદુર સિંહ વચ્ચે વિવાદ થયો છે. આ વિવાદને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. સપા સાંસદએ એડીએમ પર અભદ્ર વ્યવહાર અને ઓફિસમાંથી બહાર કાંઢી મૂકવાનો હુકમ કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. બીજી તરફ એડીએમએ આ આરોપ નકારી કાઢયા છે. આ બાબતે હવે સપાના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સોશ્યલ મીડિયા એક્સ પર યાદવએ લખ્યું છે કે, 'જે સાંસદનું માન નથી જાળવતા તેઓ પ્રજાનું કામ કઈ રીતે કરશે.' ઇકરા હસન છૂટમલપુર નગર પંચાયતના પ્રમુખ સમા પરવીનની સાથે સ્થાનિક સમસ્યા વિશે ચર્ચા કરવા માટે એડીએમની ઓફિસે ગયા હતા ત્યારે એડીએમએ બંનેને ખખડાવી નાંખ્યા હતા.
તમિલનાડુમાં ભાજપના અન્નામલાઇનું સૂચક મૌન
તમિલનાડુમાં ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ કે. અન્નામલાઇ હાલ સૂચક મૌન પાળી રહ્યા છે. એક સમયના ફાયરબ્રાન્ડ નેતા હાલ તેમના ગઢ રાજ્યના પશ્ચિમ ઇલાકા માં યોજાતી પક્ષની બેઠકોમાં ભાગ લઇ સંતોષ માને છે. ભૂતપૂર્વ આઇપીએસમાંથી રાજકારણી બનેલાં અન્નામલાઇના ટેકેદારોનું કહેવું છે કે આ તેમનું મૌન વ્યૂહાત્મક છે, તે પીછેહઠ નથી. હવે રાજ્ય સ્તરે તેમને કોઇ વિધિસર ભૂમિકા સોંપાઇ ન હોવાથી તેમણે મિડિયા સમક્ષ બોલવાનું ઓછું કરી નાંખ્યું છે. ભાજપના સાથી એઆઇડીએમકેને પણ ઠમઠોરવાની તક જતી ન કરનારા અન્નામલાઇએ કોઇમ્બતુરમાં એક બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તે ઓગસ્ટ સુધી રાજકીય બાબતો પર કશું બોલશે નહીં.
ગીતાની સાથે અન્ય ધર્મગ્રંથો પણ શાળામાં ભણાવોઃ હરીશ રાવત
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા હરીશ રાવતે બુધવારે જણાવ્યું હતું કે શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવામાં આવે તેમાં કશું નુકશાન નથી પણ આ એકપક્ષી નિર્ણય ન હોવો જોઇએ અને ગીતાની સાથે અન્ય ધાર્મિક ગ્રંથોનું પણ શિક્ષણ આપવું જોઇએ. ભગવદ ગીતા કર્મયોગવિશે છે. કર્મયોગનું શિક્ષણ હમેશા યોગ્ય જ હોય. પ્રેરણાત્મક ધાર્મિક બાબતોનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે તેમાં કશું નુકશાન નથી.પણ અન્ય ધાર્મિક બાબતોનો પણ તેમાં સમાવેશ થવો જોઇએ.
જો કે, તેમણે ચેતવણી આપી હતી કે જો શિક્ષણનું ભગવાકરણ કરવાના ઇરાદાથી આ પગલું ભરવામાં આવશે તો તેની આપણી શિક્ષણ પ્રણાલિ પર નકારાત્મક અસર પડશે. નવી શિક્ષણ નીતિ ભગવાકરણનું પ્રતીક બની ગઇ છે અને તેના ગંભીર પરિણામો દેશ અને શિક્ષણ પર પડવાના છે. ઉત્તરાખંડમાં શાળાઓમાં ભગવદ ગીતાના પાઠો ભણાવવાની શરૂઆત થઇ તે પછી બીજા દિવસે તેમણે આ નિવેદન આપ્યું હતું.
સિંદૂર પહેલાં મરાઠાઓએ સ્ટ્રાઇક કરી હતીઃ આઠમાના પાઠયપુસ્તકનો દાવો
એનસીઇઆરટીના ધોરણ આઠના સોશ્યલ સાયન્સના નવા પાઠયપુસ્તકમાં ધ રાઇઝ ઓફ મરાઠા પ્રકરણમાં અંધારી રાતે મોગલ સેના પર શિવાજીએ કરેલાં હુમલાઓને આધુનિક સર્જીકલ સ્ટ્રાઇક સાથે સરખાવવામાં આવ્યા છે. પુસ્તકમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીને વ્યૂહબાજ અને દૂરંદેશી ગણાવવામાં આવ્યા છે જ્યારે મોગલ સામ્રાજ્યના સ્થાપક બાબરને ક્રૂર અને નિર્દયી વિજેતા ગણાવવામાં આવ્યો છે જેણે શહેરોની સમગ્ર વસ્તીઓને હણી નાંખી હતી. સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરનાર શિવાજી તેમના જીવનકાળ દરમ્યાન જ ભારત અને વિદેશમાં પ્રખ્યાત થઇ ગયા હતા. શિવાજી તેમના દુશ્મનોની છાવણી પર રાત્રે ગણતરીના સૈનિકો સાથે જ હુમલો કરતાં અને આ હિંમતભર્યા હુમલા એ આજના આધુનિક જમાનાની સર્જીકલ સ્ટ્રાઇક જેવા હતા. તેમાં પણ સર્જીકલ સ્ટ્રાઇક નીચે ઘેરા રંગની લીટી દોરવામાં આવી છે. અન્ય એક પ્રકરણભારતના રાજકીય નકશાનો નવો આકારમાં જણાવવામાં આવ્યું છે કે બાબર મહિલાઓને ગુલામ બનાવીને રાખતો હતો અને તેને જ્યારે સમરકંદમાંથી ફેંકી દેવામાં આવ્યો ત્યારે તેણે ઉપખંડમાં પ્રવેશી શહેરોમાં લૂંટ ચલાવી હતી અને માર્યા ગયેલો લોકોની ખોપડીઓમાંથી મિનારો બનાવ્યો હતો.
કેન્દ્રમાં દર પાંચ સેક્રેટરીમાં હવે એક મહિલા સેક્રેટરી
ગયા મહિને કેન્દ્ર સરકારે ૧૯૯૪ની બેચની આઇએએસ અધિકારી અનુરાધા ઠાકુરની આર્થિક બાબતોના વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરી હતી. આ સ્થાને નિમણૂક મેળવનારાં તેઓ પ્રથમ મહિલા છે. અગાઉ આ હોદ્દા પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને આયોજન પંચના ભૂતપૂર્વ નાયબ ચેરમેન મોન્ટેકસિંહ અહલુવાલિયા કામ કરી ચૂક્યા છે. કેન્દ્રમાં હાલ નેવું સેક્રેટરીમાંથી ૧૬ મહિલાઓ છે જે લગભગ અઢાર ટકા હિસ્સેદારી દર્શાવે છે. ૧૯૮૨ની બેચના નિવૃત્ત આઇએએસ અધિકારી અરૂણા શર્માએ જણાવ્યું હતું કે અમારા સમગ્ર કાર્યકાળ દરમ્યાન મહિલા સેક્રેટરીઓની ટકાવારી કદી ૧૦થી ૧૨ ટકાથી વધી નહોતી. હાલ આરોગ્ય, કોર્પોરેટ અફેર્સ, ગ્રાહક બાબતો, કર્મચારી અને તાલીમ વિભાગ, જળસ્રોત વિભાગ અને કાનુની બાબતોના વિભાગોમાં મહિલા સેક્રેટરીઓ વહીવટી કામગીરી સંભાળી રહી છે. અન્ય ચાવીરૂપ વહીવટીકામો પણ મહિલા સેક્રેટરીઓ દ્વારા કરાઇ રહ્યા છે.
-ઇન્દર સાહની


