Get The App

દિલ્હીની વાત : ભાજપએ ચૂંટણી પહેલા સિદ્ધુ દંપતી માટે જમીન તૈયાર કરી

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપએ ચૂંટણી પહેલા સિદ્ધુ દંપતી માટે જમીન તૈયાર કરી 1 - image

નવીદિલ્હી : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે સિધ્ધુ દંપતીએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે અને ભાજપના વખાણ શરૂ કર્યા છે એનાથી એવું નક્કી મનાય છે કે સિધ્ધુ દંપતી હવે ભાજપમાં જોડાશે. ભાજપના નેતાઓએ પણ હવે સિધ્ધુ દંપતીને આવકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવજોત સિંહ સિધ્ધુ અને એમના પત્ની નવજોત કૌર અગાઉ ભાજપમાં રહી ચૂક્યા છે. ભાજપના નેતાઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, ભૂતપૂર્વ મંત્રી મનોરંજન કાલિયા જેવા સિધ્ધુ વિરોધી નેતાઓ સાથે વાત કરશે. આ સંબંધે પ્રાથમીક વાતો થઈ છે. પત્નીની હકાલ પટ્ટી પછી પણ નવજોત સિંહ સિધ્ધુ હમણા તો કોંગ્રેસમાં છે, પરંતુ લાંબો સમય ટકે એમ લાગતું નથી. નવજોત સિંહ સિધ્ધુએ યુ-ટર્ન મારીને એકાએક નરેન્દ્ર મોદીના વખાણ કરવાના શરૂ કર્યા છે. જોકે ભાજપના કેટલાક નેતાઓ જ સિધ્ધુ દંપતીની વિરુદ્ધમાં છે કારણ કે સિધ્ધુ દંપતીએ વારંવાર વફાદારી બદલી છે.

રમઝાન પહેલા દિલ્હીના જામામસ્જીદ સહિત બજારોમાં વધી ભીડ

રમઝાન મહિનો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે તે પહેલા દિલ્હીના બજારોમાં ચહલ-પહલ વધી ગઈ છે. ખજૂર અને સેવૈયાની દુકાનો પર વધુ ભીડ દેખાય છે. જામામસ્જીદ, હઝરત નિઝામુદ્દીન દરગાહ, ચાંદની ચોક, મીના બજાર અને ચીટલી કબર બજારમાં ગ્રાહકો દેખાઈ રહ્યા છે. બજારને શણગારવામાં આવ્યા છે. આ વખતે સાઉદી અરેબિયા, મક્કા - મદીના, દુબઈ, ટયુનીશિયા અને ઇરાનથી ખજુર મંગાવવામાં આવ્યા છે. મદીનાથી અંબર, અજવા, કલવી, મગરૂમ, મજદુલ, હસબતી, રઝાન અને કીમીયા જેવા વિવિધ પ્રકારો આવી ગયા છે. એક કિલોની કિંમત ૧૫૦ થી લઈને ૧,૬૦૦ રૂપિયા સુધી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે ગયા વર્ષ કરતા વધુ વેચાણ થવાની શક્યતા છે.

મીઝોરમના મુખ્યમંત્રી ઉવાચ, કૌભાંડના પુરાવા મળશે તો રાજીનામું આપીશ

મીઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ કહ્યું છે કે, જમીન કૌભાંડ બાબતે થઈ રહેલા આક્ષેપો જો સાચા પુરવાર થશે તો તેઓ રાજીનામું આપી દેશે. લેંગપુરઇ જમીન વેચાણના વિવાદમાં નાણાકીય ગોલમાલ થઈ રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે જો વિરોધ પક્ષ સાબિત કરી શકે કે એમણે લાંચ લીધી છે તો તેઓ રાજ્યનું નેતૃત્વ કરવા લાયક રહેશે નહીં. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી જોન રોટલુઆંગ્લીયાનાએ આરોપ મુક્યો હતો કે, મુખ્યમંત્રીએ લાંચ લઈને જમીન કૌભાંડ કર્યું છે. રોટલુઆંગ્લીયાનાના કહેવા પ્રમાણે મુખ્યમંત્રીનો ભાગ ૧૪ કરોડ રૂપિયા હતો જેમાંથી એમને ૧૦ કરોડ રૂપિયા મળી ગયા છે. લાલદુહોમાએ લાંચની રકમ રોકડને બદલે સોનામાં સ્વિકારી છે. આ આક્ષેપથી લાલદુહોમા દુભાયા હોવાનો દેખાવ કરે છે અને પદ ત્યાગ કરવાની વાત કરે છે, પરંતુ વખત આવે ત્યારે ખબર પડશે કે તેઓ ખરેખર સત્તા છોડી દે છે કે ખુરશીને વળગી રહે છે.

શબરીમાલા મંદીરમાં મહિલાઓના પ્રવેશ બાબતે સરકાર અસમંજસમાં

છેલ્લા કેટલાક વર્ષોથી કેરળમાં આવેલા શબરીમાલા મંદીરમાં મહિલાઓના પ્રવેશ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે સત્તાધારી સામ્યવાદી પક્ષે કહ્યું છે કે, શબરીમાલા મંદીરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો બંધારણીય મુશ્કેલીઓ સાથે જોડાયેલો છે. સરકાર વાતચીત દ્વારા જ આ સમસ્યાનો હલ ઇચ્છે છે. રાજ્યના કાયદામંત્રી પી રાજીવએ કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે, ૭ જેટલા બંધારણીય સવાલોનો અભ્યાસ કર્યા પછી અરજી પર વિચાર કરવામાં આવશે. મંત્રીએ કહ્યું હતું કે, સરકાર શ્રદ્ધાળુઓના વિશ્વાસની રક્ષા કરશે અને એમને પડખે ઉભી રહેશે. કેરળના બે મોટા હિન્દુ સંગઠનો નાયર સેવા સોયાટી (એનએસએસ) અને શ્રી નારાયણ ધર્મ પરિપાલન (એસએનડીપી) ફરીફરીને કહે છે કે, માસિક ધર્મવાળી મહિલાઓને શબરીમાલા મંદીરમાં પ્રવેશ મળવો જોઈએ નહીં.

સંપત્તી છુપાવવાને કારણે કોંગ્રેસના ધારાસભ્યની ખુરશી ગઈ

કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય એસ એન સુબ્બા રેડ્ડીની ચૂંટણી રદ કરી દીધી છે. ૨૦૨૩ વિધાનસભાની ચૂંટણી તેઓ ચીક્કબલ્લાપુર જિલ્લાની બાગેપલ્લી બેઠક પરથી જીત્યા હતા. કોર્ટના આ નિર્ણયને કારણે કોંગ્રેસને ફટકો પડયો છે. એમ મનાય છે કે ફરીથી જો આ બેઠક પર ચૂંટણી થશે તો કોંગ્રેસે જીતવું મુશ્કેલ છે. ભાજપના ઉમેદવાર મુનીરાજુએ ૨૦૨૩માં ૨૪મી જૂને હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. એમનો આરોપ હતો કે સુબ્બા રેડ્ડીએ ઉમેદવારી પત્ર ભરતી વખતે એમની તમામ મિલકતોની જાણકારી આપી નહોતી. એમણે પોતાની સામે ચાલી રહેલા કેટલાક ફોજદારી ગુનાઓ છૂપાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન સાબિત થઈ ગયું હતું કે, ધારાસભ્યએ પોતાની મિલકતની જાહેરાત કરવાના નિયમોનો ભંગ કર્યો હતો અને કેટલીક જરૂરી માહિતી છુપાવી પણ હતી.

ત્રણ મીનીટના ભાષણની ટ્રાન્સક્રિપ્ટ આઠ મીનીટની કઈ રીતે

સુપ્રિમ કોર્ટે લદ્દાખના એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂક વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા એક વિડિયોની ટ્રાન્સક્રિપ્ટ બાબતે નારાજગી બતાવી છે. સુપ્રિમ કોર્ટે ટ્રાન્સક્રિપ્ટની લંબાઈ બાબતે સવાલો કર્યા હતા. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આર્ટીફિશિયલ ઇન્ટલિજન્સ (એઆઇ)ના સમયમાં ભાંષાતર એકદમ સટીક હોવું જોઈએ. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ પી બી વરાડેની બેન્ચે એડિશનલ સોલીસીટર જનરલ કો એમ નટરાજને કહ્યું હતું કે, સરકાર વાંગચૂકના નિવેદનોની વાસ્તવિક ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરે. કારણ એ હતું કે આરોપીના વકીલ કપીલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે, ટ્રાન્સક્રીપ્ટમાં એવા શબ્દો મુકવામાં આવ્યા છે જે કહેવાયા નથી. બેન્ચનું કહેવું હતું કે, વાંગચુકે જે કહ્યું હતું એનું સાચી ભાષાંતર તો થવું જ જોઈએ. ભાષણ ફક્ત ત્રણ મીનીટનું હતું જ્યારે એનું ભાષાંતર આઠ મીનીટનું છે. આ કેવી રીતે શક્ય છે.

દિલ્હીમાં સીબીએસસી 10મી-12મી બોર્ડની પરીક્ષા શરૂ

દિલ્હીના વિદ્યાર્થીઓ આજકાલ પરીક્ષાના મૂડમાં છે. કેન્દ્રીય માધ્યમીક શિક્ષા બોર્ડ (સીબીએસસી)ની ૧૦મી અને ૧૨મી બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે બંને ધોરણોમાં કુલ ૪૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ૧૦મીની પરીક્ષાની શરૂઆત ગણિતના પેપરથી થઈ હતી જ્યારે ૧૨મીની પરીક્ષાની શરૂઆત બાયોટેકનોલોજી અને શોર્ટહેન્ડ વિષયથી શરૂ થઈ હતી. ૧૦માં ધોરણમાં લગભગ ૨૫,૦૮,૩૧૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૧૨મીની પરીક્ષામાં ૧૮,૫૯,૫૫૧ વિદ્યાર્થીઓની નોંધણી થઈ છે. દેશ આખામાં પરીક્ષા માટે ૧૫,૬૪૯ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં આવેલા સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીસીટીવી કેમેરા સહીત સુરક્ષાના બીજા સાધનો પણ ગોઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલના યુનિફોર્મ તેમજ આઇકાર્ડને આધારે જ કેન્દ્ર પર પ્રવેશ મળી રહ્યો છે.