નવીદિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષના નેતાઓ ટીકીટ માટે પ્રયત્ન કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે પણ નેતાઓની લાઈન લાગી છે. ગયા અને લખીસરાઈ જેવી બેઠકો પર કોંગ્રેસની ટીકીટ માટે ૧૫૦ થી ૨૦૦ જેટલા ઉમેદવારો પડાપડી કરી રહ્યા છે. ટીકીટના દાવા માટે લગભગ બે હજાર કાર્યકર્તાઓ સ્ક્રીનીગ કમિટિ પાસે ગયા હતા. દરેકનું માનવું હતું કે, ટીકીટના યોગ્ય દાવેદાર તેઓ જ છે. સ્ક્રીનીગ કમિટિની બેઠકમાં અલગ અલગ વિધાનસભા ક્ષેત્રના સંભવિત ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આવેલા લગભગ તમામ ટીકીટ વાંચ્છુકોએ ટીકીટ મળે તો જીતવાનો દાવો કર્યો હતો. ટીકીટની માંગણી કરનારાઓમાં ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ સાંસદો, ભૂતપૂર્વ મેયર તેમ જ સમાજસેવકો હતા.
'બંગાળીઓનું અપમાન સહન નહી કરૂ'
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપશાસીત રાજ્યો પર આક્ષેપ મૂકયો છે કે, બંગાળના પ્રવાસી શ્રમીકો સાથે ભાષાને મામલે અત્યાચાર થાય છે. દક્ષિણ કોલકત્તાના બહેલા વિસ્તારમાં આયોજીત એક કાર્યક્રમમાં મમતાએ કહ્યું હતું કે, તેઓ બંગાળીઓનું અપમાન સહન નહીં કરશે. આઝાદીની લડાઇમાં બંગાળના ફાળાને યાદ કરતા એમણે કહ્યું હતું કે, જો બંગાળ નહીં હોત તો દેશને આઝાદી મળતે નહીં. મમતાના કહેવા પ્રમાણે બંગાળમાં અન્ય રાજ્યોના દોઢ કરોડથી વધુ પ્રવાસી શ્રમીકો કામ કરે છે. આ શ્રમીકોને કદી હેરાન કરવામાં આવતા નથી. બંગાળના શ્રમીકોને ભાષાના આધારે શા માટે હેરાન કરવામાં આવે છે? મમતાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે એસઆઇઆરને બહાને બંગાળમાં એનઆરસી લાગુ કરવાનું કાવતરૂ થઈ રહ્યું છે.
જયા બચ્ચનના મિજાજનો વિવાદ હજી ચાલુ છે
સમાજવાદી પક્ષના સાંસદ અને જાણીતા ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચન એમના તીખા સ્વભાવ માટે જાણીતા છે. ફક્ત રાજ્યસભામાં જ નહીં જાહેર કાર્યક્રમોમાં પણ તેઓ નાની બાબતે ગુસ્સે થઈ જાય છે. ખાસ કરીને એમની સાથે સેલ્ફી લેવા માગતા ચાહકોને તેઓ ધક્કો મારીને દૂર કરે છે. જયા બચ્ચનની આવી વર્તણૂકને કંગના રનૌત પછી હવે ફિલ્મ દિગદર્શક અશોક પંડીતએ પણ પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસીએશન (આઇએફટીડીએ) ના પ્રમુખ અશોક પંડીતએ જયા બચ્ચનના વર્તન બાબતે નારાજગી બતાવી છે. પંડીતનું કહેવું છે કે, લોકસેવકની ફરજ છે કે, તેઓ લોકો સાથે નમ્ર વર્તન કરે. જે વ્યક્તિ લોકોના પ્રતિનિધિ તરીકે સાંસદમાં ગઈ હોય એમણે સામાન્ય માણસને માન આપવું જોઈએ.
'ઇલેકશનની બેઠકની ચિંતા નથી'
અતિક અહમદના મોત માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન આપનાર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલને અખિલેશ યાદવએ પક્ષમાંથી કાઢી મૂક્યા છે. જોકે પક્ષખારીજ થઈ ગયેલા પૂજા પાલને આનાથી ફેર પડયો હોય એવુ લાગતું નથી. એમણે સોશયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, 'મને ઇલેકશનની બેઠકની ફીકર નથી... મને મારા પતિના હત્યારાઓને નર્કની ટીકીટ મળી એની ખુશી છે.' પૂજાનું કહેવું છે કે તેઓ ધારાસભ્ય તો પછીથી બન્યા પહેલા તો તેઓ પીડીત હતા. મુખ્યમંત્રી યોગીજીની પોલીસી નો નોનસેન્સ છે. મે કદી મારા સ્વાર્થ માટે રાજકારણનો ઉપયોગ કર્યો નથી. આજે આખુ રાજ્ય મુખ્યમંત્રી પ્રત્યે આદરભાવ ધરાવે છે. રાજકીય નીરિક્ષકો માને છે કે, પૂજાપાલ કદાચ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હોઈ શકે છે.
ચિરાગએ નિતિશકુમારને પત્ર લખી શેની માંગણી કરી
કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ના પ્રમુખ ચિરાગ પાસવાનએ બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારને પત્ર લખ્યો છે. પત્રમાં એમણે વૈશાલી જિલ્લાના રાઘોપુર વિસ્તારને પુરગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. રાઘોપુર વિસ્તાર ચિરાગના સંસદીય ક્ષેત્ર હાજીપુરમાં આવ્યો છે. બિહાર વિધાનસભાના વિરોધપક્ષના નેતા તેમ જ આરજેડીના સર્વેસર્વા તેજસ્વી યાદવ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા તેજસ્વી યાદવના રાઘોપુર ક્ષેત્ર માટે ચિરાગએ નિતિશને જે પત્ર લખ્યો એનાથી ઘણાને આંચકો લાગ્યો છે. જો આ વિસ્તારને પુરગ્રસ્ત જાહેર કરવામાં આવે તો સરકાર તરફથી લોકોને ખાસ સુવિધા મળી શકે.
દેશના રાજ્યપાલોમાંથી જ કોઈ ઉપરાષ્ટ્રપતિ બને એવી શક્યતા
જગદીપ ધનખડેના રાજીનામા પછી ખાલી પડેલી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે. ભાજપ તરફથી હજી સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ભાજપના ટોચના નેતાઓ આ માટે મળતા રહે છે. એનડીએની મળેલી એક બેઠકમાં ઉમેદવારની પસંદગીની સત્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને આપવામાં આવી છે. એમ મનાય છે કે ટૂંક સમયમાં દેશના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોની બદલીઓ પણ થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઘણા રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ ભાજપના ટોચના નેતાઓને મળ્યા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સકસેના રક્ષામંત્રી રાજનાથસિંહને મળ્યા હતા. એ પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ શિવપ્રતાપ શુક્લ નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા હતા. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે રાજ્યપાલોમાંથી કોઈ ઉપરાષ્ટ્રપતિ બને એવી શક્યતા નકારી શકાય નહીં.


