નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પુર્ણીમાની મુલાકાત લે એ પહેલા રાજકારણ ગરમાયું હતું. મોદીએ એરપોર્ટ, વન ડે ભારત એક્સપ્રેસ સહીત ૪૦ હજાર કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. રાજકીય નીરીક્ષકો માને છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારની પ્રજાને ખુશ કરવા માટે આ જાહેરાત કરી છે. તેજસ્વી યાદવ પછી લાલુ પ્રસાદ યાદવએ પણ મોદીની મુલાકાત પર ટોણો માર્યો હતો. સોશ્યલ મીડિયા પર લાલુએ પોસ્ટ મૂકીને બિહારીઓને સંબોધન કરતા લખ્યું હતું કે, બિહારના લોકોને જુમલા દિવસની શુભેચ્છા. એમણે ૧૨ સેકન્ડનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. સોશ્યલ મીડિયા એક્સ પર લાલુએ લખ્યું હતું કે, 'આજે બિહારમાં જુમલા દિવસ છે. એક એક વોટકી સિફારીસ હોગી આજ બિહારમેં, જુમલોકી બારીસ આજ હોગી બિહારમેં.'
ઉપરાષ્ટ્રપતિના સેક્રેટરી બનનાર અમિત ખરે કોણ છે
રીટાયર્ડ આઇએએસ અધિકારી અમિત ખરેને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેશે. અમિત ૨૦૨૧થી વડાપ્રધાન મોદીના સલાહકાર તરીકે કામ કરે છે. તેઓ પીએમઓમાં સામાજીક ક્ષેત્ર સંબંધીત બાબતોની જવાબદારી સંભાળે છે. અમિત, રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ બનાવનાર કોર ટીમના સભ્ય હતા. ઝારખંડ કેડરના અમિત ખરેએ બિહારનું ચારાકૌભાંડ બહાર પાડયું હતું. તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા છે. અમિત ખરે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના ગ્રેજ્યુએટ છે. એમણે અમદાવાદ આઇઆઇએમમાંથી પ્રોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
બનારસ કોર્ટમાં બોગસ વકીલો સામે કડક પગલાં
ઉત્તર પ્રદેશ તેમ જ દેશની પણ કેટલીક કોર્ટોમાં વકીલ જેવા કપડા પહેરીને દલાલો ફરતા રહે છે. કોર્ટના કામે આવેલા અજાણ્યા વ્યક્તિઓને પોતાની ઓળખ વકીલ તરીકે આપીને તેઓ પૈસા પડાવતા હોય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આવા બોગસ વકીલો સામે કાર્યવાહી ચાલુ થઈ છે. બનારસના બાર એસોસીએશનએ સેન્ટ્રલ બાર એસોસીએશન સાથે એક સંયુક્ત કમીટી બનાવી છે. આ કમીટી આવા બોગસ વકીલોને શોધવાનું કામ કરે છે. કમીટીએ પકડેલા કેટલાક આવા બોગસ વકીલો પાસે એમના સર્ટીફીકેટ માંગવામાં આવતા તેઓ સર્ટીફીકેટ આપી શક્યા નહોતા. એમને પોલીસને સોંપવામાં આવ્યા હતા. થોડા મહિનાઓ પહેલા આ કમીટીએ એવી જાહેરાત કરી હતી કે વકીલ સિવાય કોઈએ પણ વકીલ જેવા કપડા પહેરીને કોર્ટના કમ્પાઉન્ડમાં આવવું નહીં. આ સૂચના હોવા છતાં કેટલાક ઠગો હજી પણ એમની ઠગાઈ ચાલુ રાખે છે.
કાબુલથી દિલ્હી સુધી રાજ કરનારા મોગલ બાદશાહો નેપાળ કેમ જીતી શક્યા નહીં
નેપાળ હમણા મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. નેપાળમાં બેરોજગારી અને વધતી મોંઘવારી મોટી સમસ્યા છે. કેટલાક લોકો ફરીથી રાજાશાહી પાછી લાવવાની વાત કરી રહ્યા છે. આવા સંજોગોમાં કેટલાકને સવાલ થઈ રહ્યો છે કે ભારત જેવા મોટા દેશ પર વર્ષો સુધી શાસન કરનાર મોગલો નેપાળને શા માટે પરાજીત કરી શક્યા નહીં. નેપાળની ભૌગોલિક પરિસ્થિતિ મોગલો માટે મોટી ચેલેન્જ હતી. ઊંચા પર્વતો, સાંકડા રસ્તાઓ, ઊંડી ખીણો અને ગાઢ જંગલો નેપાળને કુદરતી રીતે સુરક્ષીત રાખતા હતા. નેપાળની ભારી તોપો તેમજ ઘોડેસવાર સેના સામે મોગલો પહાડી યુદ્ધમાં નબળા પડતા હતા. આ ઉપરાંત મોગલોની નજર મોટા ભાગે સમૃદ્ધ પ્રદેશો પર રહેતી હતી. ઉત્તર પ્રદેશ, બંગાળ અને ગુજરાત જેવા વિસ્તારો સમૃદ્ધીનું પ્રતિક હતા. બીજી તરફ નેપાળનું કૃષિ ઉત્પાદન પણ મર્યાદિત હતું. આવા કારણોને લીધે મોગલોએ નેપાળ પર દૃષ્ટી કરી નહોતી.
ભૂલ એકસરખી, પરંતુ એકને માફી બીજાને સજા
બે શિક્ષકોની એકસરખી ભૂલોની ફરિયાદ પર એકને સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે બીજાને માફી આપવામાં આવી. ઉત્તર પ્રદેશના ઇટાવાના શિક્ષણ અધિકારીના આ નિર્ણય પર અલ્હાબાદ હાઇકોર્ટે નારાજગી બતાવી છે. કોર્ટનું કહેવું છે કે શિક્ષણ વિભાગનો નિર્ણય એમની નિષ્પક્ષતા પર ગંભીર સવાલ ઉભો કરે છે. આ સત્તાનો દુરઉપયોગ છે. અલ્હાબાદ હાઇકોર્ટે હવે પછીની સૂનાવણી વખતે ઇટાવાના શિક્ષણ અધિકારીને જાતે હાજર થવાનો હુકમ કર્યો છે. જસ્ટીસ મંજૂરાની ચૌહાણએ ઇટાવાના પ્રબલ પ્રતાપસિંહની અરજી પર આ નિર્ણય આપ્યો છે. અરજી કરનારના વકીલ અગ્નીહોત્રી ત્રીપાઠીનું કહેવું હતં કે, બે શિક્ષકો સામે એમના ગેરવ્યવહાર કરવાની ફરિયાદ થઈ હતી. બંને શિક્ષકોમાંથી અરજી કરનાર વિરુદ્ધ તપાસ શરૂ કરીને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે જ્યોતિ રાવ નામના શિક્ષીકા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આકાશ આનંદ પછી માયાવતીએ કોના પર ભરોસો મૂક્યો
બીએસપી પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદના સસરા અને ભૂતપૂર્વ સાંસદ અશોક સિદ્ધાર્થને કેન્દ્રીય કોઓર્ડીનેટર બનાવ્યા છે. એમને ચાર રાજ્યોની જવાબદારી પણ સોંપવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ આકાશ આનંદને માયાવતીએ ફરીથી બીએસપીમાં લઈને મોટી જવાબદારી આપી છે. હવે આકાશના સસરાનો વારો છે. માયાવતીએ આ સિવાય પણ સંગઠનમાં બીજા ફેરફાર કર્યા છે. અશોકને પાર્ટી સંગઠનના સેક્ટર ત્રણના કેન્દ્રીય કોઓર્ડીનેટર બનાવીને છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર તેમજ ગુજરાત રાજ્યોમાં પક્ષને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પહેલા આ સેક્ટરની જવાબદારી રણધીરસિંહ બેનીવાલ સંભાળતા હતા. બેનીવાલને હવે સેક્ટર ૪ના કોઓર્ડીનેટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી સેક્ટર ચારની જવાબદારી ડો. લાલજી મેઘાનકર પાસે હતી.
વકીલ નહીં હોય એવી વ્યક્તિ બીજા વતી દલીલ કરી શકે?
અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અગત્યના પ્રશ્ને દલીલો થઈ રહી છે. કોઈક એવી વ્યક્તિ જેની વકીલ તરીકે નોંધણી નહીં થઈ હોય, પરંતુ કાયદાની જાણકારી હોય તો કોર્ટમાં બીજી કોઈ વ્યક્તિ માટે દલીલ કરી શકે? આ સવાલ એન્જિનિયર વિશ્રામસિંહની અરજીની સુનાવણી વખતે જસ્ટીસ વિનોદ દિવાકરે કર્યો હતો. આ કેસ નીચલી અદાલત સાથે જોડાયેલો છે. આ કોર્ટમાં શીલનીધી જયેસ્વાલએ વિશ્રામસિંહ વતી દલીલ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે આ માંગણી એમ કહીને ફગાવી દીધી હતી કે, જે વ્યક્તિનું રજીસ્ટ્રેશન વકીલ તરીકે થયું ન હોય એ વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિ વતી દલીલ કરવાની પરવાનગી આપી શકાય નહીં. આ ચૂકાદા વિરુદ્ધ સિંહે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. એમનું કહેવું હતું કે તેઓ વ્યવસાયે એન્જિનિયર છે પરંતુ એમને કાયદાનું જ્ઞાાન છે અને એમણે સુપ્રિમ કોર્ટના ૧૦૦ કરતા વધુ ચૂકાદાઓનો અભ્યાસ કર્યો છે.


