નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલા મહાગઠબંધનમાં બેઠકની વહેંચણી બાબતે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ જોવા મળે છે. કેટલાક અતિ મહત્વકાંક્ષી નેતાઓ નાસીપાસ થયા છે. પક્ષમાં હજી બેઠક અને ટિકિટ ફાઇનલ થઈ નથી. બિહાર કોંગ્રેસના કેટલાક કાર્યકરો ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયાને ખોટી ગણાવી રહ્યા છે. બેઠક વહેંચણીમાં આરજેડીના રાજકીય કાવાદાવા પારખ્યા વગર ઉમેદવારોની પસંદગી બાબતે બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાહ વરૂહએ ખોટા નિર્ણયો લીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એમ મનાય છે કે, ઉમેદવારોના નામ જાહેર થયા પછી કાર્યકરોનો ગુસ્સો ફાટી શકે છે. કોંગ્રેસના સિનિયર નેતાઓને પણ આની ગંધ આવી ગઈ છે અને એટલે જ ઉમેદવારોની યાદી નક્કી થઈ ગઈ હોવા છતાં જાહેર કરવામાં આવતી નથી.
જાતિ સર્વેમાં ભાગ લેવાનો સુધા મૂર્તિનો ઇન્કાર
રાજ્યસભાના સભ્ય સુધા મૂર્તિ અને એમના પતિ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કર્ણાટકમાં થઈ રહેલા જાતિગત સર્વેક્ષણમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે. આ બાબતે એમણે એમનો લેખિત જવાબ પણ અધિકારીઓને આપી દીધો છે. આ જવાબ બાબતે રેકોર્ડ પર કોઈ કહેવા તૈયાર નથી. કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં જાતિ આધારીત જનગણનાની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ ગઈ હતી. પહેલા આ સર્વે ૭મી ઓક્ટોબર સુધી ચાલવાનો હતો પરંતુ પછીથી સમય મર્યાદા લંબાવવામાં આવી હતી. સર્વેનું કામ કરી રહેલા અધિકારીઓ જ્યારે મૂર્તિના જયનગર સ્થિત ઘરે પહોંચ્યા ત્યારે એમણે કહ્યું હતું કે આ સર્વે બાબતે તેઓ કોઈ જવાબ આપવા માંગતા નથી કારણ કે તેઓ પછાત વર્ગમાંથી આવતા નથી. એ કારણે એમની માહિતી સરકારને કામ લાગવાની નથી. સત્તાવાર રીતે સુધા મૂર્તિ કે એમના પતિએ આ બાબતે કઈ કહ્યું નથી. બેંગલુરુમાં ૧૫ લાખ લોકોનું જાતિ આધારીત સર્વેક્ષણ થઈ ચૂક્યું છે. હજી સુધી એ જાણવા મળ્યું નથી કે આ સર્વેમાં કેટલા લોકોએ ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે.
નવમી પાસ તેજસ્વી યાદવ ઇટલીની પિસ્તોલના શોખીન
નવી દિલ્હીના આરકે પુરમથી વર્ષ ૨૦૦૬માં નવમું ધોરણ પાસ થયેલા ૩૬ વર્ષના તેજસ્વી પ્રસાદ યાદવ પાસે ૬ કરોડ ૧૨ લાખ રૂપિયાની નકદ અને ૧૮૮ લાખની સ્થાવર સંપત્તી છે. તેજસ્વી પર ૧૮ જેટલા ફોજદારી ગુના નોંધાયા છે. વૈશાલી જિલ્લાના રોઘોપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતી વખતે તેજસ્વીએ આ જાણકારી જાહેર કરી છે. કાયદેસર રીતે તેજસ્વી પાસે પોતાનું કોઈ વાહન નથી. એમની પાસે ફક્ત ૨૦૦ ગ્રામ સોનું છે. એમના પત્ની અને પુત્રીના નામે પણ સત્તાવાર રીતે મામુલી રકમ જ છે. જોકે બિહારમાં નાનુ બાળક પણ જાણે છે કે લાલુ યાદવના કુટુંબ પાસે કરોડો રૂપિયાની સ્થાવર અને ચલીત સંપત્તી છે. તેજસ્વી યાદવ જ નહીં દેશના મોટા ભાગના રાજકારણીઓ જ્યારે પોતાની મિલકત જાહેર કરે છે ત્યારે નિષ્ણાંતોની સલાહ લઈને ઘણી બધી બાબતો છૂપાવે છે.
સુપ્રિમ કોર્ટ કોલેજિયમએ કેન્દ્ર સરકારની વાત માનીને જસ્ટીસની બદલી અટકાવી
દેશના ન્યાયતંત્રમાં એક અભૂતપૂર્વ ઘટના બની છે. સુપ્રિમ કોર્ટ કોલેજિયમએ કબુલ કર્યું છે કે, એક જજની બદલીનો નિર્ણય કેન્દ્ર સરકારના આગ્રહના કારણે એણે બદલ્યો છે. સીજેઆઇ બી આર ગવઈના પ્રમુખ પદે કોલેજિયમએ આ નિર્ણય લીધો છે. ૨૫મી ઓગસ્ટએ કોલેજિયમએ મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ જસ્ટીસ અતુલ શ્રીધરનને છત્તીસગઢ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી. હવે ૧૪મી ઓક્ટોબરે મળેલી કોલેજિયમએ પોતાનો નિર્ણય બદલીને જજને અલ્હાબાદ હાઇકોર્ટ મોકલવાનો નિર્ણય કર્યો છે. કોલેજિયમએ કહ્યું છે કે, 'કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવેલા પુન:વિચાર બાબતે સુપ્રિમ કોર્ટના કોલેજિયમએ નિર્ણય લઈને મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટીસ અતુલ શ્રીધરનની બદલી હવે છત્તીસગઢને બદલે અલ્હાબાદ હાઇકોર્ટમાં કરવામાં આવી છે.' કદાચ આ પહેલી વખત છે કે, કોલેજિયમએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સરકારના કહેવાથી એમણે એમનો નિર્ણય બદલ્યો છે. ન્યાયતંત્રમાં આની ઉગ્ર ચર્ચા થઈ રહી છે.
પરિસ્થિતિ શાંત કરવા મુસ્લિમ મહિલા ડીએસપીએ જય શ્રીરામનો નારો લગાવ્યો
ગ્વાલિયર બાર એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ અનિલ મિશ્રાએ ડો. ભીમરાવ આંબેડકર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ નિવેદન પછી એસસી, એસટી અને સવર્ણ સંગઠનો વચ્ચે તણાવ થઈ ગયો હતો. જોકે વિવાદ વચ્ચે ૧૫ ઓક્ટોબરથી શરૂ થવાનું આંદોલન સત્તાધિશોના પ્રયાસ પછી સ્થગીત કરવામાં આવ્યું છે. જોકે આમ છતાં વકીલોનું એક જૂથ અનિલ મિશ્રાના જન્મદિવસને બહાને એમના ઘર નજીક આવેલા મંદિર પાસે ટેન્ટ લગાવીને સુંદરકાંડ પાઠ વાંચીને ભંડારો શરૂ કરવાની જીદ કરી રહ્યું હતું. આ વકીલોને મનાવવા માટે પહોંચેલા મુસ્લિમ મહિલા ડીએસપીને કેટલાક વકીલોએ સનાતની વિરોધી ગણાવ્યા હતા. આ ડીએસપીનો વિરોધ પણ શરૂ થઈ ગયો હતો. જોકે હોંશિયાર ડીએસપીએ સુઝ વાપરીને પોતાની ઓળખ આપતી વખતે જય શ્રીરામના નારા પોકાર્યા હતા. ડીએસપી હિના ખાનએ જ્યારે કાયદાનું પાલન કરવા માટે વકીલોને સમાજાવવાની કોશિષ કરી હતી ત્યારે એમના વિરુદ્ધ સૂત્રો બોલાયા હતા. જોકે હિના ખાને ઠંડકથી કામ લઈને સમગ્ર મામલો ટાળી દીધો હતો.
ભૂતપૂર્વ સેના પ્રમુખ નરવણેના પુસ્તકને મોદી સરકારે મંજૂરી આપી નહીં
ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુદ નરવણેએ લખેલા પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની'ને હજી સુધી કેન્દ્ર સરકારે મંજૂરી નથી આપી. જનરલ નરવણેએ લગભગ એક વર્ષ પહેલા આ પુસ્તક લખીને પ્રકાશકોને આપી દીધું છે. મોદી સરકારે આ પુસ્તકને પ્રકાશીત કરવાની મંજૂરી નથી આપી. રક્ષામંત્રાલયને આ પુસ્તકના કેટલાક હિસ્સા સામે વાંધો છે. જનરલ નરવણેને હિમાચલ પ્રદેશના કસોલી ખાતે યોજાયેલા ખુશવંતસિંહ સાહિત્ય મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ વખતે એમને પુસ્તક બાબતે પૂછવામાં આવ્યું હતું. જનરલે જવાબ આપ્યો હતો કે, હવે નિર્ણય પ્રકાશક અને રક્ષામંત્રાલયે કરવાનો છે. એમણે કહ્યું હતું કે, 'મારૂ કામ પુસ્તક લખીને પ્રકાશકને આપવાનું હતું. પ્રકાશકની જવાબદારી હતી કે મારૂ પુસ્તક પ્રકાશીત કરવા રક્ષા મંત્રાલયની મંજૂરી મેળવી લે.'
લેહના ડીએમએ સોનમ વાંગચૂકને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યા
લેહના ડીસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, આંદોલનકારી સોનમ વાંગચૂક દેશને નુકશાન થાય એવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે એ જરૂરી છે. ડીએમએ આ વાત સુપ્રિમ કોર્ટમાં કરેલી એફીડેવીટમાં જણાવી છે. આ એફીડેવીટ જસ્ટીસ અરવિંદકુમાર અને એનવી અંજારીયાની બેન્ચ સમક્ષ રજુ કરવામાં આવી છે. સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલીએ કરેલી એફીડેવીટના પ્રતિ ઉત્તરમાં ડીએમએ આ એફીડેવીટ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા કાયદા ૧૯૮૦ હેઠળ સોનમ વાંગચૂકની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. ડીએમનું કહેવું છે કે એમણે આ ધરપકડનો ઓર્ડર યોગ્ય અભ્યાસ કર્યા પછી લીધો છે. સોનમ વાંગચૂકની ધરપકડ કરતા પહેલા કાયદાનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો છે અને સંતોષ થયા પછી જ એમને પકડવામાં આવ્યા છે.


