Get The App

રોહિણીએ રાજકારણ છોડતા રમીઝનો ઉલ્લેખ કર્યો એ કોણ છે

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
રોહિણીએ રાજકારણ છોડતા રમીઝનો ઉલ્લેખ કર્યો એ કોણ છે 1 - image

નવીદિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં ગરબડ ચાલી રહી છે. સંજય યાદવ અને રમીઝનો ઉલ્લેખ કરીને લાલુની પુત્રી રોહિણી આચાર્યએ રાજકારણ અને કુટુંબ સાથે સંબંધ તોડી નાખ્યા છે. રોહિણીના આ નિર્ણય પછી તેજસ્વીની રણનીતી બાબતે પ્રશ્નો થઈ રહ્યા છે. સંજય યાદવ તેજસ્વીના જમણા હાથ ગણાય છે અને તેઓ હરીયાણાના મહેન્દ્રગઢ ખાતે રહે છે. રોહણી આચાર્યએ જે રમીઝનો ઉલ્લેખ કર્યો છે એ પણ તેજસ્વી યાદવના જુના મિત્ર છે. રમીઝ હમણા આરજેડીનું સોશ્યલ મીડિયાનુ કામ સંભાળે છે. ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી રમીઝ ભૂતપૂર્વ સાંસદ રીઝવાન ઝહીરનો જમાઈ છે. ઉત્તર પ્રદેશમાં સુરભીપુરના ભૂતપૂર્વ ચેરમેનની હત્યાની કોશિષ માટે ૨૦૨૨માં રમીઝ પર કેસ થયો હતો. ત્યાર પછી એક કોન્ટ્રાક્ટરની હત્યાનો કેસ પણ રમીઝ પર છે. યોગી સરકારે રમીઝ વિરુદ્ધ એમએસએ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

બંગાળ બાબતે મોદીના નિવેદન પર ટીએમસીનો વળતો હુમલો

નરેન્દ્ર મોદીએ એમના સંબોધનમાં પશ્ચિમ બંગાળનું જંગલરાજ ખતમ કરવાની વાત કરી હતી. આ બાબતે ટીએમસીએ વળતો પ્રહાર કર્યો છે. ટીએમસીએ મોદીની વાતને ભ્રમણા કહીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૨૬માં મમતા બેનર્જી કુલ ૨૯૪ બેઠકોમાંથી ૨૫૦ બેઠકો પર જીત મેળવીને સરકાર બનાવશે. મોદીએ કહ્યું હતું કે, જે રીતે ગંગા નદી બિહારથી બંગાળમાં વહે છે એ જ રીતે ભાજપની જીત પણ બિહારથી બંગાળ સુધી પહોંચશે. ટીએમસીના પ્રવક્તા કૃણાલ ઘોષએ કહ્યું છે કે મોદીનું નિવેદન બંગાળના રાજકારણ વિશેની ગેરસમજ બતાવે છે. બંગાળના લોકોએ વારંવાર ભાજપના રાજકારણને ફગાવ્યું છે. બંગાળમાં જીત મેળવવાનું ભાજપનું સપનું એક ભ્રમ છે. કાચબો કદી પોતાની પીઠ પર સૂઈ શકતો નથી. બંગાળની જનતા એમની રાહ જોઈ રહી છે.

બિહારની હાર પછી મલ્લિકાર્જૂન ખડગેએ બોલાવેલી મીટીંગમાં શું થયું

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. મલ્લિકાર્જૂન ખડગેના નિવાસ્થાને બોલાવેલી બેઠકમાં રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ અને અજય માકન હાજર રહ્યા હતા. બેઠકમાં નેતાઓએ ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરી હતી. સંગઠનની નબળાઈ બાબતે પણ ચર્ચા થઈ હતી. ભવિષ્યની રણનીતિ બાબતે પણ વિચાર કરવામાં આવ્યો હતો. બિહારની હારનું પોસ્ટમોર્ટમ કરીને દરેકે વિચારો વ્યક્ત કર્યા હતા. બેઠક પછી કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર ચૂંટણીમાં ગરબડ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલએ કહ્યું હતું કે પક્ષ ગોટાળાઓના પુરાવાઓ ભેગા કરી રહ્યો છે. બે અઠવાડિયામાં દેશ સામે આ પુરાવાઓ રજૂ થશે. આઠ બેઠકોમાંથી કોંગ્રેસના ફક્ત  છ ઉમેદવારો જીત્યા હતા. પક્ષની મત ટકાવારી ૮.૭૧ ટકા રહી હતી.

'મહારાષ્ટ્ર ભુષણ' એવોર્ડ મેળવનાર 100 વર્ષના રામ સુતાર કોણ છે

૧૦૦ વર્ષની ઉમરના જાણીતા રામ સુતારને ૨૦૨૪નો મહારાષ્ટ્ર ભુષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ આપવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એમના નોઇડા ખાતે આવેલા રહેઠાણએ ખૂદ ગયા હતા. એમની સાથે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને સંસ્કૃતિ મંત્રી આશિષ શેલાર પણ  હાજર હતા. આ એવોર્ડની સાથે ૨૫ લાખ રૂપિયાનું નકદ ઇનામ પણ સામેલ હતું. મહારાષ્ટ્રના ગોંડુર ગામમાં ગરીબ કુટુંબમાં જન્મેલા રામ સુતારે નોઇડામાં સ્ટુડિયો બનાવ્યો છે. એમને પદ્મશ્રી અને પદ્મભુષણ પુરસ્કાર પણ મળ્યા છે. એમણે મહાત્મા ગાંધીની ૩૫૦ થી વધુ મૂર્તિઓ બનાવી છે. અજંટા-ઇલોરાની ગુફામાં બનેલી કેટલીક મૂર્તિનો જીર્ણોદ્વાર પણ એમણે કર્યો હતો.

બ્લાસ્ટ માટે એનઆઇએએ બંગાળનો મેડિકલ વિદ્યાર્થી પકડયો

દિલ્હી લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ માટે પકડાયેલા આતંકવાદીઓ સાથે સંબંધ રાખવા બદલ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો એક મેડિકલ વિદ્યાર્થી પકડાયો છે. નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી એનઆઇએએ પૂછપરછ પછી હમણા તો એને જવા દીધો છે. સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ જાનીતુર આલમ ઉર્ફ મીસાર આલમ છે. જાનીતુર મૂળ લુધિયાણાનો રહેવાસી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે જાનીતુરના કુટુંબીનો સંબંધ ઉત્તર દિનાજપુરના દાલકોલા ખાતે આવેલા કોનાલ ગામ સાથે છે. વિદ્યાર્થીને સુરજાપુર બજારમાંથી પકડવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે -  જાનીતુર એની માતા અને બહેન સાથે એક લગ્ન સમારંભમાં આવ્યો હતો. મોબાઇલ ટાવર લોકેશનને આધારે અધિકારીઓએ જાનીતુર સુરને શોધી નાખ્યો હતો.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને એમના કુટુંબની મુશ્કેલી વધી રહી છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (મૂડા)ની જમીન વહેંચણીમાં ગેરરીતી બદલ મુખ્યમંત્રી સામે કર્ણાટક લોકાયુક્તની ટ્રાયલ કોર્ટમાં એક સ્ટેટસ રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. એક કોર્ટમાં કામ કરતા કર્મચારી લેહમય કૃષ્ણાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરીયાદમાં મુખ્યમંત્રી અને બીજાઓ સામે મૂડાની કેટલીક જમીનોની વહેંચણી બાબતે ફરીયાદ થઈ હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પોતે પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. ઇડીનું પ્રતિનિધિત્વ કરનાર એસપીપી અને લોકાયુક્ત તરફથી પણ એસપીપી હાજર હતા. આ સુનાવણી દરમિયાન સ્ટેટસ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો એની એક કોપી ફરિયાદીને પણ આપવામાં આવી હતી.

અલ-ફલાહ યુનિવર્સિટીમાં ડોક્ટરોનું બ્રેઇન વોશ કઈ રીતે કરવામાં આવ્યું હતું

પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ કટ્ટર ઇસ્લામ તરફી સૂત્રો દ્વારા દિલ્હી નજીકની અલ-ફલાહ યુનિવર્સિટી અને એના આસપાસના વિસ્તારોમાં કટ્ટરતા વધારતા હતા. એમના આકાઓ કટ્ટરવાદી સૂત્રો ડો. મુત્સફીલ, ડો. ઉમર તથા એમના સાથીઓને મોકલતા હતા. ત્યાર પછી આ બધા ડોક્ટર મળીને બીજા વિદ્યાર્થી અને સ્ટાફને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આ સૂત્રોમાં ખાસ કરીને કાશ્મીરનો ઉલ્લેખ વારંવાર આવતો હતો. આયોજન એ હતું કે ડોક્ટરો કાશ્મીરના રહેવાસી હોવાથી એમને આસાનીથી ઉશ્કેરી શકાતા હતા. સૌથી પહેલા ડોક્ટર સાહીલ ત્યાર પછી ડો. મુઝમ્મિલ અને છેલ્લે ડો. ઉમર પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા. પાકિસ્તાની હેન્ડલરની મુખ્ય કડી ડો. મુઝમ્મિલ હતા. ડો. મુઝમ્મિલ મારફતે પૈસાની વહેંચણી થતી હતી.