નવી દિલ્હી : થોડા મહિના પહેલા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાર પછી હવે સામે આવેલી એક વાતને કારણે રાજકારણમાં ગરમી વધી છે. ચૂંટણીમાં મળેલી હાર માટે આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપ કરીને મોટો ખુલાસો કર્યો છે. આપે કહ્યું છે કે, ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મીલીભગત હતી. આપના નેતા અનુરાગ ઢાડાએ આરોપ મૂક્યો છે કે કોંગ્રેસે ભાજપના ઇશારે કામ કર્યું હતું. કોંગ્રેસના ફંડ તરીકે મળેલા ૪૪ કરોડ રૂપિયા બાબતે પણ એમણે પ્રશ્ન કર્યા હતા. ઢાડાએ કહ્યું છે કે, 'ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા આંકડાઓથી સાબિત થઈ ગયું છે કે, કોંગ્રેસ, ભાજપની સાથે મીલીભગત કરીને દિલ્હીની ચૂંટણી લડી હતી. આપના નેતાઓની બેઠકો પર ભાજપ કોંગ્રેસને ફાઇનાન્સ કરતો હતો.'
આપના એક માત્ર ધારાસભ્યએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના એક માત્ર ધારાસભ્ય મહેરાજ મલિકે રાજ્યની નેશનલ કોન્ફરન્સ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. મલિકે પોતાના નિર્ણયને રાજ્યના લોકોના હિત માટેનો ગણાવ્યો છે. મલિકનું કહેવું છે કે, રાજ્યની ઉમર અબ્દુલ્લા સરકાર પ્રજાહિતમાં કામ કરતી નથી. સોશ્યલ મીડિયા એક્સ પર મલિકે લખ્યું છે કે, 'હું ડોડાનો ધારાસભ્ય મહેરાજ મલિક સરકારને આપેલો ટેકો પાછો ખેંચુ છું. મારો આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના લોકોના હિત માટે લેવામાં આવ્યો છે. પ્રજાનો વિશ્વાસ અને કલ્યાણ હંમેશા મારી પ્રાથમિકતા રહેશે. કેજરીવાલજીએ ૪૯ દિવસમાં રાજીનામું આપી દીધું હતું, કારણ કે તેઓ લોકોની સેવા કરી શકતા નહોતા. ઉમર અબ્દુલ્લા ૯ મહિનાથી સત્તામાં છે છતાં એમણે લોકો માટે કંઈ કર્યું નથી.'
મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી પહેલા જ એમવીએ તૂટવાના એંધાણ
એનસીપી (શરદ પવાર) અને એનસીપી (અજીત પવાર)એ એનસીપીનો સ્થાપના દિવસ પોત પોતાની રીતે મનાવ્યો હતો. મહારાષ્ટ્રમાં બંને જૂથો ફરીથી એક થવાની ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા, જિલ્લા પરીષદ, પંચાયત સમિતિ અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં થવાની છે. આ ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. શરદ પવારે કહ્યું છે કે ભાજપને છોડીને બીજા કોઈપણ પક્ષ સાથે તેઓ ગઠબંધન કરવા તૈયાર છે. આ માટેની જવાબદારી સ્થાનીક નેતાઓને આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહાવિકાસ અઘાડી (એમવીએ)ના પક્ષો સ્થાનિક ચૂંટણી માટે એક સાથે આવવા તૈયાર નથી. અત્યાર સુધી એમવીએના પક્ષો વચ્ચે આ બાબતે કોઈ ચર્ચા પણ થઈ નથી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અત્યાર સુધી સ્થાનિક ચૂંટણીમાં ર્કાંગ્રેેસની સામે રહ્યા છે અને આ વખતે પણ એમની ઇચ્છા કોંગ્રેસ સાથે જોડાણ કરવાની નથી.
પંજાબના રાજકારણમાં સિદ્ધુ ફરીથી સક્રીય
કોંગ્રેસના પીઢ નેતા અને એક જમાનાના ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ફરીથી ચર્ચામાં છે. હત્યાના કેસમાં જેલ જઈ આવેલા સિદ્ધુ છેલ્લા કેટલાક સમયથી રાજકીય રીતે સક્રિય નથી. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસમાં એક્ટીવ શા માટે નથી ત્યારે એમનો જવાબ ચોંકાવનારો હતો. સિદ્ધુએ કહ્યું કે તેઓ બદલાવ લાવવા માટે રાજકારણમાં આવ્યા હતા કોઈ ધંધો કરવા માટે નહીં. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, સિદ્ધુ કોંગ્રેસ પક્ષથી ખુશ નથી. એમનું કહેવું છે કે છેલ્લા ૩૦ વર્ષમાં જેટલી સરકારો પંજાબમાં આવી છે એ બધી સરકારો માફિયા ચલાવતા હતા. પોતે હજી પણ પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા હોવાનું પણ સિદ્ધુએ કહ્યું હતું. આમ આદમી પાર્ટીની સરકાર સામે પણ સિદ્ધુએ મોરચો ખોલ્યો છે. રાજકીય રીતે સક્રિય થયા પછી સિદ્ધુ કયા પક્ષ સાથે જોડાણ કરે છે એના પર બધાની નજર છે.
કેજરીવાલ સંજીવ અરોરાની સીટ છીનવીને એશ કરવા માગે છે
પંજાબના લુધિયાણાની પેટા ચૂંટણીનો પ્રચાર જોરમા ચાલી રહ્યો છે. યુવા કોગ્રેેસએ રાજ્ય સભામાં એન્ટ્રી બાબતે કેજરીવાલ પર નિશાન તાંક્યું છે. કોંગ્રેસે એક ખુરશીયાત્રા પણ કાઢી છે. બેન્ડવાજા સાથે આ યાત્રા કાઢી હતી, જેમાં રથ પર એક મોટી ખુરશી મૂકીને કેજરીવાલનું પૂતળુ મૂકવામાં આવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે આ ચૂંટણી આપના ઉમેદવાર સંજીવ અરોરાને જીતાડવા માટેની નથી, પરંતુ આપના નેતાઓ એક પંજાબી વ્યક્તિની રાજ્યસભાની બેઠક ઝૂટવી લઈને કેજરીવાલની સત્તાની વાસના પુરી કરવા માટેની છે. મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાએ એવો આક્ષેપ કર્યો છે કે દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી અરવિંદ કેજરીવાલ હવે બાદશાહી જિંદગી જીવવા માટે ષડયંત્ર કરી રહ્યા છે. કેજરીવાલે પોતાના તમામ ભ્રષ્ટ સાથીદારોને પંજાબમાં અગત્યના હોદ્દા પર મૂકી દીધા છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ વચ્ચે વિવાદ
અંડરવર્લ્ડમાં થતી ચર્ચા પ્રમાણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ અલગ થઈ ગયા છે. બંનએ સાથે કામ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બાબતે પોલીસે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ બંને ગેંગસ્ટર્સ પર રાજ્યોની પોલીસ નજર રાખી રહી છે. આ બંનેનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા સહીત બીજા ગુનાઓમાં પણ બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને ગેગસ્ટર્સના સાથીદારોની પૂછપરછ પછી કેન્દ્રીય એજન્સીઓને લાગ્યું છે કે, બંનેએ સાથે મળીને કામ કરવાનું બંધ કરી દીધું છે. ગોલ્ડીએ અઝરબેજાનમાં બેઠેલા રોહિત ગોડારા સાથે કામ કર્યું છે. બિશ્નોઈ હવે કેનેડાના નોની રાણા સાથે કામ કરે છે. પોલીસને ખબર પડી છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી નોની રાણા અમેરિકાથી કોલ કરીને બિશ્નોઇના નામ પર ખંડણી ઉઘરાવી રહ્યો છે.
ચંદ્રશેખર આઝાદ સામે આક્ષેપ કરનાર ડો. રોહિણી ઘાવરી કોણ છે
ભીમ આર્મીના સ્થાપક અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. ઇન્દોરની પીએચડી સ્કોલર ડો. રોહિણી ઘાવરીએ આઝાદ સામે આક્ષેપો કર્યા છે. રોહિણીના કહેવા પ્રમાણે ચંદ્રશેખર અને એમના કેટલાક સાથીદારોએ કેટલીક યુવતીઓનું શારીરિક શોષણ કર્યું છે. ચંદ્રશેખર સામે કેસ દાખલ કરવા માટે કોર્ટ જવાની વાત પણ એમણે કરી છે. ચંદ્રશેખરે આ આક્ષેપોનો જવાબ આપતા કહ્યું છે કે તેઓ કોર્ટમાં જવાબ આપશે. આઝાદે કહ્યું હતું કે, 'આ કિસ્સો સ્ત્રીઓના સન્માન સાથે જોડાયેલો છે. મારા સંસ્કારમાં છે કે હું સ્ત્રીના સન્માન માટે જાગૃત રહું. હવે જ્યારે મને ખબર પડી છે કે આક્ષેપ કરનાર મહિલા કોર્ટમાં જઈ રહી છે તો હું જવાબ પણ કોર્ટમાં જ આપીશ.
ફ્લાઈટ દુર્ઘટના વિશે રીલ બનાવનાર મહિલાને ફટકાર
અમદાવાદ દુર્ઘટના પછીના દિવસે એર ઈન્ડિયા વિમાનમાં રીલ બનાવનાર મહિલાએ ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. ખાલી જણાતા વિમાનમાં વીડિયોના કેપશનમાં મહિલાએ લખ્યું હતું કે હવે બોઈંગ પર કોઈ વિશ્વાસ નહિ કરે. વીડિયોમાં વિમાનના ઈન્ટીરીયર દેખાડીને મહિલા હસી રહેલી દેખાય છે. જો કે તેના આ કૃત્યથી ઈન્ટરનેટ યુઝરો રોષે ભરાયા હતા. કેટલાકે વિનયથી તેને સંવેદનશીલ બનવાની સલાહ આપીને સુરક્ષિત સફરની કામના કરી. પણ અન્ય યુઝરોએ તેને ફટકારવામાં કોઈ કચાશ ન રાખી. યુઝરોએ મહિલા પર વીડિયોના વ્યુ અને લાઈક મેળવવા આવા ગંભીર પ્રસંગની મજાક ઉડાવવાનો અને સંવેદનહીન હોવાનો આરોપ લગાવ્યો. કેટલાક યુઝરોએ મત વ્યક્ત કર્યો કે આટલા દુઃખદ બનાવ પછી પણ લોકો હસી શકે તે માનવામાં નથી આવતું.
દુઃખમાં તમામ ધર્મીઓ ભાગીદાર બન્યા
બી.જે.મેડિકલ કોલેજ ખાતે વ્યથિત લોકોને મદદ કરવા સતત ચોથા દિવસે અડધો ડઝન જેટલા સામાજિક જૂથો અને એનજીઓના સભ્યોએ ખભે ખભા મિલાવીને કાર્ય ચાલુ રાખ્યું. હોસ્પિટલના કસોટી ભવન ખાતે પુરુષો અને મહિલાઓ સહિતના સ્વયંસેવકો અને સંસ્થાઓ એર ઈન્ડિયા ક્રેશના પીડિતો અને સંબંધીઓને નાસ્તો, પીણા,ખોરાક તેમજ ચહા આપી રહ્યા છે. બિસ્કિટ અને નાસ્તાના પેકેટો, છાશ, પાણીની બોટલો જરૂર હોય તેને પૂરા પડાઈ રહ્યા છે. સ્વયંસેવકોમાં હિન્દુ અને મુસ્લિમ ઉપરાંત અન્ય ધર્મીઓ પણ સામેલ છે જેઓ દુર્ઘટના સર્જાઈ ત્યારથી ચૂપચાપ વ્યથિત વ્યક્તિઓને સહાય કરી રહ્યા છે. સ્વયંસેવકોમાં સામેલ એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે આ હિન્દુસ્તાનની અસલી તસવીર છે.
નિલંબુર પેટાચૂંટણીમાં સીપીઆઈ(એમ)-કોંગ્રેસ આમનેસામને
કેરળમાં નિલંબુર વિધાનસભા મતદારસંઘમાં પેટાચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં આવ્યો છે ત્યારે બે મુખ્ય મોરચા એલડીએફ અને યુડીએફ જમાતેઈસ્લામી જેવા નાનકડા પક્ષ સાથે મૈત્રી જાળવવા બાબતે ઝઘડી રહ્યા છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જમાતે ઈસ્લામી સાથે સંકળાયેલા સંગઠન ડબ્લ્યુપીઆઈએ પેટા ચૂંટણીમાં યુડીએફ માટે સમર્થન જારી કર્યું. ૨૦૧૯થી ડબ્લ્યુપીઆઈ યુડીએફને સમર્થન આપતું રહ્યું છે. સીપીઆઈ(એમ)ના પ્રવક્તાએ કોંગ્રેસની નેતાગીરીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે તેઓ જમાત જેવા સંગઠન બાબતે કેવો અભિગમ ધરાવે છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે કોંગ્રેસની વિદેશ મંત્રાલયને અપીલ
કોંગ્રેસ પાર્ટીએ ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે ઈરાનમાં અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા એક સંકલિત સ્થળાંતર યંત્રણા સ્થાપવાની અપીલ કરી છે. કોંગ્રેસે જણાવ્યું કે વિદેશ મંત્રાલયે તેને નિષ્ક્રિય રહેવાની સલાહ આપનારને અવગણીને બહાર સુરક્ષિત નીકળવાના માર્ગ બંધ થઈ જાય તે પહેલા ઈમરજન્સી પ્રતિસાદ ટીમ, રિયલ ટાઈમ સંપર્ક ચેનલો અને લોજિસ્ટિક સપોર્ટ સહિતની સંપૂર્ણ યંત્રણા સ્થાપવી જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે હાલ ઈરાનમાં ૧,૫૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અટવાયેલા છે. ફ્લાઈટો સસ્પેન્ડ થવાથી, તેમજ ઈન્ટરનેટ સુવિધા અને તહેરાન પરની અવકાશી સીમા બંધ થવાથી આ વિદ્યાર્થીઓ અનિશ્ચિતતાની સ્થિતિમાં મુકાયા છે. તેમને સુરક્ષિત સ્થળો વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. ભારતીય દૂતાલયે વિદ્યાર્થીઓને તકેદારી રાખવાની, બિનજરૂરી બહાર ન નીકળવાની અને જારી કરાતા સુરક્ષા નિયમોનું પાલન કરવાની સામાન્ય ચેતવણી આપી હોવાનું કબૂલ કરીને ખેરાએ જણાવ્યું કે ઈરાનમાં ભારતીય દૂતાલય કોઈ પ્રતિસાદ ન આપતું હોવાથી વિદ્યાર્થીઓ હતાશામાં છે તેમજ તેમના પરિવારોમાં ગભરાટ ફેલાયો છે.
- ઈન્દર સાહની


