નવીદિલ્હી : થોડા દિવસો પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતએ કહ્યું હતુ કે વ્યક્તિ ૭૫ વર્ષની થાય પછી રાજકારણ છોડી દેવું જોઈએ. રાજકીય વર્તુળોમાં આ નિવેદનની જાતભાતની ચર્ચા થઈ હતી. કેટલાકનું માનવું હતું કે ભાગવતનો આડકતરો ઇશારો ભાજપના કેટલાક નેતાઓ તરફ હતો. હવે મધ્યપ્રદેશ પછાત વર્ગ આયોગના પ્રમુખ રામકૃષ્ણ કુસમારીયાએ ભાગવતના નિવેદનનો પ્રતિઉત્તર આપ્યો છે. એમણે કહ્યું છે કે, અનુભવીઓને સાથે લઈને ચાલવાથી કામ વધુ સારૂ થાય છે. એમણે સવાલ કર્યો છે કે શું માતા-પિતાને કચરામાં ફેંકી દેવા જોઈએ. કુસમારીયાએ એમ પણ કહ્યું હતું કે, જો તેઓ વૃદ્ધ થશે તો એમને પણ ફેંકી દેવામાં આવશે. મધ્યપ્રદેશમાં લગભગ ૨૭ ધારાસભ્ય ૨૦૨૮ વિધાનસભાની ચૂંટણી પહેલા ૭૫ વર્ષના થઈ જવાના છે. વિરોધપક્ષના નેતા ઉમંગ સિંગારએ જોકે કુસમારીયાને જવાબ આપતા કહ્યું છે કે પહેલા તો ઓબીસી આયોગમાં ખાલી જગ્યા ભરો.
નિતિશકુમારને મોટો રાજકીય આંચકો
મુઝફ્ફપુરમાં જેડીયુને મોટો આંચકો લાગ્યો છે. જેડીયુના પ્રદેશ સલાહકાર સમિતિના સભ્ય અવધકિશોર પટેલએ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે એમણે પત્રકારોને બોલાવીને બિહાર સરકારની નિષ્ફળ કાયદા વ્યવસ્થાની ટીકા કરી છે. એમની માન્યતા પ્રમાણે લાલુ સરકારને જંગલ રાજ કહેનારાઓ ખુદ આજે જંગલ રાજ ચલાવી રહ્યા છે. બિહારમાં દરરોજ હત્યા, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. સરકાર અપંગ થઈ ગઈ છે. જેડીયુએ કુરમી જાતીના લોકોને છેતરવાનો આરોપ પણ કિશોર પટેલએ મૂક્યો છે. ઉત્તર બિહારમાં કુરમીનો એક પણ ધારાસભ્ય, સાંસદ, રાજ્ય સભાનો સભ્ય કે કોઈ આયોગનો સભ્ય પણ નથી. એમણે આ સાચી વાત મુખ્યમંત્રીને કરી તો કાવતરુ કરીને એમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરો
કેનેડામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગને આતંકવાદી ગેંગ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે અલબર્ટા જિલ્લાના પ્રમુખએ બ્રિટિશ કોલંબીયાના પોતાની સમકક્ષની વાતમાં વાત પુરાવી છે. અલબર્ટાના પ્રિમિયર ડેનિયલ સ્મિથ અને પબ્લિક સેફ્ટી મિનિસ્ટર માઇક એલીસએ કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઇ ગેંગ કેનેડામાં હિંસા, ખંડણી, ડ્રગ્સ સ્મગલિગ અને ટાર્ગેટ કિલિંગ કરાવે છે. એમણે કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઇ ગેંગની પહોંચ આખી દુનિયામાં છે. એમના કહેવા પ્રમાણે લોરેન્સ બિશ્નોઇ ગેંગ કાયદા અને વ્યવસ્થા માટે જોખમી છે. ગયા મહિને બ્રિટિશ કોલંબીયાના પ્રિમિયર ડેવિડ એબીએ પણ ભારત સરકાર પાસે આવી જ માંગણી કરી હતી. બ્રિટિશ કોલંબીયા, અલબર્ટા અને ઓટોરિયામાં કેટલીક જગ્યાએ બિશ્નોઇ ગેંગનું નામ ચર્ચાય રહ્યું છે.
તેજસ્વી યાદવ દુધ પિતો બાળક નથી : તેજપ્રતાપ યાદવ
બિહારના ચર્ચાસ્પદ નેતા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને લાલુએ પક્ષ અને કુટુંબમાંથી કાઢી મૂક્યા છે. જોકે તેજપ્રતાપ યાદવ હંમેશા કહે છે કે, તેઓ અર્જુન છે અને ભાઈ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તેજપ્રતાપ યાદવની તેજસ્વી સામેની નારાજગી જાહેર થઈ છે. તેજપ્રતાપએ કહ્યું છે કે જોડી બની રહેવી જોઈએ. જો તે કૃષ્ણ - બલરામની હોય કે પછી કૃષ્ણ -અર્જૂનની, ત્યારે જ મહાભારતની ધમાલ જોવાની મજા છે. જોકે આ વાત તેજસ્વીએ પણ સમજવી જોઈએ. તેજસ્વી દૂધ પિતો બાળક નથી. એ બે બાળકોનો પિતા છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આ વાત તેજસ્વી યાદવ શા માટે સમજતા નથી ત્યારે તેજપ્રતાપે કહ્યું હતું કે આ સવાલ તો તેજસ્વીને પૂછવો જોઈએ. ભવિષ્યમાં તેજસ્વી સમજશે કે એનો ભાઈ જે કહેતો હતો એ સાચું હતું.
ફરિયાદ લઈને કંગના પાસે પહોંચ્યા તો કહી દીધું મુખ્યમંત્રીને મળો
ભાજપના સાંસદ અને ફિલ્મસ્ટાર કંગના રનૌતથી આજકાલ હિમાચલના લોકો ખૂબ નારાજ છે. એમના કેટલાક નિવેદનોને લઈને મોટો વિવાદ પણ થયો છે. બંજાર વિસ્તારના પ્રવાસ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિએ એમની પાસે પહોંચીને પાર્વતિ પરી યોજનાની કેટલીક સમસ્યાઓ જણાવી. કંગનાનો જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. કંગનાએ વૃદ્ધને કહ્યું કે, 'મુખ્યમંત્રીનું કામ મને શું કામ કહેવામાં આવે છે? સુખવિંદરસિંહ છે. આ કામ એમને કહો. મુખ્યમંત્રીનું કામ લઈને મારી પાસે ન આવો.' આના જવાબમાં વૃદ્ધએ નમ્રતા સાથે કહ્યું હતું કે, 'તમારી પાસે પાવર છે. તમે ઘણુ બધું કરી શકો છો. અમારી ઇચ્છા છે કે તમે વડાપ્રધાન સાથે વાત કરો.'
તમે શેરીના કૂતરાઓને ઘરે બોલાવીને ખવડાવતા શા માટે નથી
શેરીના કૂતરાઓને ખવડાવવાની એક અરજી પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે અરજી કરનારને સવાલ પૂછયા હતા. નોઇડામાં શેરીના કૂતરાઓને ખાવાનું આપવાને કારણે તંગ કરતા હોવાનો આરોપ લગાડનાર એક વ્યક્તિની અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે અરજી કરનારને પૂછયું હતું કે, 'તમે તમારા ઘરે લઈ જઈને કૂતરાઓને ખવડાવતા કેમ નથી.' જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે ફરિયાદીના વકીલને કહ્યું હતું કે, 'શું અમારે આ મોટા દિલના લોકો માટે દરેક ગલી, દરેક રસ્તો ખુલ્લા મુકી દેવા જોઈએ? આ જાનવરો માટે તો ઘણી જગ્યા છે, પરંતુ મનુષ્ય માટે કોઈ જગ્યા નથી. તમે એમને ઘરમાં શા માટે ખાવાનું નથી આપતા? તમને કોઈ રોકતું નથી.
એસઆરઆઇની મર્યાદા નક્કી કરો, સ્પષ્ટતા કરો કે નાગરીકતા સાથે એનું જોડાણ નહીં હોય
બિહારમાં ચૂંટણી પહેલા મતદાર યાદીનું સ્પેશ્યલ ઇન્ટેનશિવ રીવીઝન (એસઆઇઆર) ચાલી રહ્યું છે. આ બાબતે વિરોધપક્ષો પ્રશ્નો પૂછી રહ્યા છે. હવે ભાજપનો જ સાથીદાર પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ચૂંટણી કમિશનને એમની કામગીરીની મર્યાદા સ્પષ્ટ કરવાની માંગણી કરી છે. ટીડીપીએ કહ્યું છે કે, સ્પષ્ટતા થવી જોઈએ કે આ પ્રક્રિયાનો નાગરીકતા વેરીફિકેશન સાથે કોઈ સંબંધ નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારને પત્ર લખીને પીડીપીએ કહ્યું છે કે એસઆઇઆરની મર્યાદા સ્પષ્ટ રીતે જાહેર કરવી જોઈએ અને મતદાર યાદીમાં સુધારા અને સમાવેશ સુધી જ એ મર્યાદીત હોવી જોઈએ. સ્પષ્ટતા કરવી જોઈએ કે આ પ્રક્રિયાને નાગરીકતા વેરીફિકેશન સાથે કોઈ સંબંધ નથી.' ટીડીપીના સંસદીય દળના નેતા લવુ શ્રીકૃષ્ણ દેવરાયલુએ આ પત્ર લખ્યો હતો જેના પર બીજા પાંચ નેતાઓની સહી પણ હતી.


