Get The App

દિલ્હીની વાત : બીએમસી જીતવાનું જૂનુ સપનું ભાજપે કઈ રીતે પાર પાડયું

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બીએમસી જીતવાનું જૂનુ સપનું ભાજપે કઈ રીતે પાર પાડયું 1 - image

નવીદિલ્હી : હવે સમય બદલાયો છે. ફક્ત મરાઠી અસ્મિતાને નામે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતી શકાતી નથી. અસ્મિતાની સાથે હિન્દુત્વનો તડકો ઉમેરવો પણ જરૂરી છે. ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને કોંગ્રેસને એમના શાસન દરમિયાન કરેલા ગેરવહીવટ પણ નડી ગયા. કોરોના સમયે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા અને મુંબઈ કોર્પોરેશનની કામગીરીની ભારે ટીકા થઈ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આમ તો મવાળ ગણાય છે, પરંતુ કોર્પોરેનની ચૂંટણી માટે તેઓ ખુલ્લેઆમ હિન્દુત્વનું કાર્ડ રમ્યા હતા. ભાજપે નગરપાલિકાઓની ચૂંટણીમાં દિલ્હીના મોટા નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા નહોતા અને સંપૂર્ણ સ્ટ્રેટજી પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણએ બનાવી હતી. ઉદ્ધવ ઠાકરેએ જે રીતે મુસ્લિમ લીગ જેવા પક્ષ સાથે જોડાણ કર્યું હતું એને કારણે પણ મરાઠા મતદારો નારાજ હતા. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં કોઈ જગ્યાએ બાલા સાહેબ ઠાકરેનો કે હિન્દુત્વનો ઉલ્લેખ નહોતો એને કારણે પણ ભાજપને ફાયદો થયો.

મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનના સુપડા શા માટે સાફ થયા

મરાઠી અસ્મિતાના આધારે મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓની ચૂંટણી જીતવા નિકળેલા ઠાકરે બંધુઓનો કરૂણ રકાસ થયો છે. ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે) એ ૨૯ નગરપાલિકાઓમાંથી મોટા ભાગની નગરપાલિકાઓ કબજે કરી છે. ઉદ્ધવ ઠાકરેની સૌથી મોટી ભુલ એ હતી કે એણે રાજ ઠાકરે સાથે હાથ મેળવ્યા. રાજ ઠાકરે વર્ષોથી ઉત્તર ભારતીયો અને હિન્દી ભાષીઓ માટે ઝેર ઓકે છે. મુંબઈમાં હિન્દી ભાષી મતદારોને અવગણી શકાય એમ નથી. ઉદ્ધવે રાજ ઠાકરે સાથે ગઠબંધન કર્યું એટલે કોંગ્રેસે અલગ ચોકો ઉભો કર્યો. રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યું હતું કે ચૂંટણી પછી તેઓ ગઠબંધન કરશે. જો રાહુલ ગાંધી ચૂંટણી પહેલા રાજ સાથે હાથ મેળવતે તો  ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં કોગ્રેેસની બાકી રહેલી ઇજ્જત પણ ચાલી જતે. આ વાત ભાજપે પકડી લઈને હિન્દી ભાષી મતદારોને પોતાના તરફે કર્યા. રાજ ઠાકરે સાથેના જોડાણથી મુસ્લિમ મતદારો અને બાકીના ગેરમરાઠી મતદારોએ પણ ઉદ્ધવ ઠાકરેને પદાર્થપાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

77મા પ્રજાસત્તાક દિવસના મહેમાન કોણ હશે

દેશના ૭૭માં પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમમાં આ વખતે યુરોપીય પરિષદના પ્રમુખ એન્ટોનિયો લુઇસ સેન્ટોસ દા કોસ્ટા અને યુરોપીય આયોગના પ્રમુખ ઉરસુલા વોનડેર લેઇન મુખ્ય મહેમાન હશે. આ બંનેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે. આ બંને મહેમાનો ૨૫ થી ૨૭ જાન્યુઆરી ભારત પ્રવાસે આવશે. એમ મનાય છે કે આ બંનેના ભારત પ્રવાસને કારણે યુરોપીય સંઘ સાથેના સંબંધો મજબૂત થઈ શકશે. મુલાકાત દરમિયાન આ બંને પ્રમુખો ૧૬મા ભારત - ઇયુ શિખર સંમેલનમાં સહઅધ્યક્ષ પણ બનશે. આ સંમેલનમાં મુક્ત વેપાર સમજૂતીની જાહેરાત પણ કરવામાં આવશે. એવી આશા રાખવામાં આવે છે કે મુક્ત વેપાર સમજૂતી ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત કરશે. અમેરિકાના ટેરીફથી મુશ્કેલીમાં મુકાઇ ગયેલા ભારતના આયાતકારોને થોડી રાહત મળશે.

રાવ ઇન્દ્રજીત મ્યુઝીક કંપનીના માલિકમાંથી ગેંગસ્ટર કઈ રીતે બન્યો

થોડા દિવસ પહેલા રાવ ઇન્દ્રજીત યાદવના રહેઠાણ પર ઇડીએ દરોડા પાડયા હતા. આ દરોડામાં ઇડીને કરોડો રૂપિયાની રોકડ અને ઘરેણા તેમજ બીજા દસ્તાવેજો મળી આવ્યા હતા. રાવ ઇન્દ્રજીત યાદવ હમણા દુબઈમાં છે. મોટા ભાગની એજન્સી એને શોધી રહી છે ત્યારે રાવ ઇન્દ્રજીત યાદવે એક મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યો છે. રાવ ઇન્દ્રજીત યાદવ હરિયાણા પોલીસની મોસ્ટ વેન્ટેડની યાદીમાં ટોચ પર છે. યાદવ કોર્પોરેટ અને ખાનગી ફાયનાન્સરો વચ્ચે ડીલ સેટ કરે છે. ઇન્દ્રજીત પહેલા મ્યુઝીક ડાયરેક્ટર હતો. જોકે એ પોતે કહે છે કે એ મ્યુઝીક ડાયરેક્ટર નહી પરંતુ એનું પ્રોડક્સન હાઉસ છે. એને ખોટી રીતે ગેંગસ્ટર બનાવી દેવામાં આવ્યો છે. કેટલાક ગેંગસ્ટરોએ મળીને એને ફસાવી દીધો છે. કેટલાક ફાયનાન્સર પોલીસ સાથે મળેલા છે. એના કહેવા પ્રમાણે એણે કેટલાક ફાયનાન્સરોના કૌભાંડ જાહેર કર્યા એટલે એને ફસાવવામાં આવ્યો છે.

'આવતી ચૂંટણી ઓનલાઇન વોટીંગથી થાય તો નવાઈ નહીં'

ચૂંટણી કમિશને સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, એની પાસે ફક્ત મતદાર યાદી સુધારવાની જ સત્તા છે. હીયરીંગ ચાલતુ હતુ ત્યારે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સુર્યકાંતે હળવાશમાં ટીપ્પણી કરતા કહ્યું હતું કે, હવે પછીની ચૂંટણી પહેલા જો ઓનલાઇન મતદાનની પ્રથા શરૂ થઈ જાય તો મને નવાઈ નહીં લાગે. બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણી કમિશનના એસઆઇઆર અભિયાનને ચેલેન્જ કરવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશનની સત્તા બાબતે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ચીફ સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોઇ માલિયા બાગચીની બેન્ચ સમક્ષ કમિશનના વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું હતું કે, ચૂંટણી કમિશન કોઈને ભારતનો નાગરીક બનાવી શકતું નથી. કઈ વ્યક્તિ ભારતમાં રહી શકે છે એ નક્કી કરવાનું કામ પણ કમિશનનું નથી.

યુએઇ કઈ રીતે સોમાલીયામાં ફસાયું

છેલ્લા ઘણા સમયથી સોમાલીયા પોતાના માટે આતંરરાષ્ટ્રીય ટેકો મેળવવાની કોશિષ કરી રહ્યું છે. ઇઝરાયલે સોમાલીયાથી અલગ થયેલા પ્રદેશ સોમાલીલેન્ડને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે. સોમાલીલેન્ડ ૧૯૯૧થી સ્વતંત્ર દેશ તરીકે કામ કરે છે. સોમાલીયાની સરકારે અમેરિકા તેમજ મધ્ય પૂર્વના કેટલાક દેશોનો ટેકો મેળવ્યો છે. જોકે આ કોશિષમાં એણે એક સંબંધ બગાડી નાખ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સાથે સોમાલીયાને સારા સંબંધો હતા. યુએઇને સોમાલીયાની સુરક્ષા, અર્થવ્યવસ્થા અને રાજનીતિ સાથે નજીકનો સંબંધ હતો. સોમાલીયાની ૩ હજાર કીલોમીટર લાંબી સમુદ્ર સીમા છે જે અદનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડાયેલી છે. આ વિસ્તારમાં સમુદ્રી લુટારૂઓનો ત્રાસ છે. એકાએક સોમાલીયા સરકારે યુએઇ સાથે તમામ બંદરો પરની વ્યવસ્થા અને સુરક્ષા સમજૂતી રદ કરવાની જાહેરાત કરી દીધી છે. સોમાલીયાનો આક્ષેપ છે કે યુએઇ સરકાર સોમાલીયાને નબળો પાડવાની કોશિષ કરે છે.

દેશનું એક રાજ્ય જ્યાંથી ત્રણ દેશો અને પાંચ રાજ્યોમાં ચાલીને જઈ શકાય છે

ભારતની જીઓગ્રાફી મજાની છે. દેશના ૨૮ રાજ્યોમાંથી એક રાજ્ય એવું પણ છે કે જ્યાંથી ત્રણ દેશોમાં ચાલીને જઈ શકાય છે. આ રાજ્ય બીજા પાંચ રાજ્યોની સાથે પણ જોડાયેલું છે. આ રાજ્ય પાસે દરિયા કિનારો પણ છે. આ રાજ્યનું નામ પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ હિમાલયથી માંડીને બંગાળની ખાડી સુધી વિસ્તર્યું છે. પશ્ચિમ બંગાળની સરહદ ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ અને આસામ સાથે મળે છે. પશ્ચિમ બંગાળ આંતરરાષ્ટ્રીય સરહદો સાથે પણ જોડાયેલું છે. બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન પશ્ચિમ બંગાળની સરહદ સાથે જોડાયેલા છે. પૂર્વમાં બાંગ્લાદેશ, ઉત્તરમાં નેપાળ અને ભૂતાન પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા છે. બ્રિટીશરોએ જ્યારે બંગાળનું વિભાજન કર્યું ત્યારે ધર્મને આધારે કર્યું હતું. મુસ્લિમ બહુમતી પૂર્વપાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ ગણાયું અને હિન્દુ બહુમતિવાળો વિસ્તાર પશ્ચિમ બંગાળ કહેવાયો.