નવીદિલ્હી : તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન એમની તીખી કલમ અને કડવા વેણ માટે જાણીતા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા ખચકાતા નથી. રાજ્ય સભાના સાંસદ ડેરેકએ વડાપ્રધાનને 'ટેલીપ્રોમ્ટર ટાઇકુન' કહ્યા હતા. જ્યારે કોઈ વ્યક્તિ પ્રવચન આપવા માટે લખાણ વાંચીને ટેલીવીઝન જેવા સ્ક્રીન ટેલીપ્રોમ્ટરની મદદ લે છે એમને 'ટેલીપ્રોમ્ટર ટાઇકુન' કહેવામાં આવે છે. ડેરેકે એમ પણ કહ્યું હતું કે મોદી સંસદમાં બોલવાથી ડરે છે અને એમના શબ્દો ખોખલા હોય છે. અમેરિકા સાથે ટ્રેડ એગ્રીમેન્ટમાં મોદી નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ પણ ડેરેકે કર્યો હતો. લોકસભામાં બજેટ વિશેની ચર્ચામાં જવાબ આપવા માટે ડરને કારણે મોદી નહીં આવ્યા હોવાનું પણ એમણે કહ્યું હતું.
આરએસએસ પર મની લોન્ડ્રીંગનો આરોપ
કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગે અને ભાજપ પ્રદેશ પ્રમુખ વચ્ચે આરએસએસને લઈને દલીલ બાજી થઈ રહી છે. પ્રિયાંક ખડગેએ આરએસએસ પર મીન લોન્ડ્રીંગનો આરોપ મૂક્યો હતો. આ આરોપનો જવાબ આપતા ભાજપના બી વાય વિજયેન્દ્રએ કોંગ્રેસને પોતાનું અસ્તિત્વ સંભાળવા માટે કહ્યું હતું. ખડગેએ આરોપ મુક્યો છે કે આરએસએસ ૨૫૦૦થી વધુ સંગઠનોનું નેટવર્ક છે. બધા સંગઠનો પાસે આરએસએસ પૈસા લે છે. શું આ બધા સંગઠનો બંધારણથી ઉપર છે? આનો જવાબ આપતા વિજયેન્દ્રએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, મંત્રી પ્રિયાંક ખડગે પહેલા એ નક્કી કરી લે કે કોંગ્રેસ પક્ષની નોંધણી રદ નહીં થાય. રાજકીય રીતે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ખડગે પરિવારે કલ્યાણ કર્ણાટકને દેશનો સૌથી પછાત વિસ્તાર બનાવવા સિવાય કઈ કર્યું નથી.
પહેલા આઇપીએસ, આઇએએસ અને હવે ત્રીજા લગ્ન...
મધ્યપ્રદેશ કેડરના આઇએએસ અધિકારી અવિ પ્રસાદ ત્રીજી વખત લગ્ન કરીને ફરીથી સમાચારમાં ચમક્યા છે. એક જમાનામાં એમણે પોલીસની વરદી પહેરીને કામ કરવાનું સપનું જોયું હતું. ત્યાર પછી એમણે આઇએએસ તરીકે ટોપ રેન્ક મેળવ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુરના રહેવાસી અવિ પ્રસાદ હંમેશા સમાચારોમાં રહ્યા છે. છૂટાછેડા લીધા પછી એમણે ત્રીજી વખત લગ્ન કર્યા છે. મજાની વાત એ છે કે અગાઉની એમની બંને પત્નીઓ પણ આઇએએસ ઓફિસર છે. હમણા આ બંને પત્નીઓ જિલ્લા કલેક્ટર તરીકે કામ કરે છે. એમના ત્રીજા પત્ની રાજ્ય મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી છે. અવિ પ્રસાદ ૨૦૧૩ના વર્ષમાં આઇપીએસ બન્યા હતા. ૨૦૧૪માં તેઓ યુપીએસસીની પરીક્ષા પસાર કરી આઇએએસ બન્યા હતા. એમના દાદા તમ્બેશ્વર પ્રસાદ ઉર્ફ બચ્ચા બાબુ ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની સરકારમાં મંત્રી હતા.
ચૂંટણી કમિશનનું 'બદલાપુર'
પશ્ચિમ બંગાળમાં થોડા અઠવાડિયામાં જ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. પશ્ચિમ બંગાળ સરકાર અને ચૂંટણી કમિશન વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં જાતે હાજર રહીને ચૂંટણી કમિશન વિરુદ્ધ દલીલો કરી હતી. ગીન્નાયેલું ચૂંટણી કમિશન હવે બદલો લેવાના મૂડમાં છે. ચૂંટણી કમિશને મમતાના અધિકારીઓ પર દંડો ચલાવ્યો છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળમાં ૭ અધિકારીઓને હાંકી કાઢયા છે. કમિશને આ અધિકારીઓ પર ફરજપાલનમાં બેદરકારી અને સત્તાના દુરઉપયોગનો આરોપ મૂક્યો છે. કમિશને જનપ્રતિનિધિત્વ કાયદા ૧૯૫૦ની કલમ ૧૩ સીસી હેઠળ પોતાના અધિકારનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો હતો. કમિશને પશ્ચિમ બંગાળના ચીફ સક્રેેટરીને સૂચના આપી છે કે, આ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે.
રશિયા પાકિસ્તાન પર વરસી ગયું, ભારત જોતું રહ્યું
સામાન્ય રીતે પાકિસ્તાન અને રશિયાના સંબંધો કદી સુંવાળા રહ્યા નથી. હવે પાકિસ્તાન અને રશિયાએ એક બીજા સાથે સંબંધ સુધારવાની શરૂઆત કરી છે. ભારતની વિદેશ નીતિ માટે આ એક મોટો ફટકો છે. રશિયા અને પાકિસ્તાન જમીન માર્ગે અને હવાઇ માર્ગે સંપર્ક વધારીને વેપાર અને આર્થિક સંબંધો ગાઢ કરશે. તૂર્કીના ઇસ્તમબુલમાં મુસ્લિમ દેશો (ઓઆઇસી)ના ટ્રાન્સપોર્ટ મીનીસ્ટરોની કોન્ફરન્સમાં પાકિસ્તાનના મીનીસ્ટર અબ્દુલ સલીમ ખાન અને રશિયાના મંત્રી ડીમીત્રી સ્ટાનીસ્લાવોવીચ જેવરેવ વચ્ચે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મીટીંગમાં નક્કી થયું હતું કે મોસ્કો, ઇસ્લામાબાદ વચ્ચે સીધી ફલાઇટ તાત્કાલીક શરૂ કરવામાં આવશે. બંને મંત્રીઓએ પાકિસ્તાની માલવાહક ટ્રક ડ્રાયવરોને પરેશાન કરતી વીઝાની મુશ્કેલી દુર કરવાની ખાતરી આપવામાં આવી હતી.
કોગ્રેસની જાગૃતિથી આસામમાં ભાજપને તમાચો
આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન બોરાએ આંતરીક ખટપટથી કંટાળીને રાજીનામું આપી દીધું હતું. આ સમાચાર જાણીને આસામના મુખ્યમંત્રી હિમત બિસ્વા સરમાએ એમને તરત જ ભાજપમાં આવવાનું આમંત્રણ આપી દીધું હતું. સરમાએ ત્યાં સુધી કહી દીધું હતું કે જો ભૂપેન બોરા ભાજપ સાથે જોડાય છે તો તેઓ જીતી શકે એવી સુરક્ષીત બેઠક પરથી એમને જીતાડવામાં આવશે. એમણે એમ પણ કહ્યું હતું કે તેઓ મંગળવારે બોરાના ઘરે જઈને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરશે. ભૂપેન બોરાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેને રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે પાર્ટી હાઇકમાન્ડ એમની અવગણના કરે છે. જોકે સમય પારખીને કોંગ્રેસ હાઇકમાન્ડે ભાજપની બાજી પલ્ટી નાખી હતી. રાજીનામું આપ્યા પછી ભૂપેન બોરાએ થોડા કલાકોમાં જ રાજીનામું પરત ખેંચી લીધું હતું. એઆઇસીસીના રાજ્ય પ્રભારી જીતેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે પાર્ટી હાઇકમાન્ડએ તાત્કાલીક એક્શનમાં આવીને બોરા સાથે વાત કરી એમને મનાવી લીધા હતા.
મણીશંકર ઐયરે હવે તોપનું નાળચુ પવન ખેડા તરફ તાક્યુ
કોંગ્રેસના બહુ બોલકા નેતા મણીશંકર ઐયર બોલવામાં કોઈની શરમ રાખતા નથી. અત્યાર સુધી ઐયરની ટીકાની તોપ વડાપ્રધાન મોદી તરફ મંડાયેલી રહેતી હતી. હવે એકાએક એમણે નીશાન બદલ્યું છે. મણીશંકર ઐયરે કેરળના મુખ્યમંત્રી પીનરઇ વિજયનના વખાણ કરીને તેઓ ફરીથી મુખ્યમંત્રી બનશે એવી આગાહી કરી હતી. ઐયરના આ નિવેદન પછી કોંગ્રેસ પક્ષમાં નાનકડો ધરતીકંપ આવી ગયો. ઐયરના નિવેદનની ટીકા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા તેમજ મહામંત્રી અને રાહુલ ગાંધીના સલાહકાર જયરામ રમેશએ કરી. પોતાની ટીકાથી સમસમી ગયેલા ઐયરએ પવન ખેડાને બરાબર ધોઈ નાંખ્યા. એમણે ખેડાને કઠપૂતળી તો કહ્યા જ પરંતુ એમ પણ કહ્યું કે તેઓ પક્ષના અધિકૃત પ્રવક્તા નથી. એમણે એમ પણ કહ્યું કે પવન ખેડા મહામંત્રી જયરામ રમેશ કહે એટલું જ કરે છે.


