નવીદિલ્હી: મનરેગા યોજનાની જગ્યાએ વિકસીત ભારત જી રામ જી બીલ ૨૦૨૫ રજુ કરાતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ ટીપ્પણી કરી હતી કે નામ બદલવાથી કોઈ મોટુ કામ થવાનું નથી. એમણે કહ્યું હતું કે, 'કોઈપણ રાજકારણ અને યોજનાઓ એવી હોવી જોઈએ કે જેથી જનતાને ફાયદો થાય. મનરેગાને કારણે ઘણા લોકોને રોજગારી મળતી હતી. હવે આજે મોંઘવારી વધતા આ યોજનાનો ફાયદો કઈ રીતે વધારે લોકોને મળે અને ખેડૂતોને પણ શું ફાયદો થાય એ જોવું જોઈએ. તમે તમામ જવાબદારી રાજ્ય સરકાર પર નાંખી દો છો. રાજ્ય સરકાર આ જવાબદારી કેન્દ્ર પર નાંખશે. હમણા પણ ઘણા રાજ્યોને મનરેગાના પૈસા મળતા નથી. મુખ્યમંત્રીઓ, રાજ્ય સરકારો માટે મુશ્કેલી ઉભી થશે.' એમણે એમ પણ કહ્યું હતું કે, 'આ યોજના સાથે સંકળાયેલા લોકોને ખબર છે કે, કેન્દ્ર તરફથી રાજ્યને પૈસા નહી મળવાથી સામાન્ય જનતાને આ લાભ પહોંચતો નથી.'
મ્યુઝિયમમાંથી ગુમ પંડીત નહેરૂની ફાઇલનું રહસ્ય ખુલ્યું
દેશના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરૂના ઇતિહાસ સાથે જોડાયેલા દસ્તાવેજો બાબતે કેટલીક શંકા થઈ રહી હતી. પ્રધાનમંત્રી સંગ્રાહલયને પહેલા નહેરૂ મેમોરિયલના નામથી ઓળખવામાં આવતું હતું. એવી શંકા થતી હતી કે, નામ બદલવાથી ત્યાનો ઇતિહાસ પણ બદલાયો હતો. હવે આ બાબતે લોકસભામાં એક અગત્યની જાણકારી આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ૨૦૨૫ના ઇન્સ્પેક્શન વખતે જાણવા મળ્યું હતું કે પંડીત નહેરૂ સાથે જોડાયેલો એક પણ દસ્તાવેજ ગુમ થયો નથી. વિરોધ પક્ષો અને કેટલાક ઇતિહાસકારોને ચિંતા હતી કે, તીન મૂર્તિભવનને પ્રધાનમંત્રી સંગ્રાહલયમાં બદલવાથી નહેરૂ સાથે જોડાયેલો ઇતિહાસ ગુમ થઈ જશે. સાંસદે પૂછેલા સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું કે મ્યુઝયમમાં રાખવામાં આવેલી ફાઇલો અને દસ્તાવેજોનું ઓડીટ દર વર્ષે થાય છે.
નોકરી બદલે જમીન કૌભાંડ, લાલુ કુટુંબ સામે ચાર્જશીટ રજૂ
સીબીઆઇએ દિલ્હીની એક કોર્ટને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને એમના કુટુંબ સાથે સંકળાયેલા નોકરીને બદલે જમીન ગોટાળામાં આરોપીઓની તપાસ પુરી થઈ ગઈ છે. વધારાના ન્યાયાધીશ વિશાલ ગોગને આ કેસની સુનાવણી કરી રહ્યા છે. એમણે જાણવા માંગ્યું હતું કે, શું આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા માટે પુરતા પુરાવા છે કે નહીં. એમણે આરોપીઓની તપાસ બાબતે સીબીઆઇને એક રીપોર્ટ આપવા જણાવ્યું હતું. કેસના ૧૦૩ આરોપીઓમાંથી ચારના મૃત્યુ થયા છે. કે, સીબીઆઇના સિનિયર વકીલે કહ્યું હતું કે, 'અગાઉના હુકમ પ્રમાણે આરોપીઓને તપાસવાનું કામ લગભગ પુરુ થઈ ગયું છે. એવું જણાવવામાં આવ્યું છે કે આરોપી નંબર ૮૯ અશ્વિનીકુમાર મલ્હોત્રાનું મૃત્યુ થઈ ગયું છે.'
અસીમ મુનીરને આજીવન સલામતી, ઇમરાનને જેલ કેમ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં થયેલી જાહેર દલીલ વખતે ભારતના પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીર બાબતે પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા તોડી પાડયો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ હરીશ પીએ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર તેમજ કેન્દ્ર શાસીત પ્રદેશ લદ્દાખ ભારતની સાથે જ જોડાયેલા છે અને હંમેશા રહેશે. ભારતીય રાજદૂતે પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. ઇસ્લામાબાદ કઈ રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ટોર્ચર કરે છે. બીજી તરફ પાકિસ્તાન ૨૦૨૭માં બંધારણીય સુધારો કરીને આર્મી ચીફ અસીમ મુનીરને આજીવન સલામતી પુરી પાડે છે. અસીમ મુનીર ગમે તેટલા ગુના કરે તો પણ હવે પાકિસ્તાનમાં તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં. આ ઉપરાંત ભારતના પ્રતિનિધિએ સિંધુ જળ સંધી બાબતે પણ વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી.
સુપ્રીમમાં મોડેથી અપીલ દાખલ કરવા બાબતે સરકાર જવાબ આપે
સુપ્રિમ કોર્ટે એક સાથે ત્રણ કેસ દફતરે કરી દીધા છે અને કેસ દાખલ કરવામાં થયેલી બેદરકારી માટે માફ કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે મૌખીક રીતે ટીપ્પણી કરી હતી કે, સરકારના અધિકારીઓ સમય મર્યાદાની અંદર કેસ દાખલ કરવા માટે મહેનત કરતા નથી. જસ્ટીસ મનોજ મિશ્રા અને જસ્ટીસ ઉજવલ ભૂયાનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. કેન્દ્ર સરકાર તરફથી એડીશનલ સોલીસીટર જનરલ અર્ચના દવે હાજર રહ્યા હતા. આ એવા કેસ હતા કે જેમાં કેન્દ્ર સરકારે હાઇકોર્ટના ચુકાદાઓને ચેલેન્જ કરીને સ્પેશ્યલ લીવ અરજીઓ દાખલ કરી હતી. કેસની મેરીટમાં જયા વગર જસ્ટીસ મિશ્રાએ પૂછયું હતું કે કેન્દ્ર સરકારના અધિકારીઓ પાસે સમયસર એસએલપી ફાઇલ નહીં કરવાનું શું કારણ છે. જસ્ટીસ મિશ્રાએ કહ્યું હતું કે, 'અમે આ બધા કેસ મોડુ થઈ જવાને કારણે ફગાવી દઈએ છીએ.'
અપેક્ષાથી વિપરીત પાક.માં પણ ધૂરંધર હીટ
ભારતમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ધૂરંધરમાં પાકિસ્તાનનું બેકગ્રાઉન્ડ બતાવ્યું હોવાથી એમ મનાતું હતું કે પાકિસ્તાનના લોકો ફિલ્મને પસંદ કરશે નહીં. જોકે અપેક્ષાથી વિપરીત ધૂરંધર પાકિસ્તાનમાં પણ સુપરહીટ રહી છે. ધૂરંધરમાં લુધિયાણાના ખેડા ગામને પાકિસ્તાનના કરાંચી નજીક આવેલા લ્યારી વિસ્તાર બતાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના દર્શકો ફિલ્મના ડિરેકશનના ખૂબ વખાણ કરી રહ્યા છે. કરાંચીના જાણીતા વકીલ સાદીક સુલેમાનએ ધૂરંધરની તરફેણ કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી છે. એમના કહેવા પ્રમાણે પોતે કરાંચીમાં રહેતા હોવા છતાં જે રીતે કરાંચીનું નિરૂપણ થયું છે એ અદભૂત છે. સાદીકે ફિલ્મના કેટલાક દ્રશ્યો એમના પિતાજીને પણ બતાવ્યા હતા અને એમના પિતાજીએ કહ્યું હતું કે ૬૦ના દાયકામાં તેઓ મીઠાદર અને ખરાદરમાં રહેતા હતા. આ બંને કસબા લ્યારી સાથે જોડાયેલા હતા. અને ફિલ્મની વાર્તામાં દમ છે.
થૂંક લગાડી પાનુ ફેરવતા વકીલને જોઈ જજ લાલચોળ
કલકત્તા હાઇકોર્ટમાં એક વકીલ આંગળી પર થૂંક લગાડીને પાનુ ફેરવતા હતા આ જોઈને જસ્ટીસ અમૃતા સિંહા નારાજ થઈ ગયા હતા. કોર્ટના લાઇવ પ્રસારણના વીડિયોમાં જોવા મળે છે કે વકીલ આંગળી પર થૂંક લગાડીને દસ્તાવેજનું પાનુ ફેરવતા હતા. જસ્ટીસ સિંહાએ એમને જોઈ લીધા. એમણે તરત જ કહ્યું કે મહેરબાની કરીને થુંક ચોપડી પાનુ નહીં ફેરવો. સ્વાસ્થ્ય માટે પણ એ યોગ્ય નથી. થોડા સમય પછી વકીલએ કહ્યું કે, હું માફી માગુ છું. એ વખતે જસ્ટીસ સિંહાએ ગુસ્સામાં કહ્યું હતું કે શું આ તમારો અંગત મામલો છે? તમારું બેન્ડ કયાં છે? વકીલે કોર્ટ કાર્યવાહી દરમિયાન કોટ સાથે બેન્ડ પહેર્યું નહોતું. જવાબમાં વકીલે કહ્યું હતું કે હું ભૂલી ગયો. એજ ક્ષણે જસ્ટીસ સિંહાએ વકીલને કોર્ટમાંથી નીકળી જવા કહ્યું હતું, સાથે સાથે એવી પણ ટીપ્પણી કરી હતી કે તમારા હાથ ધોઈ નાખો નહીં તો હું આ કેસની સુનાવણી નહીં કરીશ. ત્યાર પછી વકીલ હાથ ધોઇને ફરીથી આવ્યા હતા.


