Get The App

સામ્યવાદી પિતાના પુત્રને આરએસએસના સભ્ય કોણે બનાવ્યા

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
સામ્યવાદી પિતાના પુત્રને આરએસએસના સભ્ય કોણે બનાવ્યા 1 - image

નવી દિલ્હી : ઝારખંડના ગોડ્ડા મતવિસ્તારના સાંસદ નિશિકાંત દુબે એમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેના પિતા સામ્યવાદી પક્ષના સભ્ય હતા. કેટલાકને સવાલ થાય છે કે, એમના પિતા કટ્ટર સામ્યવાદી હોવા છતા નિશિકાંત દુબે કઈ રીતે આરએસએસ, એબીવીપી અને ભાજપ સાથે જોડાયા. કયા લોકો અને કઈ પરિસ્થિતિ હતી કે જેને કારણે નિશિકાંત પિતાની માફક સામ્યવાદી પક્ષમાં જોડાયા નહીં. આ બાબતે નિશિકાંત દુબેએ પોતે કહ્યું છે કે, એમના પિતા ડાબેરી વિચારસરણીના હતા, પરંતુ એમના મામાનો પરિવાર સંપૂર્ણ રીતે સંઘની વિચારધારાથી પ્રભાવીત હતો. દુબેના કહેવા પ્રમાણે ઘરમાં કદી પણ વિચારધારાને લઈને ચર્ચા થતી નહોતી. પિતા એટલા માટે સામ્યવાદી હતા કે, તેઓ ભાગલપુર વિસ્તારમાંથી આગળ આવ્યા હતા અને ભાગલપુર વિસ્તાર સંપૂર્ણ રીતે સામ્યવાદી ગણાતો હતો.

કાલિપ્રસાદથી પપ્પુ યાદવ, બિહારના રાજકારણમાં હંમેશા માથાભારેની બોલબાલા રહી છે

સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે બિહારમાં ચૂંટણી જીતવી હોય તો માફિયા કે ગુંડાતત્વોની મદદ લેવી જરૂરી બને છે. આ માન્યતા સાવ ખોટી પણ નથી. બિહારના રાજકારણમાં ગુનેગારોનું વર્ચસ્વ પહેલાના સમયથી છે. એમ મનાય છે કે ૧૯૫૭ની ચૂંટણીથી માથાભારે તત્ત્વો રાજકારણમાં પ્રવેશ્યા હતા. પછીના સમયમાં આ માફિયાઓએ મતપેટીની લૂંટફાટ પણ શરૂ કરાવી હતી. માફિયાઓ પહેલા બીજા ઉમેદવાર માટે મતપેટીઓ લૂટતા હતા. પછી એમને થયું કે બીજા માટે કામ કરવાને બદલે પોતે જ શા માટે રાજકારણમાં પ્રવેશીને ચૂંટણી નહીં લડે. ૧૯૮૦ની વિધાનસભા ચૂંટણીમાં બિહારના ઘણા માથાભારે તત્ત્વો જીત્યા હતા. ગોપાલગંજ બેઠક પરથી દબંગ કાલિપ્રસાદ પાંડે અપક્ષ તરીકે જીત્યા હતા. કાલિપ્રસાદ પાંડે જેલમાં હોવા છતાં ૧૯૮૪ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી તો લગભગ ૪૦ જેટલા ખૂંખાર ગુંડાઓ ધારાસભ્ય, સાંસદ અને મંત્રી બની ચૂક્યા છે.

ફડણવીસ સરકાર તાણમાં, મરાઠા અનામત સામે આંદોલન થશે

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ઓબીસી, આદિવાસી અને બનજારા સંગઠનોએ જાહેરાત કરી છે કે, મરાઠા અનામત સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડેલા જીઆરનો વિરોધ કરવા તેઓ પ્રદર્શન કરશે. આ સંગઠનોનું કહેવું છે કે, જ્યાં સુધી જીઆર પાછો નહીં લેવામાં આવે ત્યાં સુધી એમના દેખાવો ચાલુ રહેશે. મુંબઈમાં મનોજ જરાંગેના આંદોલન પછી આ જીઆર બહાર પાડવામાં આવ્યો હતો. આ સંગઠનોનું કહેવું છે કે, હૈદરાબાદ ગેઝેટને લાગુ કરીને મરાઠાઓને કુણબી જ્ઞાાતિનું પ્રમાણપત્ર આપીને એ આધારે એમને અનામત આપવું યોગ્ય નથી. મરાઠાઓને આપવામાં આવનાર અનામતને કારણે અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને પછાત વર્ગ (ઓબીસી)ને ખરાબ અસર થશે. કુણબી એક ખેડૂત સંપ્રદાય છે અને મહારાષ્ટ્રમાં એનો સમાવેશ ઓબીસીમાં થાય છે.

નેપાળને સંગઠીત રાખવાની જવાબદારી જેના પર છે એ જનરલ સીગદેલ કોણ છે

હિંસક આંદોલન પછી નેપાળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. નેપાળના સેના પ્રમુખ જનરલ અશોકરાજ સીગદેલ હવે એકાએક મહત્વના બની ગયા છે. નેપાળમાં એમ મનાય છે કે, અશોકરાજ સીગદેલ નેપાળને સંગઠીત રાખી શકે એમ છે. ત્રિભૂવન યુનિવર્સિટીમાંથી એમએ કરનાર જનરલ સીગદેલે ભારત અને ચીનના આર્મી ટ્રેનિંગના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. એમણે ચીનની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. સીગદેલે ભારતના સીકંદરા બાદ ખાતે આવેલી કોલેજ ઓફ ડીફેન્સમાંથી  ડીફેન્સ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઓલીએ રાજીનામું આપ્યા પછી નેપાળમાં શૂન્યાવકાસની સ્થિતિ હતી. એ વખતે સૈન્યએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળી લીધી હતી. સેના પ્રમુખની અપીલને કારણે વિદ્યાર્થીઓએ હિંસા બંધ કરી હતી.

બીએસપીના નેતાની કરોડોની જમીન 20 વર્ષ બાદ કબજામુક્ત થઈ

રાજકારણમાં ભાગ્ય જ એવું બને છે કે વિરોધ પક્ષ શાસક મુખ્યમંત્રીના વખાણ કરે. જોકે ઉત્તર પ્રદેશમાં આવું બન્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસએ કરોડો રૂપિયાની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર રોકાણને દુર કર્યા છે. સરકારના આ પગલાનો લાભ ૨૦ વર્ષોથી પોતાના હક માટે લડી રહેલા બીએસપીના નેતા રફત ઉલ્લાહ ઉર્ફ નેતા છીદ્દાને મળ્યો છે. સરકારને ફરિયાદ કર્યા પછી સરકારે એમને ૧૫૦૦ મીટર જમીનનો કબજો અપાવ્યો છે. આ જમીનની કીંમત કરોડો રૂપિયા હોવાનું મનાય છે. જમીન પરનું દબાણ મુક્ત થયા પછી બીએસપીના નેતાએ યોગી સરકારના વખાણ કર્યા છે. એમણે કહ્યું છે કે, શક્તિશાળી સરકારમાં એમને ન્યાય મળ્યો છે.

તેજસ્વી યાદવના નિવેદને કોંગ્રેસનું ટેન્શન વધાર્યું

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે. મહાગઠબંધનના વિવિધ પક્ષો હજી બેઠકોની વહેંચણી નક્કી કરી શક્યા નથી. એનડીએ અને વિરોધપક્ષ ઇન્ડિયા બ્લોકના નેતાઓ બેઠક વહેંચણી માટે ચર્ચા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે આરજેડીના નેતા તેજસ્વી યાદવએ રાજ્યના લોકોને એક મહત્વની અપીલ કરી છે. તેજસ્વીએ કહ્યું છે કે, બિહારની પ્રજાએ તમામ ૨૪૩ બેઠકો પર એમના નામ પર મત આપવો જોઈએ. મુઝફ્ફર નગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેજસ્વીએ આ ધડાકો કરતા હવે રાજકારણ ગરમાયું છે. એમણે આડકરતી રીતે એમ પણ કહ્યું હતું કે એમનો પક્ષ તમામ ૨૪૩ બેઠકો પરથી ચૂંટણી લડશે. બોચહા હોય કે મુઝફ્ફરપુર તેજસ્વી લડશે. વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી વોટર અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવએ ભાગ લીધો હતો. તેજસ્વીની જાહેરાતથી કોંગ્રેસના સિનિયર નેતાઓ માથુ ખંજવાળી રહ્યા છે.

આર્ટ ગેલેરી સામે એફઆઇઆરની માંગ રદ

દિલ્હીની એક આર્ટ ગેલેરીમાં ચિત્રકાર એમ એફ હુસૈનના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. એમ એફ હુસૈનના કેટલાક ચિત્રો હિન્દુઓની ધાર્મિક ભાવના દુભવતા હોવાનો દાવો કરીને અમિતા સચદેવા નામના એક વકીલએ દિલ્હી હાઇકોર્ટમાં આર્ટ ગેલેરી સામે એફઆઇઆર દાખલ કરવાની અરજી કરી હતી. જોકે દિલ્હી હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. જસ્ટીસ અમિત મહાજનએ કહ્યું હતું કે આ કિસ્સો પહેલેથી જ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. તરત જ એફઆઇઆર દાખલ કરવાના હુકમને બદલે ફરિયાદ અરજી તરીકે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના કહેવા પ્રમાણે નીચેની કોર્ટ યોગ્ય સમયે કિસ્સાની તપાસ કરી શકે છે. કોર્ટનું કહેવું હતું કે જે ચિત્ર બાબતે ફરિયાદ કરવામાં આવી છે એ પહેલેથી જ પોલીસ પાસે છે અને સીસીટીવી ફૂટેજ તેમજ કેટલીક બીજી સામગ્રી પણ પોલીસે જપ્ત કરી છે.