નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાની નારાજગી બહાર આવી છે. બેઠકોમાં થયેલા ફેરફારની સૂચના મળ્યા પછી રાલોમો અસ્વસ્થ થઈ ગયો છે. રાલોમોના ખાતામાંથી મહુઆ બેઠક લોજપા (આર) જ્યારે દિનારા જેડીયુને આપવામાં આવી છે. આની જાણકારી થતા રાષ્ટ્રીય લોક મોરચાના નેતાઓએ વાંધો જાહેર કર્યો છે. રાલોમોએ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને કહી દીધું છે કે ભાજપ સહિત એનડીએના કોઈપણ ઉમેદવારના નામાંકનમાં હાજર રહે નહીં. પટણાથી સાસારામ જવા નીકળેલા રાલોમોના રાષ્ટ્રીય પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા અરધે રસ્તેથી પરત ફરી ગયા હતા. એવી ચર્ચા થઈ રહી છે કે ઉપેન્દ્ર કુશવાહાએ રાલોમોના સિનિયર નેતાઓની બેઠક બોલાવી છે. એમ કહેવાય છે કે દિલ્હી ખાતે થયેલી મીટીંગમાં ભાજપ હાઇકમાન્ડએ રાલોમોને ૬ બેઠકો આપવાનું વચન આપ્યું હતું.
તમારો ઉદ્દેશ શું છે, સુપ્રિમે મહુઆ મૌઇત્રાને પૂછ્યુંં
સુપ્રિમ કોર્ટે તુણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મૌઇત્રાને એમણે કરેલી અરજી બાબતે સવાલો કર્યા હતા. અરજીમાં મૌઇત્રાએ વિદેશી રોકાણકારો અને વિદેશી રોકાણથી કોને લાભ થશે એવી તમામ વિગતો સાર્વજનીક કરવાની દાદ માંગી હતી. જસ્ટીસ બી વી નાગરત્ના અને જસ્ટીસ આર મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે, બંધારણની કલમ ૩૨ હેઠળ કોઈપણ અરજી ફક્ત શંકાને આધારે દાખલ થઈ શકે નહીં. બેન્ચે કહ્યું હતું કે તમે સાર્વજનિક ખુલાસો માંગી રહ્યા છો. તમારો ઉદ્દેશ શું છે? મળેલી માહિતીનું તમે શું કરશો? શું આ અરજી આરટીઆઇના નિયમ હેઠળ છે? સુપ્રિમ કોર્ટે મૌઇત્રા તરફથી હાજર થયેલા વકીલ પ્રશાંત ભૂષણને અરજીમાં ફેરફાર કરવાનું કહ્યું હતું. આ પહેલા પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, વિદેશી રોકાણકારોએ મોટું રોકાણ કર્યું છે, પરંતુ જેની જાણકારી સામાન્ય લોકોને નથી.
મૈથીલી ઠાકુર ભાજપમાં જોડાયા
લોકપ્રિય યુવા ગાઇકા મૈથીલી ઠાકુર ભાજપમાં જોડાઈ ગયા છે. એમણે ગાયેલા લોકગીતો, શાસ્ત્રીય અને ભજન ઘણા લોકપ્રિય છે. મૈથીલીએ પટણા ખાતે સિનિયર ભાજપ નેતાઓની હાજરીમાં પક્ષનો ખેસ પહેર્યો હતો. એમ મનાય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક છે. મૈથીલી ઠાકુરે પક્ષમાં જોડાયા પછી કહ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે અને એમને નિતિશકુમાર પણ ગમે છે. નિતિશકુમારની પ્રેરણાથી જ તેઓ ભાજપમાં જોડાયા છે. ચીલાચાલુ જવાબ આપતા એમણે એમ પણ કહ્યું હતું કે હું તો સમાજ સેવા કરવા માટે રાજકારણમાં આવી છું. મૈથીલી મીથીલાંચલ પ્રદેશની હોવાથી આ ક્ષેત્રમાં ભાજપને ફાયદો થઈ શકે એમ છે. હમણા તો મૈથીલી ચૂંટણી લડવા બાબતે નૈનેયો ભણે છે, પરંતુ લાલો લાભ વગર લોટે નહીં એ રીતે છેવટે ભાજપની બેઠક પરથી ચૂંટણી લડશે એવું મનાય છે.
પંજાબ રાજ્યસભા બેઠક પરથી ચૂંટણી લડનારા આપના ઉમેદવાર અતિ શ્રીમંત છે
પંજાબમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે આપના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ગુપ્તા છે. રાજેન્દ્ર ગુપ્તાના નામે કોઈ કાર નથી, પરંતુ ખેતીની જમીન છે. ગુપ્તાની કુલ સંપત્તિ ૫૫૩ કરોડ રૃપિયાની છે. ગુપ્તા ટ્રાઇડન્ટ ગ્રુપના ચેરમેન છે. જો તેઓ ચૂંટણી જીતશે તો રાજ્યસભામાં બેસનાર સૌથી પૈસાદાર હશે. ૨૪મી ઓક્ટોબરે જમ્મુ - કાશ્મીરની ચાર અને પંજાબની એક રાજ્ય સભા બેઠકો માટે મતદાન થવાનું છે. એ જ દીવસે સાંજે પરિણામ બહાર પડશે. ઉમેદવારી પત્રોની તપાસ કર્યા પછી અપક્ષ ઉમેદવાર નવનીત ચર્તુવેદીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. રાજેન્દ્ર ગુપ્તા સામે કોઈ ઉમેદવાર નહીં હોવાથી તેઓ ચૂંટાઈને રાજ્યસભામાં જશે એ નક્કી છે. વિરોધીઓ આક્ષેપ કરે છે કે, અરવિંદ કેજરીવાલનો પક્ષ હંમેશા અતિ શ્રીમંતોને જ રાજ્યસભામાં મોકલે છે એની પાછળનું રહસ્ય શું છે.
સપાએ મુસ્કાન મિશ્રાને રાષ્ટ્રીય પ્રમુખના પદ પરથી હટાવ્યા
સમાજવાદી પાર્ટીના મહિલા વિંગના રાષ્ટ્રીય પ્રમુખ મુસ્કાન મિશ્રાને પક્ષે એમના પદ પરથી એકાએક દુર કર્યા છે. એમ કહેવાય છે કે મુસ્કાન મિશ્રા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. મુસ્કાન મિશ્રા થોડા દિવસો પહેલા અયોધ્યાના મહંત રાજુદાસને મળ્યા હતા. એમ મનાય છે કે અખીલેશ યાદવને આ મુલાકાત પસંદ આવી નહોતી. જોકે સપાના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે મુસ્કાન લગ્ન કરવાની હોવાથી એમણે જ પદ પરથી દુર કરવા કહ્યું હતું. જોકે મુસ્કાને આ બાબતે ખુલાસો કર્યો નથી. મુસ્કાન મિશ્રા લખનૌની વતની છે અને સોશ્યલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. સપાના કેટલાક નેતાઓ મુસ્કાનને દુર કરવાના પક્ષમાં નહોતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે મુસ્કાન મિશ્રાની લોકપ્રિયતા પક્ષને કામ આવે એવી હતી.
બિહારમાં મહાગઠબંધનની બેઠક વહેંચણી લગભગ નક્કી
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વિરોધી મહાગઠબંધનના સહિયોગી પક્ષો વચ્ચેની ગૂંચવણ ઉકેલાઈ ગઈ હોવાનું કહેવાય છે. ખાસ કરીને કોંગ્રેસની ડિમાન્ડને કારણે મામલો ગૂંચવાયો હતો. એક-બે દિવસમાં મહાગઠબંધન બેઠકોની જાહેરાત કરે એવી શક્યતા છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં મળી હતી અને સંભવિત ઉમેદવારોના નામ નક્કી કર્યા હતા. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે મલ્લિકાર્જૂન ખડગે ઉપરાંત મહામંત્રી કેસી વેણુગોપાલ, અજય માકન, ઇમરાન પ્રતાપગઢી સાથે બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ પણ ભેગા થયા હતા. વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી વિડિયો કોન્ફરન્સથી સંપર્કમાં હતા. પેનલમાં કુલ ૭૬ નામો હતા જેમાંથી ૩૫ નામો પર વિચાર કરવામાં આવ્યો છે. ટિકિટ વહેંચણીમાં કોઈ વિવાદ નહીં થાય એ માટે પક્ષે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી હતી.
તૂર્કીના રાષ્ટ્રપતિની સલાહ સાંભળીને મેલોની ચોંકી ગયા
થોડા દિવસો પહેલા મીડલ ઇસ્ટમાં વિશ્વના ટોચના નેતાઓ ભેગા થયા હતા. આ બેઠકમાં મધ્યપૂર્વની શાંતિ વિશે ચર્ચા થઈ હતી. એ વખતે એક અનૌપચારીક વાતચીતમાં તૂર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એરદોગનએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સમક્ષ એવી માંગણી કરી કે બધા ચોંકી ગયા હતા. આ માંગણી સાંભળીને મેલોની ખૂદ પણ અંચબામાં પડી ગયા હતા. તૂર્કીના રાષ્ટ્રપતિએ ઇટલીના વડાપ્રધાનને કહ્યું હતું કે તેઓ સીગરેટ પીવાનું છોડી દે. સીગરેટ છોડવા માટે કોઈપણ રસ્તો શોધે. એરદોગનએ મેલોનીને કહ્યું હતું કે મે તમને વિમાનમાંથી ઉતરતા જોયા છે. તમે ખુબ સુંદર દેખાઓ છો, પરંતુ તમારે ધ્રૂમપાન છોડી દેવું જોઈએ. તૂર્કીના રાષ્ટ્રપ્રમુખએ જ્યારે આ વાત કહી ત્યારે એમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોએ ટોણો માર્યો હતો કે, એરદોગનની ઇચ્છા પૂરી થવાની નથી.


