નવીદિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાબતે અલ-ફલાહ યુનિવર્સિટીના ઘણા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ચોંકાવનારી માહિતી બહાર આવે છે. એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઇયુ)એ કહ્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટીની માન્યતા રદ કરવામાં આવી છે. એઆઇયુના મહામંત્રી પંકજ મીત્તલએ કહ્યું છે કે, 'એઆઇયુના પેટા નિયમો અનુસાર યુનિવર્સિટીઓની માન્યતા ત્યાં સુધી જ માન્ય રાખવામાં આવશે, જ્યાં સુધી તેઓ નિયમનું પાલન કરશે. અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદ, હરિયાણાએ નિયમ અનુસાર કામ કર્યું નથી એટલા માટે એને આપેલી માન્યતા એઆઇયુએ રદ કરી છે.' અલ-ફલાહ યુનિવર્સિટી હવે એઆઇયુનું નામ કે લોગોનો ઉપયોગ નહીં કરી શકે. એઆઇયુના લોગોને યુનિવર્સિટીની વેબસાઇટ પરથી દુર કરવો પડશે.
બિહાર પછી હવે મોદીના બંગાળ લક્ષ્ય સંદર્ભે વિવાદ
બિહારમાં એનડીએને મળેલી સફળતા પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર બંગાળ પર છે આ વાત મોદીએ પોતે સંબોધન દરમિયાન કરી છે. મોદીએ કહ્યું છે કે હવે બંગાળમાંથી જંગલરાજ દુર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. મોદીના કહેવા પ્રમાણે બિહારમાં મળેલી જીત પછી કેરળ, તામિલનાડુ, પુડુંચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. જોકે મોદીના આ આત્મવિશ્વાસ સામે તૃણમુલ કોંગ્રેસમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદ સાગરીકા ઘોષને વાધો પડયો છે. ઘોષએ એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મુક્યો છે. ઘોષએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, નરેન્દ્ર મોદી કયારે પણ પશ્ચિમ બંગાળ જીતી નહીં શકે. પશ્ચિમ બંગાળના લોકો જાણે છે કે મોદીને બંગાળીઓ માટે કેટલી નફરત છે અને બંગાળી લોકોને તેઓ ઘૂસણખોર કહીને બદનામ કરે છે. બંગાળના લોકો જાગૃત છે અને ભાજપના પ્રચારમાં આવવાના નથી.
'બિહારના પરિણામ જોઉ છું તો મારૂ દુખ ઓછું થાય છે'
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલી ઐતિહાસીક જીત પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ હિંમતથી પોતાની વાત રજૂ કરી છે. એમણે કહ્યું છે કે બિહારની પરિસ્થિતિ જોઈને મારી સ્થિતિનું દુઃખ ઓછું થાય છે કારણ કે, ત્યાં પણ મુદ્દાઓ અને કામકાજને આધારે વોટીંગની પેટર્ન જોવા મળતી નથી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'મને પહેલેથી જ ખબર હતી કે બડગામની ચૂંટણી સહેલી નહીં હોય. બડગામની પરિસ્થિતિ પહેલેથી જ જુદી છે. અહીં એક મોટો સમૂહ એવો છે કે, જે મુદ્દા આધારીત મતદાન કરતો નથી. બડગામમાં કામ જોઈને મતદાન થતું નથી. અહીં ધર્મ આધારીત મતદાન થાય છે. મને લાગતું જ હતું કે બડગામમાં અમારા માટે પરિસ્થિતિ સહેલી નહીં હોય.' ઉમર અબ્દુલ્લાના કહેવા પ્રમાણે ર્કાંગ્રેસએ વોટ ચોરીની યાત્રા પછી સફળતાની આશા રાખી હતી, પરંતુ એ આશા પર પાણી ફરી વળ્યું.
લાગ જોઈને શશી થરૂરએ પણ ટોણો માર્યો
છેલ્લા કેટલાક મહિનાઓથી કોંેગ્રેસના સાંસદ શશી થરૂરને કોંગ્રેેસ હાઇકમાન્ડ સાથે વાંકુ પડયું છે. તેઓ વારંવાર સોશ્યલ મીડિયા પર એવા નિવેદનો લખતા રહે છે કે જેને કારણે કોંગ્રેસ હાઇકમાન્ડને નીચા જોણુ થાય. બિહારમાં કોંગ્રેસના થઈ ગયેલા સફાયા પછી શશી થરૂરએ નિવેદન આપ્યું છે. થરૂરએ કહ્યું છે કે કોંગ્રેસ પક્ષ પહેલા કરતા વધુ સામ્યવાદી થઈ ગયો છે. થરૂરએ આ માટે કારણ પણ આપ્યું છે. કોંગ્રેસ પહેલા કરતા વધુ સામ્યવાદી એટલે થયો છે કે, ભાજપની કહેવાતી અલગતાવાદી રાજનીતિને કાઉન્ટર કરવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરે છે. ભાજપનો વિજયરથ અટકાવવા માટે કોંગ્રેસ સામ્યવાદીઓનો સાથ લે છે. થરૂરના કહેવા પ્રમાણે જ્યાં સુધી મનમોહનસિંહના હાથમાં પક્ષની કમાન્ડ હતી ત્યાં સુધી પક્ષ મધ્યમાર્ગી હતો. રાહુલ ગાંધીનું નામ લીધા વગર શશી થરૂરએ આડકતરી રીતે કોંગ્રેસની કેટલીક વિચારધારા બાબતે ટોણા માર્યા હતા.
બિહારમાં જીત મળતા જ ભાજપએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીને પક્ષખારીજ કર્યા
ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા યુ-ટયુબ ચેનલોને ભાજપ વિરોધી નિવેદનો આપતા હતા. આર કે સિંહે કેટલાક કૌભાંડો વિશે પણ ચેનલોને વાત કરી હતી. ચૂંટણી માથા પર હોવાથી ભાજપના નેતાઓ ચૂપ રહ્યા હતા. હવે જીત મળતા જ ભાજપએ આર કે સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે છ વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી પહેલા આર કે સિંહે પ્રશાંત કિશોરને ટેકો આપ્યો હતો. પક્ષ માટે આર કે સિંહ ગળાનું હાડકું બની ગયા હતા. ભાજપમાં જોડાતા પહેલા આર કે સિંહ સરકારી અધિકારી હતા. ભૂતકાળમાં પણ યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા જેવા ભાજપના કેન્દ્રીય મંત્રીઓએ વર્ષો સુધી ભાજપમાં રહીને જ મોદીનો વિરોધ કર્યો હતો. સમયાંતરે તેઓ પક્ષ છોડી ગયા હતા, પરંતુ ભાજપએ એમની સામે કોઈ પગલા લીધા નહોતા.
'ફરીથી ચૂંટણી કરાવો', જ્યોતિ સિંહનો ગંભીર આરોપ
બિહારની ચૂંટણીમાં ભોજપુરી સ્ટાર્સનો દબદબો રહ્યો હતો. અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા પવન સિંહના પત્ની જ્યોતિ સિંહ પણ સતત ચર્ચામાં રહ્યા હતા. જ્યોતિ સિંહ ચૂંટણી હારી ગયા છે. જ્યોતિ સિંહે કારાકાર મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જ્યોતિ સિંહે જોકે મહેનત ઘણી કરી હતી. તેઓ એમ માનતા હતા કે મતદારો તેમને જીતાડશે. હાર્યા પછી હતાશ થઈ ગયેલા જ્યોતિ સિંહે કહ્યું હતું કે, મતદાનમાં કંઈક ગરબડ થઈ છે. મારી ઇચ્છા છે કે ચૂંટણી પંચ ફરીથી મારા મતવિસ્તારમાં ચૂંટણી કરાવે. મારાથી ડરીને મતદાન ધીમુ કરાવવામાં આવ્યું હતું અને મશીન ખરાબ થઈ ગયા હતા. મારા એજન્ટોને હેરાન કરવામાં આવ્યા હતા. જ્યોતિ સિંહનું કહેવું છે કે, એમના ટેકેદારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. હું સવાલ પૂછું છું તો ધમકાવવામાં આવે છે કે જેલમાં જવું પડશે. હું જેલમાં જવા તૈયાર છું.
બિહારમાં મુસ્લિમ મતદારો ફક્ત દેખાવ પુરતા રહ્યા
બિહારના મુસ્લિમ મતદારોની સ્થિતિ દયાજનક થઈ ગઈ છે. ચૂંટણી પહેલા મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ મોટા વચનો આપ્યા હતા. મુસ્લિમ મતદારો દરેક પક્ષોની વાત સાંભળતા રહ્યા. જોકે ચૂંટણીના પરિણામો પર મુસ્લિમ મતદારોની અસર રહી નહીં. થોડા સમય પહેલા અદ્દલ-ઓ-ઇન્સાફ ફ્રન્ટએ એક પ્રસ્તાવ પસાર કરીને મુસ્લિમ મતદારોની સંખ્યાના પ્રમાણમાં સંસદ અને વિધાનસભાની ચૂંટણીમાં વસ્તી પ્રમાણે ભાગ માંગ્યો હતો. ૧૯૮૫ સિવાય મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૧૦ ટકાથી કદી વધી નથી. છેલ્લી ચૂંટણીમાં વિવિધ પક્ષોમાંથી માત્ર ૩૪ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. બિહારમાં મુસ્લિમોની વસ્તી ૧૭.૪ ટકા છે. ફક્તા ૮ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે.


