Get The App

દિલ્હીની વાત : વડાપ્રધાન અને મંત્રીઓને છૂટ શા માટે

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વડાપ્રધાન અને મંત્રીઓને છૂટ શા માટે 1 - image

નવીદિલ્હી : લોકસભામાં હાજરી પુરાવાની સીસ્ટમને લઈને કોંગ્રેસના સાંસદએ વાંધો લીધો છે. કોંગ્રેસના સાંસદ માણીકમ ટાગોરએ આ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો છે. એમણે કહ્યું છે કે, લોકસભામાં હાજરી પુરવાની નવી પ્રથામાંથી પ્રધાનમંત્રી અને મંત્રીઓને છૂટ શા માટે આપવામાં આવી છે. લોકસભાના આગામી ચોમાસુ સત્રથી સાંસદો માટે હાજરી પુરાવવાની નવી પ્રથા શરૂ થઈ રહી છે. આ નવી પ્રથા પ્રમાણે લોબીમાં જઈને નહીં, પરંતુ ફાળવવામાં આવેલી બેઠક પરથી હાજરી પુરી શકાશે. મંત્રીઓ અને વિરોધપક્ષના નેતા અને સાંસદોએ હાજરી પુરાવવા માટે સહી કરવી જરૂરી નથી. ટાગોરએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યુ છે કે, વકફ સુધારા બીલ વખતે જોવામાં આવ્યું છે કે, આ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. આ નિષ્ફળ ગયેલી પ્રણાલીને શા માટે રીપીટ કરવામાં આવે છે.

પપ્પુ યાદવની વાતથી તેજસ્વી ટેન્શનમાં

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવ ટેન્શનમાં આવી જાય એવી વાત અપક્ષ સાંસદ પપ્પુ યાદવએ કરી છે. પુર્ણીયાના સાંસદ પપ્પુ યાદવએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ અને સાંસદ તારીક અનવરને મહાગઠબંધનના મુખ્યમંત્રી ચહેરા કહ્યા છે. દિલ્હીની કોંગ્રેસ ઓફિસમાં રાહુલ ગાંધીને મળીને નિકળ્યા પછી પપ્પુ યાદવએ આ નિવેદન કરતા વિરોધપક્ષના ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. પપ્પુ યાદવ પહેલી વખત બિહાર ચૂંટણી બાબતે કોંગ્રેસની બેઠકમાં સામેલ થયા હતા. પપ્પુ યાદવએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ઘણા મુખ્યમંત્રીપદના ઉમેદવાર છે. બીજી તરફ આરજેડી પહેલાથી જ તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો ગણાવી ચૂકી છે. પપ્પુ યાદવના નિવેદન પછી આરજેડીના ટોચના નેતાઓએ આ સંદર્ભે મીટીંગ પણ બોલાવી હતી.

મે ભાજપના કોઈ નેતાનો સંપર્ક કર્યો નથી : જયંત પાટીલ

એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ જયંત પાટીલએ ભાજપ સાથે જોડાવાની વાતનો રદિયો આપ્યો છે. પાટીલએ કહ્યું છે કે તેઓ ભાજપના કોઈ નેતાને મળ્યા નથી કે કોઈ નેતાએ એમનો સંપર્ક કર્યો નથી. મીડિયામાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે જયંત પાટીલ પક્ષ બદલીને ભાજપમાં જશે. જોકે જયંત પાટીલએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. જયંત પાટીલ સાંગલી જિલ્લાના ઇસ્લામપુરથી આઠ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ૨૦૧૮ થી તેઓ એનસીપીના પ્રદેશ પ્રમુખ છે. જુલાઈ ૨૦૨૩માં અજીત પવાર અને અન્ય કેટલાક ધારાસભ્યોએ પક્ષ તોડીને પોતાનો અલગ ચોકો રચ્યો હતો. એ વખતે પણ જયંત પાટીલ શરદ પવારની સાથે જ રહ્યા હતા. પાટીલના કહેવા પ્રમાણે એમણે ભાજપના કોઈ નેતાનો સંપર્ક નથી કર્યો અને કરવાના પણ નથી.

મુખ્યમંત્રીએ નિતિન ગડકરીના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો

કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરી કર્ણાટકના શિવમોગા ખાતે એક પુલના ઉદઘાટન માટે ગયા હતા. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેતા હોય છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, સિંગદુર પુલના ઉદઘાટનના કાર્યક્રમ તેમજ શિવમોગા સાગર તાલુકામાં વિવિધ યોજનાઓના શિલાન્યાસ કાર્યક્રમનં્ આમંત્રણ એમને નહીં મળવાને કારણે એમણે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ નિતિન ગડકરીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, સિદ્ધારમૈયાને કાર્યક્રમના પ્રમુખપદે રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા બંને પત્રો પણ ગડકરીએ એક્સ પર મુક્યા હતા. સિદ્ધારમૈયાએ પોતાની નારાજગીની જાણકારી ગડકરીને ફોન દ્વારા આપી હતી.

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સંગઠનમાં પ્રાણપૂર્યા

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સંગઠનને મજબૂત કરવા માટે સાત લોકસભા ક્ષેત્રોમાં રાજ્ય ઉપપ્રમુખોની નિમણૂક કરી છે. ભવિષ્યની ચૂંટણીની તૈયારી માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પક્ષે દરેક લોકસભા ક્ષેત્ર માટે એક ઉપપ્રમુખની નિમણૂક કરી છે કે જેને લીધે સ્થાનિક સ્તરે કાર્યકરો સાથે સમનવ્યય સાધી શકાય. કાર્યકરો દ્વારા લોકો સુધી પહોંચવા માટે પણ આ નિર્ણય લેવાયો છે. પક્ષને મજબૂત કરવા ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં થયેલા રકાસને કારણે કાર્યકરોમાં ઉત્સાહ જગાડવો પણ જરૂરી હતો. આપના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે આ નિમણૂકોને કારણે સંગઠન વધુ સક્રિય બનશે. ઉપપ્રમુખોને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવા અને કાર્યકરોને ઉત્સાહિત કરવા જણાવવામાં આવ્યું છે.

કોઈ અમારી પર બોમ્બ પણ ફેંકી શકે છે : તેજપ્રતાપ યાદવ

છેલ્લા કેટલાક સમયથી બિહારમાં ગુનાખોરી વધતી જાય છે. બિહારના પોલીસ તંત્રની ટીકા ચારે તરફથી થઈ રહી છે. વિપક્ષો પણ રાજ્યની કાનુન વ્યવસ્થાના પ્રશ્ને સરકાર પર માછલા ધોઈ રહ્યા છે. હવે લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ પણ ટીપ્પણી કરી છે. તેજપ્રતાપ યાદવએ ત્યાં સુધી કહ્યું છે કે તેઓ પોતે પણ અસલામતી અનુભવે છે. એમણે કહ્યું હતું કે કોઈપણ એમની ઉપર બોમ્બ ફેંકી શકે છે અને ગોળી મારી શકે છે. તેજપ્રતાપ યાદવ સમયાંતરે જનતા દરબારનું આયોજન કરે છે. આવા એક સંમેલનમાં એમણે કહ્યું હતું કે પટણાના વીઆઇપી વિસ્તારમાંથી ગોળીનું ખોખુ મળી આવે છે. અહીં ભરાતા જનતા દરબાર પણ પર કોઈ બોમ્બ ફેંકી શકે છે. જો નેતાઓની આ સ્થિતિ હોય તો સામાન્ય માણસનું શું થશે.

એકનાથ શિંદેએ પોતાના પક્ષના નેતાઓને વોર્નીંગ આપી

મહારાષ્ટ્રમાં દાળ માટે થયેલા થપ્પડ કાંડ પછી શિવસેના (એકનાથ શિંદે)ના પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. એમનું કહેવું છે કે સૌથી પહેલા નેતાઓએ પોતાને કાર્યકર સમજવા જોઇએ અને પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. સફળતાની રાય મગજમાં ઘૂસવી જોઈએ નહીં. કેટલાક લોકોની કામગીરીને કારણે લોકોમાં આપણી છાપ નકારાત્મક પડે છે. 

છેલ્લા કેટલાક સમયમાં એવી ઘટનાઓ બની છે કે દુખ થાય. લોકો તમારી તરફ આંગળી નથી ઉઠાવતા પરંતુ તમારે લીધે મારે નીચા જોણુ થાય છે. લોકો મને પૂછે છે કે તમારા ધારાસભ્ય શું કરે છે. આપણે બધા એક કુટુંબ છીએ. તમારી બદનામી મારી બદનામી પણ છે.