નવીદિલ્હી : હિમાચલ પ્રદેશ કેડર અને ૧૯૯૪ બેચના સિનિયર આઇપીએસ રાકેશ અગ્રવાલને નેશનલ ઇનવેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)ના ડીજી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિમણૂક પર મહોર લગાવી છે. ૧૯૯૦ બેચના મહારાષ્ટ્ર કેડરના સિનિયર આઇપીએસ સદાનંદ વસંત દાતેને એમની મૂળ કેડરમાં પરત મોકલ્યા બાદ આ પદ ખાલી હતું. આ વર્ષના જાન્યુઆરીની શરૂઆતમાં જ આઇપીએસ દાતેને મહારાષ્ટ્રના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. રાકેશ અગ્રવાલ આ પહેલા એનઆઇએના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડેલા હુકમમાં જણાવ્યું છે કે, રાકેશ અગ્રવાલ ચાર્જ લીધા પછી ૨૦૨૮ની ૩૧ ઓગસ્ટ સુધી આ પદ પર ચાલુ રહેશે. રાકેશ અગ્રવાલની નિમણૂક માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લીલી ઝંડી આપી હોવાનું કહેવાય છે.
કાયદાકીય સંસ્થા પીએમ કેયર્સ ફંડને ગોપનીયતાનો અધિકાર
દિલ્હી હાઇકોર્ટે એક અગત્યના કેસમાં મૌખીક ટીપ્પણી કરી હતી કે પીએમ કેયર્સ ફંડ એક કાયદાકીય સરકારી સંસ્થા હોવા છતાં આરટીઆઇ એક્ટ હેઠળ એને પ્રાઇવસીનો અધિકાર છે. આ હકથી એને વંચીત રાખી શકાય નહીં. ચીફ જસ્ટીસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટીસ તેજસ કારયાની બેન્ચે કહ્યું હતું કે, પીએમ કેયર્સ ફંડ ભલે પબ્લિક ઓથોરીટી છે. કેટલાક જાહેર કામ પણ કરે છે. એનો મતલબ એમ થતો નથી કે એને પ્રાઇવસીનો અધિકાર નહીં મળે. ગીરીશ મીત્તલએ કરેલી અપીલની સુનાવણી દરમિયાન આ વાત કહેવામાં આવી હતી. સીગલ જજના હુકમને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સુચના આયોગનો હુકમ રદ કરવામાં આવ્યો હતો જેમાં ઇન્કમટેક્સ વિભાગને આરટીઆઇ એક્ટ ૨૦૦૫ અંતર્ગત પીએમ કેયર્સ ફંડને ટેક્સ માટે રાહતની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું.
પાલક પનીરના વિવાદનો ભારતીય વિદ્યાર્થીઓને થયો ફાયદો
થોડા વર્ષો પહેલા અમેરિકામાં એક વિચિત્ર વિવાદ થયો હતો. અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા બે વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ અધુરો છોડીને ભારત પાછા આવી જવું પડયું હતું. આ બંને વિદ્યાર્થીઓ એન્થ્રોપોલોજીમાં પીએચડી કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ લંચ માટે પાલક પનીરનું શાક લાવ્યા હતા અને તેઓ માઇક્રોવેવમાં શાક ગરમ કરી રહ્યા હતા ત્યારે એક કર્મચારીએ એમને એમ કરવાની ના પાડી હતી. કર્મચારીને પાલક પનીરની ગંધ પસંદ નહીં આવતા આ વિદ્યાર્થીઓએ તકલીફનો સામનો કરવો પડયો હતો. યુનિવર્સિટીએ એમની હકાલપટ્ટી કરીને ભારત પાછા મોકલી આપ્યા હતા. છેવટે આ મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે યુનિવર્સિટી તેમને ફક્ત માસ્ટર ડીગ્રી આપશે પરંતુ પ્રવેશ કે નોકરી આપશે નહીં. આ ઉપરાંત યુનિવર્સિટીએ તેમને ૨ લાખ ડોલર પણ ચૂકવવા પડશે. વિદ્યાર્થીઓની દલીલ હતી કે તેમના લંચ બોક્સ ખોલવા માટે પણ અલગ રૂમમાં જવાની ફરજ પાડવામાં આવતી હતી.
પશ્ચિમ બંગાળ - આઇ પેક વિવાદ, સુપ્રીમ કોર્ટમાં શું થયું
પશ્ચિમ બંગાળની ફર્મ આઇ પેક પર ઇડીએ દરોડો પાડયો હતો એનો વિવાદ હવે કોર્ટમાં ગયો છે. ઇડીના દરોડાની ખબર પડતા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી આઇ પેકની ઓફિસે દોડી ગયા હતા અને ત્યાંથી કેટલીક ફાઇલો લઈ ગયા હતા ત્યાર પછી પશ્ચિમ બંગાળની પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઇડીના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટે ફરિયાદીના વકીલને પૂછયું હતું કે તમારી અરજી પર શા માટે વિચાર થવો જોઈએ. આ બાબતે ઇડીના વકીલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તુષાર મહેતાનું કહેવું હતું કે પશ્ચિમ બંગાળમાં લોકશાહી નથી, ભીડશાહી છે. તુષાર મહેતાએ વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. આ અધિકારીઓ પણ રાજકીય નેતાઓની સાથે ધરણા પર બેઠા હતા. આ પહેલા પણ સીબીઆઇના ડિરેક્ટરના ઘરને ઘેરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલશે?
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે ઘણા સમયથી ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. ચૂંટણી જીત્યા પછી સિદ્ધારમૈયા જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે એવી શરત હતી કે અઢી વર્ષ પછી તેઓ પદ છોડશે અને ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બની શકશે. જોકે સિદ્ધારમૈયાના કાર્યકાળને અઢી વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં એમણે ખુરશી ખાલી કરી નથી. ત્યાર પછી બંને નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જોકે હવે ફરીથી ડી કે શિવકુમારના ટેકેદારો માની રહ્યા છે કે એમના નેતાને મુખ્યમંત્રી બનાવવા જ પડશે. ડી કે શિવકુમાર પણ દિલ્હી આવીને રાહુલ ગાંધીને મળ્યા છે. આ મીટીંગના બીજા જ દિવસે ડી કે શિવકુમારે સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકી હતી. એમણે લખ્યું હતું કે, 'પ્રયાસ નિષ્ફળ જાય તો પણ પ્રાર્થના નિષ્ફળ નથી જતી.' શિવકુમારની આ પોસ્ટ પછી કર્ણાટકમાં રાજકારણ ફરીથી ગરમાયું છે. એમ મનાય છે કે ડી કે શિવકુમાર રાહુલ ગાંધી સમક્ષ પોતાનો પક્ષ રાખવામાં સફળ થયા છે.
રેલવેના ભોજનમાં પણ હવે ઝટકા વિરુદ્ધ હલાલનો વિવાદ
રેલવેમાં અપાતી બીનશાકાહારી થાળીનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. થાળીમાં અપાતું નોનવેજ ખાણુ હલાલ છે કે ઝટકા એ વિશે વિવાદ થયો છે. શીખ સમુદાયના લોકો હલાલ કરેલું નોનવેજ ખાતા નથી. શીખ સંગઠનના આગ્રહને કારણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) એ રેલવે બોર્ડ અને સંસ્કૃતિ મંત્રાલયને નોટીસ મોકલી છે. આ નોટીસમાં કહેવામાં આવ્યું છે કે જો રેલવેમાં ફક્ત હલાલ માસ અપાતું હોય તો એ ખાનારને મળતો ભોજનના વિકલ્પનો ભંગ કરે છે. શીખ ધર્મની આચારસંહિતાનો પણ ભંગ થાય છે. કમિશનના સભ્ય પ્રિયંક કાનુનગોએ કહ્યું હતું કે, 'શીખ ધર્મમાં હલાલ માસ ખાવા પર પ્રતિબંધ છે. જો શીખ યાત્રીઓને આ બાબતની જાણકારી નહી આપવામાં આવે તો યોગ્ય કહેવાય નહીં.' સંસ્કૃતિ મંત્રાલયને પણ કહેવામાં આવ્યું છે કે તમામ ખાવા પીવાની દુકાનો અને સંસ્થાઓમાં પણ સ્પષ્ટતા કરીને લખવામાં આવે કે એમને પિરસાતુ મીટ હલાલ છે કે ઝટકા.
બાંગ્લાદેશ ચૂંટણીમાં બીએનપી અને જમાત સમક્ષ કઈ મુશ્કેલી
બાંગ્લાદેશમાં આવતા મહિને થનારી ચૂંટણી માટે બે ગઠબંધન સૌથી વધારે સક્રીય છે. એક ગઠબંધનનું નેતૃત્વ બાંગ્લાદેશ નેશનલીસ્ટ (બીએનપી) પાર્ટી કરે છે. એમની સાથે ભુતકાળમાં આંદોલન કરનાર જનઅધિકાર પરિષદ છે. બીજા ગઠબંધનમાં જમાતે ઇસ્લામી, ઇસ્લામી આંદોલન અને એનસીપી સહીત ૧૫ રાજકીય પક્ષો છે. બીએનપી અને જમાત પોતાના ગઠબંધનના બીજા પક્ષો સાથે બેઠકોની વહેંચણી બાબતે વાતચીત કરી રહ્યા છે. જોકે તમામ પક્ષો વચ્ચે ભારે મતભેદ છે અને કોઈ ઉકેલ આવતો નથી. બેઠક વહેંચણી બાદના વિવાદ ઉપરાંત કેટલાક સ્થાનિક નેતાઓ બળવાખોર બની ગયા છે. બળવાખોર ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડીને ખેલ બગાડી શકે એમ છે. ઇસ્લામી આંદોલન અને જમાત વચ્ચે તો ફક્ત એક બેઠક માટે ખેંચતાણ થઈ રહી છે.


