નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શંકરાચાર્ય પદ બાબતે અવિમુક્તેશ્વરાનંદ માટે પ્રતિક્રિયા આપી હતી. યોગીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી ભલે અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય માને, પરંતુ બાકીનોઓએ એમને શંકરાચાર્ય માનવા જરૂરી નથી. દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકે નહીં. આ બાબતે હવે અવિમુક્તેશ્વરાનંદે વળતો પ્રહાર કરીને કહ્યું છે કે, 'આદિત્યનાથ ઉપર ૪૦ થી વધારે કેસ થયા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે પોતાના પર થયેલા તમામ દાવાઓ પાછા ખેંચાવી લીધા હતા. શું આને કાયદાનું પાલન કહી શકાય? કયા કાયદામાં લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ મોટા હોદ્દા પર પહોંચે તો પોતે પોતાના પર થયેલા કેસો પાછા ખેંચાવી લે? જો તમે ખરેખર કાયદાનું પાલન કરનારા હો તો પહેલા તમારી સામે થયેલા તમામ કેસોનો સામનો કરો.'
પાકિસ્તાનમાં હિન્દુ ધારાસભ્યએ કડક દારૂબંધીની માંગણી કરી
મુસ્લિમ દેશ પાકિસ્તાનની સિંધ વિધાનસભામાં એક હિન્દુ સભ્યએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે એવી વાત કરી હતી કે ગૃહમાં બધાને આશ્ચર્ય થયું હતું. સિંધ પ્રાંતના એમક્યુએમ નેતા અનિલકુમારએ ગૃહમાં કહ્યું હતું કે, 'પાકિસ્તાનમાં દારૂના લાયસન્સ ધાર્મિક આધારે આપવામાં આવે છે. આ વાતાવરણમાં હિન્દુઓને બદનામ કરવામાં આવે છે અને એમણે તકલીફનો સામનો કરવો પડે છે. આ કારણે સરકારે દારૂના વેચાણ માટે અપાતા લાયસન્સો રદ કરવા જોઈએ. પાકિસ્તાનમાં મુસ્લિમો દારૂ પી શકતા નથી. હિન્દુઓ માટે દારૂની છૂટ છે. સિંધ વિધાનસભામાં જ્યારે હિન્દુ નેતાએ દારૂબંધીની વાત કરી ત્યારે મુસ્લિમ મંત્રીએ એનો વિરોધ કર્યો હતો. અનિલકુમારએ કહ્યું હતું કે જો મુસ્લિમ ભાઈઓએ દારૂ પીવો હોય તો પોતે કોઈ રસ્તો કાઢે, પરંતુ એ માટે હિન્દુઓને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.
જજ વિશે ટીપ્પણી કરનાર વકીલ વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની કાર્યવાહી
અલ્હાબાદ હાઇકોર્ટમાં ચિક્કાર ભરાયેલી કોર્ટમાં જજના અધિકાર અને સાહસ પર પ્રશ્નો કરનાર એક વકીલ વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી કરવા માટે ચીફ જસ્ટીસ સમક્ષ કેસ મોકલવામાં આવ્યો છે. જસ્ટીસ સંતોષ રાયની બેન્ચના તારણ પ્રમાણે વકીલની વર્તણૂક નિંદનીય હતી અને એને કારણે કોર્ટનું અપમાન થયું છે. કોર્ટના કહેવા પ્રમાણે વકીલનો વ્યવહાર ન્યાયીક કાર્યવાહીમાં અવરોધરૂપ હતો. બેન્ચે પોતે આ બાબતે સુનાવણીનો ઇન્કાર કર્યો હતો અને અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે ચીફ જસ્ટીસને રજુઆત કરી હતી. એક કેસની સુનાવણી વખતે આરોપીના વકીલ આશુતોષકુમાર મિશ્રએ દલીલ કરી હતી કે એમના અસીલને કેસમાં ખોટો ફસાવવામાં આવ્યો છે. વકીલોની દલીલ પુરી થઈ ત્યારે કોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો. વકીલ આશુતોષકુમારએ તરત જ અવાજ ઊંચો કરીને કહ્યું હતું કે, 'તપાસ અધિકારી પાસે સ્પષ્ટતા માંગવાની હિંમત તમારામાં નથી. તમે આ કેસમાં કાઉન્ટર એફીડેવિટ શા માટે માંગી રહ્યા છો. એમ લાગે છે કે તમે સરકારના દબાણ હેઠળ કામ કરો છો.'
ત્રણ દાયકા પછી ફરીથી મુંબઈમાં અંડરવર્લ્ડનો પડછાયો
એમ લાગે છે કે લગભગ ૩૦ વર્ષ પછી મુંબઈમાં ફરીથી અંડરવર્લ્ડનો પગપેસારો થઈ રહ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા સલમાન ખાન, રોહીત શેટ્ટી અને રણવીર સિંહના ઘર પર ફાયરીંગ તેમજ લોરેન્સ બિશ્નોઇની ગેંગના નામે અપાતી ધમકીઓ પછી મુંબઈના ફિલ્મવર્લ્ડ અને ઉદ્યોગપતિઓમાં ડરનો માહોલ છે. ગેંગસ્ટર હેરી બોક્સરની વોઇસ નોટ ચર્ચામાં છે. ત્રણ દાયકા પહેલા મુંબઈ પર દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજન જેવા માફિયા ડોન રાજ કરતા હતા. કરોડો રૂપિયાની ખંડણી વસૂલ કરવામાં આવી હતી અને ખંડણી નહીં આપનારની હત્યા થઈ જતી હતી. હવે ફરીથી ધમકી આપવા માટે વોઇસ નોટ અને ઇમેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમકી આપનારાઓ ખરેખર લોરેન્સ બિશ્નોઇની ગેંગ સાથે સંકળાયેલા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે. લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની જેલમાં કેદ હોવા છતાં કઈ રીતે સક્રિય છે એ સવાલ પણ લોકોને મુઝવી રહ્યો છે.
પંજાબમાં ૫૬.૫૪ લાખ વાહનો વગર વીમે ફરી રહ્યા છે
પંજાબમાં ૫૬.૫૪ લાખ વાહનોનો વીમો ઉતારવામાં આવ્યો નથી. આ કારણે પરિસ્થિતિ બગડી રહી છે. રાજસ્થાનમાં ૧.૧૭ લાખ અને ચંદીગઢમાં ૨.૨૬ લાખ લોકોએ પોતાના વાહનોનો વીમો લીધો નથી. દેશના બીજા રાજ્યો કરતા ચંદીગઢના વાહન માલિકો વીમા બાબતે જાગૃત છે. કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર નિતિન ગડકરીએ આપેલી માહિતી પ્રમાણે મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ હેઠળ વાહનોનો વીમો અને ફીટનેસ ફરજીયાત છે. હરિયાણાના રસ્તાઓ પર તો ખુલ્લેઆમ જાણે મોત દોડી રહ્યું છે. રાજ્યમાં ૪૧.૬૧ લાખ વાહનો એવા છે કે જેમનો વીમો નથી. આવા વાહનો ફક્ત વાહન ચલાવનાર માટે જ જોખમી નથી, પરંતુ ત્રાહીત વ્યક્તિ માટે પણ જોખમી પુરવાર થઈ રહ્યા છે. મંત્રી નિતિન ગડકરી વાતો તો મોટી મોટી કરે છે, પરંતુ નબળી ગુણવત્તાવાળા એક્સપ્રેસ રસ્તાઓ, કમર તોડી નાખે એવા ટોલટેક્સ અને ટ્રાફીક નિયમોના ભંગ બાબતે તેઓ સંપૂર્ણ મૌન છે.
ઉત્તર પ્રદેશમાં મુખ્તારના ખાસ વ્યક્તિની હત્યાથી ચકચાર
એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં મુખ્તાર અંસારી ગેંગનો દબદબો હતો. એ વખતે મુખ્તાર ગેંગ સાથે જોડાયેલા અને હવે વકીલાત કરતા શોએબ કીડવાઇ ઉર્ફ બોબીની ઉત્તર પ્રદેશના બારાબંકી વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી છે. મોટર સાયકલ પર આવેલા બે હેલ્મેટધારી હુમલાખોરોએ ફિલ્મી સ્ટાયલે આડેધડ ગોળીઓ મારીને આ હત્યા કરી હતી. એમ મનાય છે કે આ હુમલા માટે તૈયારી ઘણા સમયથી થતી હોવી જોઈએ. બધુ જ યોજનાબદ્ધ રીતે થયું હતું. શોએબની ભુરા રંગની બોલેરો કાર લખનૌ તરફથી બારાબંકીની દિશામાં આવી રહી હતી ત્યારે એકાએક એની સામે બીજી એક કાર આવીને ઉભી રહી ગઈ. શોએબની કાર અટકી એટલે પાછળથી આવેલા બાઇક સવારોએ હુમલો કરી દીધો હતો. શોએબ બીએસપી સાથે જોડાયેલો હતો. બીએસપીમાંથી કેટલીક ચૂંટણી પણ શોએબ લડયો હતો.
'સુપ્રિમ કોર્ટની ટીપ્પણીથી દુઃખી છું, મારે સુનાવણી નથી કરવી'
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ પંકજ ભાટીયાએ એક જામીન અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા હતા. એમણે કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે કરેલી કેટલીક ટીપ્પણીઓથી એમને માનસીક આઘાત લાગ્યો છે અને તેઓ નિરાશ છે. એમણે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ માગણી કરી હતી કે, ભવિષ્યમાં એમને જામીનના કેસોના રોસ્ટરની જવાબદારી આપવામાં આવે નહીં. જસ્ટીસ ભાટીયાએ એક જામીન અરજી સાંભળવાનો ઇન્કાર કરીને બીજી બેન્ચને સોંપવાની વિનંતી કરી હતી. હમણા જ સુપ્રિમ કોર્ટે એમની એક જામીન અરજી બાબતે કડક ટીપ્પણી કરી હતી. સુપ્રિમ કોર્ટે જસ્ટીસ ભાટીયાની ટીકા કરતા કહ્યું હતું કે, જામીન અરજી પર એમણે કરેલો ઓર્ડર ખૂબ જ ચોંકાવનારો અને નિરાશાજનક છે. દહેજ સાથે જોડાયેલા એક ગંભીર આરોપીને જામીન આપવામાં આવ્યા હતા.


