Get The App

દિલ્હીની વાત : મેસ્સીના કાર્યક્રમમાં થયેલી અંધાધૂંધી પર હવે રાજકારણ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મેસ્સીના કાર્યક્રમમાં થયેલી અંધાધૂંધી પર હવે રાજકારણ 1 - image

નવીદિલ્હી : કોલકત્તાના સ્ટેડિયમમાં જ્યારે ખ્યાતનામ ફૂટબોલ ખેલાડી મેસ્સી આવ્યા ત્યારે થયેલા ફિયાસ્કા પછી હવે દરેક રાજકીય પક્ષ એનો ફાયદો લેવાનો પ્રયત્ન કરે છે. બંગાળના રાજ્યપાલ ડો.સીવી આનંદ બોઝ પણ સાયતલેક સ્ટેડિયમની મુલાકાતે ગયા હતા. રાજ્યપાલે સ્ટેડિયમની અંદરના મેદાન તેમજ બહારના સ્થળે ચાલીને પરિસ્થિતિ સમજવાની કોશીશ કરી હતી. સ્ટેડિયમમાં થયેલી તોડફોડનો અભ્યાસ પણ એમણે કર્યો હતો. એ વખતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ પંત, રમત-ગમતના સેક્રેટરી રાજેશકુમાર સિન્હા તેમજ કેટલાક પોલીસ અધીકારીઓ હાજર રહ્યા હતા. ચાહકોનો ગુસ્સો જોઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ માફી માંગી લીધી છે. જે દિવસે તોફાન થયુ એજ દિવસે સાંજે રાજ્યપાલ સ્ટેડિયમ પહોચ્યા હતા પરંતુ રાજકીય રીતે કોઈ નુકશાન નહીં થાય એ માટે સ્ટેડિયમના દરવાજા ખોલવામાં આવ્યા નહોતા. ટીએમસીને સંકટમાં મૂકવા માટે રાજ્યપાલે નિવેદન આપ્યું કે ફૂટબોલ પ્રેમીઓ માટે એ દિવસ કાળો હતો.

નીતીન નવીનને ભાજપના રાષ્ટ્રિય કાર્યકારી પ્રમુખ શા માટે બનાવવામાં આવ્યા

ભાજપના સંસદીય બોર્ડે બિહાર સરકારના મંત્રી નીતીન નવીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બનાવ્યા એનાથી ઘણાને આંચકો લાગ્યો છે. ખુદ નીતીન નવીનને પણ કલ્પના નહોતી કે એમને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવશે. ઉપરછલ્લી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીનને શુભેચ્છા આપી છે. જો કે જાણકારોનું કહેવું છે કે નીતીન નવીનને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાનો નિર્ણય નરેન્દ્ર મોદીનો નહોતો. નીતીન નવીન ૨૦૦૬માં પહેલી વખત પટણા પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયા હતા. ૨૦૧૦થી ૨૦૨૫ સુધી તેઓ સતત ૫ વખત બાંકીપૂર બેઠક પરથી જીત્યા હતા. નીતીન નવીન કદી મોદી અને શાહની નજીક રહ્યા નથી. તેઓ રાષ્ટ્રીય સેવક સંઘને વફાદાર હોવાનું કહેવાય છે. કેટલાક રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે કે શિવરાજસિંહ ચૈહાણને જો પક્ષપ્રમુખ બનાવવામાં આવતે તો તેઓ અતિ શક્તિશાળી બની જતે. નીતીન નવીન સંઘને વફાદાર હોવા છતાં સરકારમાં દખલગીરી ઓછી કરશે એમ મનાય છે. 

 'પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, કોર્ટ આવવાની જરૂર નથી'

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર એક્યુઆઈ ૪૬૧ સુધી પહોચી જતાં સીજેઆઈ સુર્યકાંતે વકીલોને એક વિનંતી કરી છે. સીજેઆઈએ કહ્યું છે કે સુનાવણી માટે કોર્ટ આવવા કરાતાં ઓનલાઈન દલીલો કરવી જરૂરી છે. સ્વાસ્થ્યની કાળજી અગત્યની છે. દિલ્હી એનસીઆરની સ્કુલોને પણ હાઈબ્રીડ મોડ પર ચલાવવાની સૂચના આપવામાં આવી છે. સીજેઆઈના આ નિર્ણયને કારણે વકીલો અને પક્ષકારોને મોટી રાહત થઈ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ બાબતે એક સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો છે. કોરોનાકાળ દરમિયાન જે રીતે કોન્ફરન્સીંગથી કોર્ટોમાં સુનાવણી થતી હતી એ રીતે જ કોર્ટ હવે વકીલો અને પક્ષકારોને સાંભળશે. પ્રદુષણની ગંભીરતાને જોઈને સીજેઆઈએ મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટમાં એક કેસની સુનાવણી થઈ રહી હતી ત્યારે વાત દિલ્હીના પ્રદુષણની નીકળી અને સીજેઆઈએ સુપ્રિમ કોર્ટની કામગીરી ઓનલાઈન કરવાનું નક્કી કર્યું હતું.

કેરળની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત થઈ કોંગ્રેસની,  ખૂશ થઈ આપ

 સામાન્ય રીતે કોઈપણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે ત્યારે તેને રાશ્ટ્રીય મહત્વ મળતું નથી. જો કે કેરળમાં થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચા રાષ્ટ્રીયસ્તરે થઈ રહી છે. ચૂંટણીમાં આપને માત્ર ૩ બેઠકો મળી છે પરંતુ આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ખૂશીથી ઉછળી પડયા છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'કેરળની સ્થાનિક ચૂંટણીઓમાં જીત મેળવવા માટે બીના કૂરીયન, સીની એન્ટની અને સ્મિતા લ્યૂકને અભિનંદન. આ જીત આપની પ્રમાણિકતા અને પ્રજાની સેવાનો પડઘો છે.' જો કે કેરળની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટનો શાનદાર વિજય થયો છે. યુડીએફએ ૬માંથી ૪ નગર નીગમો કોલ્લમ, કોચી, ત્રિશુળ અને કન્નુરમાં જીત મેળવી છે. એનડીએએ તિરુઅંતપુરમમાં પહેલી વખત જીત મેળવી છે.

પોલીસ આગળ પોતાની ઓળખ મેજિસ્ટ્રેટ તરીકે આપનાર વકીલ ફસાયા

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચંદીગઢમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોતાને મેજિસ્ટ્રેટ તરિકે બતાવનાર એક વકીલ સામેની એફઆઈઆર રદ કરવાનો ઈનકાર કર્યો છે, કોર્ટને લાગ્યુ છે કે વકીલે પોલીસ અધીકારીઓને પ્રભાવિત કરવાની કોશીશ કરીને સરકારી કામકાજમાં દખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોર્ટના કહેવા પ્રમાણે આ કિસ્સો ગંભીર અને આરોપ સ્પષ્ટ છે. આ તબક્કે કોણ સાચુ છે એ નક્કી કરવાનું જલદી ગણાશે. જસ્ટીસ સુર્યપ્રતાપ સિંહે અરજી રદ કરતાં કહ્યું હતું કે એફઆઈઆરમાં બતાવવામાં આવેલા આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા લાગે છે. બન્ને પક્ષોને સાંભળીને અને યોગ્ય પુરાવા જોઈને નિર્ણય લેવો જોઈએ પરંતુ એ માટે અફઆઈઆર રદ કરવી જરૂરી નથી. ચંદીગઢના એક ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ તપાસ કરતી હતી. વકીલ સ્કોર્પિયો ચલાવતા હતા જેની નંબરપ્લેટ દેખાતી નહોતી. પોલીસે જ્યારે ચાલકને લાઈસન્સ બતાવવા કહ્યું ત્યારે એણે પોતાની ઓળખ મેજિસ્ટ્રેટ તરીકે આપીને ગેરવર્તણૂક કરી હતી.

હવે માફિયાના કુટુંબીઓ પર પણ ઈડી, સીબીઆઈની નજર

બિહારમાં માફિયાની મિલકતો જપ્ત કરવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે અત્યારસુધીમાં ૧૬૦૦ જેટલા માફિયાઓને અલગ તારવ્યા છે જેમણે ગુનાની કમાણીથી રાજ્યમાં અને રાજ્ય બહાર મોટાપાયે મિલકતો ખરીદી છે. હવે આ મિલકતોને ઓળખીને એમનું દસ્તાવેજીકરણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આવી મિલકતો શોધી કાઢવા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ એકબીજાને સહકાર આપે છે. ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં ૪૦૦ માફિયાઓની સંપંત્તિની યાદી બનાવીને કાર્ટ સમક્ષ રજુ કરવામાં આવી છે. માફિયાઓએ ખંડણી, દારૂની ઘુસણખોરી તેમજ બીજા ગુનાઓ કરીને ગેરકાયદેસર મિલકતો બનાવી છે. કાયદાથી બચવા આ મિલકતો કુટુંબીઓના નામે કરવામાં આવી છે. જમીન-ફ્લેટ સહિત બીજી મિલકતોની જાણકારી રજીસ્ટાર પાસેથી લેવામાં આવે છે. વાહનોની ખરીદીના આંકડા આરટીઓ પાસેથી મેળવાય છે. 

સુપ્રિમ કોર્ટે ઈન્ડિગો સંકંટ બાબતે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો

સુપ્રિમ કોર્ટે ઈન્ડિગો એરલાઈન્સના સંકંટ સંદર્ભે કરવામાં આવેલી જાહેરહીતની એક અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટના કહેવા પ્રમાણે દિલ્હી હાઈકોર્ટમાં આજ મુદ્દે પહેલાથી કેસ ચાલી રહ્યો છે. ચિફ જસ્ટિસ સુર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી  અને જસ્ટીસ વિપુલ પંચોલીની બેન્ચે અરજી કરનારને દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં જોડાવાની પરવાનગી આપી છે. સુનાવણી શરૂ થતા જ સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીની બેન્ચે દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી બાબતે જાણકારી આપી હતી. એમણે કહ્યું હતું કે ડીજીસીએ પણ આ મામલાની તપાસ માટે એક સમિતિ બનાવી છે. બેન્ચે પાર્ટી ઈન પરસન તરીકે અરજી કરનાર નરેન્દ્ર મિશ્રાને દિલ્હી હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. સીજેઆઈ સુર્યકાન્તે કહ્યું હતું કે જો અમે આ પીઆઈએલ પર સુનાવણી શરૂ કરશું તો હાઈકોર્ટે સુનાવણી રોકી દેવી પડશે.