નવીદિલ્હી: હિંસાના બે વર્ષ પછી મણીપુર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કૂકી સંપ્રદાયના આદિવાસી ધારાસભ્યોએ મોટી માંગણી કરી છે. એમની માંગણી છે કે, મણીપુરના આદિવાસીઓ માટે જુદો પ્રદેશ અથવા તો કેન્દ્રશાસીત પ્રેદેશ બનાવવામાં આવે. મોદીને આપેલા આવેદનપત્રમાં એમણે કહ્યું છે કે, સુરાચાંદપુરની મુલાકાત માટે તેઓ મોદીનો આભાર માને છે. મોદીના આવવાથી મોટુ રાજકીય પરિવર્તન અપેક્ષીત છે. તમને ખબર છે કે મણીપુરના ખીણ વિસ્તારમાંથી અમારા લોકોને ભગાડીને એમના પર અત્યાચાર થયો છે. એમણે આગળ કહ્યું છે કે, 'અમે સારા પડોશી તરીકે શાંતિથી રહી શકીશું. અમે એક છત નીચે સાથે રહી શકીએ એમ નથી.' મણીપુરમાં કૂકી અને મૈતેઇ વચ્ચે ઘણા સમયથી સાંપ્રદાયીક હિંસા ચાલી આવી છે. નીરિક્ષકો માની રહ્યા છે કે, વડાપ્રધાનની મુલાકાત પછી પણ બંને સંપ્રદાય વચ્ચે મનમેળ થવો અઘરો છે.
ઝેન - જીએ છોડાવ્યા, સરકાર બનતા પરત જેલ ફર્યા મોટા નેતા
નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)ના પ્રમુખ રવી લામિછાને નેપાળ પોલીસે પાછા એમના ઘરે મોકલી આપ્યા છે. આ માટે પોલીસે સુરક્ષાનું કારણ આપ્યું છે. નેપાળમાં થયેલા સરકાર વિરોધી ઝેન-જી આંદોલન દરમિયાન આંદોલનકારીઓએ રવી લામિછાને જેલમાંથી છોડાવી દીધા હતા. હવે નેપાળમાં સુશીલા કાર્કી વડાપ્રધાન બન્યા પછી લામિછા ફરીથી નક્ખુ જેલમાં આત્મસમર્પણ કરવા પાછા ફર્યા હતા. નક્ખુ જેલમાં પાછા ફરતા પહેલા રવી નામીચાએ કહ્યું હતું કે, તેઓ એવી આશા સાથે ફરીથી જેલમાં જઈ રહ્યા છે કે, ફરીથી એમની સાથે અન્યાય નહીં થાય. જોકે તેઓ જ્યારે જેલના શાસકો સમક્ષ આત્મસમર્પણ કરવા ગયા ત્યારે શાસકોએ તેમને ફરીથી જેલમાં રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓ બે કલાક સુધી જેલની ઓફિસમાં રહ્યા હતા, પરંતુ શાસકોએ એમને જેલમાં રાખવાનો ઇન્કાર કર્યો હતો. એમને એવું કારણ આપવામાં આવ્યું હતું કે, જેલમાં એમની સલામતી માટે જોખમ હોવાથી એમને જેલમાં રાખી શકાય એમ નથી.
આપએ દિલ્હીની મહિલા વિંગનું વિસર્જન કર્યું
વિધાનસભાની ચૂંટણી હારી ગયા પછી આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ દિલ્હીમાં પક્ષને ફરીથી ઉભો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ માને છે કે, આપના દિલ્હી એકમના સંગઠનમાં મોટા ફેરફારની જરૂર છે. આ સંદર્ભે આપે મહિલા વિંગના વિસર્જનની જાહેરાત કરી છે. સોશ્યલ મીડિયા એક્સ પર આપએ પોસ્ટ કરી છે કે, જલ્દીથી એક નવી મહિલા વિંગની શરૂઆત કરવામાં આવશે, ત્યાં સુધી દરિયાગંજના વોર્ડ નંબર ૧૪૨ના કોર્પોરેટર સારીકા ચૌધરી મહિલા વિંગના કાર્યકારી પ્રમુખ રહેશે. આ પહેલા સારીકા ચૌધરી મહિલા વિંગના હેડ હતા. વિધાનસભામાં મળેલી હાર પછી તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ રાયને રવાના કરીને સૌરભ ભારદ્વાજને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી હતી.
લાલુએ દરગાહ પર ચાદર ચઢાવી, ભાજપ નેતા બોલ્યા શંકરજી પર જળ પણ ચઢાવો
બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમી વધી રહી છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવએ પટણાની હાઇકોર્ટમાં આવેલી દરગાહ પર ચાદર ચઢાવી હતી. દરગાહના ઉર્સ મુબારક પ્રસંગે લાલુ યાદવ પોતાના ટેકેદારો સાથે ચાદર ચઢાવવા પહોંચ્યા હતા. લાલુની આ મુલાકાતની તસવીરો વાયરલ થયા પછી રાજકીય નિવેદનબાજી ચાલુ થઈ ગઈ છે. ભાજપ અને જેડીયુએ લાલુ પર તુષ્ટીકરણની રાજનીતી કરવાનો આક્ષેપ કર્યો છે. લાલુના કહેવા પ્રમાણે તેઓ તો રાજ્યના લોકોની સુખશાંતિ માટે દરગાહ ગયા હતા. ભાજપના પ્રવક્તા રામસાગર સિંહે કહ્યું હતું કે, લાલુ પ્રસાદ અને એમના ટેકેદારો દરગાહઓ પર જઈને ચાદર ચઢાવવા માટે જાણીતા છે. એમણે કદી શંકર ભગવાન પર જળ ચઢાવ્યું નથી. લાલુને ભગવા રંગની ચીડ છે.
બિહારના ૨૭ ટકા સાંસદ- ૨ ધારાસભ્ય રાજકીય પરીવારોમાંથી છે
બિહારના રાજકારમાં વંશવાંદ એક ગંભીર સમસ્યા છે. રાજ્યના ૨૭ ટકા સાંસદ અને ધારાસભ્યો રાજકીય પરીવારમાંથી આવે છે. દરેક રાજકીય પક્ષ બીજા પક્ષ પર રાજકારણમાં વંશવાદનો આક્ષેપ કરે છે. જોકે આ બિમારીથી કોઈપણ રાજકીય પક્ષ દુર નથી. દેશમાં સૌથી વધુ ટકા રાજકીય વંશવાદ બિહારમાં જોવા મળે છે. વંશવાદી ભૂમીકામાંથી આવેલા સાંસદો -ધારાસભ્યોની સમીક્ષા કરતી એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર) નો તાજો રીપોર્ટ આ બાબતે પ્રકાશ પાડે છે. રીપોર્ટ પ્રમાણે બિહારના ૩૬૦ સાંસદો - ધારાસભ્યોમાંથી ૯૬ કોઈકને કોઈક રાજકીય પરીવારમાંથી આવે છે. રીપોર્ટ પ્રમાણે વંશવાદ ફક્ત ચૂંટણીની બેઠકો સુધી સીમીત નથી. ઉમેદવારોની પસંદગીમાં જીતની ગેરંટી, ચૂંટણી માટે વધતા ખર્ચા અને પક્ષોમાં આંતરીક લોકશાહીનો અભાવ પણ આ માટે જવાબદાર છે.
૨૬ લોકોની જાન વધુ કીંમતી છે કે, કરોડોની કમાણી?
એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે આ બાબતે કટ્ટર જમણેરીઓ તો નારાજ છે જ, પરંતુ કટ્ટર જમણેરીઓનો વિરોધ કરનારાઓ પણ આ બાબતે એમની સાથે સહમત છે. એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે સવાલ કર્યો છે કે, જે દેશ (પાકિસ્તાન) એ પહેલગામમાં ૨૬ ભારતીય નાગરીકોની હત્યા કરી હતી એમની સાથે ક્રિકેટ રમવું કેટલી હદે યોગ્ય છે. ઓવૈસીએ કહ્યું છે કે, શું એક ક્રિકેટ મેચની કરોડો રૂપિયાની કમાણી ૨૬ જાનોથી વધુ કીંમતી છે? એમણે આસામના મુખ્યમંત્રી હેમંત બિસવા સરમા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ સવાલો કર્યા છે. જાણકારોનું કહેવું છે કે, ભાજપનો જ એક વર્ગ ભારત -પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચોથી નારાજ છે, પરંતુ ટોચના નેતાઓના ડરને કારણે જાહેરમાં ખૂલીને આવતો નથી.
સીઆઇસીના અગત્યના હોદ્દાઓ ખાલી, છઠ્ઠી વખત આયોગ પ્રમુખ વગરનો
સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના કમિશનર હિરાલાલ સમારીયાની નિવૃત્તી પછી સીઆઇસીનો કારભાર વધુ એક વખત પ્રમુખ વગર ચાલે છે. ૨૦૧૪માં એનડીએના શાસન પછી છઠ્ઠી વખત એવું બન્યું છે કે, સીઆઇસી પ્રમુખ વિહોણું હોય. સમારીયા ૨૦૨૩ની છઠ્ઠી નવેમ્બરે કમિશનર બન્યા હતા. ૬૫ વર્ષની ઉંમર પૂરી થવાને લીધે એમણે આ પદ છોડવું પડયું છે. હમણા સીઆઇસીમાં ફક્ત બે કમિશનર આનંદી રામલિંગમ અને વિનોદકુમાર તિવારી છે. જોકે સીઆઇસીમાં આઠ જેટલા હોદ્દાઓ ખાલી હોવાથી કામગીરી ખોરંભે પડી છે. આરટીઆઇ કાનૂન ૨૦૦૫ હેઠળ અપીલ કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા સીઆઇસી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર કોઈપણ કારણસર સીઆઇસી પ્રત્યે દુર્લક્ષ રાખે છે.


