Get The App

દિલ્હીની વાત : કર્ણાટકમાં આરએસએસ પર પ્રતિબંધની શક્યતા

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કર્ણાટકમાં આરએસએસ પર પ્રતિબંધની શક્યતા 1 - image

નવીદિલ્હી : કર્ણાટક સરકાર આરએસએસ પર પ્રતિબંધ મૂકવા બાબતે વિચારી રહી છે. કર્ણાટકમાં જો સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો થનારી પ્રતિક્રિયા તેમજ કાયદાકીય બાબતોનો વિચાર પણ સરકાર કરી રહી છે. પ્રિયાંક ખડગેએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં પ્રતિબંધની માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ પત્ર રાજ્યના ચિફ સેક્રેટરીને મોકલીને હુકમ કર્યો છે કે, આરએસએસની કામગીરીની તપાસ કરવામાં આવે અને પ્રતિબંધ મૂકવા બાબતે વિચાર થાય. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ આરએસએસની સરખામણી તાલીબાન સાથે કરી છે. યતિન્દ્રનું કહેવું છે કે, આરએસએસની માનસિકતા તાલીબાન જેવી જ છે. સંઘનું માનવું છે કે ભારતમાં એક જ કોમ અને વિચારના લોકો રહી શકશે. સંઘે મહિલાઓની સ્વતંત્રતા પણ નષ્ટ કરી છે. જોકે મુખ્યમંત્રીના પુત્રએ કરેલા આક્ષેપોનો કોઈ જવાબ સંઘ તરફથી આપવામાં આવ્યો નથી.

ગાઝા શાંતિ સંમેલનમાં હાજરી નહી આપીને મોદી મોકો ચૂક્યા?

મિસ્રના શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ રાજ્યમંત્રી કિર્તિવર્ધનસિંહએ કર્યું હતું. આ સંમેલનમાં વિદેશ રાજ્ય મંત્રીની હાજરી બાબતે કોંગ્રેસ નેતા શશી થરૂરએ સવાલ કર્યો છે. એમણે પૂછ્યું છે કે શું ભારતની આ નીતિ એની સૂઝબૂઝ દર્શાવે છે કે પછી નરેન્દ્ર મોદી એક મહત્વનો મોકો ચૂકી ગયા છે. આ ઉચ્ચસ્તરીય સંમેલનમાં વિશ્વના મોટા નેતાઓએ ભાગ લીધો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફટ્ટા અલ-સીસી, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ભૂતેરેસ તેમજ બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો હાજર રહ્યા હતા. થરૂરે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, જ્યારે બાકીના દરેક દેશે પોતાના રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનને આ સંમેલનમાં મોકલ્યા હોય ત્યારે ભારતે રાજ્ય કક્ષાના મંત્રીને મોકલીને મોટી ભૂલ કરી છે.

ભાવી સીજેઆઇએ મહિલા અનામત બાબતે કર્યા સવાલ

દેશના ભાવી ચિફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચ એક અરજી પર સુનાવણી કરી રહી હતી. મહિલા વકીલો માટે કોર્ટ કમ્પાઉન્ડમાં લિંગ આધારીત ચેમ્બરની વહેંચણીમાં અનામત માટે માંગણી કરવામાં આવી હતી. ભક્તિ પસરીજા તેમજ અન્ય વિરુદ્ધ ભારત સંઘ તેમજ અન્ય કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સૂર્યકાંતએ કહ્યું હતું કે, દેશના ન્યાયતંત્રમાં હમણા લગભગ ૬૦ ટકા હોદ્દા ઉપર કોઈપણ અનામત વગર મહિલાઓ બેઠી છે. ચેમ્બર વહેંચણીમાં અનામતની શી જરૂર છે? જસ્ટિસ સૂર્યકાંતએ કહ્યું હતું કે, 'ન્યાયતંત્ર સાથે લગભગ  ૬૦ ટકા મહિલાઓ અનામત વગર જોડાયેલી હોય એ ગર્વની વાત છે. હવે કોર્ટમાં ચેમ્બર બાબતે અનામત આપવાની વાત મને વિરોધાભાષી લાગે છે. જો આપણે ચેમ્બરો બાબતે અનામતનો ઉપયોગ કરીએ તો એ વખતે યોગ્યતાની ચકાસણી પણ થવી જોઈએ.'

બિહારમાં બેઠકોની વહેંચણીથી જેડીયુના કાર્યકરો નારાજ

૨૦૦૫માં બિહારની સત્તા સંભાળ્યા પછી પહેલી વખત જેડીયુ બેઠકોની વહેંચણી બાબતે મોટા ભાઈની ભૂમિકામાં નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણી વખતે એનડીએના ગઠબંધનમાં જેડીયુને ૧૧૫ બેઠકો જ્યારે ભાજપને ૧૧૦ બેઠકો મળી હતી. આ વખતે હવે જેડીયુ અને ભાજપ બંને ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે. જેડીયુએ મોટા ભાઈનું સ્ટેટસ ગુમાવ્યું હોવાથી જેડીયુના કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે. કેટલાક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે, ભાજપ સમક્ષ ઝુકી જવાથી હવે જેડીયુ બચી શકશે કે નહીં એ સવાલ છે. ચૂંટણી પછી જેડીયુની પરિસ્થિતિ કેવી હશે એ વીશે પણ ચિંતા થઈ રહી છે. જેડીયુના સર્વેસર્વા નિતિશકુમાર છે અને એમની તબિયત પણ સારી રહેતી નથી. કાર્યકર્તાઓ પૂછી રહ્યા છે કે, ચિરાગ પાસવાનએ આટલી બધી બેઠકો કઈ રીતે મેળવી?

દિલ્હીથી પરત ફરીને લાલુએ ટિકિટની વહેંચણી શરૂ કરી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી પુરાવીને પરત પટણા પહોંચ્યા પછી આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદે તરત જ ઉમેદવારોની પસંદગી શરૂ કરી દીધી હતી. એમણે ચાર ઉમેદવારોને ચૂંટણીનું ચિન્હ આપ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મનેરથી આરજેડીના વિધાયક ભાઈ વિરેન્દ્ર, મતિહાનીથી નરેન્દ્રસિંહ ઉર્ફ બોગોસિંહને આરજેડીની ટિકિટ મળી ગઈ છે. સાહેબપુર કમાલ બેઠક પર ધારાસભ્ય સત્તાનંદ સમ્બુધ્ધ ઉર્ફ લલનની ટિકિટ પાકી કરવામાં આવી છે. સંદેશ બેઠક પર હાલના ધારાસભ્ય કિરણદેવીની જગ્યાએ દિપુસિંહને ટિકિટ મળી છે. મતીહારીથી નરેન્દ્રસિંહ ઉર્ફ બોગોસિંહની ટિકિટ પાકી થઈ છે. ૨૦૨૦ની ચૂંટણીમાં આ બેઠક મહાગઠબંધનના સાથીદાર સીપીએમને આપવામાં આવી હતી. આરજેડીમાં ટિકિટ નક્કી કરવાનું કામ તેજસ્વીને બદલે લાલુ પ્રસાદ યાદવ કરી રહ્યા છે. આખરી શબ્દ લાલુનો જ રહે છે.

નેહાસિંહ રાઠોડને હવે સુપ્રિમ કોર્ટનો પણ ફટકો

બિહારની લોકગાયક નેહાસિંહ રાઠોડની મુશ્કેલી વધી રહી છે. સુપ્રિમ કોર્ટે એમની અરજી ફગાવી દીધી છે. પોતાની સામે થયેલી એફઆઇઆર રદ કરવા માટે નેહાસિંહે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. નેહાસિંહે સોશ્યલિય મીડિયા પર મુકેલી પોસ્ટ બાબતે એમની સામે એફઆઇઆર કરવામાં આવી છે. આ પોસ્ટમાં એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારની ચૂંટણી અને હિન્દુ - મુસ્લિમ રાજનીતિ પર ટીપ્પણી કરી હતી. જસ્ટિસ જે કે માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઇની બેન્ચે ચોખ્ખુ કહ્યું હતું કે આ બાબતે તેઓ કોઈ દખલ કરવા માંગતા નથી. જોકે કોર્ટે એમ પણ કહ્યું હતું કે, નેહાસિંહ રાઠોડ ટ્રાયલ દરમિયાન એમની સામે થયેલા આક્ષેપો બાબતે વાંધો લઈ શકે છે. આ વર્ષની શરૂઆતમાં લખનૌમાં નેહાસિંહ સામે એફઆઇઆર કરવામાં આવી હતી.

ખુદ આઇપીએસ, પત્ની આઇએએસ અને સાળા ધારાસભ્ય... છતા પણ આત્મહત્યા કેમ કરી

હરિયાણાના એડીજીપી પી પુરણકુમારએ કરેલી આત્મહત્યાનો વિવાદ વધતો જ જાય છે. હવે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જલંધરના સાંસદ રણજીતસિંહ ચન્નીએ આ બાબતે ટીપ્પણી કરી છે. ચન્નીનું કહેવું છે કે, પુરણકુમાર ગરીબો અને ખેડૂતોના મસિહા હતા. ખેડૂત આંદોલન વખતે પુરણકુમારે લાઠીચાર્જ કરવાનો ઇન્કાર કર્યો હતો એ બદલ એમની પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કિસ્સાની તપાસ સુપ્રિમ કોર્ટના સીટીંગ જજ મારફતે કરાવવાની માંગણી પણ એમણે કરી હતી. ચન્નીએ કહ્યું હતું કે, 'ભાજપના શાસનમાં દલીતો પર અત્યાચાર વધ્યો છે. પુરણકુમાર પોતે આઇપીએસ અધિકારી હતા અને એમના પત્ની આઇએએસ અધિકારી હોવા ઉપરાંત એમના સાળા અમિત રત્ન બઠીડા દેહાથીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. આટલુ પીઠબળ હોવા છતા એમણે આત્મહત્યા કરવી પડી છે.