Get The App

દિલ્હીની વાત : મુકુલ રોયને હાઇકોર્ટનો ફટકો, વિધાનસભા માટે અયોગ્ય ઠર્યા

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મુકુલ રોયને હાઇકોર્ટનો ફટકો, વિધાનસભા માટે અયોગ્ય ઠર્યા 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નજીક ગણાતા તૃણમુલ કોંગ્રેસના નેતા મુકુલ રોયને કલકત્તા હાઇકોર્ટે મોટો આંચકો આપ્યો છે. કોર્ટે મુકુલ રોયને વિધાનસભા માટે અયોગ્ય ગણ્યા છે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોય મે ૨૦૨૧માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે એજ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેઓ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જસ્ટીસ દેવાંગ્શુ બસાકની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વિરોધ પક્ષના નેતા સુભેદુ અધિકારી અને ભાજપના ધારાસભ્ય અંબિકા રોયની અરજી પર સુનાવણી કરતા આ ચૂકાદો સભળાવ્યો હતો. અધિકારીએ વિધાનસભાના સ્પિકર ડીમાન બેનર્જીના ચુકાદાને ચેલેન્જ કર્યો હતો. સ્પિકરએ રોયને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવાની અરજી રદ કરી દીધી હતી.

દિલ્હી વિસ્ફોટ બાબતે નિવેદનથી મહેબુબા મુફતી ટ્રોલ થયા

નવેમ્બરની ૧૦મી તારીખે લાલ કિલ્લા પાસે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પછી પીડીપીના નેતા મહેબુબા મુફતીએ જે નિવેદન આપ્યું એના પ્રત્યાઘાત પડયા છે. એમણે કહેલું કે જો આ ઘટનામાં શિક્ષીત યુવાનો અને ડોક્ટરો સંડોવાયેલા હોય તો તે આપણા સમૂદાયને કલંકીત કરશે. ઘટનાને એમણે ચિંતાનો વિષય ગણાવ્યો હતો. શ્રીનગરથી તેમણે દિલ્હી સરકારને અપીલ કરી હતી કે કિસ્સાની તપાસ નિષ્પક્ષ રીતે કરે. જોકે ત્યાં સુધી તો ઠીક હતુ પરંતુ તેમણે આગળ એવું પણ કહ્યું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીના પરિવારો, માતા-પિતા તથા સંબંધીઓ સાથે સારૂ વર્તન કરવું જોઈએ. આ નિવેદનને કારણે તેઓ ટ્રોલ થયા હતા. સોશ્યલ મીડિયા પર ટીકાકારોએ લખ્યું હતું કે, પીડીતો વિશે મુફતીએ કઈ કહ્યું નથી પરંતુ એમને આતંકવાદીઓના કુટુંબીઓની ચિંતા થાય છે. મહેબુબાએ કઈ રીતે માની લીધું કે આતંકવાદીઓના કુટુંબીઓ એમની કામગીરીથી અજાણ હશે.

બળવાખોરથી વ્હાઇટ હાઉસ સુધી સિરિયાના રાષ્ટ્રપતિની નવી ઓળખ

સિરિયાના નવા રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાની ઇમેજ રાતોરાત બદલાઈ ગઈ છે. એક જમાનામાં તેઓ લડવૈયાનો યુનિફોર્મ પહેરતા હતા. હવે એમણે નામ પણ બદલ્યું છે અને દેખાવ પણ બદલ્યો છે. આજકાલ તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ સાથે હાથ મેળવી રહ્યા છે. અહમદ અલ-શરા વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાતે ગયા હતા. થોડા સમય પહેલા અહમદને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા હતા. વોશિંગ્ટન ખાતેની એમની મુલાકાત પછી અમેરિકાએ એમનો આ 'દરજ્જો' પાછો લઈ લીધો છે. અહમદ અલ-શરા પહેલા ઇસ્લામીક ઉગ્રવાદી હતા. હવે અમેરિકા જઈને એમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મીટીંગ કરી છે. અહમદએ ૧૧ મહિના પહેલા બળવો કરીને સિરિયામાં બસર અલ-અસદને સત્તાભ્રષ્ટ કર્યા હતા.

સ્કૂલમાં શિક્ષકે જ વંદે માતરમનો વિરોધ કર્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશની સ્કૂલોમાં વંદે માતરમ ગાવાનું ફરજીયાત કર્યું હતું. યોગી આદિત્યનાથના આ હુકમનો વિરોધ અલીગઢમાં એક સરકારી સ્કૂલના શિક્ષકે કર્યો છે. આ ઘટના પછી વિકાસ ખંડ લોઢાની શાળામાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ ઘટનાની જાણ થતા અધિકારીઓ સચેત થઈ ગયા હતા અને વંદે માતરમનો વિરોધ કરનાર શિક્ષકને સસ્પેન્ડ કર્યા હતા. પ્રાર્થના સભામાં રાષ્ટ્રગીત પછી જ્યારે શિક્ષક ચંદ્રપાલ સિંહે 'ભારત માતા કી જય', વંદે માતરમના સૂત્રો બોલાવ્યા ત્યારે સહાયક શિક્ષક શમસુલ હસનએ એનો વિરોધ કર્યો હતો. બીજા શિક્ષકોના કહેવા પ્રમાણે હસનએ કહ્યું હતું કે અમારા ધર્મમાં વંદે માતરમ ગાવું અયોગ્ય છે. આ ચર્ચા વિદ્યાર્થીઓના દેખતા થઈ હોવાથી વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા.

અલ-ફલાહના ચાન્સેલરનો ઇતિહાસ વિવાદાસ્પદ છે

દિલ્હી બ્લાસ્ટ પછી હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી અને મેડિકલ કોલેજ ચર્ચામાં છે. અલ-ફલાહના કેટલાક પ્રોફેસરોની બ્લાસ્ટ માટે ધરપકડ થઈ છે. અલ-ફલાહ અરબી શબ્દ છે. અલ-ફલાહનો અર્થ સફળતા, ખુશાલી થાય છે. છ વર્ષ પહેલા અલ-ફલાહ પ્રાઇવેટ યુનિવર્સિટીની શરૂઆત થઈ હતી. અલ-ફલાહનું કેમ્પસ શાનદાર છે. આ કેમ્પસમાં મેડિકલનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હતી. એન્જિનિયરીંગના લેક્ચરર તરીકે કારર્કીદીની શરૂઆત કરનાર આ યુનિવર્સિટીના ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અલ-ફલાહ ગુ્રપ ઓફ કંપનીઝના માલિક હતા. જવાદ અહમદનું કુટુંબ મધ્ય પ્રદેશના મહુમા રહેતું હતું. ૧૯૯૩માં એમને દિલ્હીની જામીયા મીલિયા ઇસ્માલિયા કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મળી હતી. ત્યાર પછી એમણે પોતાની કંપની બનાવી અને ગેરરીતિઓ બદલ ત્રણ વર્ષ સુધી જેલમાં પણ રહ્યા હતા. એમની કંપની વિરુદ્ધ છેતરપીંડી અને પૈસા ખાઇ જવાની ફરિયાદ થઈ હતી.

શાહીનએ કદી બુરખો પહેર્યો નહોતા

દિલ્હીના લાલ કિલ્લા પાસે ૧૦મી નવેમ્બરએ થયેલા બ્લાસ્ટને કારણે આખો દેશ ચિંતીત છે. આ બ્લાસ્ટ આતંકી હુમલો હતો અને હુમલો કરનારાઓને વ્હાઇટ કોલર આતંકવાદીઓ ગણવામાં આવે છે. હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડો. શાહીન સઇદની ધરપકડ થઈ છે. આ હુમલા પછી લખનૌના દાલીગંજ વિસ્તારની એક સાંકડી ગલીમાં આવેલું સૈયદ અહમદ અંસારીનું ઘર ચર્ચામાં છે. શાહીન સૈયદ અહમદની પુત્રી છે. ડો. શાહીન સઇદ પાસેથી એસોલ્ટ રાઇફલ, પિસ્તોલ અને બોમ્બ પકડાયા છે. જ્યારે પોલીસ અને એટીએસના અધિકારીઓ લખનૌના એના ઘરે ગયા ત્યારે કુટુંબીઓને આશ્ચર્ય થયું હતું. શાહીનના ભાઇએ પોલીસને કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી એમની બહેન સાથે એમને કોઈ સંપર્ક નહોતો. શાહીનના પિતા સૈયદ અહમદએ કહ્યુ હતું કે મારી પુત્રી આતંકવાદી હોઈ એ માની શકતો નથી. એક કદી કટ્ટરવાદી નહોતી અને બુરખો પણ પહેરતી નહોતી.

અમર થવાની લાલચમાં મુનીરએ પોતાની કબર તૈયાર કરી

પાકિસ્તાનના બંને ગૃહોમાં પસાર થયેલા બીલ પછી હવે લશ્કરના વડા આસીમ મુનીર સર્વેસર્વા થઈ ગયા છે. અત્યાર સુધી પાકિસ્તાનના દરેક આર્મી ચીફ નિવૃત્ત થયા પછી વિદેશ ભાગી જતા હતા. મુનીર ન તો નિવૃત્ત થવાના છે ન તો વિદેશ જવાના છે. એમની સામંતશાહી પાકિસ્તાનના રાજકારણીઓએ સ્વિકારી લીધી છે. જોકે પાકિસ્તાનમાં થતી ગુસપુસ પ્રમાણે ત્યાંના આર્મી કમાન્ડરોને મુનીરની આ સત્તા ગમશે કે નહીં એ સવાલ છે. આસીમ મુનીર જે રસ્તે જઈ રહ્યા છે એને ઇતિહાસમાં પ્રથમ વખત લશ્કરના અધિકારીઓએ પસંદ કર્યો નથી. ગૃહોમાં પસરા થયેલા બીલે આસીમ મુનીરને 'જનરલ ફોર લાઇફ' બનાવી દીધા છે. પાકિસ્તાનના સિવિલ ડિપાર્ટમેન્ટમાં બચેલી થોડી ઘણી લોકશાહી પણ હવે મુનીરના દરબારમાં મૂજરો કરશે.