નવીદિલ્હી : લદ્દાખના આંદોલનકારી સોનમ વાંગચૂક પર વિવિધ કલમો લગાડીને એમની ધરપકડ કેન્દ્ર સરકારે કરી હતી. વાંગચૂકને જોતપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા. ૨૦૨૫માં ૨૬મી સપ્ટેમ્બરે વાંગચૂકની ધરપકડ થઈ હતી. ત્યાર પછી એમના જામીન માટે વકીલોએ ઘણા પ્રયત્નો કર્યા હતા. એમનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલતો હતો. હવે એકાએક કેન્દ્ર સરકારને લાગ્યું કે સોનમ વાંગચૂક દેશ માટે જોખમી નથી એટલે ગૃહમંત્રાલયે તત્કાલીક રીતે એમને છોડી દેવાનું નક્કી કર્યું છે. ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે એમની ધરપકડનો નિર્ણય એનએસએ આધારે મળતા હકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે કરવામાં આવ્યો હતો. જોકે કેટલાક નીરિક્ષકોનું માનવું છે કે સરકારને ખ્યાલ આવી ગયો હતો કે સુપ્રિમ કોર્ટ વાંગચૂકની તરફેણમાં ચૂકાદો આપી શકે એમ છે એટલા માટે પોતાની ઇમેજ બચાવવા સરકારે એમને છોડી દેવાનો નિર્ણય લીધો છે.
કોર્ટે રાહુલ સામેનો બદનક્ષીનો કેસ બંધ કરવો પડયો
મહારાષ્ટ્રની નાસિક કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કરવામાં આવેલા બદનક્ષીના કેસને બંધ કર્યો છે. રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકર બાબતે અપમાનજનક ટીપ્પણી કરી હોવાનો આક્ષેપ હતો. જોકે ફરિયાદીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લેવા અરજી કરી હતી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ રૂપાલી નરવડીયાની કોર્ટે ત્યાર પછી આ કેસ બંધ કર્યો છે. રાહુલ ગાંધી સામે ચાલી રહેલી કાર્યવાહી પુરી થઈ ગઈ છે. 'નિર્ભયા ફાઉન્ડેશન' નામના એનજીઓની ફરિયાદને કારણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૨૦૨૨ની ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે વિર સાવરકરે બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વંચન આપ્યું હતું. ફરિયાદીનું માનવું હતુ કે રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે વિર સાવરકરની ઇમેજને નુકશાન થયું છે.
'શું સુપ્રિમ કોર્ટ દેશ આખો ચલાવે?'
દેશના રસ્તાઓ, પુલો અને વીજળીના તારો વગેરેની યોગ્ય દેખરેખ રાખીને લોકોને સુરક્ષીત રાખવા માટે સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપવો જોઈએ એ પ્રકારની માંગ સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, 'તમે ઇચ્છો છો કે અમે દેશ આખો ચલાવીએ?' સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચીની બેન્ચે કહ્યું હતું કે, આ પ્રકારની અરજીઓ 'શોપીંગ મોલ' જેવી હોય છે. જેમાં તમામ પ્રકારની માગણીઓ કરવામાં આવે છે. રસ્તા પર પડતા ખાડાઓથી માંડીને પોલીસના મકાનો સુધી, પુલો અને અંડરપાસ પુરા ન થતા હોવાની બાબતો, બધી જ માંગણીઓ કરવામાં આવે છે. સીજેઆઇએ કહ્યું હતું કે તમે જે પ્રકારનું નિર્દેશન માંગો છો એ અહીં નહીં મળે. આ પ્રકારના હુકમ કરવા લગભગ અશક્ય છે. કોઈ ખાસ મુદ્દો હોય તો અલગ વાત છે.
ખોમેનેઇ સહિત 10 ઇરાની નેતાઓની જાણકારી માટે અમેરિકાએ ઇનામ જાહેર કર્યું
અમેરિકાએ ઇરાનના સુપ્રિમ લીડર મોજતબા ખોમેનેઇની જાણકારી આપનાર માટે ઇનામ જાહેર કર્યું છે. મોજતબાની સાથે ઇરાનના ઇસ્લામીક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)ના અગત્યના નેતાઓની જાણકારી આપનારાઓને એક એક કરોડ ડોલરનું ઇનામ આપવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગે આ જાહેરાત કરી હતી. વિદેશ વિભાગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટર સેર કર્યું હતું. આ પોસ્ટરમાં એ વ્યક્તિઓની જાણકારી આપવા માટેની અપીલ કરવામાં આવી છે કે જેમને ઇરાને આતંકવાદી કહ્યા છે. આ લિસ્ટમાં આયાતુલ્લાહ અલી ખામેનેઇના પુત્ર મોજતબા સહિત કેટલાક મોટા નેતાઓના નામ પણ છે. આનો મતલબ એ થાય છે કે હવે અમેરિકા ઇઝરાયલના જાસુસીતંત્ર પાસે ઇરાનના નેતાઓની માહિતી નથી. આયાતુલ્લાહની હત્યા પછી સચેત થઈ ગયેલા ઇરાને હવે એમના નેતાઓને એવા સ્થળે રાખ્યા છે કે એમની માહિતી મેળવવી અશક્ય છે.
શા માટે અમેરિકા એન્ટી મિસાઇલ સીસ્ટમને દ.-કોરિયાથી મધ્ય-પૂર્વ લઈ જશે
દક્ષિણ કોરિયામાં મૂકેલી મિસાઇલ ડિફેન્સ સીસ્ટમનો કેટલોક ભાગ અમેરિકા હવે મધ્ય-પૂર્વ લઈ જઈ રહ્યું છે. ઇરાને જોર્ડનમાં લગાડેલી થાડ સીસ્ટમમાં વપરાતા એક મહત્વના રડારને નષ્ટ કર્યા પછી અમેરિકાએ આ નિર્ણય લીધો છે. થાડને સૌથી પહેલા ૨૦૧૭માં દક્ષિણ કોરિયા ખાતે મૂક્યું હતું કે જેથી ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોથી રક્ષણ મળી શકે. એ વખતે દક્ષિણ કોરિયાના લોકોએ આનો વિરોધ પણ કર્યો હતો. ઇરાન જે રીતે બેલીસ્ટીક મિસાઇલ મારો કરી રહ્યું છે એને કારણે અમેરિકા ચિંતામાં છે. થાડનું મહત્વ એટલું છે કે ઉંચાઇથી હુમલો કરનારા મિસાઇલોને રોકવાની એનામા ક્ષમતા છે. હમણા અમેરિકા જે રીતે ઇરાન સાથે યુદ્ધ કરી રહ્યું છે એનાથી મધ્ય-પૂર્વમાં જોખમ વધારે હોવાથી દક્ષિણ કોરિયાથી આ ખાસ સીસ્ટમ મધ્ય-પૂર્વમાં મોકલવામાં આવી છે.
ફારૂખ અબ્દુલ્લા સામે કાઢવામાં આવેલું વોરન્ટ થોડા કલાકોમાં જ પરત ખેંચાયું
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસીએશન (જેકેસીએ) કૌભાંડ કેસમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાને રાહત મળી છે. એમની સામે કાઢવામાં આવેલું બીનજામીન પાત્ર વોરન્ટ થોડા કલાકોમાં જ શ્રીનગરના ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટે પાછુ લીધુ છે. સીજેએમએ એમના હુકમમાં કહ્યું હતું કે ફારૂખ અબ્દુલ્લા પર જે રીતે હુમલો થયો હતો ત્યાર પછીની પરિસ્થિતિ જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા સીજેએમએ બીન જામીન વોરન્ટ એટલા માટે કાઢયું હતું કે ફારૂખ અબ્દુલ્લા વ્યક્તિગત રીતે કે ઓનલાઇન કોર્ટમાં હાજર થતા નહોતા. અબ્દુલ્લાના વકીલે વોરન્ટ પાછુ લેવાની માંગણી કરી એક અરજી આપી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અબ્દુલ્લાની સારવાર કરનાર ડોક્ટરની સલાહ પ્રમાણે એમને મુસાફરી નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
ભાગેડુ આઇએએસની તપાસમાં એસીબીની છ ટીમો
કરોડો રૂપિયાના જલજીવન મીશન ગોટાળાના આરોપી રીટાયર્ડ આઇએએસ સુબોધ અગ્રવાલને શોધવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ છ ટીમોની રચના કરી છે. તપાસમાં ખબર પડી છે કે ભાગી ગયા પછી અગ્રવાલ અત્યાર સુધીમાં ૬૦થી વધુ ગાડીઓ બદલી ચૂક્યા છે જેમાં ૪૦થી વધુ ઓટો રીક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમની સામે લુકઆઉટ નોટીસ જાહેર થવાને કારણે તેઓ વિમાન મારફતે પ્રવાસ કરી શકે એમ નથી. આ ઉપરાંત બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર પણ એસીબીના માણસો નજર રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્રવાલ હમણા હરિયાણાના સોહના સ્થિત એક ઉદ્યોગપતિના ફાર્મહાઉસ પર રોકાયા હતા. જોકે તપાસ અધિકારીઓ વિશે જાણકારી થતા તેઓ ત્યાથી ઓટો રીક્ષામાં બેસીને ભાગી નીકળ્યા હતા. ત્યાર પછી એમનું પગેરૂ મળ્યું નથી. હમણા અગ્રવાલ દિલ્હી કે મુંબઈ હોવાની શક્યતા છે. એસીબીએ જયપુરના એક ફાર્મહાઉસ પર પણ તપાસ કરી હતી. રાજસ્થાનની ટોચના વ્યક્તિ સાથે પણ ભાગેડુ અધિકારીને અંગત સંબંધ હોવાનું કહેવાય છે.


