નવી દિલ્હી : વિરોધપક્ષ આરજેડી બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે. વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવએ પોલો રોડ પર આવેલા સરકારી બંગલાને વોર રૂમમા બદલી નાંખ્યો છે. લગભગ બે મહિનાથી અહીં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ચાર ડઝન પ્રોફેશનલ્સ તડામાર તૈયારી કરી રહ્યા છે. એમની આગેવાનીમાં દેશ-પ્રદેશમાં બનતી ઘટનાઓ પર નજર રાખવામાં આવી રહી છે. આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ તેમ જ વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવના ટ્વીટર હેન્ડલ અને ફેસબુક પેજનું સંચાલન પણ વોર રૂમમાંથી થાય છે. કયા નેતાનું કયું નિવેદન સોશ્યલ મીડિયા પર અપલોડ કરવું એનો નિર્ણય પણ વોર રૂમમાંથી લેવામાં આવે છે. અહીં કામ કરનારાઓ ફક્ત આરજેડીના નેતાઓ જ નહીં પરંતુ બીજા નેતાઓની પ્રવૃત્તિ પર પણ નજર રાખી રહ્યા છે.
છત્તીસગઢમાં ચાર હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ, આઇએએસ માસ્ટર માઇન્ડ કોણ
છત્તીસગઢના ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અનિલ ટૂટેજા રાજ્યમાં થયેલા ચાર હજાર કરોડ રૂપિયાના ગોટાળાના માસ્ટર માઇન્ડ છે. થોડા દિવસો પહેલા જ ઇઓડબ્લ્યુએ એમને કસ્ટમ ગોટાળા બદલ રાયપુર સેન્ટલ જેલમાંથી રીમાન્ડ પર લીધા છે. ત્રણવાર ભાજપના મુખ્યમંત્રી રહેલા ડો. રમણસિંહના કાર્યકાળ દરમિયાન ૨૦૧૫માં નાગરીક પુરવઠા નિગમમાં મોટું કૌભાંડ થયું હતું એના કેન્દ્રમાં પણ ટૂટેજા જ હતા. ત્યાર પછી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની. સત્તા બદલાઈ ગઈ છતા ટૂટેજાનો વટ અકબંધ રહ્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૨,૦૦૦ કરોડ રૂપિયાના લીકર કૌભાંડ, ૫૪૦ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ અને ૧૪૦ કરોડ રૂપિયાના કસ્ટમ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ટૂટેજા જ છે. આ બધા કૌભાંડોની તપાસ કેન્દ્રની વિવિધ એજન્સીઓ કરી રહી છે.
કંગના રનૌતને કારણે હિમાચલ પ્રદેશમાં ભાજપને મુશ્કેલી
૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ ફિલ્મસ્ટાર કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી બેઠકની ટીકીટ આપી હતી. કંગના મોટા માર્જીનથી ચૂંટણી જીતી ગઈ પરંતુ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન આપેલા નિવેદનોને કારણે ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેેસ સત્તા પર છે અને એને ભાજપ પર આક્રમણ કરવાનું કારણ મળી ગયું છે. કેબિનેટ મંત્રી જગતસિંહ નેગીએ કહ્યું છે કે, રાજનીતિ કરવાનું કામ કંગના રનૌત જેવા બોલીવુડ સ્ટારનું નથી. જો એ યોગ્ય કામગીરી નહીં કરી રહી હોય તો એણે રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ બિંડલએ કંગનાનો બચાવ કર્યો છે, પરંતુ સ્થાનીક ભાજપના નેતાઓ કંગનાથી નારાજ છે. એક નેતાના કહેવા પ્રમાણે એવા ઘણા મુદ્દા છે જે વિશે પક્ષની અંદરના લોકો ખુલીને બોલી શકતા નથી. કંગનાને સાંસદ બન્યાને હજી એક વર્ષ થયું છે. પાર્ટી હાઇકમાન્ડ એમની કામગીરી અને નિવેદનો પર નજર રાખી રહી છે.
રોહીત ગોદારાએ લોરેન્સ ગેંગ સાથે અણબનાવની વાતો કહી, ઓડિયો વાયરલ
રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહીત ગોદારાનો એક ઓડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો ન્યુઝીલેન્ડના નંબર પરથી ગોદારાએ કહેલી વાતનો છે. ગોદારાએ કહેલી વાતને લીધે પોલીસ અને સામાન્ય લોકો ચોંકી ગયા છે. રોહીત ગોદારાએ ખુલાસો કર્યો છે કે, એના અને ગેંગસ્ટર ગોલ્ડી બરાડના નામના બનાવટી સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ એકાઉન્ટ પર ખોટા સમાચારો મુકીને એમની ઇમેજ ખરાબ કરવાનો પ્રયત્ન થાય છે. ગોદારાએ કબુલ કર્યું છે કે, પહેલા એ ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલો હતો. હવે બંને લોરેન્સ અને એના ભાઈ અનમોલ બિશ્નોયથી અલગ થઈ ગયા છે. ગોદારાએ એવી પણ વાત કરી છે કે, બંને ગેંગ વચ્ચે ગેંગવોર થવાની પણ શક્યતા છે.
એનસીપીના ધારાસભ્ય સામે ઇડીએ ચાર્જશીટ દાખલ કરી
ઇડીએ એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય તેમ જ શરદ પવારના પૌત્ર રોહિત પવાર સામે એક કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક (એમએસસીબી)માં થયેલા કૌભાંડ બાબતે કરવામાં આવી છે. રોહિત પવાર એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારના પુત્ર તેમ જ કરજત -જામખેત વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. ૨૦૧૪ના જાન્યુઆરી મહિનામાં ઇડીએ રોહિત પવારના વિવિધ વ્યવસાયીક સ્થળો પર દરોડા પાડયા હતા. ત્યાર પછી એની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ઇડીએ રોહિત પવારની કંપની બારામતી એગ્રોની ૫૦ કરોડ રૂપિયાની મિલકતો પણ કબજે કરી છે. ઇડીના કહેવા પ્રમાણે આ મિલક્તો કન્નડ સહકારી સુગર મીલની છે. જેને રોહિત પવારની કંપનીએ ગોટાળો કરીને કબજે કરી હતી.
સીએપીએફના 13 હજાર કર્મચારીઓને આંચકો
સુપ્રિમ કોર્ટના એક ચુકાદાને કારણે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ના અધિકારીઓને પ્રમોશન અને નાણાકીય બાબતે આશા બંધાય હતી. ખાસ કરીને મદદનીશ કમાન્ડન્ટ કે જેમને ૧૫ વર્ષથી પણ પ્રમોશન મળતું નહોતું તેઓ સુપ્રિમ કોર્ટના હુકમને કારણે ખુશ થઈ ગયા હતા. ૨૩મી મેએ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ઓકા અને જસ્ટીસ ઉજ્જવલ ભૂયાનએ એક અગત્યનો ચુકાદો આપીને સીએપીએફના કર્મચારીઓને 'સંગઠીત સમૂહ સેવા' (ઓજીએસ) લાગુ કરવાની વાત કરી હતી. આ માટે છ મહિનાની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી. બહારથી આવીને સીએપીએફમાં જોડાનારા આઇપીએસ અધિકારીઓની સંખ્યા ધીરે ધીરે ઓછી કરવા માટે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું. આ ચુકાદા પછી સીએપીએફમાં ડીઆઇજી અને આઇજી જ નહીં, પરંતુ કમાન્ડન્ટના હોદ્દા ઉપર પણ આઇપીએસની નિમણૂક થવા માંડી. હવે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના આ ચુકાદા સામે રીવ્યુ પીટીશન દાખલ કરી છે. આ રીવ્યુ પીટીશનને કારણે સીએપીએફના અધિકારીઓ ચિંતીત થઈ ગયા છે.
દિલ્હીની ઝુપડપટ્ટીઓનો વિકાસ ધારાવી મોડલ પરથી થશે
દિલ્હીની ઝુપડપટ્ટીઓના રહેનારાઓને વધુ સારી રહેઠાણ વ્યવસ્થા મળે એ માટે 'દિલ્હી અર્બન ઇમ્પ્રુવમેન્ટ બોર્ડ' (ડીયુએસઆઇબી)એ નવ સભ્યની કમિટિ બનાવી છે. આ કમિટિ મુંબઈની ઝુપડપટ્ટી ધારાવીના મોડલને આધારે રીડેવલોપમેન્ટનું કામ કરવાની શક્યતા તપાસી રહી છે. આવનારા ૧૫ દિવસમાં કમિટિ પોતાનો રીપોર્ટ આપી દેશે જેમાં દિલ્હીની ૬૭૫ ઝુપડપટ્ટીઓ માટે આ મોડલની ઉપયોગીતા અને અમલ કરવા બાબતે સલાહ આપવામાં આવશે. ડીયુએસઆઇબીએ કમિટિના સભ્યોના નામ જાહેર કર્યા છે. કમિટિનું કામ મુંબઈ જઈને ધારાવીના રીડેવલોપમેન્ટ મોડલનો અભ્યાસ કરવાનો રહેશે. જો ધારાવી રીડેવલોપમેન્ટ મોડલ યોગ્ય લાગશે તો કમિટિ આ મોડલ દિલ્હીમાં પણ લાગુ કરશે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે દિલ્હીની ઝુપડપટ્ટી વેરવીખેર છે અને નાની સંખ્યામાં હોવાથી અહીં રીડેવલોપમેન્ટનું કામ અલગ રીતે કરવું પડશે.
કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ ભાજપમાં જોડાયા
છેલ્લા એક દાયકામાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. કેટલાકે તેના માટે કોંગ્રેસની નિસ્તેજ નેતાગીરીને જવાબદાર માની છે તો કેટલાકે ભાજપ દ્વારા અપાતા પ્રલોભનોને જવાબદાર ગણ્યા છે. પણ હવે કોંગ્રેસ સામે નવો પડકાર ઊભો થયો છે. તેમના સોશિયલ મીડિયાના ચીફ જ ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસને એવી પણ જાણકારી મળી છે કે તેના સોશિયલ મીડિયા વિભાગના અનેક કર્મચારીઓએ ભૂતકાળમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી વિશે અપમાનજનક નિવેદનો કર્યા હતા. તાજેતરના વર્ષોમાં કોંગ્રેસે સોશિયલ મીડિયામાં પોતાની હાજરી મજબૂત કરવા ભારે રોકાણ કર્યું છે અને તેના માટે તેણે અગ્રણી ટીવી ચેનલોના ભૂતપૂર્વ ડિજિટલ અધિકારીઓને પણ નિયુક્ત કર્યા હતા.
યોગી અને મૌર્ય વચ્ચે વળી વિખવાદની ચર્ચા
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ફરી એકવાર રાજ્યમાં રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે. પહેલા તો તેમની શૈક્ષણિક ડીગ્રીની પ્રમાણિક્તાને પડકારતી લાંબા સમયની અરજી અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા નકારવામાં આવી. પછી મૌર્ય દિલ્હીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને યુપીમાં ભાજપના નવા ચીફની નિયુક્તિ તેમજ સંભવિતપણે રાજ્યની કેબિનેટ ફેરબદલ વિશે મળ્યા. તેમણે યુપી ગવર્નર આનંદીબેન પટેલની પણ સદ્ભાવના મુલાકાત લીધી. ભાજપના નેતાઓના મતે મૌર્યને સીએમ યોગી સાથે ઉષ્માભર્યો સંબંધ ન હોવાની માન્યતા છે અને તેઓ રાજ્ય ભાજપના ચીફ બનવા માગે છે. તેમના કેટલાક સમર્થકોએ તો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પણ આપી દીધા, જો કે મૌર્યએ તેનો પ્રતિસાદ નથી આપ્યો.
- ઈન્દર સાહની


