નવીદિલ્હી : તામીલનાડુના રાજકારણમાં એક મોટી ઘટના બની ગઈ છે. પીએમકેના સંસ્થાપક એસ રામદાસએ ગુરુવારે પોતાના પુત્ર અંબુમણી રામદાસને પક્ષમાંથી બહાર કર્યા છે. એમણે અંબુમણી પર પક્ષ વિરોધી કામગીરી કરવાનો આરોપ મૂક્યો છે. કેટલાક મહિના સુધી પડદા પાછળની વાતચીત અને લાગણીશીલ અપીલો પછી એસ રામદાસે આ નિર્ણય લીધો છે. કહેવાય છે કે ભાજપના નેતાઓ અને આરએસએસના હોદ્દેદારો તેમજ વેલ્લોર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના ચાન્સેલરની મધ્યસ્થતા છતા કૌટુંબીક વિવાદ ઉકેલાયો નહોતો. અંબુમણીને પક્ષખારીજ કરવાનો સમય પીએમકેની રાજનીતી પર અસર કરી શકે છે. છેલ્લા થોડા વર્ષોમાં નબળી પડી હોવા છતા પીએમકે તામીલનાડુની કેટલીક જાતી આધારીત પાર્ટીઓમાંથી એક છે. એની પાસે સારી વોટબેન્ક અને સંગઠીત કેડર છે.
જેડીયુએ સમજાવ્યું મહાગઠબંધનનું ગણીત
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધન વચ્ચે તણાવ ચાલુ છે. મહાગઠબંધનની તડનો લાભ એનડીએ ઉઠાવી શકે એમ છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદના કહેવા પ્રમાણે કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લા વરુનું નિવેદન છે કે બિહારની જનતા મુખ્યમંત્રી નક્કી કરશે. આ નિવેદન મહાગઠબંધનની દિશા હીનતા અને નેતૃત્વ સંકટનો પુરાવો છે. એક તરફ કોંગ્રેસ ૭૦ બેઠકો માંગી રહી છે તો સામ્યવાદી પક્ષ ૬૫ - ૭૦ બેઠકો માંગે છે. મુકેશ સહનીને ૬૦ બેઠકો અને ઉપમુખ્યમંત્રી પદ જોઈએ છે. રાજકીય નીરિક્ષકો ચર્ચા કરી રહ્યા છે કે અત્યારથી જ જો મહાગઠબંધન વચ્ચે મનમેળ નહીં હોય તો ચૂંટણી પ્રચાર કઈ રીતે કરશે.
સુશીલા કાર્કીએ ભારત માટે શું કહ્યું
નેપાળમાં ઝેન જીએ ૭૩ વર્ષના ભૂતપૂર્વ જજ સુશીલા કાર્કીને દેશનું નેતૃત્વ સોપ્યું છે. નેપાળની સેનાએ પણ મંજૂરી આપી દીધી છે. સુશીલા કાર્કીની માનસીકતા ભારત તરફી હોવાનું કહેવાય છે. સુશીલા કાર્કીએ ભારત માટેનો પ્રેમ જાહેર કર્યો છે અને નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા છે. કાર્કીએ કહ્યું હતું કે, 'હું મોદીને પ્રણામ કરૃં છું. મારા દિલમાં એમને માટે માન છે.' નેપાળના પહેલા મહિલા ચીફ જસ્ટીસ રહી ચુકેલા સુશીલાએ ભારત સાથેના સંબંધો સુધારવાની વાત કહી હતી. એમના કહેવા પ્રમાણે બંને દેશોની સરકાર ભલે અલગ નીતિ બનાવતી હોય પરંતુ ભારત અને નેપાળનો સંબંધ એક બીજાના દિલ સુધી છે. સુશીલાએ એમનો અભ્યાસ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કર્યો હતો. સુશીલાએ એ દિવસોને યાદ કરતા કહ્યું હતું કે એમણે એમની માસ્ટર્સ ડિગ્રી બનારસથી મેળવી હતી. સુશીલાએ કહ્યું હતું કે, 'મને આજે પણ મારા શિક્ષકો અને મિત્રો યાદ છે. ગંગા નદીના કિનારે અમારી હોસ્ટેલ હતી. ઉનાળામાં અમે છત પર સુતા હતા.' સુશીલા કાર્કી હિન્દી બોલી શકે છે અને એમનું ઘર વિરાટ નગરમાં છે, જે ભારતની સરહદથી ફક્ત ૨૫ કીલોમીટર દુર છે.
મારા એક સાથીદાર જજમેન્ટ આપવા સિવાય તમામ કામ કરતા હતા
રાષ્ટ્રપતિની સત્તા બાબતે ૧૦ દિવસ સુધી વિવિધ પક્ષોની દલીલો સાભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. રાષ્ટ્રપતિની સત્તા બાબતે પૂછવામાં આવ્યું હતું કે, શું બંધારણીય કોર્ટ રાજ્ય વિધાનસભાઓમાં પસાર થયેલા બિલોને મંજૂરી આપવા માટે રાજ્યપાલો અને રાષ્ટ્રપિત માટે સમયમર્યાદા નક્કી કરી શકે છે કે નહીં. સુનાવણી દરમિયાન પાંચ જજોની બેન્ચ અને વકીલોએ બ્રેક લીધો ત્યારે સીજેઆઇ બી આર ગવઈએ પોતાના જૂના સાથીદારોને યાદ કર્યા હતા કે જેઓ ચૂકાદો આપવા સિવાય તમામ કામ કરતા હતા. બેન્ચમાં સીજેઆઇ ગવઈ, જસ્ટીસ સૂર્યકાંત, જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ પી. એસ. નરસિંહમા અને જસ્ટીસ એ એસ ચંદુરકર હતા. તમામ જજો અચાનક એકબીજા સાથે વાત કરવા માંડયા હતા ત્યારે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, 'મે લીફ રીડીંગના કલાસ જોઇન્ટ કર્યા હોત તો સારૂ થાત. જ્યારે અમે દલીલ કરતા હોઇએ છીએ ત્યારે જજો એક બીજા સાથે શું વાત કરતા હશે એની ધારણા કરી શકતે.'
ક્લબની ચૂંટણીથી આગળ વધ્યો રૂડી અને બાલિયાનનો ઝઘડો
દિલ્હીની કોન્સ્ટીટયુશન ક્લબના મહામંત્રીની ચૂંટણી વખતે સામસામે થઈ ગયેલા ભાજપના બે નેતા રાજીવ પ્રતાપ રૂડી અને સંજીવ બાલિયાનનો ઝઘડો હવે આગળ વધી ગયો છે. સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોની ક્લબની ચૂંટણીમાં રાજપુત વિરુદ્ધ જાટનો ખેલ ખેલાયો હતો. આ બાબતે રૂડીને સવાલ પૂછતા એમણે કહ્યું હતું કે, મુઝફ્ફર નગર (બાલિયાનની લોકસભા બેઠક)માં બે લાખ રજપૂત મતદારો છે. જો તેઓ નારાજ થઈ ગયા તો આ વખતે લોકસભાની ચૂંટણી હારી ગયેલા 'બીચારા' બાલિયાન પરેશાન થઈ જશે. બાલિયાને પણ રૂડીના નિવેદન બાબતે કડવી પ્રતિક્રિયા આપી હતી. એમણે કહ્યું હતું કે, જો રૂડી એમને ઉશ્કેરવાનું બંધ નહીં કરે તો તેઓ પણ રૂડીને નહીં છોડે. બાલિયાનના કહેવા પ્રમાણે રૂડી સાથે એમના વ્યક્તિગત સંબંધ છે, પરંતુ ક્લબના વધુ સારા વહીવટ માટે એમણે ચૂંટણી લડી હતી.
વિધાનસભા ચૂંટણી નજીક આવતા ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યોએ પાર્ટી બદલી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ પક્ષના નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યો પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાયા છે. ચૂંટણીમાં ટીકીટ મેળવવાની આશાએ આ ત્રણેએ પાટલી બદલી છે. આ નેતાઓએ પક્ષ બદલવાથી કેટલાક વર્તમાન ધારાસભ્યોને પણ તકલીફ પડી શકે એમ છે. કોચાધામન વિધાનસભા વિસ્તારથી બે વાર જેડીયુની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મુઝાહીદ આલમે આરજેડી નેતા તેજસ્વી યાદવની સભામાં આરજેડી સાથે જોડાયા હતા. ૨૦૧૪ની પેટા ચૂંટણીમાં જેડીયુની ટિકિટ પર લડેલા મુઝાહીદ આલમએ જીત મેળવી હતી. મુઝાહીદ આલમએ જેડીયુ છોડવાનું કારણ એવું આપ્યું છે કે પક્ષની બદલાયેલી નીતીને કારણે એમણે નિતિશકુમાર સાથેનો જૂનો સંબંધ તોડયો છે.
જેને સેનાના કેપ્ટન માનીને સલામ ઠોકતા હતા એ મહિલા બોગસ નીકળી
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક મહિલા ૨૩ વર્ષોથી પોતાને ભારતીય સેનાના કેપ્ટન બતાવી લોકોને છેતરતી હતી. પોલીસે જ્યારે આ મહિલાના ઘરે દરોડા પાડયા ત્યારે એના ઘરમાંથી લશ્કરનો યુનીફોર્મ, નકલી આઇડી, મેડલ અને સન્માન પત્ર પણ મળ્યા હતા. પોલીસે આ મહિલા સામે કેસ દાખલ કર્યો છે. આ કિસ્સાની તપાસ દોલતાબાદ પોલીસ અને પૂણે સ્થિત સર્ધન કમાન્ડ મીલીટરી ઇન્ટીલીજન્સ કરી રહી છે. મહિલાનું નામ રૂચીકા અજીત જૈન છે. આ મહિલા દોલતાબાદના ધરમપુરની રહેવાસી છે. આ મહિલા લશ્કરમાં ભરતી કરનાર એકેડેમીમાં જતી હતી અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાનું કામ પણ કરતી હતી. એ વખતે બધા આ મહિલાને કેપ્ટન સમજીને સલામ ઠોકતા હતા. રૂચીકાને વીઆઇપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી હતી. ઘણી સામાજીક સંસ્થાઓએ એનું સન્માન પણ કર્યું હતું.


