Get The App

દિલ્હીની વાત : ચિરાગ પાસવાન કઈ રીતે માન્યા, બેઠક વહેંચણીની અંદરની વાત

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ચિરાગ પાસવાન કઈ રીતે માન્યા, બેઠક વહેંચણીની અંદરની વાત 1 - image

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએની બેઠકની વહેંચણીની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ રિસાયેલા કેટલાક નેતાઓને મનાવતા ભાજપના નેતાઓને પરસેવો વળી ગયો છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ સંજય ઝા અને ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનએ ચિરાગ પાસવાનને સમજાવ્યા હતા. જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને ૨૯ બેઠકો આપવામાં આવી એની સામે જેડીયુને અંદરખાને વાંધો હતો. ૧૯૯૬ પછી પહેલી વખત ભાજપ અને જેડીયુ વિધાનસભામાં સરખી બેઠકો પર ચૂંટણી લડશે. આ વખતે એલજેપી (રામવિલાસ) અને હમ પક્ષએ વધુ બેઠકો મેળવવા દબાણ ચાલુ રાખ્યું હતું. ચિરાગ પાસવાનએ શરૂઆતમાં ૪૦ અને ત્યાર પછી ૩૫ બેઠકો માટે જીદ ચાલુ રાખી હતી. એનડીએના સૂત્રોના કહેવા પ્રમાણે ચિરાગને એમ કહીને અમિત શાહે મનાવ્યા હતા કે, એનડીએની જીત નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે થાય છે એટલે બહુ ખેંચતાણ કરે નહીં.

સરકારે આઝમ ખાનને વાય કક્ષાની સિક્યુરીટી શા માટે આપી

સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ મંત્રી ૨૩ મહિના જેલમાં રહ્યા પછી છૂટયા છે. ઉત્તર પ્રદેશમાં આજકાલ આઝમ ખાનની ચર્ચા થઈ રહી છે. નવાઈ લાગે એવી વાત છે કે, આઝમ ખાનનો હંમેશા વિરોધ કરનાર ભાજપની ઉત્તર પ્રદેશ સરકારે ફરીથી આઝમ ખાનને વાય કક્ષાની સિક્યુરીટી આપી છે. જેલમાં જતા પહેલા એમની સિક્યુરીટી પરત લઈ લેવામાં આવી હતી અને સરકારે કહ્યું હતું કે એમને સિક્યુરીટીની કોઈ જરૂર નથી. હવે આઝમ ખાનને ત્રણ ગનર અને અન્ય સુરક્ષા કર્મચારીઓ મળશે. આઝમ ખાન રામપુર વિધાનસભા બેઠક પરથી ૧૦ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ એક વાર સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. આઝમ ખાનને મળવા વિવિધ પક્ષના નેતાઓ જાય છે એટલે સરકારને લાગ્યું કે આઝમ ખાનની સુરક્ષા વધારવી જરૂરી છે. આઇબીના રીપોર્ટને કારણે એમને સુરક્ષા આપવામાં આવી છે.

આઇપીએસ અધિકારીના 15 સિનિયર અધિકારીઓ અને 2 મુખ્યમંત્રીઓ સામે આક્ષેપ

હરિયાણાના એક આઇપીએસ અધિકારીએ કરેલી આત્મહત્યાની ચર્ચા આજે દેશમાં થઈ રહી છે. એમના વિસ્તારના તમામ સિનિયર અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. હવે આજ પ્રકારનો એક વિવાદાસ્પદ કિસ્સો રાજસ્થાનમાં બન્યો છે. ૨૦૦૯ બેચના આઇપીએસ અધિકારી પંકજ ચૌધરીએ ધમાકો થાય એવું નિવેદન આપ્યું છે. પોતાની સામે ચાલી રહેલી કાર્યવાહીને એમણે કાવતરૂ ગણાવ્યું છે. ચૌધરીએ રાજ્યપાલ હરીભાઉ બાગડેને ૬૭૨ પાનાનો લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં ૧૫ જેટલા આઇએએસ -આઇપીએસ અધિકારીઓ ઉપરાંત બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ એમણે લખ્યા છે. ચૌધરીનો આરોપ છે કે છેલ્લા ૭ વર્ષથી એમનું પ્રમોશન અને કારકિર્દી રોકવા માટે કાવતરા થઈ રહ્યા છે. એમણે કહ્યું હતું કે, 'હું સિસ્ટમ સામે લડી રહ્યો છું, પરંતુ કોર્ટના હુકમનોને પણ અવગણવામાં આવે છે.'

કોંગ્રેસને સલામત બેઠક આપવા ઉમર અબ્દુલ્લાનો ઇન્કાર

જમ્મુ-કાશ્મીરમાં ૨૪ ઓક્ટોબરે રાજ્ય સભાની ચાર બેઠકો માટે મતદાન થવાનું છે. કોંગ્રેસે ચૂંટણીમા ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તારીક હામીદ કર્રાએ આ માહિતી આપી છે. કારણ એવું આપવામાં આવે છે કે, નેશનલ કોન્ફરન્સએ કોંગ્રેસને સલામત બેઠક આપવાનો ઇન્કાર કર્યો છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને ઇશારે આમ થયું હોવાનું કોંગ્રેસનું માનવું છે. તારીક હામીદ કર્રાએ કહ્યું છે કે 'આ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડને વિશ્વાસમાં લીધા પછી કરવામાં આવ્યો છે. કોંગ્રેસે રાજ્ય સભાની બે બેઠકોમાંથી એક બેઠક માંગી હતી જેને માટે ચૂંટણી થવાની છે, પરંતુ નેશનલ કોન્ફરન્સએ કોંગ્રેસની માંગણી સ્વીકારી નહોતી. ચાર નંબરની બેઠક બીજી બેઠકો જેટલી સુરક્ષીત નથી. તારીક હામીદ કર્રાએ કહ્યું હતું કે, અમને સુરક્ષિત બેઠક આપવાને બદલે ચોથા નંબરની અસુરક્ષીત બેઠક ઓફર થઈ હતી.'

તેજપ્રતાપએ તેજસ્વીને અનફોલો કર્યા

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય પ્રમુખ તેજપ્રતાપ યાદવએ નાના ભાઈ તેજસ્વી યાદવને સોશ્યલ મીડિયા પર અનફોલો કરી દીધા છે. એમણે મહુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ ૧૫મી ઓક્ટોબરે ફોર્મ ભરશે. આ પહેલા તેજપ્રતાપએ એમની બહેન મિશા ભારતીને પણ અનફોલો કરી દીધા હતા. મહુઆમાં તેજપ્રતાપના ટેકેદારો અને કાર્યકરો નામાંકન ભરવાની જોરદાર તૈયારી કરી રહ્યા છે. તેજપ્રતાપ હવે આરજેડીના ઉમેદવાર સામે ચૂંટણી લડશે. હમણા આરજેડીના મુકેશ રોશન મહુઆના ધારાસભ્ય છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નીરિક્ષકો તેજપ્રતાપ યાદવને ગંભીરતાથી લેતા નથી. મીડિયા પણ તેજપ્રતાપને અવગણે છે. આમ છતાં તેજપ્રતાપનો ઉત્સાહ ઓછો થતો નથી.

ઓવૈસી અને ચંદ્રશેખર વચ્ચે ગઠબંધન થશે?

બિહારમાં વિરોધપક્ષોના ગઠબંધનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (આરએલજેપી)માં જોડાવાની વાત ચાલી રહી છે. બીજી તરફ એવી ચર્ચા પણ છે કે પશુપતિ પારસનો પક્ષ હવે અસદુદ્દીન ઓવૈસીના એઆઇએમઆઇએમ અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન પણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરજેડી - કોંગ્રેેસના ગઠબંધન સાથે તેઓ જોડાવાના નથી. જે બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો એમાં પશુપતિ પારસની સાથે સંસદીય બોર્ડના ચેરમેન સુરજભાનસિંહ પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પારસએ પક્ષના નેતાઓને કહ્યું હતું કે મહાગઠબંધનમાં એમને ચાર બેઠકો ઓફર કરવામાં આવી હતી જે યોગ્ય નથી. બિહારમાં વિરોધ પક્ષોના ગઠબંધનની પરિસ્થિતિ પ્રવાહી છે. જો નાના પક્ષો આરજેડી - કોંગ્રેસ સાથે નહીં જોડાય તો નુકશાન આરજેડી - કોંગ્રેસને થઈ શકે છે.

ચિદમ્બરમના નિવેદન પર કોંગ્રેસ નેતા ભડક્યા

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમએ એવું નિવેદન આપ્યું છે કે, ઓપરેશન બ્લુ સ્ટાર કોંગ્રસની ભૂલ હતી. મતલબ કે તેઓ એમ કહેવા માંગતા હતા કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાની આતંકવાદીઓને નાથવા માટે બીજા રસ્તાઓ શોધવાની જરૂર હતી. યાદ રહે કે રાહુલ ગાંધી એમના ઘણા પ્રવચનોમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને શહીદ ગણાવે છે. હવે કોંગ્રેસના જ સિનિયર નેતા જો ઓપરેશન બ્લુ સ્ટારને ઇન્દિરા ગાંધીની ભૂલ ગણાવતા હોય તો ઇન્દિરા ગાંધીને કઈ રીતે શહિદ ગણી શકાય. જોકે પી. ચિદમ્બરમના નિવેદન સામે હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા રાશીદ અલ્વીએ વળતો ઘા કર્યો છે. રાશીદ અલ્વીએ કહ્યું છે કે, ચિદમ્બરમ એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે એમના પર શંકા આવે. ચિદમ્બરમ સામે ચાલી રહેલા ફોજદારી ગુનાઓ બાબતે એમણે કહ્યું હતું કે, કોંગ્રેસ વિરોધી નિવેદનો કરવા માટે ચિદમ્બરમ પર કોઈનું દબાણ તો નથી ને ? ભાજપની સરકાર સામે બોલવાને બદલે ચિદમ્બરમાં ૫૦ વર્ષ જૂની ઘટના શું કામ યાદ કરે છે.