Get The App

દિલ્હીની વાત : આરએસએસની યોગી સરકારને અપીલ, શંકરાચાર્યનો વિવાદ ખતમ કરે

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આરએસએસની યોગી સરકારને અપીલ, શંકરાચાર્યનો વિવાદ ખતમ કરે 1 - image

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ જે રીતે નિવેદનો આપી રહ્યા છે એને કારણે ભાજપમાં આંતરીક વિખવાદ પેદા થયો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી આરએસએસનું નેતૃત્વ આ વિવાદ જલ્દી પુરો કરવા માંગે છે. આરએસએસનું માનવું છે કે, શંકરાચાર્ય વિવાદ સનાતન એકતાને અસર કરે છે. યોગી સરકારે આ મુદ્દાને કાઉન્ટર કરવો જોઈએ. સંઘના નેતાઓએ યોગી આદિત્યનાથ સાથે મીટીંગ કરી હતી. સંગઠનમાં થનારા ફેરફાર ઉપરાંત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથેના વિવાદ અંગે પણ ચર્ચા થઈ હતી. ઉત્તર પ્રદેશની સરકાર સનાતન અને સંતો સાથે ઉભી છે એવો નેરેટીવ નષ્ટ થવો જોઈએ નહીં. આરએસએસએ આડકતરી રીતે ભાજપના ટોચના નેતાઓને પણ મેસેજ આપ્યો છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ જ પક્ષનો સૌથી મોટો ચહેરો રહેશે.

નવેસરથી લખાયેલા અધ્યાયથી પણ સુપ્રિમ કોર્ટ નારાજ

એનસીઇઆરટી (નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ)ના પ્રમુખ દિનેશ પ્રસાદ સકલાનીએ સુપ્રિમ કોર્ટમાં સોંગદનામુ કરીને ટૂંકુ નિવેદન રજુ કર્યું હતું. આ બાબતે સુપ્રિમ કોર્ટ નારાજ થઈ ગઈ છે. એફીડેવીટમાં કહેવામાં આવ્યું હતું કે, આઠમાં ધોરણના સામાજીક વિજ્ઞાાનના પ્રતિબંધીત પુસ્તકનો વિવાદીત અધ્યાય ફરીથી લખવામાં આવ્યો છે. આ અધ્યાયમાં ન્યાયપાલીકાના ભ્રષ્ટાચાર વિશે લખવામાં આવ્યું હતું. સીજેઆઇ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધિશોની બેન્ચે એનસીઇઆરટીના પ્રમુખ સકલાની અને શિક્ષા મંત્રાલયના સેક્રેટરી સંજયકુમારને પૂછયું હતું કે, 'આ અધ્યાય ફરીથી કોણે લખ્યો છે?' કોર્ટે ટીપ્પણી કરી હતી કે વિદ્યાર્થીઓને એમના શરૂઆતના વર્ષમાં જ ન્યાયતંત્ર વિશે ખોટી ધારણા બાંધે એવું લખાણ હોવું જોઈએ નહીં. ફરીથી લખવામાં આવેલા અધ્યાય બાબતે સકલાનીએ કહ્યું હતું કે, 'અમારી ફેકલ્ટીમાં નિષ્ણાંતો હાજર છે.' કેટલીક ટેક્નીકલ બાબતોને ટાંકીને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

'સપા - કોંગ્રેસમાં મને ઉપયોગ કરવાની હોંશિયારી નથી'

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદએ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે, સપા, કોંગ્રેસ કે પછી બીજો કોઈપણ રાજકીય પક્ષ એટલો હોંશિયાર નથી કે ચૂંટણીમાં મારો ઉપયોગ કરી શકે. હું કોઈ પક્ષ માટે નહીં, પરંતુ ગંગા અને ગૌરક્ષા માટે કામ કરી રહ્યો છું. જે પહેલા ભાજપની યાદીમાં ટોચ પર હતા. જો ભાજપ ઇચ્છે તો મને ટેકો આપી શકે છે. ચૂંટણીમાં કોઈકની હોંશિયારીથી મારો ઉપયોગ કરવાનું શક્ય નથી. ગૌરક્ષા માટે ધર્મયુદ્ધની જાહેરાત કરનાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદએ ચતુરંગીણી સેના બનાવવાની જાહેરાત પણ કરી છે. શંકરાચાર્યએ ઋગ્વેદના પાઠોના જાપ પણ પોતાના શિષ્યો પાસે કરાવ્યા હતા. એમના કહેવા પ્રમાણે ધર્મયુદ્ધ ગાયની રક્ષા માટે છે. જે લોકો ગાયને કષ્ટ આપે છે તેઓ વૃત્રાસુર છે. ગાયને કસાયખાને લઈ જનાર, મદદગાર થનાર અને એ જોઈને મૌન રહેનારાઓ પણ વૃત્રાસુરની શ્રેણીમાં આવે છે.

મહારાષ્ટ્રમાં તમામ વાહનો માટે એક નિયમ

મહારાષ્ટ્ર સરકારે હવે પેસેન્જર વાહક ઇલેક્ટ્રીક ઓટો (ઇ-રીક્ષા) અને ઇ-બાઇક માટે પરમીટ લેવી આવશ્યક કરી છે. આ નિર્ણય રાજ્યના નિયમો એક સરખા હોય એ માટે લેવામાં આવ્યો છે. આ પહેલા ઇલેક્ટ્રીક ઓટો માટે અલગથી પરમીટ લેવી જરૂરી નહોતી. હવે જોકે આવા વાહનોની સંખ્યા વધી રહી છે એટલે સરકારે નિર્ણય કર્યો છે કે તમામ ઇ-રીક્ષા અને ઇ-બાઇક માટે પરમીટ લેવી ફરજીયાત બનશે. આવા વાહનોની નંબર પ્લેટ લીલા રંગના બેકગ્રાઉન્ડ પર પીળા અક્ષરોથી લખાયેલી હોવી જોઈએ. હવે ઓટો, ટેક્સી અને ઇલેક્ટ્રીક રીક્ષા તમામ પર આ નિયમ લાગુ કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારનું કહેવું છે કે, આ પગલાને કારણે શિસ્તમાં વધારો થશે, નિયમોનું પાલન થશે અને પ્રવાસીઓને સુરક્ષીત સેવા મળશે.

ન્યાય માટે રોહિત પવાર રાહુલ ગાંધીને મળ્યા

વિમાન અકસ્માતને કારણે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ થયું હતું. એનસીપી (અજીત પવાર)ના ધારાસભ્ય રોહિત પવાર આ કિસ્સાની તપાસ માટે લડત ચલાવી રહ્યા છે. દુર્ઘટનાની યોગ્ય રીતે તપાસ થઈ રહી નથી એમ એમનું માનવું છે. સોશ્યલ મીડિયા પર આ બાબતે લખ્યા પછી હવે રોહિત પવાર ન્યાય મેળવવા માટે રાહુલ ગાંધીને મળ્યા છે. રોહિત પવારે રાહુલ ગાંધીને રજુઆત કરી હતી કે આ મામલે હજી એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી. ઉડયન મંત્રાલય ટીડીપી પાસે છે. ટીડીપી અને વિમાન કંપની વીએસઆર વચ્ચે મિત્રતા છે. તપાસ કરનાર કમીટી પણ ટીડીપીએ નક્કી કરી છે તો પછી તટસ્થ તપાસ કઈ રીતે થઈ શકે. રાહુલ ગાંધીએ પણ આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું હતું કે આટલી મોટી વ્યક્તિની એફઆઇઆર દાખલ થતી નહીં હોય તો સામાન્ય માણસનું તો શું થતું હશે. રોહિત પવારે તમામ પુરાવાઓ કોંગ્રેસ પ્રમુખ ખડગે અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પણ આપ્યા છે.

દિલ્હીમાં સિલિન્ડર સંકટને કારણે લગ્નના મેન્યુ પર કાપ મૂકાયા

દિલ્હીમાં એલપીજી અને કોમર્શિયલ રસોઈ ગેસની અછતને કારણે લગ્ન સમારંભોને  અસર થઈ છે. અપૂરતા ગેસને કારણે લોકો હવે જમવાની આઇટમોમાં ઘટાડો કરી રહ્યા છે. કેટરીંગ વ્યવસ્યા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે પહેલા લગ્નમાં ૨૦થી ૨૫ જેટલા વ્યંજનો તૈયાર કરવાના આવતા હતા હવે આમાં ૪૦ ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો છે. કેટલાક કુટુંબો તો ફક્ત મેઇન કોર્સનો ઓર્ડર આપી રહ્યા છે. કેટલાક લોકોએ સ્ટાર્ટર, મીઠાઈ અને અન્ય સ્નેક્સ પણ મેન્યુમાંથી દુર કર્યા છે. ગેસ સિલિન્ડર સમયસર નહીં મળવાને કારણે ભોજન તૈયાર કરવામાં તકલીફ પડી રહી છે અને વૈકલ્પીક વ્યવસ્થા તરીકે કોલસા કે લાકડાની મદદ લેવામાં આવે છે. આને કારણે ભાવમાં વધારો થાય છે. ખૂમચા લઈને બેઠેલા ફાસ્ટફૂડ વેચતા નાના કારીગરો પણ સંકટમાં છે.

'તો મહિલાઓને કોઈ નોકરી નહીં આપે...'

સુપ્રિમ કોર્ટમાં મહિલા વિદ્યાર્ર્થિનીઓ અને કર્મચારીઓ માટે માસીક ધર્મની રજા બાબતે દેશ વ્યાપી નીતિ બનાવવાની માંગણી કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે તાત્કાલીક આ અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે એવી ટીપ્પણી કરી છે કે, આવી પરિસ્થિતિમાં મહિલાને કોઈ નોકરી નહીં આપશે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે તમામ વિભાગો સાથે જોડાયેલા અધિકારીઓ આ વિશે વિચાર કરી શકે છે અને સંબંધીત હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી માસિક ધર્મના સમયની રજા વિશે નીતિ બનાવી શકે છે. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચીની બેન્ચે કહ્યું હતું કે, આ અરજી ડર ઉભો કરવા માટે છે. મહિલાઓને નીચુ દેખાડવા માટે આ અરજી કરવામાં આવી છે. માસીક ધર્મ કોઈપણ રીતે ખરાબ નથી. એ નોકરીદાતા વિશે પણ વિચારો કે જેણે સવેતન રજા આપવી પડશે.' સુપ્રિમ કોર્ટનું માનવું છે કે આ પ્રકારની અરજીઓ અજાણતા જ મહિલાઓ બાબતમાં રૂઢીચુસ્ત વિચારને વધુ મજબૂત કરે છે.