નવી દિલ્હી: બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાને વધુ બેઠકો લડવા મળે એ માટે પ્રયત્નો કરી રહ્યા છે. બેઠકની વહેંચણી માટે એનડીએ અને મહાગઠબંધનમાં દબાવનું રાજકારણ ચાલી રહ્યું છે. એનડીએ સાથે જોડાયેલા ચિરાગ પાસવાન પણ આ બાબતે પાછળ રહ્યા નથી. રાજકીય નીરીક્ષકો જોકે માની રહ્યા છે કે, લોજપા (રામવિલાસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ઇચ્છા પ્રમાણે નિર્ણય લેશે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં લોજપા એનડીએની સાથે નહીં હોવાથી આ વખતે લોજપાને કઈ બેઠકો આપવી એ વિશે અસમંજસ ચાલી રહી છે. ચિરાગ પાસવાન પોતે વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે એ બાબતે ભાજપએ સફાઇ આપી છે કે એનડીએના બધા જ પક્ષો બધી બેઠકો પર ચૂંટણી લડશે.
મુરલીધરનનો થરૂરને ટોણો, કઈ પાર્ટીમાં છો
કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ સોશ્યલ મીડિયામાં એક સર્વે શેર કર્યો હતો. કેરળના મુખ્યમંત્રી તરીકે એમને સૌથી વધુ લોકો પસંદ કરે છે એ મતલબના સર્વેનો તેમણે પ્રચાર કર્યો હતો. શશી થરૂરની ઓ પોસ્ટ પછી વિવાદ વધ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા કે મુરલીધરનએ પોતાના પક્ષના નેતા પર કટાક્ષ કરતા કહ્યું છે કે થરૂર પહેલા તો નક્કી કરે કે તેઓ કયા પક્ષમાં છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ માની રહ્યા છે કે શશી થરૂરએ મુખ્યમંત્રી બનવાની ઇચ્છા જાહેર કરી છે. મુરલીધરનએ મીડિયાને કહ્યું હતું કે, 'સર્વે'માં ભલે કોઈ આગળ ચાલતુ હોય, પરંતુ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં જો યુડીએફ સત્તામાં આવશે તો મુખ્યમંત્રી યુડીએફનો જ હશે. અમારૂ લક્ષ્ય ચૂંટણી જીતવાનું છે. અમને બિનજરૂરી વિવાદમાં કોઈ રસ નથી.'
'તેલુગુ માતા છે તો હિન્દી અમારી માસી છે'
મહારાષ્ટ્રની જેમ દક્ષિણ ભારતમાં પણ હમણા હિન્દી ભાષા વિરુદ્ધ માતૃભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે આધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. વિવાદ વચ્ચે એમણે કહ્યું છે કે 'તેલુગુ અમારી માતા છે અને હિન્દી અમારી માસી છે' દેશની રાષ્ટ્રીય એકતા વધારવા માટે તેમ જ ફિલ્મ ઉદ્યોગની પ્રગતિ માટે પણ હિન્દી અગત્યની ભાષા છે. જોકે પોતાની વાતને બેલેન્સ કરતા પવન કલ્યાણએ કહ્યું હતું કે પ્રાદેશીક ભાષાઓને પ્રાથમીકતા આપવી મહત્વની છે, પરંતુ હિન્દી ભાષા દેશના વિવિધ ભાગો સાથે જોડવા માટે અગત્યની છે. હિન્દી શીખવાથી કોઈની અસ્મિતા જોખમાતી નથી. હિન્દી દેશને જોડે છે. રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે કે પવન કલ્યાણએ ભલે સાચી વાત કહી હોય, પરંતુ તેલુગુ મતદારો એમની વાત સાથે કેટલા સહમત થશે એ જોવું રહ્યું.
ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળો દેશ બની શકે છે
વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીમાં મુસ્લિમોની વસ્તી દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધી રહી છે. બીજી તરફ ખ્રિસ્તીઓની વસ્તી સૌથી ઝડપથી ઘટી રહી છે. જોકે આમ છતાં ખ્રિસ્તીઓની વસ્તી દુનિયામાં સૌથી વધારે છે. પ્યુ રીસર્ચ સેન્ટરના રીપોર્ટ પ્રમાણે હવે પછીના ૨૫ વર્ષોમાં ભારત એવો દેશ બની શકે છે કે જ્યાં દુનિયાના સૌથી વધુ મુસ્લિમોની વસ્તી હોય. રીપોર્ટ પ્રમાણે મુસ્લિમ વસ્તીમાં ૩૪.૭ કરોડનો વધારો થયો છે જે બીજા ધર્મોના સંયુક્ત વધારાથી પણ વધુ છે. વૈશ્વિકસ્તરે મુસ્લિમોની ભાગીદારી ૨૦૧૦માં ૨૩.૯ ટકાથી વધીને ૨૦૨૦માં ૨૫.૬ ટકા થઈ ગઈ છે. આનુ કારણ વધુ જન્મદર અને યુવાનોની વધુ સંખ્યા હોવાનું મનાય છે. અહેવાલ પ્રમાણે મુસ્લિમ બાળકોનો જન્મદર મૃત્યુ દર કરતા વધુ છે. કેટલેક અંશે ધર્મપરિવર્તન પણ કારણભૂત છે.
ક્યારેક ઐશ્વર્યા રાયને ટક્કર આપનાર હિરોઇન બૌદ્ધ ભિક્ષુક બની ગઈ
એક જમાનામાં બરખા મદાન ટોચની હિરોઇન હતી. ૧૯૯૪માં મીસ ઇન્ડિયા સ્પર્ધામાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાયને ટક્કર આપી હતી. બરખાએ એની કારકીર્દિની શરૂઆત મોડલ તરીકે કરી હતી. વિવિધ બ્યુટી ક્વીન સ્પર્ધાઓમાં પણ એ વિજયી રહી હતી. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એને ત્રીજો નંબર મળ્યો હતો. ૧૯૯૦ના દાયકામાં કેટલીક હીટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ટીવી પર પણ વિવિધ સિરિયલોમાં એણે કામ કર્યું હતું. જોકે આ બધી સફળતા પછી પણ એને કેટલીક બાબતે અસંતોષ હતો. બરખાને લાગતું હતું કે શું આ જ જીવન છે? બરખા લાંબા સમય સુધી દલાઈ લામાની વિચારધારાથી પ્રભાવીત રહી હતી. ૨૦૧૨માં એણે એવો નિર્ણય લીધો કે જેને કારણે બધા ચોંકી ગયા. તમામ ગ્લેમર છોડીને બરખા બૌદ્ધ ભિક્ષુક બની ગઈ છે અને પોતાનું નામ બદલીને ગ્યાલટેન સમતેન રાખ્યું છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો મોટો નિર્ણય
બીજા પક્ષોની જેમ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયારી કરી રહી છે. પ્રદેશ કોંગ્રેેસએ તમામ પ્રવક્તાઓ તેમજ મીડિયા પેનલીસ્ટોને એક ટાસ્ક સોંપ્યું છે. ચૂંટણી પહેલા પોતાના ક્ષેત્રમાં કોંગ્રેસની નીતિ અને કાર્યક્રમોનો બને તેટલો વધારે પ્રચાર કરવો અને મીડિયામાં આક્રમકતાથી પોતાનો પક્ષ રાખવો. બિહાર પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના એઆઇસીસી મીડિયા સંયોજક અભય દુબેના નૈતૃત્વમાં પક્ષના પ્રવક્તાઓ અને પેનલીસ્ટોની એક પરી ચર્ચાનું આયોજન થયું હતું. રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે કે બહારથી તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી વચ્ચે ભલે મિત્રતા દેખાતી હોય, પરંતુ ચૂંટણી નજીક આવશે ત્યારે બેઠકની વહેંચણી બાબતે તેજસ્વી યાદવ પોતાની માગણી પકડી રાખશે. રાહુલ ગાંધી હમેશની માફક જતું કરશે, પરંતુ જો આમ થશે તો બિહારમાં કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ મંદ પડી શકે એમ છે.
ખુરશી શોધવી મુશ્કેલ, મોકો મળે તો ચઢી બેસો
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે ઘણા સમયથી હુંસાતુંસી ચાલી રહી છે. ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનવું છે જ્યારે બીજી તરફ સિદ્ધારમૈયાના ટેકેદારો એનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી હાઇકમાન્ડએ બંને નેતાઓને તેડૂ આપીને દિલ્હી બોલાવ્યા હતા અને શાંતિ રાખવાની સલાહ પણ આપી હતી. જોકે શેઠની શિખામણ ઝાંપા સુધીની જેમ બેંગ્લોર પરત ફરીને બંને એક બીજા સામે સીધા કે આડકતરા નિવેદનો આપી રહ્યા છે. દેખીતી રીતે તો બંને જોડીદાર હોવાનો દાવો કરે છે, પરંતુ એમના નિવેદનો અલગ હોય છે. બેંગ્લોર બાર એસોસીએશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સીએમ પદ માટે ડી કે શિવકુમારએ નિવેદન કર્યું હતું કે ખુરશી શોધવી મુશ્કેલ છે, જ્યારે તમને ખુરશી મળી જાય ત્યારે તમારે એના પર બેસી જવું પડે. ત્યાર પછી ઉઠવાનું નામ લેવું નહીં. શિવકુમારની આ ટીપ્પણી સાંભળીને સિદ્ધારમૈયા સમસમી ગયા છે.
આરજેડી દ્વારા બિહારમાં ઈબીસીને મનાવવાના પ્રયાસ શરૂ
બિહારમાં જ્યારે ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે આરજેડીએ પ્રથમવાર અત્યંત પછાત વર્ગ અથવા ઈબીસીમાંથી મંગાની લાલ મંડલને તેના નવા રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ૧૧૩ જ્ઞાાતિની બનેલી ઈબીસી રાજ્યની વસતીનો ૩૬ ટકા હિસ્સો છે. અત્યાર સુધી તો ઈબીસી આરજેડીથી અળગા જ રહ્યા છે અને તેમનું વલણ જેડીયુ તરફી રહ્યું છે.
હવે સવાલ છે કે આરજેડી આ નિયુક્તિથી ઈબીસીને પોતાના તરફ ખેંચી શકશે કે કેમ. બિહાર જ્ઞાાતિવાદી રાજકરણ માટે પ્રખ્યાત છે. આરજેડીએ ઈબીસીને પોતાની નજીક લાવવા રાજકીય પદની ઓફર ઉપરાંત તેના સશક્તિકરણની નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
ઉજ્જૈનમાં રવિવારે સ્કૂલ ચાલુ રાખવાના નિર્ણયનો કોંગ્રેસનો વિરોધ
ઉજ્જૈનના કલેક્ટર રોશન સિંઘના મહાકાલ સરઘસના પગલે ૧૪ જુલાઈથી ૧૧ ઓગસ્ટ દરમ્યાન સળંગ છ સોમવારે રજા જાહેર કરવાના અને તેના સ્થાને રવિવારે સ્કૂલ ચાલુ રાખવાના પગલાએ રાજકીય વિવાદ સર્જ્યો છે અને કોંગ્રેસના વિધાયક આરિફ મસૂદે તેને મધ્ય પ્રદેશના સીએમને ખૂશ કરવા લેવાયો હોવાનું કહ્યુ છે. શ્રાવણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરથી સમગ્ર શહેરમાં સરઘસો યોજતા હોય છે. આ જિલ્લો સીએમનો ગઢ હોવાનું મનાય છે. દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી મહાકાલ ભગવાન શિવનું સૌથી પૂજનીય ધામ છે. સરઘસમાં હજારો ભક્તો સામેલ થતા હોય છે. કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાજે સિંધિયા તેમજ સીએમ મોહન યાદવ પણ તેમાં હિસ્સો લેતા હોય છે. ઉજ્જૈનના જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ શર્મા અનુસાર આ વર્ષે છ સરઘસો યોજાવાના હોવાથી આ નિર્ણય લેવાયો છે. જો કે કોંગ્રેસ વિધાયક મસૂદે તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમના મતે મહાકાલનું સરઘસ તો દર વર્ષે નીકળે છે, પણ આ વર્ષે પહેલી વાર સોમવારે વિશેષ રજાઓ જાહેર કરાઈ છે. ઉપરાંત તેના સ્થાને રવિવારે સ્કૂલો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગૃહ વિભાગના મતે જેલોમાં કટ્ટરવાદનો પડકાર વધ્યો
ગૃહ મંત્રાલયે જેલોમાં કટ્ટરવાદને એક ગંભીર પડકાર ગણાવ્યો છે અને જાહેર વ્યવસ્થા તેમજ આંતરિક સુરક્ષા જાળવવા માટે આ વલણને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલા લેવાની જરૂર પર ભાર મુક્યો છે. તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં ગૃહ વિભાગે કેદીઓની ચકાસણી, નિયમિત જોખમ આંકલન અને વધુ સર્વેલન્સ સાથે જોખમી કેદીઓને અલગ કરવા તેમજ આવા કેદીઓમાંથી કટ્ટરવાદને દૂર કરવાના પગલા સહિત વિવિધ પગલાની યાદી આપતી ગાઈડલાઈન્સ જારી કરી છે. એમાં જણાવાયું છે કે જેલો સમાજથી દૂર હોવાને કારણે તેમાં કટ્ટરવાદ સરળતાથી વકરી શકે છે. કેદીઓ કટ્ટરપંથી વિચારધારાનો સરળતાથી શિકાર બની શકે છે અને કેટલાક કિસ્સામાં કટ્ટર બનેલા કેદીઓ અન્ય સહ-કેદીઓ તેમજ જેલના સ્ટાફ સામે હિંસક બની જાય છે.
- ઈન્દર સાહની


