નવીદિલ્હી : કેરળમાં સત્તાધારી પક્ષ એલડીએફ કેરળનું નામ બદલવા માંગે છે. સરકારના આ પ્રસ્તાવને કેરળ ભાજપએ પણ ટેકો આપ્યો છે. ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી રસ્તાથી માંડીને વિવિધ યોજનાઓનું નામ બદલવાનું કામ કરી રહ્યો છે. જોકે આખે આખા રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવને ટેકો આપવાને કારણે ભાજપ ચર્ચામાં છે. કેરળ ભાજપએ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. એલડીએફ સરકારે કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને રાજ્ય ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરએ ટેકો આપ્યો છે. ચંદ્રશેખર એમ માને છે કે કેરળનું નામ બદલવાથી કટ્ટરવાદીઓ સામે લડવામાં બળ મળશે. જોકે કેરળને બદલે કેરલમ થવાથી કઈ રીતે કટ્ટરવાદીઓ સામે લડી શકાશે એનો કોઈ ફોડ ચંદ્રશેખરે પાડયો નથી.
ભાજપ - શિવસેના (એકનાથ શિંદે)નો છબરડો
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેટલી જ રસાકસીવાળી હોય છે. મુંબઈ મહાનગરપાલિકાના કોર્પોરેટર બનવા માટે પણ પડાપડી થાય છે. બીજા રાજ્યના ધારાસભ્ય કરતા વધુ પૈસા મુંબઈના કોર્પોરેટરો બનાવે છે. ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)એ બીએમસીની દરેક બેઠક પોતાને ભાગે આવે એ માટે માથાકુટ કરી હતી. આમ છતા નવાઈની વાત એ છે કે લગભગ ચાર જેટલી બેઠકો પર ભાજપ કે શિવસેના (એકનાથ શિંદે)ના ઉમેદવાર ચૂંટણી નથી લડી રહ્યા. આ તમામ બેઠકો પર બંને પક્ષો ઉમેદવાર ઉભા રાખી શક્યા નથી. આ વખતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ ગઠબંધન કર્યું છે. શિવસેના (એકનાથ શિંદે)માં તો ટીકીટ માટે એટલી ખેચતાણ હતી કે નોમિનેશન પાછુ ખેંચવાના છેલ્લા દિવસ પછી પણ ઉમેદવારોની યાદી જાહેર કરી શકાય નહોતી. ભાજપએ પણ ઉમેદવારોના નામ ખૂબ જ ખાનગી રાખ્યા હતા. જોકે આ બધા ટેન્શનમાં ચાર બેઠકો ભુલાઈ ગઈ અને ચૂંટણી પહેલા જ ભાજપ - શિવસેના (એકનાથ શિંદે)ના હાથમાંથી નિકળી ગઈ.
કોન્ટ્રાક્ટથી રાખેલા કર્મચારીઓ કાયમી કર્મચારીનો દરજ્જો માગી શકે નહીં
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, કોન્ટ્રાક્ટથી અથવા તો બીજી એજન્સીઓ દ્વારા નિમણૂક કરવામાં આવેલા કર્મચારીઓ નિયમીત સરકારી કર્મચારીઓ જેટલો લાભ મેળવી શકે નહીં. એમનો દરજ્જો કાયમી કર્મચારીઓ જેવો નથી. કોર્ટે કહ્યું હતું કે જો આવા કર્મચારીઓને નિયમતી કર્મચારીઓ બરાબર ગણવામાં આવે તો એને કારણે સાર્વજનિક પસંદગી નિષ્પક્ષ રહેશે નહીં. જસ્ટીસ અહસાનુદ્દીન અમાનઉલ્લાહ અને જસ્ટીસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું હતું કે, રાજ્યની નોકરીઓમાં નિમણૂક એક સાર્વજનિક મિલકત જેવી હોય છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલી નિમણૂક સાથે એને સરખાવી શકાય નહીં. સમગ્ર કેસ આંધ્રપ્રદેશના કરનુલ જિલ્લાની નંદ્યાલ કોર્પોરેશન સાથે જોડાયેલો છે. અહીં ૧૯૯૪થી સફાઈ કર્મચારીઓ સહિત બીજા કર્મચારીઓની નિમણૂક વિવિધ કોન્ટ્રાક્ટરો કરતા હતા. કોન્ટ્રાક્ટરો બદલાતા રહ્યા, પરંતુ કર્મચારીઓ લગભગ ત્રણ દાયકાઓથી અહીં કામ કરતા રહ્યા. એમણે કાયમી કર્મચારી જેટલા પગાર અને હકની માંગણી કરી હતી. જેની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી હતી.
એઆઇના જમાનામાં પણ અજીત ડોભાલ મોબાઇલ કે ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કેન્દ્રીય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે કદાચ લોકો એમ માનતા હશે કે દેશની સુરક્ષાનો મામલો સંભાળનાર અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશે. જોકે વાત કંઈક જુદી જ નીકળી. ડોભાલે એક પ્રવચનમાં પોતે કબુલ કર્યું કે તેઓ મોબાઇલ ફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા. ફક્ત કૌટુંબિક કે આતંરરાષ્ટ્રીય સંપર્ક કરવા માટે જ તેઓ કદીક ફોનનો ઉપયોગ કરે છે. ડોભાલનું કહેવું છે કે એમની પાસે કામ કરવા માટે બીજા ઘણા સાધનો છે જેની જાણ લોકોને નથી. અજીત ડોભાલ કેરળ કેડરના આઇપીએસ અધિકારી છે. એમને વિરતા માટે કીર્તિ ચક્ર પણ મળ્યો છે. પંજાબ, મીઝોરમ અને પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદ વિરોધી અભિયાનોની કમાન એમણે સંભાળી હતી.
કપીલ મિશ્રા સામે એફઆઇઆર, પંજાબ પોલીસે દિલ્હી વિધાનસભા પાસે સમય માંગ્યો
આમ આદમી પાર્ટીના નેતા આતિશી મારલેનાનો વિડિયો જાહેર કરવા માટે દિલ્હીના મંત્રી કપીલ મિશ્રા સામે પંજાબ પોલીસે એફઆઇઆર નોંધી છે. આ બાબતે દિલ્હી વિધાનસભાએ દિલ્હી પોલીસના ત્રણ અધિકારીઓને નોટીસ આપી છે. નોટીસનો જવાબ આપવા માટે એમને ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. દિલ્હી વિધાનસભાના સ્પિકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, પંજાબ પોલીસના ત્રણ અધિકારીઓને નોટીસ આપવામાં આવી છે. વિધાનસભાની વિડિયો ક્લીપ બાબતે દિલ્હીના કાયદામંત્રી મિશ્રા સામે કરવામાં આવેલી એફઆઇઆર બાબતે ૪૮ કલાકમાં જવાબ માંગવામાં આવ્યો છે. પંજાબ પોલીસના ત્રણ અધિકારીઓ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી માટે નોટીસ આપવામાં આવી છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ હવે જવાબ આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ પાસે વધુ સમય માંગ્યો છે.
ઉત્તર પ્રદેશમાં એસઆઇઆર : તિવારીના સરનામે ફેઝ મોહમદ
ઉત્તર પ્રદેશમાં એસઆઇઆર અભિયાન દરમિયાન ઘણા છબરડા જાહેરમાં આવ્યા છે. આ છબરડાઓને કારણે મમતા બેનર્જી જેવા એસઆઇઆરના વિરોધીઓને બળ મળ્યું છે. એક કિસ્સામાં તિવારી અટકધારી મકાનમાં મોહમદ રહે છે. તો બીજા કિસ્સામાં શર્માજીના ઘરમાં ત્રિપાઠીને રહેતા બતાવવામાં આવ્યા છે. કોઈક જગ્યાએ એક ઘરમાં ૧૮ તો બીજા ઘરમાં ૪૯ થી વધુ લોકો રહેતા બતાવાયા છે. એક જ ઘરમાં રહેનાર કુટુંબના સભ્યોના નામ અલગ અલગ બુથો પર રજીસ્ટર થયા છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓના એસઆઇઆર ફોર્મ પણ કોઈકે ભરી દીધા છે. એટલા બધા ગોટાળા થયા છે કે, બીએલઓ સાચી વાત કરતા ડરી રહ્યા છે.
રાજ ઠાકરેએ અન્ના મલાઈની ઠેકડી ઉડાડી અને ભાજપ ભડક્યો
મહારાષ્ટ્રમાં પુણે મહાનગરપાલિકા, મુંબઈ મહાનગરપાલિકા અને પીંપરી - ચીચવડ મહાનગરપાલિકા સહિત રાજ્યની ૨૯ કોર્પોરેશનોમાં ચૂંટણી થઈ રહી છે. ચૂંટણીની ગરમી વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓ હંમેશની માફક મરાઠી કાર્ડ રમી રહ્યા છે અને બીન મરાઠીઓને ચેતવણી આપી રહ્યા છે. તામીલનાડુ ભાજપના નેતા અન્ના મલાઈ પ્રચાર માટે મુંબઈ આવ્યા હતા. રાજ ઠાકરેએ એક સભામાં એમના માટે બિભત્સ ટીપ્પણી કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, એક રસમલાઈ તામીલનાડુથી મુંબઈ આવી છે. અહીં તારી શું જરૂર છે? હટાવો લુંગી, બજાવો પુંગી. રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોએ સમજવું જોઈએ કે હિન્દી તમારી ભાષા નથી. જો અમારા પર હિન્દી થોપવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હું બધાને પ્રદાર્થપાઠ ભણાવીશ. રાજ ઠાકરેના આ નિવેદન પછી દઘાઈ ગયેલા ભાજપએ વળતો પ્રહાર કરવાની કોશિષ કરી હતી.


