નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સેવાતીર્થ' કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યું છે. હવે આ કાર્યાલયમાં પીએમઓ, નેશનલ સીક્યુરીટી કાઉન્સીલ સચીવાલય (એનએસસીએસ) અને કેબિનેટ સચીવાલય કામ કરશે. પીએમઓ રાઇસેના હીલ્સ ખાતે આવેલા સાઉથ બ્લોકમાંથી સેવાતીર્થમાં શીફ્ટ થઈ ગયું છે. વડાપ્રધાને નવા કોમ્પેલસમાં લગાડવામાં આવેલી સેવાતીર્થની ટકતીનું અનાવરણ કર્યું હતું. કોમ્પલેક્સની દીવાલ પર દેવનાગરી લીપીમાં 'સેવાતીર્થ' લખ્યું છે. એની નીચે 'નાગરીક દેવો ભવ' (નાગરીક ભગવાન સમાન છે) મંત્ર લખવામાં આવ્યો છે. જૂની પીએમ ઓફિસમાં છેલ્લી કેબિનેટ મીટીંગ મળી ગઈ. વડાપ્રધાનની ઓફિસ ૧૯૪૭થી સાઉથ બ્લોકમાં રહી છે. આ ઓફિસ છેલ્લા ૭૮ વર્ષોથી સત્તાનું કેન્દ્ર રહી છે. મોદી સરકાર ૨૦૧૪થી બ્રીટીસ સમયના સંસ્થાનો દુર કરી રહી છે.
બાંગ્લાદેશના ચૂંટણી પરિણામો વિશે ત્યાનું મીડિયા શું કહે છે
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલીસ્ટ પાર્ટી (બીએનપી)એ ૨/૩ બહુમતી મેળવી લીધી છે. સંસદની ૨૯૯ બેઠકોમાંથી બીએનપીના ગઠબંધને ૨૦૭ બેઠકો જીતી છે જ્યારે જમાતના ગઠબંધનને ફક્ત ૭૯ બેઠકો મળી છે. હવે બાંગ્લાદેશમાં નવી શરૂઆત થઈ રહી છે. બીએનપીની ઐતિહાસીક જીત અને સફળતા માટે અમેરિકાએ તારીક રહેમાનને અભિનંદન આપ્યા છે. બાંગ્લાદેશની સ્થાનીક ટીવી ચેનલોમાં બીએનપીની જીતની આગાહી કરવામાં આવી હતી. બાંગ્લાદેશના અંગ્રેજી અખબાર ન્યુસ એજએ પણ બીએનપીની જીતની આગાહી કરી હતી. એજ રીતે ઢાકા ટ્રીબ્યુને પણ બીએનપીની તરફેણ કરી હતી. ધ ડેઇલી સ્ટારએ લખ્યું છે કે, બીએનપીની જીત દેશના ભવિષ્ય માટે યોગ્ય છે. લંડનમાં લગભગ ૧૭ વર્ષ સુધી રાજકીય શરણાગતી લીધા પછી તારીક રહેમાન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ઢાકા પરત ફર્યા હતા. બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલોકના કહેવા પ્રમાણે તારીક રહેમાનના પ્રચારમાં કેટલીક આંચકાજનક વાતો હતી જેનો સ્વિકાર લોકોએ કર્યો છે.
વૈષ્ણોદેવી મંદિરની સુરક્ષામાં ભારી ભૂલ
માતા વૈષ્ણોદેવી ભવનની સુરક્ષામાં મોટી ખામી બહાર આવી છે. 'શીખા નામના એક કન્ટેન્ટ ક્રિએટરે અતી સુરક્ષીત ગણાતા માતા વૈષ્ણોદેવીના ગર્ભગૃહ, પ્રવિત્ર ગુફા, પ્રાચીન ગુફા, અટકા આરતી સ્થળ તેમજ ચરણામૂત્ર સ્થળ જેવા સ્થળોના વીડિયો તેમજ ફોટોગ્રાફસ સોશ્યલ મીડિયા પર મૂક્યા છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સુરક્ષાના કારણોસર ભવનની અંદર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે. વીડિયો પ્રસારીત થયા પછી વૈષ્ણોદેવી શ્રાયન બોર્ડએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ભવનની સુરક્ષા કરનાર કર્મચારીઓની ભૂલ પણ સામે આવી છે. સોશ્યલ મીડિયામાં ફરી રહેલા વીડિયોમાં ભવનની અંદરના ગર્ભગૃહમાં કેટલાક એવા હિસ્સા પણ દેખાઈ રહ્યા છે કે જે ખૂબ જ સુરક્ષીત અને સંવેદનશીલ ગણાય છે.
ચાર્જશીટ ફાઇલ થવા સુધી આગોતરા અટકાવી શકાય નહીં : સુપ્રીમ
સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ચાર્જશીટ ફાઇલ થવા સુધી આગોતરા જામીન અટકાવી શકાય નહીં. આ જામીન ત્યાં સુધી લંબાવી શકાય છે કે જ્યાં સુધી બીજું કોઈ કારણ ઉભુ નહી થાય. જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ કે વી વિશ્વનાથનની બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટનો હુકમ રદ કર્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે પહેલા પોલીસ રીપોર્ટ ફાઇલ થતા સુધી આગોતરા જામીન આપ્યા હતા, પરંતુ સમય સીમા નક્કી કરીને બીજી વખત કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, 'કાયદો સારી રીતે સુનિશ્ચિત છે. એકવાર આગોતરા જામીન મળી જાય તો કેટલાક ખાસ અપવાદો સિવાય એની કોઈ સમય મર્યાદા હોતી નથી. ચાર્જશીટ ફાઈલ કરવાથી, કોગ્નીજન્સ લેવાથી કે સમન્સ મોકલવાથી આ સલામતી ખતમ થતી નથી.'
બિશ્નોઇ ગેંગનો હેરી બોક્સર કેમ ફસાયો
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રણવીર સિંહને થોડા દિવસો પહેલા બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી મળી હતી. રણવીર સિંહ પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખબર પડી છે કે બિશ્નોઇ ગેંગના ખાસ ગેંગસ્ટર ગણાતા હેરી બોક્સરએ વોઇસ નોટ દ્વારા રણવીર સિંહને ધમકી આપી હતી. આ બાબતને મુંબઈ પોલીસે ખૂબ ગંભીરતાથી લીધી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં વોઇસ મેલમાં હેરી બોક્સરનો જ અવાજ હોવાના પુરાવા મળ્યા છે. આ વોઇસ નોટને ફોરેન્સીક રીપોર્ટ માટે મોકલવામાં આવી છે. રોહીત શેટ્ટીના ઘર પર ફાયરીંગ કર્યા પછી હેરી બોક્સરે રણવીર સિંહને ધમકી મોકલી હતી. જોકે આ વખતે મુંબઈ પોલીસ અને સરકાર કોઈપણ હિસાબે હેરી બોક્સરને પ્રત્યાર્પણ સંધી મારફતે પરત ભારત લાવવા માંગે છે.
નરવણેના પુસ્તક પ્રકાશનની તપાસમાં ધમધમાટ
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેના પુસ્તકના અંશો લીક થવા સંદર્ભે દિલ્હી પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. એમ મનાય છે કે આ બાબતે કેન્દ્ર સરકાર પણ ખૂબ ગંભીર છે. ગૃહમંત્રાલય તરફથી પોલીસને આદેશ મળ્યા છે કે તપાસ ઝડપથી પુરી કરીને કોણે પુસ્તક લીક કર્યું છે એની ખબર મેળવે. પ્રાથમીક તપાસમાં ખબર પડી છે કે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી વગર આ પુસ્તક આયોજનબદ્ધ રીતે લીક કરવામાં આવ્યું હતું. કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને અમેરિકા જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે આ પુસ્તકનું વેચાણ થયું હતું. એમ મનાય છે કે દિલ્હી પોલીસ કેનેડા, જર્મની, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ તપાસ કરી શકે એમ છે. પ્રકાશક પેગ્વીનનો દાવો છે કે એમણે આ પુસ્તક પ્રકાશીત કર્યું નથી. પેગ્વીનના હોદ્દેદારોની પૂછપરછ પણ થઈ રહી છે.
જીમ ખાલી થઈ ગયું તો સુપ્રિમ કોર્ટના 12 વકીલોએ મદદ કરી
ઉત્તરાખંડના કોટદ્વારમાં હુલ્ક જીમના માલીક દિપકકુમારના ટેકામાં સુપ્રિમ કોર્ટના એક ડઝન વકીલો આવ્યા છે. આ વકીલો દિપકકુમારની જીમના સભ્ય બની ગયા છે. વિવાદ પછી દિપકનું જીમ લગભગ ખાલી થઈ ગયું હતું. એટલે કે મોટા ભાગના સભ્યોએ જીમ છોડી દીધું હતું. એક સમયે દિપકકુમારના જીમમાં ૧૫૦થી વધુ સભ્યો હતા. જોકે એક દુકાનના નામને થયેલા વિવાદ પછી આ સંખ્યા ઘટીને ફક્ત ૧૨ની થઈ ગઈ હતી. એક વકીલના જણાવ્યા પ્રમાણે સુપ્રિમ કોર્ટના લગભગ ૧૨ સિનિયર વકીલોએ એક વર્ષ માટે જીમની મેમ્બરશીપ લીધી છે. દરેક મેમ્બરશીપ માટે ૧૦ હજાર રૂપિયા પણ એમણે ચૂકવ્યા છે. આ મેમ્બરશીપ એવા યુવાનોને ટ્રાન્સફર કરાશે કે જેમને જીમની ફી પોસાતી નથી. કેટલાક વકીલોએ દિપકને ફી લીધા વગર કેસ લડવાની તૈયારી પણ બતાવી છે.


